દેવળના કમ્પાઉન્ડમાં સેંટ ઝેવિયર્સ શાળાના મસમોટા મકાનની બાજુમાં એક જૂનું ઢાળવાળું મકાન હતું. એ મકાનમાં આદરણીય સી. જોહાન્ના બાળકોને કક્કો બારાખડી શીખવતા. મારા માસી રોજ સવારે મને કક્ડીયામાં મૂકવા આવતા. મને મૂકીને પછી એ ઓટલા પર બેસીને બીજા બહેનો સાથે કક્ડીયું છૂટવાની રાહ જોતાં જોતાં સમય પસાર કરતાં. ભણવાનો મને પહેલથી કંટાળો આવે એટલે જેવા સિસ્ટર પાટીયા પર અક્ષરો લખવા માટે પીઠ ફેરવે કે તરત જ હું લાગ જોઇને પાછળના દરવાજેથી એકીશ્વાસે ઘર ભણી ભાગી છૂટતો. કક્ડીયું છૂટયા પછી માસી રઘવાયા થઈને મને શોધતા હોય ત્યારે હું ઘરના ઓટલા પર બેસીને રમત રમવામાં મશગૂલ હોઉં. પરંતુ, પહેલા ધોરણ પછી મારા ભણતરની ગાડી એવી સડસડાટ દોડવા માંડી કે ત્યારપછી ઠેઠ બારમા પછી કોલેજમાં સમયસર પ્રવેશ ન મળ્યો ત્યાંસુધી મારા માબાપને ચિંતા ને દરમિયાનગીરી કરવાની જરૂર જ ના પડી.
આજે ત્રણ સાડાત્રણ દાયકા પછી શિક્ષણની બારાખડી આખેઆખી બદલાઈ ગઈ છે. બાળક ગર્ભમાં હોય ત્યારથી જ માબાપ એનાં શિક્ષણ વિષે વિચારવાનું શરૂ કરી દે છે ને બાળક માંડ બે અઢી વર્ષનું થાય ના થાય ત્યાં તો 'પ્લેગ્રુપ'માં પરાણે ધકેલવાનું શરૂ પણ કરી દે છે. એ ચક્કર પછી અવિરત ચાલ્યા જ કરે છે. સદનસીબે, આ બધાથી પર રહીને તથ્યને અમે એનાં બાળપણનાં પાંચ વર્ષ અમારી સાથે જ રાખ્યો ને વાસ્તવિક જીવનનો એને સુપેરે પરિચય થાય એવા પૂરા પ્રયત્નો પણ કર્યાં.
છેવટે શાળા શરૂ થયાને બરોબર એક અઠવાડિયા પછી તા. 16 જૂન, 2014 સોમવારના રોજ તથ્યને સેંટ ઝેવિયર્સમાં પ્રવેશ મળ્યો. ગઈકાલે પહેલા દિવસે અમારો હરખ માતો નહોતો પણ દફતરનો ભાર જોઇને તથ્ય એ દફતરને પીઠ પર ઉઠાવવું કે નહિ એની દ્વિધામાં હતો. બીજી બાજુ, ભણતરનો ભાર વેંઢાર્યા વિના હવે છૂટકો પણ નહોતો એટલે હસતાં હસતાં મારે એની મમ્મીને કહેવું પડ્યું;
"તથ્યને કહો ઉઠાવે દફતર, હવે તો ભણતર એ જ કલ્યાણ."
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો