21 ફેબ્રુ, 2014

'કિન્ડર જોય' - નફો કમાવાનું ગતકડું.

જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવા માટે 'ડી માર્ટ'ની મુલાકાત લીધી. બધા જ વિભાગો એમાં ખાસ કરીને ચોકલેટ, બિસ્કીટ અને રમકડાઓનાં  વિભાગની મુલાકાત લેતી વખતે શાંત રહેલા દીકરાએ કાઉન્ટર નજીક પહોંચતા જ અચાનક કોઈક વસ્તુ ભણી જોઇને મોટેથી બૂમ પાડી;" મારે 'કિન્ડર જોય' જોઈએ છે." ઈંડા આકારની સફેદ અને નારંગી રંગની એ નાનકડીવસ્તુ જોઇને એની કિંમત દસથી વીસ રૂપિયા હોવી જોઈએ એવી ધારણા બાંધીને મેં દીકરાની માંગણી સ્વીકારી લીધી. વસ્તુ હાથમાં આવતા જ એ હર્ષ ને આનંદથી એ ઉછળવા માંડ્યો.

ગાડીમાં બેઠા પછી બિલમાં એની કિંમત ઉપર અછડતી નજર નાંખતાં જ  મારું હૃદય એક ધબકારો ચૂકી ગયું કારણ એની કિંમત હતી રોકડા રૂપિયા 35 - સામાન્ય કરતાં લગભગ 30% વધારે. બરોબર એજ સમયે દીકરાએ એના પેકિંગને તોડવાની શરૂઆત કરી, કોલંબસની જેમ કોઈક નવા ખંડની શોધ ન કરી રહ્યો હોય એટલા જ આનંદ ને ઉત્સુકતાથી એણે એના બે ભાગ કર્યા. પહેલા ભાગમાંથી ક્રીમવાળી ચોકલેટ નીકળી જેને ખાવામાં એને રસ નહોતો. એનું સમગ્ર ધ્યાન હવે બીજા ભાગ પર હતું. અમારા આશ્ચર્ય વચ્ચે એ ભાગમાંથી કેટલાક ઉટપટાંગ ભાગો નીકળ્યા જેને એણે સૂચના પ્રમાણે જોડ્યા તો એમાંથી એક નાનકડી સઢવાળી હોડી બની ગઈ. નવા ખંડની શોધ પૂરી થઇ હોય એમ એ બંને પગે ઉછળવા માંડ્યો ને અમને કહેવા લાગ્યો; "જોયું ને કેવી મજાની હોડી છે."

કહેવાનું તો મન થઇ ગયેલું કે અલ્યા ગાથડ, તારી એ હોડી અમને 35 રૂપિયામાં પડી એની તને ક્યાં ખબર છે. ખેર, એમ કહીને એનું દિલ દુભવવાને બદલે ઘરે આવીને મેં 'કિન્ડર જોય' વિષે ઇન્ટરનેટ પર થોડા ખાંખાખોળાં કરી જોયા તો ખબર પડી કે 'કિન્ડર' એ જર્મન શબ્દ છે ને એનો અર્થ થાય 'બાળકો'. 

'ફેરેરો' નામની ઇટાલિયન કંપની પૂરતા શોધ અને સંશોધન પછી બારામતીમાં આવેલી પોતાની ફેકટરીમાં આ 'ચોકલેટ - રમકડાં'નું ઉત્પાદન કરે છે. વસ્તુમાં રચનાત્મકતા અને ગ્રાહકો સુધી પહોંચતી કરવાની એની વિશિષ્ટ વ્યૂહરચનાને કારણે કિંમત વધારે હોવા છતાં એણે 'નેસ્લે' જેવી મલ્ટી નેશનલ કંપનીને આંખે પાણી લાવી દીધાં છે. 

"કિન્ડર જોય"નો શાબ્દિક અર્થ ભલે 'બાળકોનો આનંદ' એમ થતો હોય પરંતુ મારે માટે તો એ વધારે પડતી કિંમતને કારણે નફો કમાવાનું સરસ મજાનું ગતકડું જ છે.

ટિપ્પણીઓ નથી:

પાણીનો લોટો.

નિવૃત્તિ પછીના છઠ્ઠા મહિને જ બાપુજીને પક્ષાઘાત લાગુ પડ્યો. વેળાસરની સારવારને કારણે એ બેઠા તો થઇ ગયા પણ એમનાં જમણા હાથ અને પગમાં એની યાદગ...