લેબલ વૃક્ષો મારા ભેરુ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ વૃક્ષો મારા ભેરુ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

12 નવે, 2015

વિસ્મયકારી વૃક્ષ કૈલાસપતિ.

બોરડીથી દહાણુ સુધીનો લગભગ અઢાર કિલોમીટરનો રસ્તો બિલકુલ દરિયાને કિનારે કિનારે સમાંતર પસાર થતો હતો. આથી સવારે સાડા છએ ઉઠીને અમે એ રસ્તે ચાલવા જવાનું નક્કી કર્યું. ચોકડીથી અમે ડાબી બાજુએ વળ્યા એટલે પાંચેક મિનિટ પછી તરત જ એક અજાણ્યા ગામની ભાગોળ અમને દેખાઈ એ ગામનું નામ હતું ઘોલવડ.

દિવાળીનો સમય હતો એટલે ઘેર ઘેર આંગણામાં સફાઈ અને રંગોળીનું સુશોભન થઇ રહ્યું હતું. રસ્તો સાંકડો હતો પણ સાફસૂથરો હતો. કેટલાક મકાનો જૂની બાંધણીના તો કેટલાક નવી બાંધણીના જણાતા હતા. એકંદરે ગામના લોકો સુખીસંપન્ન હોય એમ લાગતું હતું. ચાલતા ચાલતા ગામ આખુ વટાવવામાં ઘણી વાર લાગી આમ છતાં દરિયાના દર્શન કરવાની ઈચ્છા હોવાને કારણે અમે થોડા ડગલા વધારે ચાલવાનું નક્કી કર્યું. જેવું ગામ પૂરું થયું કે ફળફળાદિની વાડીઓ શરૂ થઇ. આજબાજુ નજર ફેરવતા ફેરવતા અમે આગળ વધી રહ્યા હતા ને જમણી બાજુએ એક કદાવર વૃક્ષને જોઇને અમારા પગલા આપોઆપ થંભી ગયા. લગભગ ચાળીસ ફીટ કરતા વધારે ઉંચાઈના એ વૃક્ષનો આકાર છત્રી જેવો હતો. ઉપરના ૧/૪ ભાગમાં છત્રીની માફક પાંદડાઓથી ઘેરાયેલી ડાળીઓ હતી. જયારે બાકીના થડ ઉપર અસંખ્ય ફળ અને ફૂલ જોવા મળતા હતા જેમાંથી માદક સુગંધ પ્રસરી રહી હતી. દૂરથી જોતા એમ લાગતું હતું કે આ વૃક્ષના થડ ઉપર કોઈક પરોપકારી વેલ વીંટળાઈ વળી હતી.

પણ જયારે નજીક જોઇને આ વૃક્ષને ધ્યાનથી જોયું ત્યારે અમારા આશ્ચર્યનો પાર ન રહ્યો. થડ ઉપર વેલ નહિ પરંતુ નાની નાની ડાળીઓ હતી અને એ ડાળીઓ ઉપર બોલ આકારના ફળ અને સુંદર ગુલાબી ફૂલો ઝૂલી રહ્યા હતા. આ ફૂલોની સુંદરતા અને માદક સુગંધે અમને ખાસ્સી વાર સુધી જકડી રાખ્યા. એની ખાસિયતો અને લક્ષણોને આધારે અમે એને ઓળખવાનો પ્રયત્ન કરી જોયો પણ સરિયામ નિષ્ફળતા મળી. જીવનમાં પહેલી વાર અમે આવું અદભૂત અને વિશિષ્ટ વુક્ષ જોઈ રહ્યા હતા. થોડી ઘણી ફોટોગ્રાફી કરીને અમે ત્યાંથી નિરાશ વદને પાછા ફરવાનો વિચાર કરી રહ્યા હતા ને એ વાડીના માલિક સાથે અમારો ભેટો થયો.

