આઠમ આવે એટલે કાઠિયાવાડમાં ખાસ જોવા મળે એવો જ ઉમંગ ને ઉત્સાહનો માહોલ મારા ઘરમાં પણ જોવા મળે. ઘરમાં બધાય તહેવારો હોંશેહોંશે ઉજવાય.
મારા બાપુજી રાંધવાના ભારે શોખીન. રાંધવાની કળા એમને ગળથૂથીમાં મળેલી. મીઠાઈ ને ફરસાણ બનાવવામાં એમની હથોટી. કોઈપણ તહેવાર આવે એ તો હમેશા ટાંપીને જ બેઠા હોય. રાંધવાની ને અમને હોંશે હોંશે જમાડવાની તક એ ક્યારેય ન છોડે. એ દિવસોમાં પૂરી, ઢેબરા ને ખીરનું ભાવતું ભોજન મળે ને મનને રોમાંચિત કરે એવી કૃષ્ણજનમની વાતો સાંભળવા મળે.
આઠમનો મેળો આણંદમાં ઠેકઠેકાણે ભરાય. એમાં જાગનાથ મહાદેવ ને બેઠકનું મંદિર કે ગોયા તળાવ આગળ મોટો મેળો ભરાય. બાપુજી અમને બેયને આંગળી ઝાલીને ગોયા તળાવ આગળ લઇ જાય. ગામડી વડથી ઠેઠ બેઠકના મંદિર સુધી માનવમહેરામણ ઉમટ્યું હોય. ભીડમાં શ્વાસ લેવાનુંય ભારે પડે તોયે ચકરડી ને ચગડોળ જોતાં જોતાં ને જોર જોરથી પીપૂડી વગાડતા વગાડતા અમે સૂરજ આથમે ત્યાંસુધી પોરો ખાધા વિના ચાલ્યા જ કરીએ.
ઘરે આવીએ ત્યારે થાકીને ઠૂસ થઈ ગયા હોઈએ. એ રાતે મને તો સપનામાંય રંગબેરંગી ચકરડી, ચગડોળ ને પીપૂડીઓ જ દેખાય.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો