
ટ્રેન ન. 12933 કર્ણાવતી એક્સપ્રેસ 3.37 કલાકે વલસાડ સ્ટેશન પર આવે એની બરોબર પાંચ મિનીટ પહેલાં 'વેઈટીંગ રૂમમાં' મેં મારું વાંચન આટોપી લીધું અને રવિવારના છાપાંઓનો થોકડો બેગમાં ઠાંસીને પ્લેટફોર્મ ન. 2 ભણી ચાલવા માંડ્યું. હજી તો દાદરના છેલ્લા પગથિયા પર પગ મૂકું છું ને ટ્રેનને અંદર પ્રવેશતી જોઇને મને આશ્ચર્ય સાથે આનંદ થયો કારણ નિયમિત રીતે અનિયમિત દોડતી ટ્રેન આજે એકદમ સમયસર હતી. ઉંધુ ઘાલીને મેં ડી-6 કોચ ભણી દોટ મેલી. રિઝર્વ્ડ કોચ હકડેઠઠ ભરાયેલો હતો. મહાપરાણે મેં અંદર પ્રવેશ મેળવ્યો. ઠેબા ખાતા ખાતા 47 નંબરની મારી સીટ નજીક પહોંચ્યો તો ત્યાં એક ભાઈ બેઠા બેઠા સીંગચણા ફાકતા બેઠા હતા.
"મહેરબાની કરીને મને આ જગ્યા પર બેસવા દેશો ?" મેં બેઠક ખાલી કરવા માટે એમને વિનંતી કરી. પહેલા તો એ ભાઈએ મારી વિનંતીને સાંભળી ન સાંભળી કરી ને થોડીવાર પછી મને વળતો પ્રશ્ન કર્યો;"આ જગ્યા તમારી છે ?"
"હા" મેં મારી ટીકીટ એમને બતાવી.
"અરે પણ આ જગ્યા તો મને ટીસીએ જ ફાળવી આપી છે. રોકડા રૂપિયા એકસો ને પચાસ ચૂકવ્યા છે." આડકતરી રીતે એમણે ત્યાંથી ઉભા થવાનો ધરાર ઇનકાર કર્યો.
"તમારી વાત તમે અને તમારો ટીસી જાણે. આ જગ્યા મારી છે." મેં અવાજ થોડો ઉંચો કર્યો. મારી પાસે રિઝર્વ્ડ ટીકીટ જોઇને બીજા પ્રવાસીઓએ પણ પેલા ભાઈને જગ્યા ખાલી કરવા કહ્યું પણ એ ભાઈ હજી અવઢવમાં હતા.
"ઉભો તો થાઉં પણ મેં ચૂકવેલા રૂપિયાનું શું ? તમે આપવાનો છો ?" એમણે હવે પલટી મારીને ચોર કોટવાળને દંડતો હોય એમ મને કઠેડામાં ઉભો કરી દીધો.

"જુઓ તમારી પાસે આ જગ્યાની કોઈ સાબિતી નથી. હવે ઝટ દઈને ઉભા નહિ થાઓ તો હું સાંકળ ખેંચીને પોલીસને બોલાવીશ." છેલ્લા ઉપાય તરીકે મેં એમને કાયદાની બીક બતાવી. મારો ઉપાય કારગત નીવડ્યો. ખાસ્સી દસ પંદર મિનિટની માથાકૂટ પછી મને મારી જગ્યા પર બેસવા મળ્યું.
નિરાંતે બેઠા પછી આ મહામૂલી મુસાફરીનો મજાનો અનુભવ હું ઠેઠ આણંદ આવ્યું ત્યાં સુધી માણતો રહ્યો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો