
કાશ, એમની સલાહને મેં માની હોત તો ! બાર વર્ષના સન્યસ્ત જીવન દરમિયાન ડગલે ને પગલે પેલા "ખાંડાની ધાર વાળા" એમના વાક્યો યાદ આવતા અને એનો પ્રત્યક્ષ અનુભવ પણ થતો. કમનસીબે કે સદનસીબે હું તો એ ખાંડાની ધાર પર ચાલી ન શક્યો પરંતુ મને સલાહ શિખામણ આપનારા એ પોતે હસતા હસતા છેલ્લી ક્ષણ સુધી ટકી રહ્યા.
જીવનના છેલ્લા દિવસોમાં કિડનીની તકલીફને કારણે એ "ડાયાલીસીસ" પર જીવતા હતા. હું માનતો હતો કે શારીરિક પીડાને કારણે એ હતાશ અને ભાંગી પડેલા હશે. પણ મારા સુખદ આશ્ચર્ય વચ્ચે છેલ્લી વાર એમને મળ્યો ત્યારે એવા ને એવા જ મોજીલા ને હસતા. ખાસ્સી દસેક મિનિટ એમની સાથે વાતચીત કરી ને મને લાગ્યું કે આ માણસ એવો ને એવો જ રહ્યો. પીડા કે વ્યથા ગમે તેટલા અસહ્ય હોય ક્યારેય સામેની વ્યક્તિને કળાવા ન દે. છેલ્લી ઘડી સુધી જીવનને માણતા રહ્યા.
પહેલી નજરે એમની બોલી કો'ડાફાડ ને સ્વભાવ અવળો ને અતડો લાગે. સિદ્ધાંતોમાં બાંધછોડ ક્યારેય ન કરે. ક્યારેક તો એમ થાય કે આ માણસ માથાફરેલ છે. પણ થોડી ઓળખાણ થાય ને તરત જ સમજાય કે આ તો પેલી દવાની ગોળી જેવી વાત છે. ઉપરથી ભલેને કડવી લાગે પણ શરીરમાં ઉતરે કે તરત એની હકારાત્મક અસર થયા વિના ના રહે.
એમને જયારેજયારે મળતો ત્યારેત્યારે નરસિંહ મહેતા યાદ આવી જતા ને એમની પંક્તિઓ હું અનાયાસે ગણગણવા લાગતો;" એવા રે એવા રે અમો એવા રે તમે કહો છો વળી તેવા રે." અને એટલે જ હું એમને વહાલથી જે. કે. (જેવા કહો તેવા) દાદા કહીને બોલાવતો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો