ગઈકાલે શ્રી કૃષ્ણ હોસ્પિટલ કરમસદમાં વાસ્ક્યુલર સર્જનની મુલાકાત લીધી ને આજથી બરોબર બાર વર્ષ પહેલાંનો અનુભવ યાદ આવી ગયો. 2002 પહેલા, છેલ્લા ત્રણ વર્ષોથી હું 'વેરીકોઝ વેઇન' નામની બીમારીથી પીડાતો હતો. દર્દ જયારે અસહ્ય બન્યું ત્યારે ડોક્ટર કે. કે. શાહે સલાહ આપીને જણાવ્યું કે ઓપરેશન કરવું પડશે. આવતે અઠવાડિયે સવારે દસ વાગ્યે હાજર થઇ જજો. બાર વાગ્યે ઓપરેશન શરૂ કરીશું.
ડોક્ટરની સલાહ ને મારી જરૂરીયાતને સાદ આપીને હું બરોબર દસ વાગ્યે પાલડીમાં આવેલી એમની હોસ્પિટલમાં દાખલ થઇ ગયો. ઓપરેશનને હજી બે કલાકની વાર હતી એટલે આજુબાજુમાં અન્ય દર્દીઓની મુલાકાત લેવાનું શરૂ કર્યું. હું પોતે નિર્ભય અને સ્વસ્થ હતો એટલે બીજાને પણ એનો ચેપ લાગે એ હેતુથી એમની સાથે હસતાં હસતાં વાતચીત શરૂ કરી. મને હસતો જોઇને એક બહેનને આશ્ચર્ય થયું ને છેવટે ન રહેવાયું એટલે મને સંભળાય એ રીતે બોલવા માંડ્યા;"બહોત હસતા હે ઓપરેશન હોગા ના તબ પતા ચલેગા."
બરોબર બાર વાગ્યે ઓપરેશન થીયેટરમાં દાખલ થયો ત્યારે પણ હું હસતો હતો એટલે પેલા બહેને ફરીથી મને સંભળાવ્યું;"અંદર જાયેગા ના તબ પતા ચલેગા, ઉસકી હંસી યું ઉડ જાયેગી." અંદર દાખલ થયા પછી જમણા પગમાં કાપકૂપ કરવાની હોવાથી મને લોકલ એનેસ્થેશિયા આપીને અર્ધબેભાન કરવામાં આવ્યો. શરૂઆતમાં શું ચાલી રહ્યું હતું એની મને ખબર પડતી હતી એટલે ડોક્ટરને સતત પ્રશ્નો પૂછતો રહ્યો. છેવટે ડોકટરે એમનાં મદદનીશને મારી આંખોને પટ્ટી મારીને બંધ કરવાની સલાહ આપી જેથી તેઓ શાંતચિતે પોતાનું કામ કરી શકે. લગભગ કલાક પછી ઓપરેશન પૂરું થયું. મારો જમણો પગ અદ્ધર લટકતો હતો ને એજ હાલતમાં મને સ્ટ્રેચર પર સૂવડાવીને મારા રૂમમાં લઇ જવામાં આવ્યો. જેવો જનરલ વોર્ડમાંથી પસાર થયો ને મને જાગતો અને સ્વસ્થ જોયો કે તરત જ પેલા બહેનથી બોલ્યા વિના ન રહેવાયું;"સૂમ ચલી જાયેગીના તબ પતા ચલેગા."
લગભગ 48 કલાક મારો પગ હવામાં લટકતો રહ્યો ને હું સભાનપૂર્વક એ અવસ્થાને માણતો રહ્યો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો