સજોડે ચાલવું અમને ગમે છે. અલબત, વ્યસ્ત જીવનશૈલી અને કામના ભારણ વચ્ચે અઠવાડિયા દરમિયાન તો સાથે ચાલવાનું શક્ય બનતું નથી. પરંતુ, રવિવારની સાંજે આવી અમૂલ્ય તક અમને અચૂક મળી જાય છે.
ગઈકાલે સાંજે પણ અમે બંને ચાલતા ચાલતા ગમોટપુરા પહોંચી ગયા. ગમોટપુરા એ ચિખોદરા ગામનું એક નાનકડું પરુ છે. અમારા ઘરેથી ત્યાં પહોંચતા સુધીમાં લગભગ ૪૫ મિનિટનો સમય લાગે છે. ઝીરો ટ્રાફિક અને ઝીરો પ્રદૂષણ એ ગમોટપુરાને મળેલી અમૂલ્ય ભેટ છે. આવા વાતાવરણમાં ત્યાં ખેતરોમાં છૂટા છવાયા રહેતા લોકોની જીવનશૈલીના સાક્ષી બનવું એ પણ એક લહાવો છે.
લગભગ સાંજના છ વાગ્યે અમે ગમોટપુરાની સીમમાં પહોંચ્યા ત્યાં જ અમને એક ઘરનાં આંગણામાં ઝૂકી ઝૂકીને નમન કરી રહેલી જાંબુડીના દર્શન થયા. પાંદડા કરતાં જાંબુની સંખ્યા વધારે જણાતી હતી. લૂંબે ને ઝૂંબે પાકેલા જાંબુડાઓના વજનને કારણે નાનકડી જાંબુડી રસ્તાની કોરે નમી રહી હતી. એમાં પણ એક ડાળી તો એટલી બધી નીચે આવી ગઈ હતી કે માત્ર હાથ ફેલાવીને જ જાંબુડાઓને હાથવગા કરી શકાય.
દેશી જાંબુને જોતાવેંત અમારા મોંમાં પાણી આવી ગયું એટલે માલિકની પરવાનગી લઈને ખોબો ભરીને જાંબુ લઈને પછી એમનો આભાર માનીને અમે આનંદભેર ઘર ભણી ચાલવા માંડ્યું.
“બેન, ઊભા રહો. આટલાથી ન ચાલે. થોડા વધારે લેતા જાઓ.” માંડ પંદરેક ડગલાઓ અમે આગળ ચાલ્યા હઈશું ને માલિકનો અમને આગ્રહભર્યો સાદ સંભળાયો.
અમે પાછા વળ્યા એટલામાં તો એ હાથમાં વાંસી લઈને સજ્જ થઇ ગયા ને ઘરવાળાને અંદરથી મોટી મોદ લઇ આવવા માટે હુકમ કર્યો.
જેવી મોદને ચાર વ્યક્તિઓ પકડીને ઉભી રહી કે તરત જ માલિકે વાંસીને એક ડાળ ઉપર ભરાવીને બરોબર ઝંઝોળી નાંખી. બીજી જ પળે, પાકા જાંબુડાઓ વરસાદના કરાની માફક ટપ ટપ કરતાં મોદની અંદર ઝીલાવા માંડ્યા. ઘડીના છઠ્ઠા ભાગમાં લગભગ અઢી કિલો જાંબુ એકઠા થઇ ગયા.
“બસ. બસ. આટલા તો અમારા માટે પૂરતા છે.” એવું કહીએ એ પહેલાં તો માલિકે બીજી ડાળી ઉપર વાંસી ભરાવીને ઝંઝોળવાનું શરૂ કર્યું ને ફરી એક વાર જાંબુડાઓનો વરસાદ વરસ્યો.
માત્ર પાંચ સાત મિનિટની અંદર અઢી અઢી કિલોની બે પ્લાસ્ટીકની બેગ અમને હાથમાં સોંપતા પહેલાં માલિકે “દેશી જાંબુ છે. મધ જેવી મીઠાશ છે. ધરાઈને ખાજો ને ફરી જોઈએ તો બે ચાર દિવસમાં પાછા આવજો.“ કહીને ફરીથી આવવા માટે મોકળા મને અમને આમંત્રણ પણ પાઠવી દીધું.
ઘરે આવ્યા પછી દેશી જાંબુની મીઠાશ અમને જેટલી દાઢે વળગી એના કરતાં ક્યાંયેવધારે એ ઘરના સભ્યોના પ્રેમ, સહજતા અને ઉદારતા અમને હૈયે વળગ્યા.