14 ફેબ્રુ, 2014

એ બોલે છે ને હું સાંભળ્યા કરું છું.

16મી ઓગસ્ટ 2006, બુધવારને દિવસે અમે દસ વાગે ઘરેથી નીકળીને બપોરે એક વાગ્યે ગીતામંદિર મળવાનું નક્કી કર્યું. સમયાનુસાર હું દસની મેમુમાં અમદાવાદ જવા નીકળી ગયો. "ધ અલ્કેમિસ્ટ"નું છેલ્લું પ્રકરણ વાંચતો હતો ને એનો ફોન આવ્યો. સખત વરસાદને કારણે બે કલાક પછી પણ એને બસ મળી નહોતી અને હવે જો બસ મળશે તો ખંભાતથી અમદાવાદ પહોંચતાં એને બે કલાક લાગશે એમ જણાવ્યું. 

બાર વાગ્યે અમદાવાદ પહોંચીને હું ગાંધી બ્રીજ પર પહોંચ્યો. કેટલાક પુસ્તકો જોવામાં ને ખરીદવામાં પોણા ત્રણ વાગી ગયા. ચાલતાં ચાલતાં જ ગીતામંદિર પહોંચ્યો ને ત્યાં જઈને સંગીતની શોધ આદરી. પંદરેક મિનીટ રઘવાયા થઈને આમતેમ ફાંફા મારી જોયા. છેવટે કંટાળીને ઇન્ટરસીટીના બસ સ્ટેન્ડ પર જઈને બેસવાનો વિચાર કર્યો. ત્યાં જ એ આવી. વાતાવરણ આખું બદલાઈ ગયું. ખુબ સુંદર દેખાતી હતી. ભગવા રંગના ડ્રેસમાં એ મોહક લગતી હતી. શ્રાવણના સરવરીયા વરસતા હોય અને આંખો જેને શોધતી હોય એજ પાત્ર સામે મળી જાય ત્યારે... સ્વર્ગાનુંભૂતિ થાય છે.

દોઢ મણનું એનું લગેજ ઉઠાવીને અમે નજીકમાં આવેલી હોટેલ ભાગ્યોદયમાં પહોંચ્યા. એસીમાં બેસીને દહીંવડા ખાતાં ખાતાં પહેલી મુલાકાતનો પ્રારંભ કર્યો. એ રૂપાળી નહોતી પણ ગુણવાળી હતી. એની સાદગી અને શાલીનતા મને આકર્ષતા હતા. એ મને ટીકીટીકીને જોઈ રહી હતી ને હું ભીંત સામે જોતો જોતો વિચારોમાં ખોવાઈ ગયો હતો. ખાસ્સીવાર પછી મેં મોઢું ખોલ્યું ત્યારે મારી આકાંક્ષાઓ ને અપેક્ષાઓનો ઢગલો વાળી દઈને પાળી પહેલા પાળ બાંધવાનો નિરર્થક પ્રયત્ન કરી જોયો. એણે મૌન રહેવાનું પસંદ કર્યું. ભાગ્યશાળી એટલો કે હું એના મૌનને વાંચી અને સમજી શકતો હતો. 

પોણા છ વર્ષના લગ્નજીવન પછી બાજી પલટાઈ ગઈ છે. હવે એ બોલે છે ને હું સાંભળ્યા કરું છું.

ટિપ્પણીઓ નથી:

પાણીનો લોટો.

નિવૃત્તિ પછીના છઠ્ઠા મહિને જ બાપુજીને પક્ષાઘાત લાગુ પડ્યો. વેળાસરની સારવારને કારણે એ બેઠા તો થઇ ગયા પણ એમનાં જમણા હાથ અને પગમાં એની યાદગ...