મહારાષ્ટ્રમાં આવેલા બોરડી ગામે પહોંચ્યા ત્યારે લગભગ સવા એક વાગી ચૂક્યો હતો. જમવાના રોજિંદા સમય કરતા અમે પોણો કલાક મોડા હતા એટલે પેટમાં બિલાડા બોલતા હતા. બોરડી પ્રવાસન સ્થળ હોવા છતાં હોટેલ રેસ્ટોરાંની સંખ્યા ખૂબ ઓછી હતી. ખાસ્સી પૂછપરછ કર્યા પછી અમને 'ગોલ્ડન રિસોર્ટ'નું સરનામું મળ્યું.
વાતાવરણ ખુશનુમા હતું અને દરિયાનો કિનારો હતો એટલે છાંટાપાણી સાથે 'સી ફૂડ'ની સ્વાભાવિક અપેક્ષા હતી. રેસ્ટોરાંમાં તપાસ કરતા જાણવા મળ્યું કે 'સી ફૂડ' ઉપલબ્ધ નહોતું. ઠીક છે જે હશે એનાથી ચલાવી લઈશું એમ કરીને મન મનાવી લીધું. પણ ત્યાં બેઠા પછી ખબર પડી કે છાંટાપાણીની સુવિધા પણ નહોતી જ. હવે શું? બીજે જવાનો સમય નહોતો ને છાંટા પાણી વગર ચલાવી લઈએ તો હીરો ઘોઘે જઈને ખાલી હાથે આવ્યો જેવી પરિસ્થિતિ સર્જાય એટલે એક તક ઝડપી લેવાનો નિર્ણય કરીને રીશેપ્સન પર પૂછપરછ કરી જોઈ.
"આમ તો અહીં પરવાનગી નથી પણ જો તમે ઈચ્છો તો ત્રણ શરતોનું પાલન કરીને આગળ વધી શકો છો." ખાસ્સો હકારાત્મક જવાબ મળ્યો એટલે મનને નિરાંત થઇ.
1. તમારે બહારથી ખરીદી કરવી પડશે.
2. તમારે છેલ્લા ટેબલ પર ખૂણામાં બેસવું પડશે.
3. બધો વ્યવહાર ટેબલ નીચેથી કરવો પડશે. હા, ગ્લાસને તમે ટેબલ પર ગોઠવી શકો છો.
એમની શરતો સાંભળી ન સાંભળી કરીને હું ઝડપથી બાજુમાંથી બે ઠંડી બિયરની બોટલો લઇ આવ્યો. પહેલી શરત પૂરી થઇ. એ સંપેતરું સાથે લઈને અમે છેલ્લા ટેબલ પર ખૂણામાં બેસી ગયા એટલે બીજી શરત પણ પૂરી થઇ. વેઈટર ઓપનર લઈને આવ્યો એટલે બાકીની વિધિ ટેબલ નીચે પૂરી કરીને ઠંડા ઠંડા બિયરના બે ગ્લાસ ભરીને ટેબલ ઉપર ગોઠવી દીધા એ સાથે ત્રીજી શરતનું પણ અમે બાઅદબ પાલન કર્યું અને પછી વટથી બંને ગ્લાસોને એકબીજા સાથે સામસામે ટકરાવીને મુખ્ય વિધિની શરૂઆત કરી.
ભર બપોરે અમે આઉટ ડોર રેસ્ટોરામાં જમવા બેઠા હતા એટલે બાકીના લોકો અમને અને ટેબલ ઉપર પડેલા ગ્લાસને આરામથી જોઈ શકતા હતા. આમ અમે સરેઆમ છાંટોપાણી કરી રહ્યા હતા. તો પછી પેલી શરતો લાદવાનો હેતુ કયો હોઈ શકે? બીજી વાત, બધો વ્યવહાર ટેબલ નીચે કર્યા પછી ગ્લાસને ટેબલ પર ગોઠવીને તમે નિરાંતે આગળ વધી શકો તો પછી એવો વ્યવહાર કરવાનો અર્થ શો? બિયર ભરેલો ગ્લાસ તમે ટેબલ પર મૂકો તો ચાલે પણ બોટલને તમે ટેબલ પર ગોઠવી ના શકો એ વાત પાછળ કર્યો તર્ક હોઈ શકે?
વેલ, પેટમાં એક ગ્લાસ ગયા પછી ઠંડક પ્રસરી ગઈ અને એની જાદુઈ અસરે મનનો એવો કબજો લઇ લીધો કે એ પ્રશ્નો હવે અપ્રસ્તુત અને અસ્થાને જણાતા હતા.
પણ, જો તમને એમાં રસ પડ્યો હોય તો તમારી મરજી મુજબ ધારણા કરવાની છૂટ છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો