9 સપ્ટે, 2017

પાણીનો લોટો.

નિવૃત્તિ પછીના છઠ્ઠા મહિને જ બાપુજીને પક્ષાઘાત લાગુ પડ્યો. વેળાસરની સારવારને કારણે એ બેઠા તો થઇ ગયા પણ એમનાં જમણા હાથ અને પગમાં એની યાદગીરીરૂપે કેટલીક આડઅસરો આજપર્યંત ટકી રહી છે. પરિણામે, ચાલવામાં એમને તકલીફ રહે છે.

આમ છતાં, દિવસ દરમિયાન તો એ પોતાના કામ જાતે જ આટોપી લે છે. હા, રાત્રિ દરમિયાન પાણી પીવાની ઈચ્છા થાય ત્યારે ‘ડીમ લાઈટ’ના અજવાળામાં ઠેઠ રસોડામાં પાણિયારા સુધી જઈને પાણી પીવું એમને માટે થોડું અગવડભર્યું બની રહે. આથી રોજના નિયમ મુજબ એમની સગવડતા સાચવવા માટે પાણી ભરેલો એક લોટો અમે એમની નજીક મૂકી રાખીએ. બા હજીપણ સ્વસ્થ અને તંદુરસ્ત છે એટલે રાત્રે સૂતા પહેલાં પાણીનો લોટો મૂકવાનું કામ હોંશે હોંશે કરતા રહે.

હવે બન્યું એવું કે, ગયા મહિને અમારે ત્યાં ચીકુન ગુનિયાનું આગમન થયું. જેનો શિકાર બા અને અમારા શ્રીમતિજી પણ બન્યા. પરિણામે, લોટો મૂકવાનું કામ મારે ભાગે આવ્યું. આમ જોઈએ તો, આ કામ ઘણું નાનું પણ મને યાદ રાખવાનું અઘરું પડે. આથી પહેલા જ દિવસથી મેં મારી માનસિક ઘડિયાળને “બાપુજી માટે પાણીનો લોટો મૂક્યા વિના પથારી ભેગો નહિ થાઉં” એવો મક્કમ નિર્ધાર કરીને તૈયાર કરી. બે ચાર દિવસ તો મારી આ રણનીતિ આબાદ કરી ગઈ.

પણ, ગઈકાલે હું દિવસભરના થાકને કારણે પડ્યો એવો જ નિદ્રાધીન થઇ ગયો ને મારા નિત્યક્રમમાં પણ ભંગ પડ્યો. હું તો ઘસઘસાટ ઊંઘી ગયો પણ પેલી માનસિક ઘડિયાળ સતત ટકોરો મારતી રહી ને “હું કંઈક ભૂલી ગયો છું.” એમ મને જણાવતી રહી એટલે બરોબર મધરાતે હું ઝબકીને જાગી ગયો.


અડધીપડધી ઊંઘમાં ખાસ્સો વિચાર કર્યો ત્યારે યાદ આવ્યો ‘પાણીનો લોટો.’ ઝટપટ ઊભા થઈને પાણિયારા પરથી પાણીનો લોટો ભર્યો, બાપુજીની નજીક મૂક્યો ને વળી પાછો પથારીમાં આવીને સૂઈ ગયો. હવે પેલા ટકોરો સંભળાતા નહોતા ને એવી મજાની ઊંઘ આવી કે એક જ  ઊંઘમાં સવાર પડી ગઈ. 

ટિપ્પણીઓ નથી:

પાણીનો લોટો.

નિવૃત્તિ પછીના છઠ્ઠા મહિને જ બાપુજીને પક્ષાઘાત લાગુ પડ્યો. વેળાસરની સારવારને કારણે એ બેઠા તો થઇ ગયા પણ એમનાં જમણા હાથ અને પગમાં એની યાદગ...