આ એક અતિ પવિત્ર વૃક્ષ છે. એના ફૂલોની વચ્ચે મહાદેવનું લિંગ હોય અને ઉપર નાગની ફેણ હોય તેવી તેની રચનાથી તેનું નામ કૈલાસપતિપડ્યું છે. ભારતમાં ખાસ કરીને હિમાચલ પ્રદેશમાં આવા વૃક્ષો જોવા મળે છે.આટલી ટૂંકી વાત કરીને એમણે અમારી વિદાય લીધી ને અમે ફરીથી ફૂલોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું તો એમની વાત બિલકુલ સાચી લાગી. ફૂલની ગુલાબી પાંખડીઓ ઉપર પીળાં ટપકાં હતા. પુંકેસરો - એક જૂથમાં મળીને નીચે નાગની ફેણની જેમ વળેલાં હતા જયારે તેમની નીચે સ્રીકેસર શિવલિંગ જેવું હતું. એમ જ લાગે કે ફેણવાળો નાગ શિવલિંગની રક્ષા કરી રહ્યો છે.

ઘરે આવીને થોડો વધારે અભ્યાસ કર્યો તો જાણવા મળ્યું કે આ વૃક્ષનુ ઉદ્ભવસ્થાન અમેરિકા ખંડનો દક્ષિણ કેરેબિયન વિસ્તાર અને એમેઝોન વિસ્તાર ગણાય છે. ભારત દેશમાં પણ લગભગ ત્રણ હજાર વર્ષોથી તેનું અસ્તિત્વ છે એમ વનસ્પતિશાસ્ત્રીઓ માને છે. આ વૃક્ષને અંગ્રેજીમાં કેનન બોલ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તેના ફળોનો દેખાવ તોપગોળા જેવો દેખાય છે. આ વૃક્ષની ઊંચાઈ ૩૫ મીટર સુધી વધતી હોય છે. તેનાં પર્ણો ઝૂમખામાં અને વિવિધ કદનાં હોય છે. એનાં ફૂલો તીવ્ર સુગંધ ફેલાવે છે, જેની માત્રા રાત્રિ તેમ જ વહેલી સવાર દરમ્યાન વધુ હોય છે.

અનાયાસે અમને આવા અદભૂત વૃક્ષના દર્શન કરવા મળ્યા એ અમારું સૌભાગ્ય.




31 ઑગસ્ટ, 2014

પ્રસન્ન્તાનું પ્રતિક વાંસ.

વાંસ કુટુંબનિયોજનમાં માનતા નથી. રાત્રે ન વધે એટલા દિવસે ને દિવસે ન વધે એટલા રાત્રે સતત વધતા જ જાય છે. મજાની વાત એ છે કે વાંસ એકલાઅટુલા રહેવામાં માનતા નથી પરંતુ, સાથે રહીને સયુંકતકુટુંબ પ્રથાનો મહિમા વધારતા જાય છે. વાંસને છોડ ગણવા કે વૃક્ષ એ ઝટ દઈને સમજાય નહિ પણ સાથે રહેવાને કારણે છોડ હોવા છતાંય એમની ઘટા એવી ઘેઘૂર બને કે ભલભલા વૃક્ષોને પણ ઈર્ષ્યા આવે.

ગુજરાતમાં વાંસદા અને ડાંગનાં જંગલોમાં પુષ્કળ પ્રમાણમાં વાંસ જોવા મળે છે જેનું આયુષ્ય ચાળીસ વર્ષ સુધીનું હોય છે. જ્યાં સુધી વાંસ પર ફૂલ ન આવે ત્યાં સુધી વાંસ લીલાછમ રહીને પ્રસન્ન્તાનું પ્રતિક બની રહે છે. લગભગ ચાળીસમાં વર્ષે ફૂલો આવ્યા પછી એનું જીવન પૂરું થાય છે. જો કે એ ફૂલમાંથી જે ફળ બને એ જમીન પર પડવાથી તરત જ નવા વાંસનો જન્મ થાય છે. આમ, વાંસનું લીલુંછમ અસ્તિત્વ સતત  ટકી રહે છે. વાંસનાં પાન પાતળા અને લાંબા હોય છે જેનો આગળનો ભાગ ભાલાના ફણાની જેમ અણીયાળો હોય છે. 

વાંસ લીલો હોય ત્યારે તો ઉપયોગી હોય છે જ ને સૂકાઈ ગયા પછી પણ એની ઉપયોગીતા એટલી જ જળવાઈ રહે છે. વાંસનાં ફળ, ફૂલ, પાંદડા અને થડ બધું જ ક્યાંક ને ક્યાંક ખપમાં આવે છે. વાંસના લીલા પાંદડા પશુઓના ચારા તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. વાંસની કુમળી કૂંપણોમાંથી અથાણુ અને શાક બને છે. ડાંગ જિલ્લામાં લીલા વાંસનું તૈયાર અથાણું મળે છે. સૂકાયેલા વાંસ અસંખ્ય રીતે ઉપયોગી નિવડે છે. આદિવાસી ગામડાંઓમાં વાંસની પટ્ટીઓને ગૂંથીને કાચા મકાનોની દીવાલ બનાવવામાં આવે છે અને વાડાને સુરક્ષિત બનાવવા માટે પણ એનો ઉપયોગ થાય છે. એ ઉપરાંત, બાંધકામ ઉદ્યોગમાં, મકાન બાંધવામાં ઈમારતી લાકડા તરીકે, ખેતઓજારો બનાવવામાં, પાટલા, હોડી, તરાપા, કમાનો, નદીનાળા પર પુલો, ફર્નિચર, સૂપડા, નિસરણી વગેરે બનાવવામાં વાંસનો ઉપયોગ થાય છે. વાંસમાંથી કાગળ બનાવવા માટે તેના માવાનો ઉપયોગ થાય છે. વાંસનો બળતણ તરીકે પણ ઉપયોગ થાય છે. વાંસમાંથી ઉત્તમ પ્રકારનો કોલસો મળે છે જે બેટરીમાં વપરાય છે. સાથે સાથે વાંસમાંથી કલાત્મક ચીજવસ્તુઓ પણ બનાવવામાં આવે છે.

વાંસને કલ્પવૃક્ષ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી.

4 એપ્રિલ, 2014

ઘરની સામે ગોરસઆમલી.

મારા ઘરની બિલકુલ સામે ખુલ્લી જગ્યા આવેલી છે ને એની બરોબર વચ્ચમાં એક ગોરસઆમલીનું ઝાડ આવેલું છે. એની સાથેનો મારો નાતો અને પરિચય એ બીજમાંથી અંકુર બનીને ધરતીમાની ગોદમાંથી બહાર આવી હતી ત્યારનો. બેએક વરસ પહેલાં ચોમાસાની ઋતુમાં ઝાડીઝાંખરાઓની વચ્ચે એના બીજને અંકુર ફૂટેલાં ને એજ ઝાડીઝાંખરાઓની ઓથ લઈને કોઈનેય ખબર ન પડે એમ ધીમેધીમે એ કાઠું કાઢતી રહેલી. આજે તો એ ખાસ્સી સમજણી અને પુખ્ત જણાય છે. બેએક મહિના પહેલાં એની પર ફૂલ બેઠાં ત્યારે એનો વટ જોવા જેવો હતો. અત્યારે એ ફૂલમાંથી મોંમાં પાણી લાવતા સર્પાકાર અને ભરાવદાર લાલલાલ ફળ (ગોરસઆમલીઓ) એવી રીતે લૂમે ને ઝૂમે લટકી રહ્યાં છે જાણે નવવધુના કાનમાં સોનાના ઝૂમખાંઓ ન લટકતા હોય ! 

બારેમાસ એકલી ને અટૂલી રહેતી એ ગોરસઆમલીના અસ્તિત્વની અત્યારે નોધ લેવાઈ રહી છે ને એનાં પદ અને પ્રતિષ્ઠા વધી ગયા છે. સવારસવારમાં મેના, લેલું ને પોપટ જેવા પક્ષીઓ કલરવ કરતાં કરતાં હળવેથી એના ફળ પર ચાંચ મારતા રહે છે. પૂંછડી પટપટાવતી ખિસકોલીઓ પણ દોટાદોટ કરતી કરતી લાગ શોધવાનો પ્રયત્ન કરતી રહે છે. સોસાયટીના બાળકો પણ આ શંભુમેળામાં પાછળ રહે ખરા ! એ બાળકો ઇકરાણ બૂમરાણ મચાવતાં મચાવતાં દિવસભર એનો છાલ નથી છોડતા. કેટલાક બાળકો પથ્થરથી એને તાકવાનો પ્રયત્ન કરે છે તો કેટલાક હોંશિયાર અને પહોંચેલા બાળકો વાંસની આંકોડી બનાવીને એની ઉપર સીધી તરાપ મારે છે. અલબત એનું થડ કાંટાળું હોવાથી ઉપર ચઢવાનો કોઈ પ્રયત્ન કરતું નથી.

ગોરસઆમલીને પણ પોતાનો આ વૈભવ જાતપાતના ભેદભાવ વિના બધાને માટે નિસ્વાર્થ અને નિસ્પૃહભાવે વહેંચવામાં મજા આવે છે. એના ફળ મીઠાં છે એટલે પંખીઓ અને બાળકો પણ ધરાવો ના થાય ત્યાં સુધી એને ખાતા રહે છે ને મનોમન ગોરસઆમલી ને વધુ ને વધુ ફૂલતી ને ફાલતી રહે એવા આશીર્વાદ આપતા રહે છે.   

ફળ ખાઈ લીધા પછી બાળકો એમાંથી નીકળતા નાનાંનાનાં કાળા બીજને સાચવી રાખે છે. કાળજીપૂર્વક જો એની છાલને કાઢવામાં આવે તો અંદરથી છીકણી રંગનું કવચ દેખાય છે જેને શુભ માનીને સાચવી રાખવામાં આવે છે. આ બીજ નકશા અને રંગોળી બનાવવામાં પણ છૂટથી વપરાય છે. એ ઉપરાંત એમાંથી સુદંર માળા પણ બને છે જેને શ્રદ્ધાપૂર્વક ભગવાનના ચરણોમાં ધરાવવામાં આવે છે.  

આમ, એના નિસ્વાર્થ અને નિસ્પૃહભાવને કારણે આ ગોરસઆમલી ઝાડીઝાંખરેથી ભગવાનના ચરણો સુધી યાત્રા કરતી રહે છે. 

1 એપ્રિલ, 2014

ડાળે ડાળે વેરાયેલું સૌંદર્ય

મારા ઘરેથી પગપાળા બજારમાં જવાના બે રસ્તાઓ. એક રસ્તો સેંટ ઝેવિયર્સ શાળા પાસેથી વાયા આણંદ પ્રેસ થઈને જાય ને બીજો વાયા રેલ્વે કોલોની. ચૈત્ર મહિનામાં બેમાંથી જે પણ રસ્તે તમે જાઓ પલપલીયાંનું વૃક્ષ તમારું સ્વાગત કરવા માટે તૈયાર જ હોય. બારેમાસ સ્થિતપ્રજ્ઞ ને હાંસિયામાં ધકેલાયેલું રહેતું આ વૃક્ષ ફાગણ ને ચૈત્રમાં એની અદભૂત સુંદરતાથી તમારું ધ્યાન ખેંચ્યા વિના ન રહે. હોળીનો તહેવાર નજીક આવે ને આ વૃક્ષ જાણે સંન્યાસ ધારણ ન કરતું હોય એમ એક પછી એક એનાં બધા જ પાંદડાઓનો ત્યાગ કરી દે ને વળી પાછું અઠવાડિયા પંદર દિવસમાં જ એની ડાળ ડાળ ઉપર લીલાંછમ પલપલીયાં બેસવા માંડે ને એ વૃક્ષ એવું નવપલ્લવિત થઇ ઉઠે કે જાણે સોળ શણગાર સજેલી નવવધુ ના હોય ! ઉનાળાની બપોરે ગુલમહોર અને ગરમાળો પૂર્ણપણે પોતાના સૌંદર્યને પાથરતા હોય ત્યારે પલપલીયું પણ એ સૌંદર્ય સ્પર્ધામાં પોતાની હાજરી નોધાવી દે.

ફાગણમાં ધાણીખજૂરથી માંડ ધરાયા હોય ને ત્યાં જ લીલાંછમ પલપલીયાં નજરે ચઢવા માંડે. ચૈત્ર બેસતા બેસતામાં તો આ પલપલીયાં સૂકાઈને સોનેરી બની ગયા હોય. એ સોનેરી રંગની મધ્યે છુપાયેલું રહસ્ય શોધવા માટે અમે એવા આકુળવ્યાકુળ થઇ ઉઠીએ કે ઉનાળાની બળબળતી બપોરનો આકરો તાપ પણ અમારી એ હોંશને આડે ન આવી શકે. બપોરે બહાર નીકળવાની મનાઈ હોવા છતાં માબાપને ઉંઠા ભણાવીને પણ અમે ભેરુઓ પલપલીયાં ભણી દોટ મેલતા. નજીક પહોંચતાવેંત અમારો એક ભેરુ પથ્થરથી પલપલીયાંની ડાળને તાકતો ને જેવા સૂકા પલપલીયાં નીચે ગરવા માંડે કે અમે અમારા હાથના ખોબામાં એકેએક પલપલીયાંને ઝીલવાનો ભગીરથ પ્રયત્ન કરતાં. જયારે પલપલીયાં પૂરતાં પ્રમાણમાં એકઠા થાય ત્યારે લીમડાની છાયામાં જઈને નિરાંતે બેસતા. ત્યાં બેઠા પછી આ ઝીલેલા પલપલીયાંના ભાગ પાડવામાં આવે. ભાગે આવેલા પલપલીયાંઓનો અમે ખાવામાં અને કુવામાં નાખવામાં ઉપયોગ કરતાં.

નાના પતાકડા જેવા દેખાતા આ પલપલીયાંની બરોબર વચ્ચમાં એનું નાનકડું બીજ છૂપાયેલું રહેતું. છીપલામાંથી જાણે મોતી ના કાઢતા હોઈએ એટલા આનંદ અને કાળજીથી અમે આ બીજને બહાર કાઢતા ને પછી વાતો કરતાં કરતાં હોંશેહોંશે આરોગતા. તલના બી જેવો સ્વાદ ધરાવતું આ બીજ ખાવાની ખૂબ મજા પડતી. ત્યાર પછી જે પલપલીયાં વધે એને અમે કુવામાં નાંખવા માટે જતા એની પાછળની માન્યતા એવી કે જેટલા પલપલીયાં કુવાના પાણીને અડે એટલા પૈસા અમને એ દિવસે મળવાની સંભાવના પ્રબળ બની જતી. અહી શરત એ રહેતી કે પલપલીયું હાથના ખોબામાં ઝીલેલું હોવું જોઈએ ને બીજું એ આડુંતેડું કુવાની દીવાલને ક્યાંય અડ્યા વિના પાણીમાં પડવું જોઈએ જે ખૂબ અઘરું કામ હતું. આમાં અમારું કોઈ કૌશલ્ય કામમાં ન આવતું બલ્કે નસીબ પર આધાર રાખીને ઠોયાની જેમ બેસી રહેવાનું બનતું. આથી જયારે પલપલીયું અંદર જતું હોય ત્યારે અમારી ધીરજની કસોટી થઇ જતી. વજનમાં હળવું પલપલીયું હવામાં આમતેમ ફંગોળાતું રહેતું ને મોટેભાગે તો કુવાની દિવાલના પોલાણમાં જ ક્યાંક ભરાઈ જતું. માંડ માંડ બે પાંચ પલપલીયાં એ કસોટીમાંથી પાર ઉતરતા ને જેવા પાણીને સ્પર્શતા કે અમે હરખથી ઉછળી ઉછળીને ચિચિયારીઓ પાડતા.

કહેવાની જરૂર નથી કે બાકીનો આખો દિવસ અમને ક્યાંકથી બે પાંચ પૈસા જડી આવે એ આશામાં જ વિતાવી દેતા.

21 માર્ચ, 2014

સીમાડે જડી મને પીલુડી.

નાનીઅમથી પીલુડી બાળપણના સંસ્મરણોમાં હજીય એવી ને એવી જ અકબંધ છે. રજાઓ પડે એટલે દાદાને ઘેર પહોંચી જતો ને સવારથી સાંજ સુધી બાળભેરૂઓ સાથે નજીકમાં જ આવેલી સીમમાં રમ્યા ને રખડ્યા કરતો. એ વેળા પીલુડી અમને સૌથી વધુ વહાલી લાગતી એનું એકમાત્ર કારણ એ કે એની ઓછી ઊંચાઈને કારણે અમે આરામથી ઉપર ચઢી શકતા ને 'આમલીપીપળી' જેવી ઝાડ ઉપર ચઢઉતર કરવાની રમત સરળતાથી રમી શકતા. વળી એની નાનકડી પરંતુ ઘેઘૂર છત્રછાયામાં અમારી જાતને છુપાવવામાં ઝાઝી મહેનત પણ કરવી પડતી નહિ. ઉનાળાની બપોરે તો ઘણીવાર અમે એમાં વામકુક્ષિ પણ કરી લેતા. આ પીલુડી પર ફળ આવે ત્યારે તો એનાં માનપાન રાતોરાત વધી જાય. આંબે આવે મોર ને પીલુડીને આવે પીલુ. આંબા પર મંજરી બેસવાની શરૂઆત થાય એજ ગાળામાં પીલુડી પર પીલુ દેખાવાની શરૂઆત થાય ને એને કારણે સીમની શોભા વધી જાય. એનું ફળ કાચું હોય ત્યારે લીલું ને પાક્યા પછી રતુમડો રંગ ધારણ કરે. આ નાના નાના મોતીના દાણા જેવા પાકા ફળ મોંમાં મૂકતાવેંત જીભ પર ચરચરાટી ફેલાવી દે પણ થોડીવાર પછી એકદમ મીઠા લાગે. 

આમલી, પીપળો અને વડ જેવા મહારથીઓ આગળ આમ તો ઓછી ઉંચાઈ ધરાવતી પીલુડીની કોઈ ગણના નહિ પણ ગોચરમાં અને ખારાપાટમાં જ્યાં આવા મહારથીઓની ગેરહાજરી હોય ત્યાં એનો વટ વધી જાય. કોરા અને સૂકાભઠ રણવિસ્તારો આમ તો નજર પહોંચે ત્યાંસુધી ગાંડા બાવળની અતિવસ્તી હોવા છતાંય વાંઝિયા જ લાગે, પરંતુ માત્ર પીલુડીની હાજરી અને અસ્તિત્વને લીધે જ એની રહીસહી લાજ રહી જાય. કહેવાની જરૂર નથી કે આ વિસ્તારોમાં પીલુડીનું સ્થાન પાટવી કુંવરથી જરાય ઓછું નહિ એ તો લૂ વરસાવતી ભરબપોરે એને શરણે ગયા હોય એને જ સુપેરે સમજાય. એની છત્રછાયામાં આંખે નેજવું કરીને ઝાંઝવાના જળ જોવાની મજા વાતાનુકુલિત ઓરડાઓમાં શ્વસનારાઓને ક્યારેય સમજાય ખરી !

પીલુડીને વખડો અને જારૂ તરીકે પણ ઓળખવામાં આવે છે. વખ એટલે ઝેર. એનો સ્વાદ કડવોવખ હોવાથી એ કદાચ વખડા તરીકે ઓળખાતી હશે. અલબત, એનો આજ સ્વાદ ઔષધિય ગુણ પણ ધરાવે છે. કારણ, એમાં રહેલું ફ્લોરાઈડ પેઢાને મજબૂત બનાવે છે ને દાંતને ચમકાવે છે. આમ એનો દાતણ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. પીલુડીનું લાકડું આમ તો બરડ હોય છે એટલે બળતણ સિવાય કશા કામમાં આવતું નથી, પરંતુ હાથવગું હોવાને કારણે સીમમાંથી તો લગભગ એનું નિકંદન જ નીકળી ગયું છે.

આમ, ભલે ને શિર્ષક "સીમાડે જડી મને પીલુડી" રાખ્યું હોય, પરંતુ હકીકતમાં તો આ નાનીઅમથી પીલુડી હવે અલભ્ય અને દુર્લભ બની ગઈ છે.

24 મે, 2013

કરમમાં હોય એના હાથમાં કરમદાં આવે !

ઘરમાં બેસીને આઈપીએલ જોતાં જોતાં વેફર્સના પડીકાંઓ ભચડનારી પેઢીનાં નસીબમાં કેમિકલથી કુત્રિમ રીતે પકવેલા કેળાં અને કેરીઓ જ હોય. બેજોડ સ્વાદ ને કુદરતી વિટામિન્સથી ભરપૂર  કરમદાં ખાવા હોય તો જંગલમાં રખડવાની તપશ્ચર્યા કરવી પડે.

રંગે ઘેરા જાંબુડી, કદમાં દેશી જાંબુ જેવડાં નાના અને સ્વાદમાં બેજોડ ને ખટમધુરાં ફળ એટલે કરમદાં. એની ખેતી થતી નથી એટલે બજારમાં એ જોવાય મળતા નથી. એની ભાળ મેળવવી હોય તો સુવર્ણપટ્ટી છોડીને સેલવાસથી શામળાજી સુધીની પૂર્વપટ્ટીમાં રખડપટ્ટી કરવી પડે કારણ એનો સહજ ઉછેર ને જાળવણી જંગલ અને ડુંગરાળ પ્રદેશમાં જ થાય છે.

ગરમીની મોસમમાં બોરડીની જાતના જ  નાના કાંટાળા છોડ પર કરમદાં થાય છે. કાચા હોય ત્યારે ઘેરા લીલા ને બેસ્વાદ પણ જેમ જેમ પાકા થતા જાય એમ એમ ઘેરો જાંબુડી રંગ ને અનેરો સ્વાદ ધારણ કરતાં જાય છે. છોડ પર જ પાકેલું કરમદુ સ્વાદમાં એવું બેજોડ હોય છે કે એની સરખામણી બીજા કોઈ ફળ સાથે થઇ ના શકે. 

ફળમાં ગર ઓછો ને બીયા વધારે હોય છે એટલે મહેનત ઝાઝી કરવી પડે આમ છતાં એક વાર એનો સ્વાદ દાઢે વળગે પછી એની એવી માયા લાગે કે ગમે એટલા કરમદાં પેટમાં પધરાવીએ તોયે મનને ધરવ ન જ થાય.

પાણીનો લોટો.

નિવૃત્તિ પછીના છઠ્ઠા મહિને જ બાપુજીને પક્ષાઘાત લાગુ પડ્યો. વેળાસરની સારવારને કારણે એ બેઠા તો થઇ ગયા પણ એમનાં જમણા હાથ અને પગમાં એની યાદગ...