લેબલ પ્રવાસના સંસ્મરણો સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ પ્રવાસના સંસ્મરણો સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

7 મે, 2019

લૂંબે ને ઝૂંબે લટકતી હાફૂસ.

પર્વતની ટોચ ઉપર પુરાતન કાળમાં બંધાયેલા જર્જરિત પરંતુ, જાજરમાન ‘બાણકોટ’ કિલ્લાની મુલાકાત તથા કિલ્લાની ટોચ પરથી નીચે આવેલા અરબી સમુદ્રનાં હિલોળા લેતા અફાટ જળરાશિના સવારે સાડા દસે દર્શન કર્યા પછી હવે અમે તળેટીમાં આવેલા બાણકોટ ગામ (જી. રત્નાગીરી) તરફ જઈ રહ્યા હતા.

સર્પાકાર રસ્તો અને એકદમ સીધુંસટ ઉતરાણ હોવાને કારણે અમે સાવધાનીપૂર્વક ખૂબ ધીમી ગતિએ આગળ વધી રહ્યા હતા ત્યારે સામેનું અકલ્પનીય દૃશ્ય જોઇને અમારા આનંદ અને આશ્ચર્યનો પાર ન રહ્યો.

ઢોળાવવાળા સર્પાકાર રસ્તાની બંને બાજુએ આંબાના ઘટાદાર ઝાડ હતા અને એ ઝાડની ડાળીઓ ઉપર હાફૂસ કેરીઓ લૂંબે ને ઝૂંબે લટકી રહી હતી. અમારી કાર ભલે ધીમે ગતિએ આગળ વધતી હોય પણ, થોડું જ આગળ વધતા જયારે હાફૂસનો પહેલો ફાલ લેવાની સમગ્ર પ્રક્રિયા અમને નજરો નજર નિહાળવા મળી ત્યારે લાગ્યું કે અમારું નસીબ બમણી ગતિએ આગળ વધી રહ્યું છે.

બગીચાનો યુવામાલિક ‘નોમાન’ અને એમનાં સાથીદારો અત્યારે થોડો વિરામ લઈને વડાપાઉ આરોગી રહ્યા હતા. એ સુવર્ણ તકનો લાભ લઈને એમની સાથે વાતચીત કરવાના ઈરાદાથી અમે કારને વળાંક ઉપર થોભાવીને ‘હાફૂસના બગીચા’માં આનંદ અને ઉલ્લાસભેર પ્રવેશ કરી લીધો.

“સર, અત્યારે અમે આ હાફૂસનો પહેલો ફાલ લઇ રહ્યા છીએ. આ લાંબા વાંસની ઝોળી દ્વારા આંબા પર ચઢીને કેરીને જરા સરખી આંચ ન આવે એ રીતે અમે ઉતારી લઈએ છીએ ને ત્યારપછી એને પાણીથી સ્વચ્છ કરીને એના કદ અને આકાર અનુસાર એનું ગ્રેડીંગ કરવામાં આવે છે અને એ ગ્રેડીંગને આધારે એની કિંમત નક્કી કરવામાં આવે છે.” ગુજરાતથી ઠેઠ અહીં આવેલા જોઇને નોમાને હોંશભેર અમને આખી પ્રક્રિયા ટૂંકમાં સમજાવી દીધી ને સાથે સાથે પહેલવહેલી હાફૂસની શાખને કાપીને એક આખી ડીશ અમારી સામે ધરી દીધી.

“વાહ, વાહ ! શું અનેરો ને અદભૂત સ્વાદ અને સુગંધ છે! બાય ધ વે, હાફૂસમાં એવું તો કયું ખાસ તત્વ છે કે જેને કારણે એને ‘કેરીઓનો રાજા’ કહેવામાં આવે છે? અને એમાં પણ રત્નાગીરી હાફૂસની વાત જ શું કરવી?” હાફૂસનો આસ્વાદ લેતા લેતા જ અમે અમારા મનની વાત કરી.

“સર, અહીંનું અનોખું ભેજવાળું વાતવરણ અને ઢોળાવવાળી ખડકાળ જમીનને કારણે હાફૂસનું બંધારણ જ એવું ઘડાય છે કે એના રંગ, સુગંધ અને સ્વાદનો મુકાબલો કરવો શક્ય જ નથી. તમારે ત્યાં જો માત્ર એક જ પાકેલી હાફૂસ હોય તો આખું ઘર એની સુગંધથી તરબતર થઇ જાય. એ વન ગ્રેડની એક કેરી અમારા માટે તો સોનાની લગડી જેવી મોઘેરી જણસ ગણાય, કારણ, મોટાભાગની કેરીઓ વિદેશ મોકલવામાં આવે છે.” હાફૂસની જેમ નોમાનની વાતચીત કરવાની અદા પણ આજે તો અમને મીઠી અને માધુરી લાગી રહી હતી.

એની વે, આ હાફૂસનો જયારે ડઝનદીઠ ભાવ સાંભળ્યો ત્યારે અમને તો એ પણ ખાતરી થઇ ગઈ કે શા માટે હાફૂસને કિંમતની બાબતમાં પણ ‘રાજાઓનો રાજા” ગણવામાં આવે છે.

26 એપ્રિલ, 2019

લાખોમાં એક, ઓલીવ રીડલી.

“ડેડી, રન ફાસ્ટ. ઓલીવ રીડલીનું એક બચ્ચું દરિયા ભણી ધસી રહ્યું છે.” વહેલી સવારે સાડા છ વાગ્યે મહારાષ્ટ્રમાં રત્નાગીરી જીલ્લામાં આવેલા આંજાર્લે નામના રળિયામણા ગામના બીચ ઉપર હજી તો હું કારને પાર્ક કરું એ પહેલાં જ અધીરો દીકરો કાચબાના નવજાત બચ્ચાને જોવા માટે દોડીને અમારી પહેલાં પહોંચી ગયો હતો. 

અમે માનતા હતા કે આટલી વહેલી સવારે કાચબાના બચ્ચાને જોવા માટે કોણ નવરું હશે? પણ, જયારે અમે બીચ ઉપર પહોંચ્યા ત્યારે ત્યાં એકઠી થયેલી મેદનીને જોઈએ છક થઇ ગયા. મુઠ્ઠીમાં સમાઈ જાય એવડું એક નાનકડું બચ્ચું જીવન (દરિયો) ભણી ધીમે ધીમે ધસી રહ્યું હતું અને કુદરતની આ અજીબોગરીબ ઘટનાને આબાલવૃદ્ધ સહુ આનંદ અને અહોભાવથી માણી રહ્યા હતા. 

અમે પણ આણંદથી સાડા સાતસો કિલોમીટરનો પ્રવાસ ખેડીને આ એક માત્ર નવજાત બચ્ચાંને નિહાળવા માટે અહીં આવ્યા હતા. કાચબાનું બચ્ચું તો માત્ર એક જ હતું. પરંતુ, એ સામાન્ય બચ્ચું નહોતું. પણ, લાખોમાં એક એવા ઓલીવ રીડલી નામની દુર્લભ પ્રજાતિના કાચબાનું બચ્ચું હતું. 

ચારે બાજુ માણસોની ભીડ હોવા છતાં, આ બચ્ચું ધીમેથી પણ ભારે હિંમત અને આત્મવિશ્વાસથી દરિયા ભણી કૂચ કરી રહ્યું હતું. કારણ, આ ક્ષણ એના માટે મહાપ્રસ્થાનની ક્ષણ હતી. દરિયો જ એના માવતર અને દરિયો જ એનું હવે પછીનું જીવન હતું. જો આજે અને અત્યારે જ આ જીવનદાતા સાથે મેળાપ ન થયો તો હવે પછીના જીવનનું કોઈ ઠેકાણું નહોતું. 

ઓલીવ રીડલી કાચબાના દર હજારમાંથી માત્ર એક જ બચ્ચું પુખ્ત વય સુધી પહોંચી શકે છે અને જો એ બચ્ચું માદા હોય તો દુનિયાના ગમે તે મહાસાગરમાં ભમતું હોય પણ ઈંડા મૂકવા તો પોતાના જન્મસ્થળે જ પાછું આવે છે. 

થોડા વર્ષો પહેલાં, આવા બચ્ચાઓની દરિયા સુધી પહોંચવાની શક્યતા ઘણી પાંખી હતી, કારણ કે, માણસ એનો સૌથી મોટો દુશ્મન હતો જે ખૂણે ખાંચરેથી આ કાચબાના ઈંડાઓને શોધીને એનું ભક્ષણ કરી જતો હતો. પણ, ભલું થાજો કેટલાક પર્યાવરણપ્રેમી વ્યક્તિઓ, સંસ્થાઓ અને સરકારનું કે જેમણે આવા ભક્ષકોને સાચી સમજણ આપીને રક્ષક બનાવ્યા ને સાથે મળીને એમને બચાવવાનો, એમને રક્ષણ આપવાનો એવો તો ભગીરથ પ્રયત્ન કર્યો કે એમનાં આ પ્રયત્નોની દુનિયાભરમાં નોંધ લેવામાં આવી. 

આંજાર્લે, વેળાસ, કેળશી અને દરિયાને કાંઠે આવેલા અન્ય કેટલાક ગામોમાં આ નામશેષ થવા આવેલી પ્રજાતિના સંરક્ષણ માટે ભરપૂર પ્રયત્નો કરવામાં આવે છે. ફેબ્રુઆરી મહિનામાં જયારે માદા કાચબો એક સાથે સેંકડો ઈંડા એકથી દોઢ ફૂટ ઊંડા ખાડામાં મૂકી આવે છે ત્યારે આવા ઈંડાઓને શોધીને હેચરી (રક્ષિત જગ્યા) માં મૂકવામાં આવે છે અને ૪૫ કે ૫૫ દિવસ પછી જયારે બચ્ચું બહાર આવે ત્યારે એને સંભાળપૂર્વક દરિયામાં છોડી દેવામાં આવે છે. 

આ પ્રયત્નોનું સુખદ પરિણામ એ પણ આવ્યું છે કે એક પ્રવાસન સ્થળ તરીકેની અને ખાસ કરીને “કાચબા મહોત્સવ” તરીકેની એની ખ્યાતિ દિવસે ન વધે એટલી રાતે વધવા માંડી છે. માર્ચ અને એપ્રિલ મહિનાઓ દરમિયાન આ નાનકડું ગામડું નજીકમાં આવેલા પૂના અને મુંબઈ જેવા શહેરોમાંથી આવેલા પ્રવાસીઓથી ઉભરાવા માંડ્યું ને એ ઉપરાંત, દૂરથી આવનારા અમારા જેવા ભાગ્યશાળીઓની તો કોઈ ગણતરી જ નહિ. 

થોડી જ વારમાં દરિયામાં ગરકાઈ થઇ ગયેલું ઓલીવ રીડલીનું બચ્ચું તો ભાગ્યશાળી હતું જ પણ, સાથે સાથે અમે પણ એટલા જ ભાગ્યશાળી હતા કારણ કે, એ બચ્ચાના મહાપ્રસ્થાનના સાક્ષી બનવાની મહામૂલી તક અમને સાંપડી હતી. 

(ખાસ નોંધ: આ ઘટનાના સાક્ષી બનવાનો સમય માર્ચ અને એપ્રિલ એમ માત્ર બે મહિનાઓ માટે જ છે.)

25 એપ્રિલ, 2019

ભીની રેતમાં રમતું માછલી બજાર.

“અહીંથી ડાબી બાજુની ગલીમાં વળી જાઓ. બે મિનિટમાં અમારા ખ્યાતનામ માછલી બજારમાં પહોંચી જશો.” સવારના લગભગ નવ વાગ્યે, દાપોલી નજીક આવેલા હરણાઈ નામના નાનકડા ગામમાં એક અજાણ્યા ગ્રામજને અમને ટૂંકો ને ટચ રસ્તો બતાવ્યો.

ગલી વટાવીને અમે આગળ વધ્યા તો સામે જ અમને અરબી સમુદ્રનાં દર્શન થયા. ભીની રેતીમાં થોડું આગળ વધીને અમે કારને પાર્ક કરીને આગળ વધ્યા તો કરોડોનો કારોબાર ધરાવતા હરણાઈના ફરતા ગાળામાં ખૂબ જાણીતા રીટેલ અને હોલસેલ એમ બંને માછલી બજારનાં દર્શન થયા.

જમણી બાજુ મોટી દુકાનો હતી અને એની આગળ તોતીંગ વાતાનુકુલિત ટ્રકો પોતાનો વારો ક્યારે આવે એની રાહ જોતી ઉભી હતી. બીચની બરોબર મધ્યમાં માછલી વેચનારી બહેનો પોતાનો સરંજામ સુવ્યવસ્થિત ઢબે ગોઠવીને બેઠી હતી.

એક બાજુ, પાંપલેટ, સુરમઈ, બાંગડા જેવી કેટલીક જાણીતી તો ઘણી બધી અજાણી જાતની માછલીઓ, વિવિધ કદ અને આકારના જિંગા તથા કરચલાઓને વેચાણ માટે હારબંધ રીતે ગોઠવવામાં આવ્યા હતા તો બીજી બાજુ, નાની મોટી સૂકી માછલીઓ તથા જિંગાનો વેપાર ચાલી રહ્યો હતો. જો ઉપરથી ડ્રોન દ્વારા ફોટો લેવામાં આવે તો આખો કાટખૂણો એવો તો સુંદર ને ભાતીગળ રચાયો હતો કે જાણે ભીની રેતીમાં રંગોળી ન ઉપસી આવી હોય ! વેપાર ધમધમી રહ્યો હતો પરંતુ, ઘૂઘવતા સમુદ્રનાં મોજાનાં ઘુઘવાટા સિવાય વાતાવરણ શાંત અને નીરવ હતું.

માછલી બજારને નીરખવામાં ઘણો સમય વિતાવ્યા પછી અમે ડાબી બાજુએ આવેલા સમુદ્ર ભણી નજર માંડી તો સામેનું દૃશ્ય જોઇને આભા જ થઇ ગયા. કારણ, ત્યાં વિલંબિત તાલમાં અને ચોક્કસ લયમાં જીવન ધબકતું હતું. સમુદ્રમાં થોડે જ દૂર કતારબંધ ઉભેલા નાના નાના હોડકાઓ પવનની સાથે સાથે ઝોલાં ખાઈ રહ્યા હતાં. કિનારાના પાણી ઉપર માણસોની ચહલપહલ હતી એમાં કંઈ નવાઈ નહોતી પણ, આશ્ચર્યની વાત તો એ હતી કે એ પાણીમાં બળદગાડાઓની ઘૂઘરીઓનો અવાજ પણ સંભળાઈ રહ્યો હતો.

“અમારું ગામ હરણાઈ બંદર તરીકે ખ્યાતનામ છે પણ, આ બંદર ઉપર કોઈ ડોક જ નથી કે જ્યાં સ્પીડબોટ લાવીને માછલાંઓને સીધે સીધા વાહનોમાં ગોઠવી શકાય. આથી આ નાના હોડકાઓ જતી વેળાએ સ્પીડ બોટના નાવિકો માટે સીધું સામાન, બરફ, ડીઝલ તથા અન્ય વસ્તુઓ લઇ જાય છે અને પરત આવતી વેળાએ માછલાંઓ ભરીને આવે છે. વળી, કિનારાની બિલકુલ નજીક આવ્યા પછી એ હોડકાઓને દુકાનમાંથી ખરીદેલો સામાન પૂરો પાડવાનું તથા માછલાં ભરી લાવવાનું કામ આ બળદગાડાઓ દ્વારા પાર પાડવામાં આવે છે.”
જો ત્યાંના એક સ્થાનિક માછીમારે આ વાત અમને સમજાવી ના હોત તો સ્પીડબોટ, હોડકાઓ, બળદગાડા અને બજાર વચ્ચેની અજોડ અને અદભૂત કડીઓ અમારા માટે કદાચ કાયમનું રહસ્ય બની રહેત.

આજે હરણાઈના માછલી બજારમાં વિલંબિત તાલમાં પણ ચોક્કસ લયમાં ગ્રામ્ય જીવન ધબકી રહ્યું હતું અને એ જીવનમાં, એ વાતાવરણમાં સમુદ્રના મોજાનાં ઘુઘવાટા અને બળદગાડાની ઘૂઘરીઓ સિવાય કોઈ ઘોંઘાટ કે કોઈ કોલાહલ વરતાતો નહોતો.

બરોબર બે કલાક પછી અમે જાણે કશુંક ગુમાવીને પાછા ન વળતા હોઈએ એમ ભારે અને ભગ્ન હૃદયે પાછા વળ્યા. પરંતુ, એ દિ ને આજની ઘડી સુધી આદિલ મન્સુરીની અદભૂત ગઝલની પંક્તિઓ નજીવા ફેરફાર સાથે;

“ભીની રેતમાં રમતું 
હરણાઈનું માછલી બજાર મળે ના મળે. 
ફરી આ દૃશ્ય સ્મૃતિપટ પર મળે ના મળે.”

મારા મન અને હૃદયનો કેડો નથી મેલતી.

24 એપ્રિલ, 2019

કોંકણનાં કોકમ અને કોપરાં.

પ્રવાસના પહેલા દિવસે અમે સવારે છ વાગ્યે ઘરેથી નીકળી ગયા હતા ને મુંબઈ બાયપાસ કરીને જયારે અમે નક્કી કરેલા પાલી નામનાં ગામે પહોંચ્યા ત્યારે રાતના આઠ વાગી ચૂક્યા હતા. આમ છતાં, બીજા દિવસે પણ અમે સવારે છ વાગ્યાથી ડ્રાઈવની શરૂઆત કરી દીધી કારણ, અમારી મંઝિલ સુધી પહોંચવામાં હજી પાંચેક કલાક લાગે એમ હતા. 

લોણારી ગામથી છેલ્લા પાંસઠ કિલોમીટરનું અંતર અમારે માટે આહલાદાયક અનુભવ બની રહ્યો કારણ, રસ્તો સર્પાકાર હતો અને ચઢાવ ઉતરાણવાળો પણ હતો. પશ્ચિમ ઘાટના ઉતુંગ શિખરો અને ઘટાટોપ જગલને કારણે આવા સુંદર રસ્તાનો ક્યારેય અંત ન આવે એવું અમે મનોમન ચાહતા હતા. 

દાપોલી નજીક આવેલા આંજાર્લે નામના ગામે અમે પહોંચ્યા ત્યારે લગભગ બાર વાગવા આવ્યા હતા. ત્યાંથી ત્રણેક કિલોમીટર દૂર દરિયાને બિલકુલ કાંઠે આવેલા ‘વ્હીસ્લીંગ વેવ્સ’ નામના રિસોર્ટમાં અમે પહોંચ્યા ત્યારે શેકાઈ રહેલી માછલીની સુગંધને કારણે અમારી ભૂખ બરોબર ઉઘડી ચૂકી હતી. 

“સર, જમવામાં ફીશ થાળી છે. આપને ફાવશે?” વેઈટરે અમારી પસંદગી પૂછી જોઈ. 

“ફીશ થાળી?” ડીશને બદલે થાળી શબ્દ સાંભળ્યો એટલે અમને ગુજરાતી થાળી યાદ આવી ગઈ. 

“હા, થાળી મળશે. એક થાળીના રૂ. ૩૦૦ થશે.” વેઈટરે સ્પષ્ટતા કરી. 

“કશો વાંધો નહિ. બે થાળી આવવા દો.” કિંમત અમને વધારે લાગી છતાં ઓર્ડર આપી દીધો. 

અડધા કલાક પછી અમે ફ્રેશ થઈને ભોજનખંડમાં પ્રવેશ્યા ત્યારે જમવાની થાળી તૈયાર હતી. એ થાળીને જોઇને અમે ખુશ ખુશ થઇ ગયા, કારણ કે. લાંબા સમય પછી આજે અમને તાજી અને સ્વાદિષ્ટ માછલી ખાવા મળવાની હતી. 

થાળીમાં શેકેલી સુરમઈ માછલીના બે મોટા ટુકડા હતા અને એક મધ્યમ કદના વાટકામાં જિંગા અને માછલીની ‘કરી’ હતી. સાથે સાથે સોન કઢી, પૌઆના પાપડ, ચોખાની રોટલી અને ભાત પણ હતા. કોંકણ સ્ટાઈલમાં શેકાયેલી માછલી પૂરી થતાં વાર ન લાગી. 

“ડેડી, ઓસમ ફૂડ છે.” ચોખાની રોટલીને કરીમાં ડુબાડીને બટકું ભરતાં વેંત તથ્યથી વખાણ કર્યા વિના ન રહેવાયું. 

“હા હોં, સ્વાદ પરથી તો કોકમ, કોપરાં અને કઢી પત્તાનો ભરપૂર ઉપયોગ કર્યો હોય એમ લાગી રહ્યું છે.” અમારા માસ્ટર શેફ શ્રીમતિજીએ પણ પોતાના જ્ઞાનની અમારી સાથે વહેચણી કરી. 

બે થાળીને ધીમે ધીમે લહેજતથી પૂરી કરી રહ્યા ત્યાં સુધીમાં તો કોકમ, કોપરાં અને કઢી પત્તાનો સ્વાદ એવો તો દાઢે વળગી ચૂક્યો હતો કે હવે પછી બાકી રહેલા ચારે ચાર દિવસ બપોરના ભોજનમાં અમે કોંકણ થાળી સિવાય બીજું કશું જ નહિ ખાઈએ એમ સર્વાનુમતે નક્કી કરી લીધું. 

(ખાસ નોંધ: કોંકણમાં આપણે ત્યાં મળે છે એવી ડીશ કે હાંડી મળતા નથી. પરંતુ, માછલીનાં કદ અને પ્રકારને આધારે આખી થાળી મળે છે જેની કિંમત પણ અલગ અલગ હોય છે.)

23 એપ્રિલ, 2019

કામણગારું કોંકણ.

“જો દીકરા સામે જો. કેવા સુંદર અને રળિયામણા ગામડાંઓ છે. દરિયાને કિનારે વસેલા આ ગામડાંઓને જોઇને વેનીસની યાદ આવી જાય છે.” કોંકણ પ્રવાસના ચોથા દિવસે અમે અરબી સમુદ્રની સમાંતર ડ્રાઈવ કરી રહ્યા હતા ત્યારે મેં દીકરાની સ્મરણશક્તિને ટકોરો મારી જોયો. 

“સાચી વાત છે, ડેડી. તમે ઈટાલીમાં આવેલા નહેરોના નગરની વાત તો નથી કરી રહ્યા ને ! પણ, મને તો વેનીસ અને આ વિસ્તારમાં ઘણો ફેર દેખાઈ રહ્યો છે.” સુંદર દૃશ્યો જોઇને પ્રભાવિત થયેલા દીકરાની સ્મરણશક્તિની સાથે સાથે નિરીક્ષણ શક્તિ પણ ધાર બતાવી રહી હતી. 

“વેનીસ એ નગર છે. જયારે આપણે જે જોઈ રહ્યા છીએ એ તો ગ્રામ્ય વિસ્તાર છે. ત્યાં રસ્તાઓ નથી, જયારે અહીં સર્પાકાર વળાંકોવાળા મજાના રસ્તાઓ છે. બીજી વાત, વેનીસ નહેરોને કિનારે વસેલું છે. જયારે આ ગ્રામ્ય વિસ્તાર દરિયાને કિનારે આવેલો છે અને સૌથી નોંધપાત્ર વાત તો એ છે કે અહીં દરિયાની લગોલગ આભને આલિંગન આપતા પહાડો અને બાજુમાં ઘટાટોપ જંગલ આવેલું છે. દરિયો, ડુંગર અને જંગલોનો આવો ત્રિવેણી સંગમ બીજે ક્યાં જોવા મળે!” એપીક, ડિસ્કવરી અને ટ્રાવેલ એક્સ પી જેવી ચેનલો જોઇ જોઇને ઉછરી રહેલો દીકરો આજે એકદમ ખીલી ઉઠ્યો હતો. 

વહેલી સવારે આઠ વાગ્યે જ અમે પ્રવાસનો આરંભ કરી દીધો હતો. દાપોલી, હરણાઈ અને આંજાર્લે જેવી અદભૂત જગ્યાઓની મહેમાનગતિ માણીને આજે અમે મુરૂડ જંજીરા ભણી પ્રયાણ કરી રહ્યા હતા. મહારાષ્ટ્રમાં આવેલો આ આખો પટ્ટો કોંકણ તરીકે ઓળખાય છે. રસ્તામાં કેળશી, દીઘે, બાણકોટ અને વેળાસ જેવા નાના પણ રમણીય ગામડાંઓ નિહાળીને આંખોને ઠંડક વળતી હતી. 
રસ્તાની ડાબી બાજુ દરિયો હતો અને જમણી બાજુએ પહાડો તથા ખીણ પ્રદેશમાં ખીલેલું જંગલ હતું. ગામના રસ્તાઓ સાંકડા હતા પણ સ્વચ્છ, સુંદર અને સર્પાકાર હોવાથી ડ્રાઈવિંગનો આનંદ અવિસ્મરણીય બની રહ્યો હતો. 

દરિયાની ખાડીની બંને કિનારે રળિયામણા ગામડાંઓ વસેલા હતા. ગામઠી શૈલીમાં બનેલા નાનકડા ઘરો એકબીજાની લગોલગ હતા અને મોટે ભાગે દરેક ગામમાં આધુનિક બાંધકામ ધરાવતી મસ્જીદો મોજૂદ હતી. 

એક ગામથી બીજે ગામ જવા માટે ખાડી પસાર કર્યા વિના કોઈ આરોઓવારો નહોતો. કેટલાક ગામોની વચ્ચે પુલ હતો તો વળી કેટલીક જગ્યાઓએ “રો રો ફેરી - જેમાં કાર, બસ અને ટ્રકને પણ વહન કરવામાં આવતા હતા.) નો ઉપયોગ કરવો પડતો હતો. આવી બે જગ્યાઓએ અમે અમારી કારને બોટમાં ગોઠવીને ખાડીને પસાર કરી હતી. 

છેલ્લી વાર કાર સહિત બોટમાં બેસીને ખાડીને પસાર કરીને જયારે અમે જંજીરા પહોંચ્યા ત્યારે ભોજનનો સમય થઇ ચૂક્યો હતો. પણ, કામણગારા કોંકણનો જાદુ અમારા ઉપર એવો તો છવાઈ ચૂક્યો હતો કે હજી પણ અમારી ભૂખ ઉઘડી નહોતી. 







26 જાન્યુ, 2019

સાઈબેરીયન ક્રેનનો સાદ.

“ડેડી, જમણી બાજુ જુઓ. સાઈબેરીયન ક્રેન દેખાઈ રહ્યા છે.” ભરતપુર આગ્રા હાઈવે ઉપર હું એકચિત થઈને કાર ચલાવી રહ્યો હતો ત્યારે સાઈબેરીયન ક્રેનનું નામ માત્ર સાંભળીને મારું ધ્યાન ભંગ થઇ ગયું. કારને થોડી ધીમી પાડીને જમણી બાજુ નજર કરી તો કતારબંધ બગલાઓ આકાશમાં વિહાર કરતાં જોવા મળ્યા.

હા, આ એજ બગલાઓ હતા જેને નિહાળવા માટે અમે આણંદથી ઠેઠ ૯૦૦ કિલોમીટર દૂર આવેલા ભરતપુર સુધી પહોંચી ગયા હતા. એ દિવસે તો અમે અમારા કાર્યક્રમ મુજબ અમારો સમય તાજના સાંનિધ્યમાં વિતાવ્યો. પરંતુ, બીજા દિવસે લગભગ પોણા સાત વાગ્યે અમે અમારા મિત્ર દંપત્તિ સૂકેશ અને સલોની સાથે સાઈકલ લઈને “ઘાના કેવલાદેવ નેશનલ પાર્ક” અથવા “ભરતપુર પક્ષી અભયારણ્ય”માં વિહાર કરવા માટે તૈયાર હતા.

લગભગ ત્રણ કિલોમીટર સુધી અમને ઝાડી ઝાંખરાઓ જ જોવા મળ્યા. અલબત, એમાં પણ રખડપટ્ટી કરીને શોધખોળ આદરીએ તો ઘણાં દેશી પક્ષીઓની સાથોસાથ અજાણ્યા પક્ષીઓ જોવા મળી જાય. અમે પણ, કેટલાક ગીધ અને ઘુવડને જીવનમાં પહેલી વાર જોયા. ત્યાંથી આગળ વધતા પાર્કનું પ્રવેશદ્વાર આવ્યું. એક નીલગાયનું બચ્ચું આ પ્રવેશદ્વાર આગળ જ અમારું સ્વાગત કરવા માટે તૈયાર હતું.

આ પ્રવેશદ્વારને વટાવ્યા પછી તરત જ ગાઢ વનરાજી જોવા મળે છે. જ્યાં વિવિધ પ્રકારના વૃક્ષોની હારમાળા જોવા મળે છે. વચ્ચે નાનકડો વિરામ લેતાં લેતાં અમે આગળ વધી રહ્યા હતા ને અચાનક દક્ષિણમાંથી પક્ષીઓનો કલરવ સાંભળવા મળ્યો. એકસાથે આટલો બધો કલશોર મચાવનારા પંખીઓ કેવા હશે અને ક્યાંથી આવ્યા હશે એનો વિચાર કરીએ એ પહેલાં તો અમે રસ્તાની ડાબી બાજુએ આવેલા કુત્રિમ તળાવને કિનારે આવી પહોંચ્યા હતા અને વિચારોમાંથી બહાર આવીને સામેનું દૃશ્ય જોતાવેંત મંત્રમુગ્ધ થઇ ગયા.

તળાવની અંદર આવેલા વૃક્ષો ઉપર અમને અનેક પ્રજાતિના બગલાઓ એમનાં બચ્ચાંઓ સાથે જોવા મળ્યા. નર અને માદા બંને પોતાના બચ્ચાંઓની શ્રુસેવામાં લાગી ગયા હતા. કેટલાક પક્ષીઓ આજુબાજુથી લાવેલા તણખલાંઓની મદદથી પોતાના માળાને મજબૂત બનાવી રહ્યા હતા તો વળી કેટલાક પક્ષીઓ બચ્ચાંઓને ખોરાક આપવામાં વ્યસ્ત હતા.

દેશ વિદેશથી માઇલોનું અંતર કાપીને આ પક્ષીઓ પોતાના બચ્ચાંઓના ઉછેર માટે અહીં આવીને શિયાળો પૂરતો ધામો નાંખે છે ને બચ્ચાંઓ થોડા મોટા થયા પછી પોતાને વતન પરત ચાલ્યા જાય છે.

પોતાનાં બાળકોને ઉછેરી રહેલા આ પક્ષીઓની ગતિવિધિઓ નિહાળવામાં અમે એવા તો મશગૂલ અને તલ્લીન થઇ ગયા હતા કે જો અમને ભૂખ ના લાગી હોત તો અમે પણ ત્યાં જ ધામો નાંખીને રહી ગયા હોત.


(નોંધ: અફઘાન શિકારીઓની ભૂખ અને લાલચને કારણે હવે “ધ ગ્રેટ સાઈબેરીયન ક્રેન” હવે જોવા મળતા નથી.)

રાજસ્થાન - બગલાઓનો દેશ.

“વાહ! કેવું સુંદર અને મજાનું સરોવર છે.” પાંચમા ધોરણમાં માત્ર નવ વર્ષની વયે પહેલી વાર મેં રાજસ્થાનના માઉન્ટ આબુમાં પગ મૂક્યો અને ડુંગરોની વચ્ચોવચ્ચ આવેલું નખ્ખી સરોવર જોઇને ભાવવિભોર થઇ ગયો. ત્યાર પછી અમે ક્રમશઃ ટેડ રોક, ગુરુ શિખર, અચલગઢ, દેલવાડાના દેરા, અદ્ધરદેવી, ગૌમુખ અને સન સેટ પોઈન્ટ જેવા રમણીય સ્થળોની મુલાકાત લીધી. અલબત, એ વેળાએ રાજસ્થાનમાં આ તો હજી પાશેરામાં પહેલી પૂણી જ છે એવી સમજણ નહોતી એટલે મેં માની લીધું કે રાજસ્થાન એટલે ડુંગરો, જંગલો અને સરોવરો ધરાવતો સુંદર અને રળિયામણો પ્રદેશ.

ત્યાર પછી બરોબર ૨૧ વર્ષની વયે મેં જયપુરમાં પગ મૂક્યો. ભવ્યાતિભવ્ય આમેરનો કિલ્લો અને અનન્ય કૃતિ શીશમહેલમાંથી બહાર નીકળવાનું મન થતું નહોતું. ત્યાંથી પાછા વળતી વેળાએ જલમહેલ જોયો ને શહેરની અંદર હવા મહેલ, જંતર મંતર અને સીટી પેલેસ રાજસ્થાન પ્રત્યેના મારા દૃષ્ટિકોણને બદલવામાં નિમિત બન્યા.

ત્યાંથી પાછા વળતા પ્રસિદ્ધ યાત્રાધામો અજમેર અને પુષ્કરની ઊડતી મુલાકાત લીધી ને ત્યાર પછી અમે પહોંચ્યા સરોવરોના શહેર ઉદયપુરમાં. પીછોલા લેક અને ફતેસાગર લેકની સુંદરતા ઉદયપુરની દર વર્ષે મુલાકાત લેવામાં નિમિત બનવાની હતી એની તો અમને ક્યાંથી જાણ હોય! પણ, ત્યાર પછી અમે સતત ઉદયપુરની મુલાકાત લેતા રહ્યા. ઈતિહાસને પોતાની અંદર સાચવીને બેઠેલો સીટી પેલેસ અમારું માનીતું સ્થળ બની રહ્યું.

હવેથી જો પ્રવાસ કરવો હોય તો રાજસ્થાન સિવાય બીજે ક્યાંય નજર ન દોડાવવી એમ નક્કી કરીને અમે લગભગ દર વર્ષે બે વર્ષે ત્યાંની મુલાકાત લેતા રહ્યા. જેમાં હલ્દીઘાટી, ચિતોડ ગઢ, કુંભલગઢ, બીકાનેર અને જોધપુરનો સમાવેશ થતો હતો. આ બધા જ સ્થળોએ રહેલા અદભૂત કિલ્લાઓ અને મહેલો નિહાળીને અમે માન્યું કે રાજસ્થાન એટલે રાજા રજવાડાઓનો દેશ, ઐતિહાસિક વારસો અને વિરાસત ધરાવતો ખમીરવંતો પ્રદેશ.

નજર પહોંચે ત્યાં સુધી રેતી જ રેતી ધરાવતા જેસલમેરના રણમાં સોનેરી પથ્થરોથી ચમકતો મહેલ જોઇને અમે આભા જ બની ગયા. જેસલમેરના રણમાં ગાળેલી એક અનોખી સાંજ અમારા પ્રવાસના સંસ્મરણોમાં સીમાચિન્હરૂપ બની ગઈ. આથમતા સૂરજના સાંનિધ્યમાં અમે રેતીના ડુંગરો પરથી આળોટતા રહ્યા ને કેમ્પમાં પાછા વળીને રાજસ્થાની લોકગીત સંગીત સાથે એકરૂપ થઇ ગયા. હવે અમે માન્યું કે, રાજસ્થાન એટલે અફાટ રેતી ધરાવતો રણપ્રદેશ અને લોકગીત સંગીતના આરોહ અવરોહથી થરકતો ધબકતો રોમાંચક પ્રદેશ.

જીવનનાં ચોથા દાયકામાં જયારે ફરી એક વાર મેં રાજસ્થાનમાં પગ મૂક્યો ત્યારે મને લાગ્યું કે રાજસ્થાન એટલે બગલાઓનો દેશ. રાજસ્થાનની સરહદ ઉપર આવેલા ભરતપુર પક્ષી અભયારણ્યમાં અમને એવો અલૌકિક અનુભવ થયો કે જે અમારા રાજસ્થાનના અગાઉના બધા જ અનુભવોમાં શિરમોર અને ચઢિયાતો બની રહ્યો.

માત્ર ને માત્ર બચ્ચાંઓના ઉછેર માટે દૂર દેશાવરથી અહીં આવતા બગલાઓ તણખલાંઓથી સજાવેલા માળામાં રહેલા પોતાના બચ્ચાંઓને ખોરાક આપતી વેળાએ જાણે કહી રહ્યા હતા કે રાજસ્થાનમાં રણ છે, સરોવરો છે, ડુંગરો છે, જંગલો છે, મહેલો છે, કિલ્લાઓ છે, ગીતો છે, સંગીત છે ને વિશાળ હૃદય ધરાવતા લોકો છે એટલે જ રાજસ્થાન આપણો દેશ છે.

(ફોટો સૌજન્ય: ગુગલ)

ગરમાગરમ પુરી અને કચોરી.

“ડેડી, સામે પેલા તાવડાની નીચે જુઓ તો ખરા!” ગરમા ગરમ પુરીની હું લહેજત માણી રહ્યો હતો એ જ વેળાએ તથ્યએ મારા શર્ટનું કોલર પકડીને મને સામેનું દૃશ્ય બતાવ્યું. સામેનું દૃશ્ય જોતાવેંત અમારા ચારેયના ગળામાં પુરીઓ એ રીતે અટવાઈ ગઈ કે જાણે હમણાં જ બહાર આવી જશે.

સવારના બરોબર સાત વાગ્યે અમે ભરતપુરથી આગ્રા આવવા માટે નીકળ્યા હતા. એક એક ખાખરો ખાઈને નીકળ્યા હોવાને કારણે અત્યારે અમને કકડીને ભૂખ લાગી હતી. રસ્તામાં તથ્યની ‘ધ ગ્રેટ સાઈબેરીયન ક્રેન’ વિશેની અદભૂત વાતો સાંભળવામાં ને સાંભળવામાં અમને ક્યારે આગ્રા આવી ગયું એનું ભાન જ ના રહ્યું.

મુખ્ય રસ્તો છોડીને જેવા અમે મુખ્ય બજાર ભણી પ્રવેશવા જતા હતા કે ડાબી બાજુએ કચોરી સમોસા બનાવતી એક સાથે ચાર દુકાનો જોઈ. ગરમા ગરમ પુરી, કચોરી અને સમોસાની સુગંધથી આકર્ષાઈને અમે ત્યાં જ કારને થોભાવી દીધી.

જે દુકાન પર સૌથી લાંબી લાઈન હતી એ લાઈનમાં અમે પણ જોડાઈ ગયા ને ફટાફટ સમોસા લઈને ખાવા મંડી પડ્યા. સમોસા પછી કચોરી અને છેલ્લે એકેએક પુરીનો આસ્વાદ માણવામાં અમે મશગૂલ હતાં ને તથ્યએ તાવડા નીચેનું દૃશ્ય અમને બતાવ્યું.

દુકાનનાં પગથિયાની બરોબર પાસેથી ગટર ગંગા વહી રહી હતી અને એ ગંગાની ઉપર તાવડા અને થડાને ગોઠવવામાં આવ્યા હતા. દુકાનની અંદરથી વણાયેલી કાચી સામગ્રી તાવડામાં બરોબર તળાયા પછી થડામાં ગોઠવવામાં આવતી હતી અને ત્યાંથી જ ગ્રાહકોને નાનકડા પડીયામાં પીરસવામાં આવતી હતી.

ભૂખ બરોબર કકડીને લાગી હોવાને કારણે આ આખું દૃશ્ય અમે અજાણતામાં જ નજર અંદાજ કરી દીધું હતું ને ટેસથી ગટર પરની પુરી, સમોસા અને દાળની કચોરીને અમે પેટમાં પધરાવી દીધાં હતાં.

એની વે, ‘અબ પછતાયે ક્યા હોવત હે’ એમ માનીને ગળામાં અટવાયેલી પુરીને મેં પ્રયત્નપૂર્વક પેટમાં પધરાવી દીધી ને ત્યાર બાદ ગરમા ગરમ જલેબી ખાવા માટે લાઈનમાં ફરીથી જોડાઈ ગયો.

(ખાસ નોંધ: ઉત્તર પ્રદેશના કંદોઈઓ એ ખુલ્લી ગટરમાં રહેલા ગેસનો સદ્પયોગ કરતાં હોય તો આશ્ચર્ય ન થવું જોઈએ કારણ કે, ત્યાં ચોરે ને ચૌટે (મથુરા અને વૃંદાવનમાં પણ) આવા દુર્લભ દૃશ્યો જોવા મળે છે.)

ચુનીલાલની પ્રતિકૃતિ.

”સર, મારું નામ ચુનીલાલ છે. કંઈપણ કામ હોય તો નિઃસંકોચ જણાવજો.” બેસતા વર્ષને દિવસે જયપુરથી બપોરે ત્રણ વાગ્યે નીકળીને ઉદયપુર વહેલા પહોંચવાની લાયમાં ને લાયમાં અમે અત્યારે રાત્રિના સવા અગિયાર વાગ્યે નાથદ્વારા હાઈવે ઉપર આવેલી ગોકુળધામ હોટેલમાં ચેક ઇન કરી રહ્યા હતા ત્યારે ચુનીલાલે અમારો મોટા ભાગનો સામાન રૂમમાં વ્યવસ્થિત ગોઠવી દીધો.

“ચુનીલાલ, બીજું તો કંઈ જોઈતું નથી. પણ, નહાવા માટે રૂમાલ અને પીવાનું પાણી હોય તો લાવી આપો.” રૂમમાં અછડતી નજર મારીને ચુનીલાલને મેં વિનંતી કરી.

“આ લો, સર. પીવાનું પાણી અને રૂમાલ.” થોડી જ વારમાં નીચે જઈને ઉત્સાહી ચુનીલાલ બંને વસ્તુઓ ફટાફટ લઇ આવ્યા.

બીજા દિવસે સવારે પોણા આઠ વાગ્યે ચુનીલાલ ફરી એકવાર ભજન ગણગણતા હાજર થઇ ગયા ને અમારો સામાન નીચે લઇ જવામાં મદદરૂપ બન્યા.

કારમાં સામાન ગોઠવીને અમે બાજુમાં આવેલી રેસ્ટોરન્ટમાં નાસ્તો કરવાનું નક્કી કર્યું ત્યારે ચુનીલાલ કાચના મુખ્ય દરવાજાને સાફ કરવામાં લાગી ગયા હતા.

અડધા કલાક પછી પાછા વળ્યા ત્યારે હજીપણ ભજનનો ગણગણાટ સંભળાઈ રહ્યો હતો. કાચના દરવાજાને ચકચકિત કરીને ચુનીલાલ હવે આંગણાની સાફસફાઈમાં વળગી ગયા હતા.

“સર, આપસહુને નવા વર્ષની શુભેચ્છાઓ! દર વર્ષે આવતા રહેજો.” અમને એમ હતું કે બોણીની અપેક્ષાએ ચુનીલાલ અમારું ધ્યાન ખેંચવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. પણ, અમારી ધારણા ધરાર ખોટી ઠરી. અમને શુભેચ્છાઓ પાઠવીને ચુનીલાલ ભજન ગાતાં ગાતાં પોતાના કામમાં ફરી પાછા વ્યસ્ત થઇ ગયા હતા.

કાર નજીક જઈને અમે બંને પતિપત્ની તરત પાછા વળ્યા ને ચુનીલાલના હાથમાં એક કડકડતી નોટ “તમને પણ નવા વર્ષની શુભેચ્છાઓ!” કહીને સરકાવી દીધી.

“આભાર સર.” ઠેઠ ઉદયપુર સુધી કારના વિન્ડસ્ક્રીન પર નિસ્વાર્થ, પ્રામાણિક અને મહેનતુ ચુનીલાલની હાથ જોડેલી પ્રતિકૃતિ અમને સતત દેખાતી રહી.

5 ફેબ્રુ, 2018

આઠમનું નૈવેદ્ય.

વહેલી સવારે ઠંડીનું જોર હજી એવું ને એવું જ હતું પરંતુ, સૂર્યના આગમનને કારણે ધુમ્મસ ધીમે ધીમે વિખેરવા માંડ્યું હતું ને દિવસ ઉઘડવા માંડ્યો હતો.

એકબાજુ ખેતરમાં રાયડાના પીળાપચાક ફૂલો મંદ પવનની લહેરોમાં આમતેમ ઝૂલી રહ્યા હતા ને બીજી બાજુ આંગણામાં ગાયો અને ભેંસોના ધણ વચ્ચે મેલાઘેલા બાળકો માટીમાં રમી રહ્યા હતા. સૂર્યના મૃદુ કિરણો આ આંગણાની આરપાર થઈને મકાનની ઓસરીમાં પોતાનું સામ્રાજ્ય ધીમે ધીમે ફેલાવી રહ્યા હતા. આ મૃદુ કિરણોના હૂંફ અને ઉજાસને આવકારતું એક ભરવાડ દંપત્તિ છાશનું વલોણું કરવામાં મસ્ત હતું.

સારસ પક્ષીની શોધમાં અમે પરીએજ નજીક આવેલા ઇન્દ્રવર્ણા ગામની સીમમાં આવી પહોંચ્યા ત્યારે આંખો ઠરે એવું ઉપરનું દૃશ્ય જોઇને ત્યાં જ અટકી ગયા.

એ આવો આવો. અંદર આવો. વલોણું કરવાનું રહેવા દઈને ભાઈએ અમને વગર ઓળખાણે આવકાર દીધો ને ગાડી પાર્ક કરીને અમે અંદર પહોંચીએ ત્યાં સુધીમાં તો આંગણામાં જ અમારે માટે બે ઢોલિયા ઢાળી દીધા.  

જોતજોતામાં આજુબાજુના ઘરોમાંથી પણ એમનાં કુટુંબના ભાઈ ભત્રીજાઓ પણ આવી પહોંચ્યા એમાંથી બે જણાએ વલોણાનું કામ માથે લઇ લીધું જયારે બાકીનાઓએ અમારી સાથે વાતોનું વલોણું શરૂ કર્યું. હજી તો વાતોની માંડ શરૂઆત થઇ હતી ને ગરમા ગરમ કડક મીઠી ચા આવી પહોંચી. ચા પીધા પછી અમે દહીંમાંથી છાશ અને માખણ બનવાની પ્રકિયા નિહાળી અને ત્યાર બાદ એમની મહેમાનનવાજીથી ભારે સંતૃપ્ત થઈને આગળ વધવા માટે અમે એમની રજા માંગી.

ના ના. ઘડીક વાર બેસો. એમ કંઈ ખાલી હાથે ન જવાય! ભાઈએ અમને થોડી વાર રોકાઈ જવા માટે આગ્રહ કર્યો ને એટલામાં બહેન બોઘરણું ભરીને છાશ લઈને અમારી પાસે આવ્યા.

અમે ભાગ્યશાળી છીએ કે ગઈકાલે આઠમ હતી ને આજે અમારે ત્યાં મહેમાન આવ્યા. આઠમને દિવસે અમે માતાજીને નૈવેદ્ય ધરીએ એટલે આ પ્રસાદ તમારે માટે છે. બાકી તો અમે પણ હવે બધું દૂધ ડેરીમાં આપી દઈએ છીએ. બોઘરણામાંથી મોટી બોટલ ભરીને રગડા જેવી છાશ એ દંપત્તિએ ભાવપૂર્વક અમને ભેટમાં આપી.


ઘરે આવ્યા પછી બીજા દિવસે, ઘરના દૂધમાંથી બનાવેલી એ તાજી છાશના દરેક સબડકામાં અમને એ ભરવાડ દંપત્તિની ભાવભીની મહેમાનગતિનું સ્મરણ થઇ રહ્યું હતું.  

(તા.26/01/2018 ના રોજ પરીએજ પક્ષી અભ્યારણ્યની મુલાકાત વેળાનું સંસ્મરણ.)

11 નવે, 2016

વણકર વિશ્રામ વાલજી શો રૂમ.

જેટલા સુંદર, સ્વચ્છ અને વિશાળ રસ્તાઓ હતા એટલા જ સુંદર, સ્વચ્છ અને વિશાળ ઘરના આંગણાઓ પણ દેખાતા હતા.

ભૂજથી પાછા વળતા માંડ આઠ કિલોમીટર દૂર મુખ્ય રસ્તાથી થોડે અંદર આવેલા કલાધામ ભુજોડી અમે પહોંચ્યા ને ત્યાંની સુંદરતા અને સ્વચ્છતાથી અમે અંજાઈ ગયા. ગામની ભાગોળે આવેલા લીમડા નીચે ગાડી પાર્ક કરીને અમે ચાલવાનું પસંદ કર્યું. બે ચાર ઘર વટાવ્યા પછી અમે એક ડેલા નજીક પહોંચ્યા ત્યાં ભીંત ઉપર લખેલું ‘વણકર વિશ્રામ વાલજી’ નામ વાંચીને આનંદ થયો. ડેલાના ખુલ્લા બારણામાંથી ડોકિયું કર્યું તો અમને લાગ્યું કે અમે યોગ્ય જગ્યાએ આવી પહોંચ્યા છીએ.

બરોબર જમણી બાજુએ નાનકડી ગમાણ હતી અને બાજુમાં નીચે લીંપણ કરેલી તથા ઉપર પરાળ ઢાંકીને બનાવેલી સુંદર જગ્યા હતી. બાજુમાં ગુલમહોરના ઝાડ નીચે એક યુવાન સુત્તરની લટોને ગરમ પાણીમાં ડુબાડીને પછી તાર ઉપર સૂકવી રહ્યો હતો. સામેની બાજુએ બરોબર વચ્ચોવચ્ચ કચ્છની ઓળખ સમી હાથવણાટની સુંદર અને આકર્ષક શાલ ટીંગાડેલી હતી. એ જગ્યા હતી વણકર વિશ્રામ વાલજી શો રૂમ. શો રૂમની આજુબાજુ રહેઠાણ માટેના નળિયાંવાળા ઘર હતા.

એ.... પધારો, પધારો. હાલો, તમને અમારું વણાટકામ બતાવું. જગ્યાનું ચોપાસથી અમે નિરીક્ષણ કરી રહ્યા હતા ને અસલ કચ્છી પહેરવેશમાં હાજર એવા એક વયોવૃદ્ધ વ્યક્તિનો અમને મીઠો સાદ સંભળાયો. એ હતા વિશ્રામ બાપા – આ જગ્યાના મોભી અને માલિક. ઈ.સ. ૧૯૭૪માં હેન્ડીક્રાફ્ટસમેન એવોર્ડ દ્વારા હાથવણાટના કસબ માટે એમને રાષ્ટ્રીય સ્તરે યોગ્ય રીતે સન્માનિત કરવામાં આવ્યા હતા.  

વાતું કરતાં કરતાં બાપા અમને બિલકુલ પાછળ આવેલા બીજા ડેલામાં દોરી ગયા. ડેલાની અંદર આવેલા વિશાળ પ્રાંગણમાં લીમડાનો છાંયડો પ્રસરેલો હતો ને હળવે નાદે ‘ભીમ કથા’ સંભળાઈ રહી હતી. આ પ્રાંગણમાં ત્રણથી ચાર નાના નાના મકાનો હતા જેમાં બબ્બે હાથશાળ ગોઠવવામાં આવી હતી. બોબીનમાં વીંટેલા દોરા આમતેમ વિખરાયેલા હતા ને બાપાની વર્તમાન પેઢી શાલ વણવામાં વ્યસ્ત અને મશગૂલ હતી. આવા નયનરમ્ય નૈસર્ગિક અને આધ્યાત્મિક વાતાવરણમાં બોબીનમાં વીંટાયેલા સુત્તરના તાંતણાઓ હાથ વણાટના કચ્છી કલા અને કસબથી ‘કચ્છી શાલ’નું અદભૂત રૂપ ધારણ ન કરે તો જ નવાઈની વાત ગણાય ને!

નરી આંખે કચ્છી કસબને નિહાળીને અમે ધન્ય થયા ને વળી પાછા શો રૂમમાં આવ્યા ત્યારે બાપાના વચેટ દીકરા શામજીભાઈ અમારું સ્વાગત કરવા માટે તૈયાર હતા. આધુનિક શો રૂમ જેની આગળ ઝાંખો પડે એવો એ ગારમાટીથી સુશોભિત અનોખો ‘ગામઠી શો રૂમ’ હતો. જેમાં એક એકથી ચઢિયાતી ‘કચ્છી શાલ’ વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવી હતી જેની કિંમત અમૂલ્ય હતી.

શામજીભાઈએ અદકેરા વહાલથી એકેએક શાલને હળવે હાથે ઉઠાવીને અમને બતાવવાનું શરૂ કર્યું; આ જુઓ, અસલ કચ્છી સાદી સફેદ શાલ. સગા સ્નેહીને ભેટમાં આપી હોય ને તો રંગ રહી જાય. આ જુઓ આભલા ભરેલી બાંધણી અને આ જુઓ વણાટ અને ભરતના સમન્વયસમી અદભૂત શાલ. હવે તો આવી બેનમૂન શાલ બનતી પણ નથી.

તમે કયા ‘બ્રાંડ નેમ’થી આ શાલનું વેચાણ કરો છો? ખાસ્સી ઉત્સુકતાથી અમે એમને પ્રશ્ન કર્યો.

વણકર વિશ્રામ વાલજી. નમ્રતાથી એમણે ટૂંકો ને ટચ જવાબ આપ્યો.

રૂપમાં ને દેખાવમાં એક એકથી અનોખી અને ચઢિયાતી શાલ જોઇને અમે ગોટે ચઢી જ ગયા હતા ને એમાં વળી આ ‘બ્રાંડ નેમ’ સાંભળીને અમે વણકર વિશ્રામ વાલજી શો રૂમમાં અનેરા આનંદ અને આશ્ચર્યમાં ગરકાવ થઇ ગયા.

ધાર્યા કરતાં વધારે સમય વહી ગયો હતો પણ હવે ત્યાંથી પાછા વળવાનું મન નહોતું થતું.












































22 એપ્રિલ, 2016

એક સાંજ ફતેસાગરને કિનારે.

ઉદયપુર શહેરની દક્ષિણ દિશામાં આગળ વધતા હવે ટ્રાફિકનું જોર ઓસરવા માંડ્યું હતું. શાંતિ ને નીરવતાનો અહેસાસ કરાવતી કોઈક અલૌકિક જગ્યા તરફ અમે આગળ વધી રહ્યા હોય એવું જણાતું હતું. દિશાસૂચક બોર્ડને અનુસરીને છેવટે મુખ્ય રસ્તો છોડીને જેવા અમે જમણી તરફના વળાંકમાં આગળ વધ્યા કે તરત આગળનું અદભૂત દૃશ્ય જોઇને અમે અભિભૂત થઇ ગયા.

રેવાળ ચાલે ચાલતી રીટ્ઝનો કમાંડ ઘડી વાર માટે છોડીને મેં કેનનને હાથમાં લીધો અને એક પછી એક ધડાધડ ફોટા લેવા માંડ્યા. અરવલ્લીની પર્વતમાળાની બરોબર વચ્ચમાં રચવામાં આવેલા એક અદભૂત સરોવરને અમે ઢોળાવ ઉપરથી જોઈ રહ્યા હતા. પાશ્વભૂમિકામાં સાધુની જેમ ધૂણી ધખાવીને બેઠેલા મૌન પર્વતો હતા ને એમના ખોળામાં નજર પહોંચે ત્યાં સુધી સરોવરના પાણી ફેલાયેલા હતા. આ સરોવરની બરોબર વચ્ચમાં બગીચો હતો જેમાં ‘બોટલ પામ’ આમતેમ ઝૂલી રહ્યા હતા જેના પ્રતિબિંબ દૃશ્યને વધારે રોચક બનાવી રહ્યા હતા. આ એજ ઐતિહાસિક સરોવર હતું જે ઈ.સ. ૧૬૭૮મા મહારાણા જયસીંગે બંધાવ્યું હતું ને ત્યાર પછી બસો વર્ષો પછી મહારાણા ફતેસીંગે એની મરામત કરી જરૂરી ફેરફારો કર્યા હતા જેમના નામ પરથી આ સરોવર ઓળખાતું હતું.

હજી તો આ શરૂઆત હતી. પરમ આનંદની ક્ષણોને પામવા માટે હજી ઘણી વાર હતી આથી થોડે આગળ વધીને અમે ‘મોટી મગરી – મહારાણા પ્રતાપનું સમારક’ આગળ રીટ્ઝને પાર્ક કરી દીધી ને પછી આગળની સફર પગપાળા આરંભી. ત્યાંથી અમે ઢોળાવ ઉપર આવેલા બગીચા ઉપર ધીમી ગતિએ ચાલવા માંડ્યું. આ સમય દરમિયાન જે ફોટોગ્રાફ્સ મળ્યા એ અદભૂત હતા. ધીમે ધીમે અમને આ સ્થળ પ્રત્યે લગાવ થઇ રહ્યો હતો. ઢોળાવ પરના બગીચા પરથી નીચે આવતાવેંત અમને એક ચિરપરિચિત દૃશ્ય જોવા મળ્યું. સર્પાકાર રસ્તાની આજુબાજુ ભેળપુરી, પાણીપુરી, પકોડા, પફ, બર્ગર ને ચાઉં ચાઉંની રેંકડીઓ પર અભૂતપૂર્વ ભીડ જામી હતી.

એ ભીડને એક સલામ આપીને અમે આગળ વધ્યા ને બોટીંગ દ્વારા સરોવરની વચ્ચમાં આવેલા નહેરુ પાર્કમાં જવાનું નક્કી કર્યું. એકદમ યોગ્ય સમયે અમે નહેરુ પાર્ક પહોંચી ગયા. અસ્ત થતા સૂર્યને વધાવવા માટે અમે પૂરી રીતે તૈયાર હતા. થોડી જ ક્ષણો પછી પર્વતો પાછળ અદૃશ્ય થતા સૂર્યને અમે નિહાળી રહ્યા. આકાશમાં હવે લાલાશ પ્રસરી ગઈ હતી ને અમારા ચહેરા પર પ્રસન્નતા. પ્રકૃતિની પરમલીલાની ઉજવણીની દોડમાં જાણે પાછળ રહેવા ન માંગતા હોય એમ પવને પણ હવે પોતાની ગતિ સહેજ વધારી દીધી હતી, અત્યાર સુધી શાંત રહેલા સરોવરના પાણી હવે ઘૂઘવાટા સાથે હિલોળા લઇ રહ્યા હતા, પક્ષીઓ ઘરે પાછા ફરી રહ્યા હતા ને એમની હાજરીને લીધે અત્યારસુધી શાંત રહેલા વૃક્ષો હવે બોલકા બની ગયા હતા.

પરમ આનંદ અને પરમ તૃપ્તિની એ ક્ષણોમાં અમને એક જ વિચાર આવતો હતો કે કાશ, પેલા પર્વતોની જેમ અમે પણ સમાધિ લગાવી શકતા હોત તો!

12 નવે, 2015

વિસ્મયકારી વૃક્ષ કૈલાસપતિ.

બોરડીથી દહાણુ સુધીનો લગભગ અઢાર કિલોમીટરનો રસ્તો બિલકુલ દરિયાને કિનારે કિનારે સમાંતર પસાર થતો હતો. આથી સવારે સાડા છએ ઉઠીને અમે એ રસ્તે ચાલવા જવાનું નક્કી કર્યું. ચોકડીથી અમે ડાબી બાજુએ વળ્યા એટલે પાંચેક મિનિટ પછી તરત જ એક અજાણ્યા ગામની ભાગોળ અમને દેખાઈ એ ગામનું નામ હતું ઘોલવડ.

દિવાળીનો સમય હતો એટલે ઘેર ઘેર આંગણામાં સફાઈ અને રંગોળીનું સુશોભન થઇ રહ્યું હતું. રસ્તો સાંકડો હતો પણ સાફસૂથરો હતો. કેટલાક મકાનો જૂની બાંધણીના તો કેટલાક નવી બાંધણીના જણાતા હતા. એકંદરે ગામના લોકો સુખીસંપન્ન હોય એમ લાગતું હતું. ચાલતા ચાલતા ગામ આખુ વટાવવામાં ઘણી વાર લાગી આમ છતાં દરિયાના દર્શન કરવાની ઈચ્છા હોવાને કારણે અમે થોડા ડગલા વધારે ચાલવાનું નક્કી કર્યું. જેવું ગામ પૂરું થયું કે ફળફળાદિની વાડીઓ શરૂ થઇ. આજબાજુ નજર ફેરવતા ફેરવતા અમે આગળ વધી રહ્યા હતા ને જમણી બાજુએ એક કદાવર વૃક્ષને જોઇને અમારા પગલા આપોઆપ થંભી ગયા. લગભગ ચાળીસ ફીટ કરતા વધારે ઉંચાઈના એ વૃક્ષનો આકાર છત્રી જેવો હતો. ઉપરના ૧/૪ ભાગમાં છત્રીની માફક પાંદડાઓથી ઘેરાયેલી ડાળીઓ હતી. જયારે બાકીના થડ ઉપર અસંખ્ય ફળ અને ફૂલ જોવા મળતા હતા જેમાંથી માદક સુગંધ પ્રસરી રહી હતી. દૂરથી જોતા એમ લાગતું હતું કે આ વૃક્ષના થડ ઉપર કોઈક પરોપકારી વેલ વીંટળાઈ વળી હતી.

પણ જયારે નજીક જોઇને આ વૃક્ષને ધ્યાનથી જોયું ત્યારે અમારા આશ્ચર્યનો પાર ન રહ્યો. થડ ઉપર વેલ નહિ પરંતુ નાની નાની ડાળીઓ હતી અને એ ડાળીઓ ઉપર બોલ આકારના ફળ અને સુંદર ગુલાબી ફૂલો ઝૂલી રહ્યા હતા. આ ફૂલોની સુંદરતા અને માદક સુગંધે અમને ખાસ્સી વાર સુધી જકડી રાખ્યા. એની ખાસિયતો અને લક્ષણોને આધારે અમે એને ઓળખવાનો પ્રયત્ન કરી જોયો પણ સરિયામ નિષ્ફળતા મળી. જીવનમાં પહેલી વાર અમે આવું અદભૂત અને વિશિષ્ટ વુક્ષ જોઈ રહ્યા હતા. થોડી ઘણી ફોટોગ્રાફી કરીને અમે ત્યાંથી નિરાશ વદને પાછા ફરવાનો વિચાર કરી રહ્યા હતા ને એ વાડીના માલિક સાથે અમારો ભેટો થયો.

આ એક અતિ પવિત્ર વૃક્ષ છે. એના ફૂલોની વચ્ચે મહાદેવનું લિંગ હોય અને ઉપર નાગની ફેણ હોય તેવી તેની રચનાથી તેનું નામ કૈલાસપતિપડ્યું છે. ભારતમાં ખાસ કરીને હિમાચલ પ્રદેશમાં આવા વૃક્ષો જોવા મળે છે.આટલી ટૂંકી વાત કરીને એમણે અમારી વિદાય લીધી ને અમે ફરીથી ફૂલોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું તો એમની વાત બિલકુલ સાચી લાગી. ફૂલની ગુલાબી પાંખડીઓ ઉપર પીળાં ટપકાં હતા. પુંકેસરો - એક જૂથમાં મળીને નીચે નાગની ફેણની જેમ વળેલાં હતા જયારે તેમની નીચે સ્રીકેસર શિવલિંગ જેવું હતું. એમ જ લાગે કે ફેણવાળો નાગ શિવલિંગની રક્ષા કરી રહ્યો છે.

ઘરે આવીને થોડો વધારે અભ્યાસ કર્યો તો જાણવા મળ્યું કે આ વૃક્ષનુ ઉદ્ભવસ્થાન અમેરિકા ખંડનો દક્ષિણ કેરેબિયન વિસ્તાર અને એમેઝોન વિસ્તાર ગણાય છે. ભારત દેશમાં પણ લગભગ ત્રણ હજાર વર્ષોથી તેનું અસ્તિત્વ છે એમ વનસ્પતિશાસ્ત્રીઓ માને છે. આ વૃક્ષને અંગ્રેજીમાં કેનન બોલ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તેના ફળોનો દેખાવ તોપગોળા જેવો દેખાય છે. આ વૃક્ષની ઊંચાઈ ૩૫ મીટર સુધી વધતી હોય છે. તેનાં પર્ણો ઝૂમખામાં અને વિવિધ કદનાં હોય છે. એનાં ફૂલો તીવ્ર સુગંધ ફેલાવે છે, જેની માત્રા રાત્રિ તેમ જ વહેલી સવાર દરમ્યાન વધુ હોય છે.

અનાયાસે અમને આવા અદભૂત વૃક્ષના દર્શન કરવા મળ્યા એ અમારું સૌભાગ્ય.




ટેબલ નીચેનો વ્યવહાર.

મહારાષ્ટ્રમાં આવેલા બોરડી ગામે પહોંચ્યા ત્યારે લગભગ સવા એક વાગી ચૂક્યો હતો. જમવાના રોજિંદા સમય કરતા અમે પોણો કલાક મોડા હતા એટલે પેટમાં બિલાડા બોલતા હતા. બોરડી પ્રવાસન સ્થળ હોવા છતાં હોટેલ રેસ્ટોરાંની સંખ્યા ખૂબ ઓછી હતી. ખાસ્સી પૂછપરછ કર્યા પછી અમને 'ગોલ્ડન રિસોર્ટ'નું સરનામું મળ્યું.

વાતાવરણ ખુશનુમા હતું અને દરિયાનો  કિનારો હતો એટલે છાંટાપાણી સાથે 'સી ફૂડ'ની સ્વાભાવિક અપેક્ષા હતી. રેસ્ટોરાંમાં તપાસ કરતા જાણવા મળ્યું કે 'સી ફૂડ' ઉપલબ્ધ નહોતું. ઠીક છે જે હશે એનાથી ચલાવી લઈશું એમ કરીને મન મનાવી લીધું. પણ ત્યાં બેઠા પછી ખબર પડી કે છાંટાપાણીની સુવિધા પણ નહોતી જ. હવે શું? બીજે જવાનો સમય નહોતો ને છાંટા પાણી વગર ચલાવી લઈએ તો હીરો ઘોઘે જઈને ખાલી હાથે આવ્યો જેવી પરિસ્થિતિ સર્જાય એટલે એક તક ઝડપી લેવાનો નિર્ણય કરીને રીશેપ્સન પર પૂછપરછ કરી જોઈ.

"આમ તો અહીં પરવાનગી નથી પણ જો તમે ઈચ્છો તો ત્રણ શરતોનું પાલન કરીને આગળ વધી શકો છો." ખાસ્સો હકારાત્મક જવાબ મળ્યો એટલે મનને નિરાંત થઇ. 

1. તમારે બહારથી ખરીદી કરવી પડશે.
2. તમારે છેલ્લા ટેબલ પર ખૂણામાં બેસવું પડશે.
3. બધો વ્યવહાર ટેબલ નીચેથી કરવો પડશે. હા, ગ્લાસને તમે ટેબલ પર ગોઠવી શકો છો. 

એમની શરતો સાંભળી ન સાંભળી કરીને હું ઝડપથી બાજુમાંથી બે ઠંડી બિયરની બોટલો લઇ આવ્યો. પહેલી શરત પૂરી થઇ. એ સંપેતરું સાથે લઈને અમે છેલ્લા ટેબલ પર ખૂણામાં બેસી ગયા એટલે બીજી શરત પણ પૂરી થઇ. વેઈટર ઓપનર લઈને આવ્યો એટલે બાકીની વિધિ ટેબલ નીચે પૂરી કરીને ઠંડા ઠંડા બિયરના બે ગ્લાસ ભરીને ટેબલ ઉપર ગોઠવી દીધા એ સાથે ત્રીજી શરતનું પણ અમે બાઅદબ પાલન કર્યું અને પછી વટથી બંને ગ્લાસોને એકબીજા સાથે સામસામે ટકરાવીને મુખ્ય વિધિની શરૂઆત કરી. 

ભર બપોરે અમે આઉટ ડોર રેસ્ટોરામાં જમવા બેઠા હતા એટલે બાકીના લોકો અમને અને ટેબલ ઉપર પડેલા ગ્લાસને આરામથી જોઈ શકતા હતા. આમ અમે સરેઆમ છાંટોપાણી કરી રહ્યા હતા. તો પછી પેલી શરતો લાદવાનો હેતુ કયો હોઈ શકે? બીજી વાત, બધો વ્યવહાર ટેબલ નીચે કર્યા પછી ગ્લાસને ટેબલ પર ગોઠવીને તમે નિરાંતે આગળ વધી શકો તો પછી એવો વ્યવહાર કરવાનો અર્થ શો? બિયર ભરેલો ગ્લાસ તમે ટેબલ પર મૂકો તો ચાલે પણ બોટલને તમે ટેબલ પર ગોઠવી ના શકો એ વાત પાછળ કર્યો તર્ક હોઈ શકે?

વેલ, પેટમાં એક ગ્લાસ ગયા પછી ઠંડક પ્રસરી ગઈ અને એની જાદુઈ અસરે મનનો એવો કબજો લઇ લીધો કે એ પ્રશ્નો હવે અપ્રસ્તુત અને અસ્થાને જણાતા હતા. 

પણ, જો તમને એમાં રસ પડ્યો હોય તો તમારી મરજી મુજબ ધારણા કરવાની છૂટ છે. 




11 નવે, 2015

બોરડી મને બોલાવે.

"ચાલો ત્યારે આવજો અને અમારે ત્યાં બોરડી એકવાર જરૂર પધારજો."
"બોરડી?" આ નામ સાંભળવાનું મને ગમ્યું ને સાથે સાથે મનમાં પ્રશ્ન પણ થયો કે આ 'બોરડી' શું હશે કે જ્યાં અમને જવાનું આમંત્રણ મળી રહ્યું હતું. 
"બોરડી - અમારા ગામનું નામ છે. દમણથી ચાળીસેક કિલોમીટર દૂર આવેલું છે. એક બાજુ ચીકુ, કેળ અને નારીયેળીની વાડીઓ છે ને બીજી બાજુ અરેબિયન સમુદ્રની અફાટ જળરાશિ ફેલાયેલી છે. કુદરતનું સાંનિધ્ય જો તમને પસંદ હોય તો અમારા ગામ બોરડી જેવી સુંદર અને રળિયામણી બીજી કોઈ જગા નથી."

સૌરાષ્ટ્ર એક્સપ્રેસ જેવો દહાણું રોડ સ્ટેશન પર થોભ્યો કે અજાણ્યા યાત્રીઓએ ભારે હૈયે અમારી વિદાય લીધી. પાંચેક વર્ષ પહેલા ટ્રેનમાં આ અજાણ્યા યાત્રીઓ સાથે ટૂંકી મુલાકાત થઇ હતી ને એવો તો ઘરોબો કેળવાયો હતો કે એમણે અમને નામ સરનામા સાથે બોરડી આવવાનું આમંત્રણ પાઠવી દીધેલું. સમય વીતવાની સાથે એમનું નામ સરનામું તો વિસરાઈ ગયું પણ બોરડીની જે નયનરમ્ય છબી એમણે અમારા મનમાં ઉપસાવી હતી એ જલ્દીથી ભૂલાય એમ નહોતી.

આજ કારણથી દિવાળીની રજાઓમાં અમે દમણને બાજુ પર મૂકીને બોરડીની વાટ પકડવાનું નક્કી કર્યું. બપોરના લગભગ એક વાગ્યે અમે ઉમરગામ વટાવ્યું ને પાંચ મિનીટ પછી અમે બોરડી ગામમાં પ્રવેશ્યા. મજાની વાત એ છે કે આ ગામનો એક ભાગ ગુજરાતમાં છે જયારે બીજો ભાગ મહારાષ્ટ્રમાં છે. જેવા અમે બોરડીમાં પ્રવેશ્યા કે તરત જ પેલા અજાણ્યા યાત્રીઓનું સંસ્મરણ થયા વિના ન રહ્યું. એમણે જે ચિત્ર દોર્યું હતું બિલકુલ એવું જ બોરડી ગામ હતું. ડાબી બાજુએ ચીકુ, નારીયેળી અને કેળની વાડીઓ આવેલી હતી. ઘટાદાર વૃક્ષોની વચ્ચેથી ધીમી ગતિએ ડ્રાઈવ કરતા કરતા પ્રકૃતિનું સાંનિધ્ય માણવાની મજા અવર્ણનીય હતી. થોડી જ વારમાં અમે મહારાષ્ટ્રમાં પ્રવેશ કર્યો ને જમણી બાજુએ અરેબિયન સમુદ્રના દર્શન થયા. વાતાવરણમાં ઠંડક વર્તાતી હતી અને ચોપાસ નીરવ શાંતિ પ્રસરેલી હતી. આવી અદભૂત જગ્યાએ રાત્રિ રોકાણ કરવાની ઈચ્છા ન થાય તો જ નવાઈ.

સાંજને સમયે અમે ચોપાટી પર ફરવા નીકળ્યા. બિલકુલ દમણના દેવકા બીચ પર ફરતા હોય એવું લાગતું હતું. એનો એજ દરિયાનો કિનારો અને બાજુ પર હારબંધ સરૂના વૃક્ષોને મળવા માંગતા હિલોળા લેતા દરિયાના મોજાઓ. ફેર હોય તો એટલો જ કે દમણની માફક પ્રવાસીઓની ભીડભાડ, બિયર વેચતા ફેરિયાઓ, કાચી ઝૂંપડીઓની વણઝાર અને છાકટા થયેલા પ્રવાસીઓનો ઘોંઘાટ અહીં બિલકુલ જોવા મળતા નહોતા. સમુદ્રના મોજાઓ સાથે મસ્તી કરતા કરતા અને એ મોજાઓ સાથે તણાઈ આવતા છીપલાઓ વીણતા વીણતા સમય ઝડપથી પસાર થવા માંડ્યો. સૂર્યએ સમુદ્રસ્નાન માટે ડૂબકી લગાવી ત્યારે જ અમને ભાન થયું કે હવે રૂમ ભણી પાછા વળવાનો સમય થઇ ગયો હતો. 

અમે જે રિસોર્ટમાં રોકાયા હતા એનું નામ જ 'ક્રેઝી ક્રેબ' હતું. સ્કોચ વ્હીસ્કીની ચુસ્કીઓ ભરતા ભરતા સાંજના જમણમાં જિંગા અને કરચલા હોય તો પછી બોરડીની એ યાદગાર સાંજ અને પેલા અજાણ્યા યાત્રીઓનું ભાવભીનું આમંત્રણ કોઈ કાળેય વિસરાય ખરું!



પાણીનો લોટો.

નિવૃત્તિ પછીના છઠ્ઠા મહિને જ બાપુજીને પક્ષાઘાત લાગુ પડ્યો. વેળાસરની સારવારને કારણે એ બેઠા તો થઇ ગયા પણ એમનાં જમણા હાથ અને પગમાં એની યાદગ...