4 જૂન, 2014

હું તારો પિતા નથી.

સેંટ ઝેવિયર્સ હાઈસ્કૂલ, આણંદમાં પાંચમામાં પ્રવેશ મળે એટલે શાળા શરૂ થાય એ પહેલાં જુદાજુદા ડિવીઝન દર્શાવતું લીસ્ટ નોટીસબોર્ડ પર મૂકવામાં આવતું. 'અ' વર્ગમાં હોશિયાર વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવે છે એવી એક પ્રચલિત માન્યતાને કારણે મોટાભાગના વિદ્યાર્થીઓ 'અ' વર્ગમાં પ્રવેશ મળે એવી સહજ આશા રાખતા. બે દિવસ પહેલાં હું પણ નોટીસબોર્ડ જોવા ગયો હતો. મારા આશ્ચર્ય વચ્ચે મારું નામ 'અ વર્ગ' માં હતું અને મારા વર્ગશિક્ષક હતા મારા બાપુજી.
"ભાગ્યશાળીઓમાં પહેલો છે તું. હવે તો તારે કપાળે જ પહેલો નંબર લખાશે." પીઠ પર ધબ્બો મારીને મને અભિનંદન આપતાં આપતાં મિત્રોએ ભવિષ્ય ભાખવા માંડ્યું હતું.

શાળાના પહેલા દિવસે વર્ગશિક્ષક હાજરી પૂરી રહ્યા પછી સામાન્ય સૂચનો આપી રહ્યા હતા ને એટલામાં શાળા છૂટયાનો સંકેત આપતો ઘંટ વાગવા માંડ્યો. હા, એ દિવસે શાળાનો પહેલો દિવસ હોવાથી માત્ર બે જ તાસ પછી શાળા છોડી મૂકવામાં આવી હતી. જેવો ઘંટ વાગ્યો કે તરત જ વર્ગના એક વિદ્યાર્થીએ  હર્ષમાં આવીને ટારઝનની માફક ચિચિયારી પાડી. "યે એ એ એ ....... છૂટી ગયા."
"કોણ છે એ નપાવટ? શું એને ભાન નથી કે શાળા છૂટે એ પહેલા પ્રાર્થના પૂરી કરીને વર્ગની બહાર જવાની પરંપરા અહી વર્ષોથી ચાલી આવી છે. જંગલીની જેમ ચીસ પાડે છે તે આ એના બાપનો બગીચો છે? જે હોય તે ઝટ દઈને આગળ આવે." વર્ગશિક્ષકનો પહાડી અવાજ સાંભળીને છેલ્લી પાટલીએ બેઠેલો વિદ્યાર્થી થરથર ધ્રૂજવા માંડ્યો. હવે આગળ ગયા વિના છૂટકો નહોતો.

જેવો એ આગળ ગયો કે બરોબર બધાની આગળ ઉભો રાખીને વર્ગશિક્ષકે ધડ દઈને એને એક લાફો ઠોકી દીધો અને કહ્યું;"આજે પહેલો દિવસ છે એટલે આટલાથી જવા દઉં છું. ફરીથી આવી ભૂલ ક્યારેય કરતો નહિ." માર કરતાંય વધારે જાહેરમાં થયેલા અપમાનનો ભાર સહન ન થવાથી એ વિદ્યાર્થીની આંખોમાંથી દડદડ આંસુ વહેવા માંડ્યા જે ઘરના ઉંબરે પહોંચ્યો ત્યાંસુધી ચાલુ જ રહ્યા.

ઘરમા પેલા વર્ગશિક્ષક એની રાહ જોઇને ઉભા હતા. એમને જોતાવેંત એની આંખોમાં આંસુની ધાર બેવડાઈ ગઈ અને ડૂસકાં ભરતો ભરતો એ બોલવા માંડ્યો. "પપ્પા, તમે મને પહેલા જ દિવસે બધાની વચ્ચે માર્યો?"
"જો દીકરા, શક્ય હોય તો મને માફ કરી દેજે પણ એક વાત હંમેશ માટે ગાંઠે બાંધી લે જે. શાળામાં હોઉં ત્યારે હું તારો પિતા નથી ને તું મારો દીકરો નથી. ત્યાં હું શિક્ષક છું અને તું મારો વિદ્યાર્થી છે અને એક શિક્ષક માટે બધા વિદ્યાર્થીઓ સરખા જ હોય છે."

એ દીકરાને પહેલે જ દિવસે સમાનતાના પાઠ ભણાવનાર સિદ્ધાંતવાદી વર્ગશિક્ષક એટલે મારા બાપુજી.

ટિપ્પણીઓ નથી:

પાણીનો લોટો.

નિવૃત્તિ પછીના છઠ્ઠા મહિને જ બાપુજીને પક્ષાઘાત લાગુ પડ્યો. વેળાસરની સારવારને કારણે એ બેઠા તો થઇ ગયા પણ એમનાં જમણા હાથ અને પગમાં એની યાદગ...