21 નવે, 2015

ચિંચલી, માછલી અને રેડ વાઈન.

ઘોલવડથી શરૂ કરીને દહાણું સુધી જતો અઢાર કિલોમીટરનો રસ્તો દરિયાને સમાંતર પસાર થતો હતો. રસ્તાની બંને બાજુ  કેળ, ચીકુ, નારીયેળીની વાડીઓ અને સરૂના વૃક્ષોની હારમાળા આવેલી હતી. ધીમી ગતિએ ડ્રાઈવિંગ કરવાની મોજ પડે એવો આહલાદક એ રસ્તો હતો. પંદરેક મિનીટ પછી અમે નરપાડ નામના ગામે પહોંચ્યા જ્યાં સુંદર, સ્વચ્છ અને રળિયામણો દરિયા કિનારો હતો. થોડો સમય ત્યાં વિતાવ્યા પછી અમે દહાણું ભણી આગળ વધ્યા. ત્યાં પણ દરિયા કિનારો છે. પાછા વળતા ત્યાં સમય વીતાવીશું એમ વિચારીને અમે આગળ વધ્યા. ગામમાંથી પસાર થઈને અમે પોર્ચુગીઝ કિલ્લા ભણી આગળ વધ્યા. કિલ્લો હજી હયાત છે પણ એની અંદર સરકારી કચેરીઓ આવેલી છે એટલે ખાસ મજા ના આવી.

ત્યાંથી પાછા વળતા ત્રણ રસ્તા પર દિશાસૂચક બોર્ડ ઉપર નજર નાંખી. તારાપુરનો કિલ્લો માત્ર અઢાર કિલોમીટર દૂર હતો. તારાપુર એટલે જાણીતું અણુમથક. દેશના જાણીતા અણુમથકથી અમે આટલા નજીક છીએ એ જાણીને ખૂબ આનંદ થયો. રસ્તો સારો હોય તો માત્ર પંદર મિનિટનું અંતર હતું. આખો વિસ્તાર જોવાની અને ખાસ તો કિલ્લો જોવાની હોંશ એટલી હતી કે એક્સીલેટર પર આપોઆપ પગ પડી ગયો. કમનસીબે રસ્તો એટલો સારો નહોતો. ધીમી ગતિએ અમે આગળ વધ્યા. દરિયા પરનો પુલ પસાર કર્યો ને રસ્તા પર બંને બાજુ વાંસના માળખા જોવા મળ્યા. નીચે મેદાનમાં પણ નજર પહોંચે ત્યાં સુધી એજ દૃશ્ય જોવા મળ્યું. વાંસના એ માળખાઓ ઉપર ચોક્કસ અંતરે નાની નાની માછલીઓ સૂકવેલી હતી.

ફળફળાદિની વાડીઓથી ઘેરાયેલો આગળનો રસ્તો મનમોહક હતો. રસ્તામાં આવતા ગામો અને ખાસ કરીને મહારાષ્ટ્રની લોકસંસ્કૃતિનું અવલોકન કરતાં કરતાં અમે આગળ વધ્યા. ચિંચલી ગામમાંથી પસાર થતો સાંકડો રસ્તો અમે માંડ માંડ પસાર કર્યો ને હવે તારાપુરનો કિલ્લો નજીકમાં જ હતો. તારાપુર ગામ મોટું હતું અને રસ્તાઓ પણ સાંકડા હતા. પૂછતાં પૂછતાં અમે આગળ વધ્યા પણ ગામ લોકોને કિલ્લા વિશે ભાગ્યે જ કશી માહિતી હતી. કિલ્લો હાથવેંતમાં હતો પણ અજાણ્યા ગામમાં માહિતીને અભાવે અમે રસ્તામાં જ અટવાઈ પડ્યા. બપોરના બાર વાગવા આવ્યા હતા અને બા બાપુજીની ધીરજનો હવે અંત આવ્યો હતો એટલે નાછૂટકે અમારું મિશન અધૂરું છોડીને અમે આવ્યા હતા એ જ રસ્તે પાછા વળ્યા.

ફરીથી અમે ચિંચલી ગામના સાંકડા રસ્તા પરથી પસાર થયા. ગામ પૂરું થવા આવ્યું હતું આથી મોકાની જગ્યા જોઇને મેં ગાડીને થોભાવી દીધી. ઇગ્નીશન કી બંધ કરીને હું દરવાજો ખોલવા જતો હતો ને તથ્યએ  મારા નામનો સાદ પાડ્યો. એના ભણી નજર કરી તો જમણા હાથની હથેળી છાતી ભણી ટેકવીને એ મને ઇશારાથી કઈક કહી રહ્યો હતો. જેનો અર્થ થતો હતો:"મારા માટે પણ કઈક લેતા આવજો.દીકરો પેલી મોકાની જગાને બરોબર ઓળખી ગયો હતો એટલે એના કહેવાનો અર્થ સમજાતા મને વાર ન લાગી. યા ડ્યૂડ આઈ વિલ ડુ ધેટ. મિજાજથી જવાબ આપીને હું બહાર નીકળ્યો અને દાદર ચઢીને એ મોકાની જગ્યા પર ધીમેથી પ્રવેશ્યો. અંદર નજર માંડી તો આંખો પહોળી થઇ ગઈ. જમણી બાજુ પર શો કેસમાં જાતજાતની અને ભાતભાતની રમ, જીન, વોડકા અને વ્હીસ્કીની આકર્ષક બોટલો ગોઠવી હતી. એમાંથી કશું અમારા કામનું નહોતું એટલે મેં ડાબી બાજુ નજર ફેરવી. મસમોટા ફ્રીજમાં બિયરની અગણિત બોટલો ગોઠવી હતી. આમાંથી તથ્યને શું ખપમાં આવશે એ વિચારતા મેં ઉપર નજર ફેરવી તો સુંદર નાનકડી બોટલો જોઇને હું ખુશ થઇ ગયો. ૧૮૦ મિલી લીટરની એ આકર્ષક બોટલમાં રેડ વાઈન હતું. બે બોટલ રેડ વાઈનની ને બીજી અમારી સામગ્રી લઈને હું થોડા જ સમયમાં પાછો આવી ગયો.

દરવાજો ખોલીને એક નાની બોટલ મેં તથ્યના હાથમાં આપી દીધી. સુંદર અને આકર્ષક પેકીગ જોઇને એ ખુશ થઇ ગયો ને ઝડપથી ઢાંકણ ખોલીને એણે અંદર રહેલા પ્રવાહીનો આસ્વાદ લેવા માંડ્યો. વાહ! મસ્ત મજાનો ખાટોમીઠો સ્વાદ છે. થેંક યુ કમલ.એક જ ઘૂંટમાં એને રંગ ચઢવા માંડ્યો હતો. કહેવાની જરૂર નથી કે દહાણું પાછા પહોંચ્યા ત્યાં સુધીમાં તો એ બોટલ ખાલી થઇ ગઈ હતી. એપીટાઈઝરને કારણે હવે બરોબર કકડીને ભૂખ લાગી હતી. ગઈ કાલે ‘સી ફૂડ’ ખાવાની મજા નહોતી આવી એટલે આજે એ ઈચ્છા પૂરી કરવા માટે અમે થનગની રહ્યા હતા.

ફરીથી પેલો ત્રણ રસ્તા પરનો વળાંક આવ્યો ને જેવી મેં ગાડીને જમણી તરફ વાળી કે મી હાય કોળી” નામની નાનકડી રેસ્ટોરાંનું નામ નજરે ચઢ્યું. શેકેલી માછલીની સુગંધ ચારેકોર પ્રસરી રહી હતી. મજાની વાત એ હતી કે અમે અકસ્માતે એકદમ યોગ્ય જગ્યાએ આવી ચઢ્યા હતા. બાંગડા, સુરમઈ અને પાંપલેટ માછલીઓ તથા જિંગા, બૂમલા અને કરચલા ત્યાં એકદમ સ્થાનિક અને પરંપરાગત કોળી પદ્ધતિથી બનાવવામાં આવતા હતા. ફ્રાઈડ પાંપલેટ, ચોખાના રોટલા સાથે કોકમ ઉમેરીને બનાવેલી માછલીની ‘કરી’ અને જિંગા રાઈસ તૃપ્તિના ઓડકાર આણવા માટે પૂરતા હતા.

ચિંચલી, માછલી ને રેડ વાઈન ન મળ્યા હોત તો અમારી આ સફર આટલી રોમાંચક બની હોત ખરી!

ટિપ્પણીઓ નથી:

પાણીનો લોટો.

નિવૃત્તિ પછીના છઠ્ઠા મહિને જ બાપુજીને પક્ષાઘાત લાગુ પડ્યો. વેળાસરની સારવારને કારણે એ બેઠા તો થઇ ગયા પણ એમનાં જમણા હાથ અને પગમાં એની યાદગ...