લેબલ નવું વાંચન સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ નવું વાંચન સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

10 જાન્યુ, 2015

આંગળિયાત અને અકૂપાર.

વાંચવાની વેળા હતી ત્યારે નિરાંતે ગુજરાતીમાં શ્રી ગોવર્ધનરામ ત્રિપાઠીની મહાનવલ 'સરસ્વતીચંદ્ર' ને અંગ્રેજીમાં ચાર્લ્સ ડિકન્સની જાણીતી નવલકથા 'ડેવિડ કોપરફિલ્ડ' રસપૂર્વક માણી હતી. બંને ભાષાનાં દરેક પ્રકારનાં સાહિત્યનું રસપાન કરવાની અદભૂત તક મને સાંપડી હતી. આમછતાં, વર્ષોનાં એકધારા વાંચન પછી જો કોઈ કૃતિએ મને ઘેલો કર્યો હોય તો એ હતી; શ્રી જોસેફ મેકવાનની 'આંગળિયાત'. ચરોતરની પૃષ્ઠભૂમિમાં રચાયેલી એ કૃતિમાં ક્યાંક ને ક્યાંક મને મારી વાતો સંભળાતી હતી. એમાં વર્ણવેલાં સ્થળ અને કાળમાં મારી છાયા છુપાયેલી હતી. એની બોલી એ મારા વડવાઓની બોલી હતી. વાત મારી હોય, મારા સમાજની હોય તો એ કથા સાથે આત્મીયતા કેળવાય એમાં નવાઈ ન જ હોય!

એ વાતને એકાદ દસકા કરતાં વધારે સમય વીતી ગયો છે ને આજે મારા હાથમાં છે શ્રી ધ્રુવ ભટ્ટ રચિત 'અકૂપાર'. ન ચાહીનેય એની સરખામણી 'આંગળિયાત' સાથે અનાયાસે થઇ જાય છે. 'આંગળિયાત' સાથે તો મારે અનુબંધ છે જ પણ, અકૂપાર સાથે એવો દેખીતો કોઈ સંબંધ ન હોવા છતાં હું આત્મીયતા અનુભવી રહ્યો છું. નવ વર્ષની ઉંમરે ઝવેરચંદ મેઘાણીનું કાવ્ય "ચૌદ વર્ષની ચરણ કન્યા" શીખતાં શીખતાં ગીરનું ચિત્ર મારા મનમાં નખશિખ ઉપસી આવેલું ને બીજે જ વર્ષે પ્રાથમિક શાળામાં ગીરને પ્રવાસે ગયા ત્યારે એજ બધા ચિત્રો નજરોનજર નિહાળીને તાળો મેળવી જોયેલો. સમય વહેતો ગયો ને ગીર પ્રત્યેનો મારો પ્રેમ વધતો જ ગયો. એમાં ત્રીસીમાં પ્રવેશ્યા પછી તો અનોખી તક અનાયાસે ઉભી થઇ. લગભગ છ મહિના સુધી ગીરની એ અદભૂત ભૂમિમાં રખડપટ્ટી કરવાની તક મળી. ગીરનાં લોકો, બોલી, ખોરાક, પહેરવેશ, લોકગીતો ને લોકસંસ્કૃતિને હું સભાનપણે આત્મસાત કરતો ગયો. પરિણામ સ્વરૂપ "આખેઆખી ગીર મારામાં ઉગી નીકળી છે." એમ કહું તો અતિશયોક્તિ નહિ જ ગણાય.

આજ બધી વાતોને 'અકૂપાર'માં મેં અનુભવી છે. એમાં વાતો છે લોકોની - મહદઅંશે માલધારીઓની. કોણ છે આ માલધારીઓ? કુદરતનાં ઉપાસકો વળી. ગીર દીર્ઘાયુ છે, અજરામર છે. ગીર જો ટકી રહી હોય તો એનું મુખ્ય કારણ છે; માલધારીઓ. એ સિવાયના પાત્રોમાં કેન્દ્રસ્થાને છે સમગ્ર ચરાચર - આખી સૃષ્ટિ. ચિરપરિચિત આ પાત્રોને અકૂપાર થકી ફરી એકવાર જીવંત થયેલાં જોઉં ને અનુભવું છું ત્યારે મારે મારી આ 'ઘેલાં થવાની અવસ્થા'ને મનભરીને માણવી જ રહી. 

પાણીનો લોટો.

નિવૃત્તિ પછીના છઠ્ઠા મહિને જ બાપુજીને પક્ષાઘાત લાગુ પડ્યો. વેળાસરની સારવારને કારણે એ બેઠા તો થઇ ગયા પણ એમનાં જમણા હાથ અને પગમાં એની યાદગ...