4 માર્ચ, 2014

બુધાકાકાની છાસ એટલે ટાઢકનો અહેસાસ

આંખે ઓછપ ને કાને બહેરાશ છતાંયે ઠેઠ બોરસદ ચોકડીથી હડી કાઢીને પેટીયું રળવા ૮૦ વરસની જૈફ વયે બુધાકાકા પોતાની ખખડી ગયેલી લારી લઈને રોજ પાધરીયા આવે  છે.  આ વિષચક્રને  છેલ્લા ત્રણ દાયકાઓ ઉપરાંતથી હું જોતો આવ્યો છું. સમયની  થપાટો ખાઈખાઈને શરીર  ભલેને કૃશ થઇ ગયું હોય પરંતુ મન  તો એવુંને એવું જ સબુત છે. દુરથી જોતા જ ચેહરો મલકાવે ને હોંશે હોંશે હાથ હલાવે ભલે ને પછી એમની છાસ લઈએ કે ના લઈએ.

એમના દીકરા કનુની વાતો કરતા કરતા ઘડીક ભાવ વિભોર થઇ જાય ને પાછા પોતાના કામમાં રમમાણ થઇ જાય. ઓછપ અનુભવતી ને ઝીણી થઇ ગયેલી આંખોમાં જીવતરનો ભાર વંચાયા વિના રહેતો નથી. હિંચકે બેસી પોતાના પોતરા પોતરીઓને રમાડવાની કે હરિભક્તિમાં લીન રહેવાની જૈફ વયે એમણે ખખડધજ હાથલારીને ધક્કા મારવા પડે છે એ વ્યથા એમના મલક્તા ચહેરામાં ડોકાયા વિના રહેતી નથી.

બુધાકાકાને ત્રણ દીકરીઓ ને બે દીકરાઓનો લાંબો પહોળો વસ્તાર છે. બાર સાંધે ને તેર તૂટે એવી સ્થિતિ હોવા છતાયે એકે એક ને એમણે અછોવાના કરી કરીને રંગે ચંગે પરણાવ્યા છે ને આજે એમના છૈયા છોકરાઓએ પરણાવવા જેટલા થઇ ગયા છે. છતાયે કરમની કઠણાઈ એવી કે દા'ડો  ઉગે ને એમણે પેટીયું રળવા દોડવું પડે કારણ, બેમાંથી એકેય દીકરો પૈસે ટકે બે પાંદડે થયો નથી.

કોઈપણ જાતની હોહા ને ફરિયાદ વિના જિંદગી જિંદાદિલી અને મસ્તીથી કેમની જીવાય એ જાણવું હોય તો બુધાકાકાને એક વાર મળવા જેવું ખરું. 

પાણીનો લોટો.

નિવૃત્તિ પછીના છઠ્ઠા મહિને જ બાપુજીને પક્ષાઘાત લાગુ પડ્યો. વેળાસરની સારવારને કારણે એ બેઠા તો થઇ ગયા પણ એમનાં જમણા હાથ અને પગમાં એની યાદગ...