18 જૂન, 2014

એને ભૂખ્યો થોડો રહેવા દેવાય!


ગઈકાલે પહેલા ધોરણમાં તથ્યનો પહેલો દિવસ હતો. શાળા સાડાસાતે શરૂ થાય ને પછી લગભગ દસ સાડાદસે નાનકડો વિરામ હોય. આ સમય દરમિયાન બધા ટાબરિયાઓ પોતપોતાનું ટીફિન ઉઘાડીને હળવો નાસ્તો કરી લે.

દુર્ભાગ્યવશ, તથ્યની પાછળના વિદ્યાર્થીનું ટીફિન હાથમાંથી છટકી ગયું ને અંદર રહેલી બધી ખિચડીના દાણા આમતેમ વેરાઈ ગયા. જમવાનું તો ગયું ને ઉપરથી બધાની હાજરીમાં ટીફીન સાચવી ન શકાયું એમ વિચારીને શરમને લીધે બિચારાનું મોં પડી ગયું. જેવો તથ્યને આ બનાવ વિષે ખ્યાલ આવ્યો કે તરત જ એણે પોતાનું ટીફિન પેલા અજાણ્યા વિદ્યાર્થી સામે ધરીને એને કહ્યું; "દોસ્ત, ચિંતા ન કરીશ. આપણે બેય આમાંથી અડધું અડધું ખાઈ લઈશું."

ઘરે આવીને તરત જ તથ્યએ અમને આ અનુભવ કહી સંભળાવ્યો. એની કસોટી કરવાના હેતુથી મેં મોઢું ભારે કરીને એને પૂછ્યું;"તને આવું દોઢડહાપણ કરવાનું કોણે કહ્યું હતું ?"

"એને ભૂખ્યો થોડો રહેવા દેવાય!" તથ્યનો જવાબ તૈયાર જ હતો.

પુત્રના લક્ષણો પારણામાંથી, વહુના લક્ષણો બારણામાંથી ને વિદ્યાર્થીનાં લક્ષણો એનાં વાણી, વર્તન ને વ્યવહાર પરથી પરખાઈ જાય. આશા રાખીએ કે તથ્ય પોતાની આ ઓળખ ઠેઠ સુધી ટકાવી રાખશે.

ટિપ્પણીઓ નથી:

પાણીનો લોટો.

નિવૃત્તિ પછીના છઠ્ઠા મહિને જ બાપુજીને પક્ષાઘાત લાગુ પડ્યો. વેળાસરની સારવારને કારણે એ બેઠા તો થઇ ગયા પણ એમનાં જમણા હાથ અને પગમાં એની યાદગ...