13 નવે, 2014

અનેરી સાઈકલવાળા બ્ર.અનેરી.

બાળપણમાં શાળામાં જતા આવતા, અનેરી સાઈકલવાળા બ્ર.અનેરીને જોઇને અનેરો આનંદ થતો. દૂરથી એમને જોઇને મન મલકાઈ ઉઠતું કારણ, સાઈકલ ચલાવતાં ચલાવતાં એ હસતાં જાય ને અમને બાળકોને હસાવવા માટે કંઈક ને કંઈક ગતકડું કરતા જાય. એમની અનેરી સાઈકલ સવારીથી માત્ર અમે જ નહિ બલકે, સેંટ ઝેવિયર્સ રોડ પણ સુપેરે પરિચિત. એમની સાઈકલની ઘંટડીના અનોખા રણકારથી એ રસ્તાની રોનક પણ બદલાઈ જતી. કંઈ કેટલાયે વર્ષો એમણે એ રોડને પણ પોતાના આનંદી અને હસમુખા સ્વભાવથી હસાવ્યો હશે.

જ્યારથી હું એમને ઓળખતો થયો ત્યારથી મેં એમને આણંદ પ્રેસમાં કામ કરતાં જોયા છે. સ્વભાવે રમૂજી, આનંદી અને કામગરા. કામને સમયે નાનુંમોટું કામ હોંશથી ને હરખથી કરતા જાય. એક બે વાર એમને હું પ્રેસમાં મળ્યો ત્યારે એ એમના કામમાં એટલા તો મશગૂલ હતા જાણે મશીનો સાથે વાત ન કરતાં હોય! ચોકસાઈ અને સંપૂર્ણતાના એ પૂરેપૂરા આગ્રહી ને હાથમાં લીધેલું કામ પૂરું ન થાય ત્યાં સુધી છાલ ન છોડે. પ્રિન્ટીંગમાં એમની જોડ ક્યાંયે ન જડે એટલા નિપુણ અને કુશળ આમછતાં, પોતાની એ આવડત અને કુશળતાનો ભાર ભૂલેચૂકેય ન વરતાવા દે. વિનમ્ર બનીને હંમેશાં શીખતા રહે ને શીખવતા રહે. 

જેટલા વહાલા એમને મશીનો એથીય વિશેષ વહાલા એમને માણસો. ભલાઈ ને ભલમાનસાઈ એમની રગેરગમાં વસે. આણંદ પ્રેસમાં કામ કરતી વ્યક્તિઓને તો નામઠામથી ઓળખે જ ને છોગામાં એમના પૂરા કુટુંબની માહિતી પણ એમનાં હૈયે ને હોઠે રમતી હોય. સારેમાઠે પ્રસંગે એમની હાજરી ન હોય એવું ક્યારેય ન બને. 

હા, જિંદગી આખી એક જ જગ્યાએ ફરિયાદ વિના વિતાવવી એ નાનીસૂની વાત નથી. આણંદ પ્રેસની પ્રતિષ્ઠાને ઉજાગર કરવામાં એમણે જિંદગી આખી ખર્ચી નાંખી. છેલ્લે છેલ્લે શારીરિક વ્યાધિને કારણે એમને ઘણી પીડા ને વેદના વેઠવી પડી આમ છતાં, એમના ચહેરા પરનું હાસ્ય ક્યારેય વિલોપાયું નહિ.

હા, એમના જવાથી આજે એ રોડ પણ જાણે શોકમગ્ન અને ઉદાસીન ન બની ગયો હોય એવો ભેંકાર ભાસે છે. 

(Photo courtesy: BBN)

ટિપ્પણીઓ નથી:

પાણીનો લોટો.

નિવૃત્તિ પછીના છઠ્ઠા મહિને જ બાપુજીને પક્ષાઘાત લાગુ પડ્યો. વેળાસરની સારવારને કારણે એ બેઠા તો થઇ ગયા પણ એમનાં જમણા હાથ અને પગમાં એની યાદગ...