11 જૂન, 2014

આભને આંબવું છે મારે.

અમદાવાદમાં મીઠાખળી વિસ્તારમાં નવા જ શરુ થયેલા પેન્ટાલુન શો રૂમના બીજા માળે હું એકચિતે નવા નવા કપડાંઓને નિહાળી રહ્યો છું ને અચાનક ગ્રાઉન્ડ ફ્લોર પર ચાલી રહેલી ક્વીઝ્થી મારું મન ખળભળી ઉઠે છે કારણ, પૂછવામાં આવેલા છેલ્લા પ્રશ્નનો જવાબ મને આવડતો હતો. ઉપરથી નીચેની બાજુ ડોકિયું કરીને પ્રશ્નનો જવાબ આપવા માટે હું તત્પર છું ને કાર્યક્રમનું સંચાલન કરી રહેલા યુવાનને જોતાવેંત મારો જવાબ ગળામાં જ અટકી જાય છે કારણ એની પચીસેક વરસની વય, એકવડો બાંધો, સહજ અને સાલસ સ્વભાવ, ગ્રાહકની નાડ પારખવાની આવડત, માનવ મન ને સંબંધોની જાણકારી આ બધું જ મને પરિચિત લાગે છે.
"કોણ છે આ યુવાન ?" બાજુમાં ઉભેલા કર્મચારીને હું પુછુ છું.
"હમણાં હમણાં જ જોડાયેલા અમારા મેનેજર શ્રી મેહુલ વાઘેલા"
"માનવામાં નથી આવતું." હું મનમાં જ બબડ્યો.
ક્વીઝ પૂરી થઇ કે તરત જ હું એને મળવા જાઉં છું. કામના ભારણ વચ્ચેય મારું નામ માત્ર સાંભળીને એ મને મળવા આવે છે. ભાવથી હસ્તધૂનન કરતી વખતે જ સમજાઈ જાય છે કે દીર્ઘદ્રષ્ટા ને મહત્વકાંક્ષી મેહુલ નજીકના ભવિષ્યમાં જ આભને આંબી જશે .

મારા એ શબ્દો યથાર્થ ઠરતા હોય એમ મેહુલ આજે દુબઈમાં રહીને 'લેન્ડમાર્ક ગ્રુપ'ની 18 દેશોમાં ફેલાયેલી 'સ્પ્લેશ' કંપનીના પાંચ દેશોમાં કાર્યરત સ્ટોર્સનું સંચાલન હોંશે હોંશે કરી રહ્યો છે.

અલબત, આ સફળતા પાછળ એનો જીવન પ્રત્યેનો હકારાત્મક અભિગમ, માતા નિર્મળાબેનનો એક્લહાથે સંઘર્ષમય ઉછેર, ધર્મપત્નીની હુંફ ને દીકરીની મમતા જ રહેલા છે. બાકી તો અમદાવાદની અતિપ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થામાંથી વિજ્ઞાનપ્રવાહમાં ધોળકું ધોળવાને કારણે એને જાકારો જ મળેલો ને કિશોરવસ્થામાં જ દિશાવિહીન થઇ ગયેલો. પણ ફિનિક્સની પેઠે રાખમાંથી બેઠા થઈને અર્થશાસ્ત્ર ને આંકડાશાસ્ત્રમાં એણે એવી નિપુણતા કેળવી કે ગુજરાત યુનિવર્સિટીના ઇતિહાસમાં એનું નામ સુવર્ણ અક્ષરે લખાઈ ગયું ને નિરમા યુનિવર્સિટીમાં એમબીએમાં એડમિશન પણ પાકું થઇ ગયું. પછીની વાતો તો સફળતાની હારમાળા સર્જે છે.

પેન્ટાલુનમાં સ્ટોર મેનેજરમાંથી જનરલ મેનેજર સુધીની સફર અને એમાં પણ 'બ્રાંડ ફેક્ટરી' તથા બીગ બઝારમાં 'બીગ બઝાર એક્સપ્રેસ' જેવા નવીન વિચારોના પ્રણેતા બનવું તથા 'સ્ટેપલ્સ'માં ઉપપ્રમુખ પદ શોભાવવું વગેરે મેહુલની કારકિર્દીમાં ચાર ચાંદ લગાવી દે છે.

નિંભાડામાં શેકાઈ શેકાઈને ઘડાનો ઘાટ જેમ ઘડાય એમ મેહુલ પણ જીવનના સંઘર્ષો સાથે ઝઝૂમતો ઝઝૂમતો આભને આંબવાની મથામણ સતત કરતો રહ્યો છે.

ટિપ્પણીઓ નથી:

પાણીનો લોટો.

નિવૃત્તિ પછીના છઠ્ઠા મહિને જ બાપુજીને પક્ષાઘાત લાગુ પડ્યો. વેળાસરની સારવારને કારણે એ બેઠા તો થઇ ગયા પણ એમનાં જમણા હાથ અને પગમાં એની યાદગ...