લેબલ માનવતાનું ગાન સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ માનવતાનું ગાન સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

11 મે, 2016

એક અનોખી યાત્રા.

ઇ.સ. ૨૦૦૦ પહેલાંની વાત. વડોદરા શહેરની વાઘોડિયા ચોકડીની આજુબાજુના સેંકડો એકર વિસ્તારમાં નજર ફેરવો ત્યાં સુધી ગાંડા બાવળનું સામ્રાજ્ય ફેલાયેલું હતું. મોટા ભાગની જમીન બંજર અને ખરાબાની હતી. એથી વિશેષ કોઈ એનું ધણીધોરી ન હોવાથી આ જમીનનો મોટો ભાગ માથાભારે દબાણકારો દ્વારા પચાવી પાડવામાં આવ્યો હતો.

આ સમયે જો કાયદાના જાણકાર યુવાન ઇસુસંઘી ફા. જોલીને આ જમીનનો કાયદેસર હક મેળવવાનું કામ સોંપવામાં ન આવ્યું હોત તો આ જમીનના મૂળ માલિકો વિશે દુનિયાને ક્યારેય અતોપતો ના મળત. ખાસ્સી મથામણ અને સમય, શક્તિ અને નાણા ખર્ચ્યા પછી જે ક્ષણે આ જમીનનો કાયદેસર કબજો મળ્યો એ જ ક્ષણે જેના રોમેરોમમાં પ્રકૃતિ અને પર્યાવરણના હિત અને ચિંતા વસેલા હતા એવા ફા. જોલીએ ત્યાં કુદરતી સંસાધનોનો કેવી રીતે માનવહિતમાં યોગ્ય અને પૂરેપૂરો ઉપયોગ થઇ શકે એનો આંખે દેખ્યો ચિતાર આપવા માટે ત્યાં એક ‘લીલુંછમ મોડલ’ ઉભું કરવાનો વિચાર કર્યો.

એ વિચાર, એ સ્વપ્નને સાકાર કરવા માટે ઈ.સ. ૨૦૦૨માં એમણે વૃક્ષનું એક નાનકડું બીજ વાવીને શુભ શરૂઆત કરી. ત્યાર બાદ સમયાંતરે અને તબક્કા વાર તેઓ એ જમીનમાંથી ગાંડા બાવળ દૂર કરીને સમથળ બનાવતા ગયા ને ધીમે ધીમે જળ, જમીન, વૃક્ષો અને સૂર્યપ્રકાશનો મહત્તમ ઉપયોગ કરીને આ જગ્યાને જોતાવેંત ગમી જાય એવી રળિયામણી બનાવતા ગયા.

આજે દોઢ દાયકા પછી આ જગ્યામાં ફળફળાદિ આપતા અને ઔષધીય ગુણો ધરાવતા ૬૦,૦૦૦ વૃક્ષો, ચાર મોટા કુત્રિમ તળાવો, સૂર્ય શક્તિ અને પવન ઉર્જાથી ચાલતા સાધનો ને આ બધામાં શિરમોર એવી ‘ઝેવિયર ગ્રીન સ્કૂલ’ અને એમાં ભણતા સેંકડો ‘ડ્રોપ આઉટ’ વિદ્યાર્થીઓ ફા. જોલીની દીર્ઘદ્રષ્ટિ, અપાર ધીરજ અને આકરી મહેનતની ક્ષણે ક્ષણે સાક્ષી પૂરી રહ્યા છે.

આવા અનોખા પ્રકૃતિના ધામમાં ગઈકાલે સાંજે સવા પાંચ વાગ્યે કેટલાક ખાસ લોકોએ ફા. જોલીના માર્ગદર્શન હેઠળ પ્રકૃતિની યાત્રા કરી હતી. જેમાં મુખ્યત્વે આ સ્થળનો ઈતિહાસ અને ખાસ કરીને જુદા જુદા કુદરતી સંસાધનોના ઉપયોગ દ્વારા કેવી રીતે પર્યાવરણની જાળવણી થઇ શકે એ વાતોને વણી લેવામાં આવી હતી. ત્યાર બાદ તરત જ ‘પ્રકૃતિ ગીત સંધ્યા’નું આયોજન કરવામાં આવ્યું હતું. ગીતો, લોકગીતો, ભજનો અને સંગીતના ઘણા કાર્યક્રમો ઠેકઠેકાણે યોજવામાં આવે છે. પણ માત્ર પ્રકૃતિને કેન્દ્રમાં રાખીને પ્રકૃતિનો મહિમા ગાતા ગીતોનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હોય એવું સંભવતઃ પહેલી વાર બન્યું હતું.

કહેવાની જરૂર ખરી કે આવી અનોખી યાત્રામાં સહભાગી બનનારાઓ પોતાની જાતને બડભાગી અને ભાગ્યવંત માની રહ્યા હતા.

24 એપ્રિલ, 2013

માનવ ઘડતરનો સેવાયજ્ઞ

વડોદરા બાયપાસની આજુબાજુ ગાંડા બાવળીયા અને મકાનોના  જંગલ સિવાય કશુંય આંખે ચડતું નથી પરંતુ વાઘોડિયા ચોકડીથી વાઘોડિયા તરફ થોડા આગળ વધો અને ઝેવિયર કેળવણી મંડળના કેમ્પસમાં અંદર પ્રવેશો કે તરત જ વાતાવરણ બદલાઈ જાય છે.

ફળફળાદી અને ઔષધીય ગુણો ધરાવતા સેંકડો વૃક્ષો નજર પહોંચે ત્યાં સુધી જોઇને આંખો ઠરે છે. વાહનોનો ઘોંઘાટ ને ધમધમાટ લગભગ નહિવત થઇ જાય છે ને એને બદલે જાતજાતના ને ભાતભાતના પક્ષીઓનો કલરવ કાનોમાં મધુરું ને કર્ણપ્રિય સંગીત રેલાવે છે. આ બધામાં શિરમોર એટલે શાળામાંથી ભણતા ભણતા ઉઠી ગયેલા બાળકોની કિલકારીઓ ને કલશોર. 

આ જગ્યાનું નામ છે "ઝેવિયર સેન્ટર ફોર ઇકો હાર્મની". અહી ખૂણે ને ખાંચરે આ બંજર ધરાને ફળદ્રુપ બનાવનાર ને ઉઠી ગયેલા બાળકોને ફરીથી ભણતા કરવાનો ભગીરથ પ્રયત્ન કરનાર સન્યાસી ફા.જોલીની ધીરજ, દીર્ઘદ્રષ્ટિ અને સખત મહેનત દ્રષ્ટિગોચર થયા વિના નહિ રહે .

17 એપ્રિલ, 2013

એ ફરિશ્તાઓ અમને ના મળ્યા હોત તો !

ગયા શુક્રવારની સાંજે અમે ત્રણેય બાઈક લઈને બાલાશિનોર ભણી આગળ વધી રહ્યા હતા. આથમતા સૂર્યનું સૌન્દર્ય માણવામાં અમે મશગૂલ હતા ને અચાનક બાઈકમાં પંક્ચર પડવાને કારણે અમારા રંગમાં ભંગ પડ્યો. જલગાર ગામથી અમે ત્રણેક કિલોમીટર દૂર હતા ને બાલાશિનોર તો ક્યાંયે છેટું હતું. અજાણ્યા ગામની સીમમાં અંધારાના ઓળા અમારા માથા પર ઝઝૂમી રહ્યા હતા ને ભય અમને ઘેરી વળ્યો હતો.

બરોબર એજ સમયે અમારી પાછળ પચાસ ડગલા દૂર એક બાઈક સવારને પણ અમારા જેવો જ પ્રશ્ન નડ્યો. નસીબ અમારું એટલું પાધરું કે એજ ગામના એ રહેવાસી હતા. એમનું નામ યાસીનભાઈ. ફોન કરીને તાત્કાલિક એમના સબંધી સિરાજને પંપ લઈને બોલાવ્યો. હવા પૂરી જોઈ પણ ના ટકી. તરત જ બંને જણ ગામમાં ગયા ને પંક્ચર રીપેર કરનારને બોલાવી લાવ્યા. વ્હીલ કાઢીને લઇ ગયા ને માત્ર દસ જ મીનીટમાં પંક્ચર બનાવીને પાછા આવ્યા. મને સમજાતું નહોતું કે અમારી વચ્ચે એવો તો કયો ઋણાનુબંધ હતો કે એ બધાયે અમારે માટે આટલી બધી મહેનત કરી રહ્યા હતા.

એ સાંજે યાસીનભાઈ અને સિરાજ નામના એ ફરિશ્તાઓ અમને ના મળ્યા હોત તો ખુદા જાણે અમારી સ્થિતિ શું થઇ હોત !

22 માર્ચ, 2013

સામાજિક ચેતનાના ભેખધારીઓ

જ્યાં સમ ખાવા પુરતોય એકપણ ખ્રિસ્તી નથી એવા કપડવંજ અને આજુબાજુના ચાલીસ ગામોમાં શાસન, શિક્ષણ અને રોજગારી ક્ષેત્રે ધાર્મિક નહિ બલ્કે સામાજિક કાર્યો થકી પરિવર્તન આણવા માટે ખ્રિસ્તી ધર્મગુરુઓ ૧૭ ઉપરાંત વર્ષોથી ધુણી ધખાવીને બેઠા છે. આ ભગીરથ કાર્યના ફળ પણ હવે જોવા મળી રહ્યા છે.

આ કાર્યોના પરિપાકરૂપે ગઈકાલે કપડવંજ ડૉન બોસ્કો કેમ્પસમાં લગભગ છસ્સો ગ્રામીણ બહેનો "મહિલા દિનની ઉજવણી" માટે ભેગી થઈ હતી. આ ઉજવણીમાં એમણે નાટકો દ્વારા ભૂણ હત્યા અને અંધશ્રદ્ધા જેવી પ્રવર્તમાન સામાજિક સમસ્યાઓ પર પ્રકાશ ફેકવાનો પ્રય્ત્ન કર્યો હતો. સાથે સાથે સમાજમાં મહિલાઓને સન્માન અને સુરક્ષા મળે એ માટે વિશાળ રેલી કાઢીને મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું હતું.

સતર્ક રહેવું એ મારો ધર્મ છે.

ટ્રેન ન. 12934, કર્ણાવતી એકપ્રેસ સવારના લગભગ સવાસાત વાગે વડોદરા વટાવીને ભરૂચ તરફ પૂરવેગે ધસમસી રહી છે. કોચ ન. ડી/5 માં હું "સામાન્ય ટીકીટ" સાથે હોવાને કારણે દરવાજા આગળ ઊભો ઊભો અંદરની ગતિવિધિઓનું ઉત્કટતાથી નિરીક્ષણ કરી રહ્યો છું.

ટીકીટ ચેકર રાજેન્દ્રસીંગ પરમાર રોજિંદી ફરજના ભાગરૂપે મુસાફરોની ટીકીટ ચેક કરી રહ્યા છે. કોચમાં અધવચ્ચે પહોંચતા જ બરોબર રસ્તાની વચ્ચે પડેલા એક વજનદાર થેલા સાથે એમનો પગ અથડાય છે. માલિકની શોધ માટે જોરજોરથી ચાર પાંચ વાર બૂમો મારી જોઈ પણ કોઈ જવાબ મળતો નથી. ચિત્તાની ચપળતાથી એમણે ત્વરિત નિર્ણય લીધો ને ઝાઝી હો હા કર્યા વગર એ વજનદાર બેગને એમણે દરવાજા તરફ ખેચવાનું શરૂ કરી દીધું. મને આશ્ચર્ય સહિત આનંદ થયો કારણ આવું દ્રશ્ય ભાગ્યે જ જોવા મળતું હોય છે.

બરોબર મારી પાસે આવીને એ અટક્યા ને તરત જ એ શંકાસ્પદ બેગની તપાસ શરુ કરી. બેગ ખોલતાં જ મુસાફરોમાં હાસ્યની છોળો ઉઠી આવી કારણ એમાં બીજું કશું જ નહોતું પરંતુ મિલીટરી કેન્ટીનમાંથી ખરીદેલી સાબુ અને કોપરેલ જેવી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ જ હતી.

મુસાફરોનું હાસ્ય ઝટ સમે એમ નહોતું મેં પણ હસતાં હસતાં જ ટીકીટ ચેકર સામે હાથ લંબાવ્યો ને એમની ચપળતા અને સતર્કતા બદલ અભિનંદન પાઠવ્યા જેનો એમણે ત્વરિત પ્રતિભાવ પણ આપ્યો; "સતર્ક રહેવું એ મારો ધર્મ છે."

જય હો ! ભારતમાં આવા લોકો પણ વસે છે.

પાણીનો લોટો.

નિવૃત્તિ પછીના છઠ્ઠા મહિને જ બાપુજીને પક્ષાઘાત લાગુ પડ્યો. વેળાસરની સારવારને કારણે એ બેઠા તો થઇ ગયા પણ એમનાં જમણા હાથ અને પગમાં એની યાદગ...