11 ફેબ્રુ, 2014

ટેબ્લેટમાં ખોવાયેલું બાળપણ.


ગયે અઠવાડિયે સાંજે જમ્યા પછી અમે અઢી જણાએ મિત્રના ઘરમાં પ્રવેશ કર્યો. એ પણ અઢી જણ. મિત્ર ને એમના પત્ની જમ્યા પછી ટીવી પર સીરીયલ જોવામાં મશગૂલ હતા અને એમનો સાડાપાંચ વર્ષનો દીકરો 'ટીનો' સોફા પર બેઠો બેઠો ટેબ્લેટના સ્ક્રીનમાં મોઢું ઘાલીને બેઠો હતો.

મિત્રએ તરત જ ટીવી બંધ કર્યું ને અમને મીઠો આવકાર આપ્યો. ઘણાં લાંબા સમય પછી મળ્યા હોવાથી અમે લગભગ એક કલાક જેવું એમને ત્યાં રોકાયા ને દુનિયાભરની વાતો કરી. આ સમય દરમિયાન અવારનવાર મારું ધ્યાન એમના ચિરંજીવી 'ટીના' ઉપર જતું હતું. અમે આવ્યા ત્યારથી એણે બિલકુલ અમારી નોધ લીધી નહોતી. મારા અનુમાન પ્રમાણે એ "એન્ગ્રી બડ" જેવી કોઈ રમત રમવામાં મસ્ત હતો કારણ વારંવાર એની બેસવાની સ્થિતિ અને ચહેરાના હાવભાવ બદલાતા હતા. ક્યારેક પલાઠી વાળીને તો વળી ક્યારેક ઉભડક બેસી જતો હતો. ક્યારેક ખુશ થઈને તાળીઓ પાડતો હતો તો ક્યારેક ગુસ્સે થઈને પગ પછાડતો હતો. 

"તમારો ટીન્યો અને ટેબ્લેટ એટલે જાણે જય અને વીરુની જોડી જ જોઈ લો." વિદાય લેતી વખતે મારાથી કટાક્ષમાં બોલ્યા વિના ન રહેવાયું.
"હા હો, આ ટેબ્લેટ આવ્યું છે ને ત્યારથી અમને બેયને નિરાંત થઇ ગઈ છે. હપ્તેથી વસાવ્યું છે. થોડું મોંઘુ પડ્યું પણ છ મહિનામાં તો પૈસા વસૂલ થઇ ગયા." મિત્રએ મારો કટાક્ષ સમજ્યા વગર જ 'ટેબ્લેટ પુરાણ' શરૂ કરી દીધું.
"નિરાંત ?" આશ્ચર્યસહિત મારા મુખેથી પ્રશ્ન બહાર આવી ગયો.

"ટેબ્લેટ નહોતું ત્યાં સુધી ટીનાનો ત્રાસ હતો. બહાર જાય તો કાં તો રડીને આવે કે પછી કોઈની ફરિયાદ લઈને આવે ને ઘરમાં હોય ત્યારે ના મને શાંતિથી છાપાં સામયિકો વાંચવા દે કે ના એની મમ્મીને ઘરનું કામ કરવા દે. એની આ રોજની રામાયણથી અમે તો તોબા પોકારી ગયા હતા. પણ જ્યારથી આ ટેબ્લેટ આવ્યું છે ને ત્યારથી એ ડાહ્યો ને ડમરો થઇ ગયો છે. એનાં હાથમાં ટેબ્લેટ હોય એટલે અમારે શાંતિ. સહેજેય ચૂં કે ચાં ના સંભળાય." જાણે
ટેબ્લેટના આગમન પછી ટીનામાં હકારાત્મક આમોલ પરિવર્તન ન આવ્યું હોય એમ ટેબ્લેટના ગુણગાન ગાતાં ગાતાં મિત્રએ ગર્વથી અમારી સામે જોયું.

"ઓહ ! એમ વાત છે. તો તો મારે પણ મારા દીકરા માટે વેળાસર ટેબ્લેટની વ્યવસ્થા કરવી પડશે." મિત્રની લાગણી ના દુભાય એટલે મેં એની વાતમાં ટાપસી પૂરી ને પછી વિદાય લીધી.

ટિપ્પણીઓ નથી:

પાણીનો લોટો.

નિવૃત્તિ પછીના છઠ્ઠા મહિને જ બાપુજીને પક્ષાઘાત લાગુ પડ્યો. વેળાસરની સારવારને કારણે એ બેઠા તો થઇ ગયા પણ એમનાં જમણા હાથ અને પગમાં એની યાદગ...