સાંજના લગભગ સાડા પાંચ વાગે અમે નેશનલ હાઈવે વટાવીને ચિખોદરા ગામ ભણી ડગ માંડી રહ્યા છીએ. પાંચ સાત ખેતર વટાવ્યા પછી ટામેટાની વાડીમાં એક નયનરમ્ય દ્રશ્ય અમારી નજરે ચડે છે. ગામની બહેનો તાજા ને લાલચટાક ટામેટાઓ વીણીવીણીને ખેતરના ખૂણામાં ઢગલો કરે છે. આ જોઇને તથ્ય ખુશ થઇ જાય છે ને આશ્ચર્ય ને આનંદ સાથે બોલી ઉઠે છે; "આ હા હા ........જુઓ તો ખરા, પેલું ટામેટાંઓનું ટોળું!"
તથ્યનો ભાવસભર ચહેરો ને ભેળસેળવાળી પરંતુ શબ્દો(ટામેટાઓનું ટોળું)ની પરફેક્ટ પ્રાસ બેસાડતી
અલંકારિક ભાષા સાંભળીને અમારું હાસ્ય સમાતું નથી.
"દીકરા ટામેટાંઓનું ટોળું ના હોય, ઢગલો હોય ઢગલો !" હું એને સમજાવવાનો પ્રયત્ન કરું છું.
"પણ તમે તો મને શીખવ્યું છે." એ એમને એમ થોડો હાર સ્વીકારે.
એની વાતમાં દમ તો હતો જ. થોડા દિવસો પહેલાં જ ડિસ્કવરીમાં સિંહોને એકસાથે જોઇને એણે મને પ્રશ્ન પૂછેલો; "આટલા બધા સિંહો એકસાથે હોય ત્યારે એમને શું કહેવાય ?"
મેં એને સમજાવેલું કે બે કરતાં વધારે સિંહો હોય તો એને "સિંહોનું ટોળું" કહેવાય.
"તો પછી બે કરતાં વધારે ટામેટાંઓ હોય તો એને પણ "ટામેટાંઓનું ટોળું" જ કહેવાય ને." વાત તો એની સાચી જ છે ને! હું મનમાં ને મનમાં જ બોલું છું.
તથ્યને તાર્કિક રીતે વિચારવા બદલ અભિનંદન આપું છું ને સાથે સાથે એ પણ જણાવું છું કે કોઈ પણ ભાષા માત્ર તર્કથી શીખી નથી શકાતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો