લેબલ આદિવાસીઓ અલીરાજપુરના. સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ આદિવાસીઓ અલીરાજપુરના. સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

14 માર્ચ, 2016

બાકરાનું ભોજન, શ્રેષ્ઠ ભોજન.

મધ્યપ્રદેશમાં આવેલો અલીરાજપુર જીલ્લો એટલે ભીલ આદિવાસીઓનો ગઢ. એમની પાસે ખેતીની જમીન ખરી પણ ડુંગરાળ પ્રદેશ હોવાને કારણે ટુકડાઓમાં વહેંચાઇ ગયેલી જેમાં ખપ પૂરતું અનાજ પાકે. જ્ઞાન અને સમજણને અભાવે બહુધા લોકો ચોમાસામાં મકાઈની ખેતી કરે અને બાકીના સમયમાં શાકભાજી કે પછી તુવેર કે અડદ જેવા કઠોળના પાક પકવે.

જમીન રેતાળ અને સૂકી પણ નિષ્ણાતોના અભિપ્રાય પછી જાણવા મળ્યું કે આ જમીનમાં આદુ અને હળદર જેવા રોકડીયા અને મોઘા છોડ સહેલાઇથી ઉગાડી શકાય જેમાં મહેનત ઓછી અને કમાણી વધારે. પણ અભણ આદિવાસીઓને પરંપરાગત ખેતી છોડીને આવા સોનાના ઈંડા જેવા છોડ ઉગાડવા માટે સમજાવવા એ લોઢાના ચણા ચાવવા જેવી અઘરું કામ. 

ખેર, એ પડકારને ઉઠાવી લઈને આજુબાજુના દસ ગામોમાં પાંચ પાંચ ખેડૂતોને અમે સમજાવીને તૈયાર કર્યા. સંસ્થા તરફથી એમને તાલીમ આપવામાં આવી અને મફત બિયારણ પણ આપવામાં આવ્યું. આ આખા કાર્યક્રમની દેખરેખ રાખવાનું કામ અમારે ભાગે આવ્યું આથી ફરજના ભાગરૂપે અમે દરરોજ એક ગામની મુલાકાત લઈએ, ખેતર અને પાકનું નિરીક્ષણ કરીએ અને પછી જે તે ખેડૂતને માર્ગદર્શન આપીએ. 

આવી જ એક મુલાકાત દરમિયાન સવારથી બપોર સુધી ખેતરોમાં રખડી રખડીને યજમાન ખેડૂતના ઘરે પહોંચ્યા ત્યારે બપોરનો લગભગ એક વાગ્યો હતો. ભોજનનો સમય વીતી ચૂક્યો હતો ને અમારા પેટમાં બિલાડા બોલી રહ્યા હતા. ઓસરીમાં જોયું તો એમના બાળકો મસ્તીથી મકાઈના રોટલા અને તુવેરના બાકરા આરોગી રહ્યા હતા. તવા પર શેકાઈ રહેલા ગરમા ગરમ મકાઈના રોટલાની સુગંધ અમારા અંગેઅંગમાં પ્રસરી રહી હતી ને ભોજન માટે અમે તડપી રહ્યા હતા. 

અમારી એ દશાને પામી ના ગયા હોય એમ યજમાને અમને શરમાતા શરમાતા ભોજન માટે આમંત્રણ આપ્યું. અમને તો ભાવતું તું ને વૈદે કહ્યું એટલે મારો સાથીદાર અને હું તરત ઉભા થઈને હાથ ધોવા માટે ગયા. પાછા આવ્યા ત્યારે પાથરણા પથરાઈ ચૂકયા હતા ને ચકચકિત થાળીઓ પણ ગોઠવાઈ ગઈ હતી. બીજી પાંચ જ મિનિટમાં ગરમાગરમ રોટલા પણ પીરસવામાં આવ્યા ને સાથે સાથે ડુંગળી અને લશણીયું મરચું પણ ખરું જ. પીરસતી વખતે યજમાનના હાવભાવ હું નીરખી રહ્યો હતો. ખબર નહિ કેમ પણ એમની આંખોમાં મને શરમ અને ખચકાટનો ભાવ વંચાઈ રહ્યો હતો. કશું સમજાયું નહિ. હવે થોડી વારમાં ગરમાગરમ બાકારા આવશે એમ માનીને અમે ધીરજ ધરીને બેસી રહ્યા. પાંચેક મિનિટ વીતી પણ શાક ન આવ્યું એટલે મારા સાથીદારે હળવેથી સ્વાભાવિક પૃચ્છા કરી જોઈ. 

“તમે પણ બાકરા ખાશો ?” યજમાનના ચહેરા પરનો શરમ અને ખચકાટનો ભાવ ઓચિંતો દૂર થઇ ગયો ને આશ્ચર્યથી એમણે અમને પૂછ્યું. 

“હા વળી, મને તો બાકરા ખૂબ ભાવે છે.” મેં હર્ષથી જવાબ આપ્યો. 

મારો એ જવાબ સાંભળતાવેંત યજમાન ખુશખુશાલ થઇ ગયા ને અંદર જઈને આખુ તપેલું ઊંચકીને લઇ આવ્યા. હવે જે ભાવથી તેઓ અમને બાકરા પીરસી રહ્યા હતા એ પરથી મને તરત જ સમજાઈ ગયું કે થોડી વાર પહેલા કેમ એમને ખચકાટ થઇ રહ્યો હતો. 

કહેવાની જરૂર નથી કે ભાવથી પીરસવામાં આવેલું ગરમાગરમ મકાઈના રોટલા અને બાકરાનું એ ખાણું મારા જીવનનું સૌથી શ્રેષ્ઠ ભોજન હતું. 













1 ઑક્ટો, 2014

પંચ એ પરમેશ્વર નથી.

અલીરાજપુરથી બિલકુલ નજીકના એક ગામની ભાગોળે ખુલ્લા ખેતરમાં કેટલાક ગામલોકો ભેગા થયા છે ને ઉભડક બેઠા બેઠા દારૂની મહેફિલ માણી રહ્યા છે. આટલા બધા માણસોને એકસાથે મહેફિલમાં હાજર જોઇને મને આશ્ચર્ય થયું એટલે કુતૂહલતાથી મેં મારા સહકાર્યકરને પૂછ્યું કે આ બધું શું ચાલી રહ્યું છે?

"તોડ પાડ્યો હોય એમ લાગે છે."
"શાનો તોડ ને શાની વાત ? " મને વાતમાં ખાસ સમજણ ન પડી.
"ગામનો કોઈ પુરુષ બીજી ઘરવાળી લઇ આવ્યો લાગે છે."
"શું વાત કરે છે?" મને આ થોડી વિચિત્ર લાગતી બાબતમાં રસ પાડવા માંડ્યો એટલે અમે પૂછપરછ કરીને હકીકત જાણવાનો પ્રયત્ન કર્યો.

"વાત એમ છે કે ...." ગામની જ એક વ્યક્તિએ અમને વિગતે માહિતી આપવા માંડી.

"સૂકલીયો નામના એક યુવાનના કિશોરાવસ્થામાં જ લગ્ન લેવાઈ ગયા હતા. વીસીમાં પ્રવેશે એ પહેલાં તો એ બે બાળકોનો પિતા બની ચૂક્યો હતો પણ ઘરવાળી સાથે મનમેળ ક્યારેય ન થઇ શક્યો. ગુજરાતમાં મજૂરીકામ માટે ગયો ત્યારે એને એની જ ઉંમરની અન્ય યુવતી સાથે પ્રેમ થઇ ગયો ને ગયે અઠવાડિયે જ એને ભગાડીને પોતાના ઘરે લઇ આવ્યો છે. હવે સમાજના રિવાજ પ્રમાણે એણે યુવતીના માબાપને નિશ્ચિત રકમ તો ચૂકવવી જ પડે ને સાથે સાથે એનું લગ્ન બીજી વારનું હોવાથી ગામનું પંચ જે દંડ નક્કી કરે એ પણ ભરવો પડે. જો દંડની રકમ વધારે લાગે તો પંચ નક્કી કરે એટલી રકમ ઉચ્ચક આપવી પડે. જો એ રકમ પણ ના ભરે તો લગ્ન ગેરકાયદેસર ગણાય ને ગામમાં એ ક્યારેય પ્રવેશ ના કરી શકે. "

"કેટલી રકમ એણે ચૂકવી છે?" મેં પ્રશ્ન પૂછ્યો.
"લગભગ પંદરેક હજાર."
"પંદર હજાર રૂપિયામાં લગ્ન કાયદેસર ગણાય?"
"હા."
"પંચ એ રકમનું શું કરશે?"
"તમે અત્યારે જે જોઈ રહ્યા છો એ. મળતિયાઓ સાથે મળીને રકમ થોડા જ કલાકમાં ઉડાડી મૂકશે."

"પણ, એની પહેલી પત્નિનું ભાવિ શું? પંચે એનો કોઈ વિચાર કર્યો છે ખરો?" ભીલ આદિવાસીઓમાં બહુ પત્નિત્વની નવાઈ નથી એટલે મને પણ આશ્ચર્ય ન થયું પણ પહેલી પત્નિનાં ભાવિની સ્વાભાવિક ચિંતા થઇ આવી.
"બંને પત્નિઓ સાથે જ રહેશે." સરળતાથી એણે જવાબ આપ્યો.

જવાબ એકદમ સરળ પરંતુ, વાસ્તવિકતા એટલી સરળ હોય છે ખરી! તોડ પાડીને રૂપિયા ખંખેરી લેતા પંચની પાસેથી ન્યાયની કોઈ અપેક્ષા રાખી શકાય ખરી!

27 સપ્ટે, 2014

હોળી પછીનું ટાણું ને રૂપલીનું આણું.

રૂપલી ને સેવલી બેય બેનોની આંખોમાં ઉજાગરો વર્તાતો'તો ને એમના હાથોમાંથી મેહંદીનો રંગ હજી ઉતર્યો નહોતો એ પરથી જ ખબર પડી ગઈ કે એમના લગન થયા ને હજુ ઝાઝા દહાડા નહોતા થયા. ભાગ અમારા એટલા પ્રબળ કે જે દહાડે અમે આંબા ગામમાં એમના ઘરે ગયા એજ દહાડે એમનું આણું વળાવવાનું હતું.

પરંપરાગત રીતે 'ભીલ' આદિવાસીઓમાં લગ્ન પછી ત્રણ ત્રણ આણા વળાવવાનો ચાલ ને રિવાજ. જેટલો ખરચ લગનમાં થાય એટલો જ બીજો આણા વળાવવામાં પણ થાય. કોઈ ભડનો દીકરો એમાં ફેરફાર ના કરી શકે પછી ભલે ને માથે ટાલ પડી જાય. ખાવું, પીવું ને નાચવું એજ એમનું જીવન. કાળી મજૂરી કરીને જે કાંઈ બચાવ્યું હોય એ આવે ટાણે ખાલી કરી નાંખે.

આણામાં પણ લગન જેટલો જ ખરચ થાય કારણ ગામ આખું જમે એટલા અડદના વડા બનાવવા પડે, ત્રણથી ચાર બકરાંઓ વધેરવા પડે ને સહુને ઓડકાર આવે એટલું મહુડાનું 'પરંપરાગત પીણું' બનાવવું પડે.

અડદના વડા બનાવવાની પ્રક્રિયા બે દા'ડા ચાલે ને એમાં ગામ આખું જોતરાય. દાળને ધોઈને ફોતરા કાઢવામાં આવે ને પછી વાતો કરતા કરતા એને હાથેથી પીસવામાં આવે. જે દા'ડે આણું હોય એ જ દા'ડે તળી સાંતળીને મહેમાનોને ગરમાગરમ પીરસવામાં આવે.

અમને જોઈને રૂપલીના ઘરવાળા ભાવવિભોર થઇ ગયા. ખાટલો ઢાળ્યો ને ટાઢું બોળ પાણી પાયું. થોડી વાર વાતો કર્યાં પછી ખાખરાના પાનમાં ગરમા ગરમ વડા પીરસ્યા ને ચાની જગ્યાએ એમનું 'પરંપરાગત પીણું' પણ અછોવાનાં કરીને પીવડાવ્યું.

અમને તો ભાવતું'તું ને વૈદે કીધું. ગરમા ગરમ વડાનો સ્વાદ પછી દાઢે ન વળગે તો જ નવાઇ !

26 સપ્ટે, 2014

રોચક અને રસપ્રદ લગ્નપ્રથા.

વર્ષમાં માત્ર એક જ વાર લગ્નની મોસમ આવે. હોળી પછી લગ્નોની શરૂઆત થાય તે ઠેઠ વરસાદ આવે ત્યાં સુધી ચાલુ રહે. મજૂરી અર્થે બહાર ગયેલા આદિવાસીઓ હોળીનો તહેવાર ઉજવવા માટે કોઈપણ સંજોગોમાં ઘરે પાછા આવી જાય. ત્યારબાદ જો ઘરમાં, કુટુંબમાં કે ગામમાં લગ્ન હોય તો મહિનાઓ સુધી કામકાજ અટકી પડે. લગ્નની અને લગ્ન પછીની વિધિઓ મહિના બે મહિના સુધી સતત ચાલુ રહે ને ઉજવણીનો માહોલ સતત જળવાઈ રહે. 

બંને પ્રસંગે વાતચીત પૂરી થયા પછી લગ્ન પહેલાં વર પક્ષે કન્યા પક્ષને નિશ્ચિત રકમ અને ઢોરઢાંખર આપવા પડે. એ સિવાય લગ્નમાં બે બાબતો ખાસ ધ્યાન ખેંચે; એક, બાળલગ્ન પ્રથા ને બીજું, છોકરા અને છોકરીની ઉંમરમાં રહેલો તફાવત. વિશ્વભરમાં સામાન્ય રીતે સ્ત્રી કરતાં પુરુષની ઉંમર વધારે હોય છે પરંતુ, અહીં એ બાબતમાં બિલકુલ વિરોધાભાસ જોવા મળે. છોકરા કરતાં છોકરીની ઉંમર ઓછામાં ઓછી પાંચ વર્ષ વધારે જ હોય. છોકરો બાર તેર વર્ષનો એટલે કે કિશોર અવસ્થામાં પહોંચે કે તરત જ એનાં લગ્ન પુખ્ત ઉંમરની છોકરી સાથે લઇ લેવામાં આવે. 

ઉંમરમાં તફાવત પાછળનો તર્ક એકદમ સાદો અને સ્પષ્ટ. અહીંનાં 'ભીલ' આદિવાસીઓનો જીવનનિર્વાહ બહુધા પાંખી ખેતી, ઢોરઢાંખર અને ખેત મજૂરી ઉપર ટકે. કુટુંબના પુખ્ત વયના સભ્યો મજૂરી મેળવવા માટે વર્ષનો મોટો ભાગ ઘરની બહાર રહે. આ સંજોગોમાં ઘરની જવાબદારી સંભાળવા માટે ખાસ કરીને ઘરકામ, ખેતીકામ અને ઢોરઢાંખરની સંભાળ રાખવા માટે જવાબદાર વ્યક્તિની જરૂરિયાત જણાય જે નવી આવનાર વહુના માથે થોપવામાં આવે. કેટલાક સંજોગોમાં જો મજૂરી માટે બહાર જવું પડે તો મોટી ઉંમરની વહુ હોય તો કુટુંબની આવક નિશ્ચિત પ્રમાણે વધી જાય. 
આમ, આર્થિક હેતુ તો સિદ્ધ થાય પણ ઉંમરમાં રહેલા તફાવતને કારણે બીજા ઘણાં બધા પ્રશ્નો ખાસ કરીને સામાજિક, મનોવૈજ્ઞાનિક અને જાતીયતાને લગતા પ્રશ્નો સર્જાય જેનો ઉકેલ ઘરમેળે જ શોધવામાં આવે. અને વાત પહોંચ બહાર જાય ત્યારે એનો ઉકેલ ઝટ લાવવા માટે ગામનું પંચ ટાંપીને જ બેઠું હોય. 

25 સપ્ટે, 2014

આ અલીરાજપુર છે.

લગભગ પાંચ વર્ષ પહેલાંની વાત. બુધવારની સવારે સાડાદસ વાગ્યે હું છોટાઉદેપુર પહોંચ્યો ત્યારે મારા સહકાર્યકર લાયરાબેન મારી રાહ જોતા ઉભા હતા. મધ્યપ્રદેશમાં આવેલા અલીરાજપુરમાં હું મારો કાર્યભાર સંભાળુ એ પહેલા સ્ટાફના અન્ય સભ્યો અને ત્યાંના વાતાવરણથી પરિચિત કરાવવા માટે લાયરાબેન મને સાથ આપવાના હતા. ખાસ્સી કલાકેક રાહ જોવડાવ્યા પછી બસ આવી ને એની પાછળ પાછળ પોતડી ને પાઘડી પહેરેલા આદિવાસીઓનું ટોળું હવામાંથી જમીન પર ત્રાટકતા તીડના ટોળાની પેઠે અચાનક હૂડૂડૂડૂ કરતું આવી પહોંચ્યું. ધક્કામુક્કી અને ધમાસાણ મચી ગયું. કેટલાક બારીઓમાંથી તો વળી કેટલાક ડ્રાઈવરની કેબીનમાંથી અંદર ઘૂસી ગયા. હું તો મોઢું વકાસીને એમની સામું તાકી રહ્યો પણ મારા સહકાર્યકર ધક્કામુક્કીમાંથી પણ જગ્યા કરીને અંદર પહોંચી ગયા ને માંડમાંડ છેવાડાની બે સીટ્સ પર કબજો મેળવી લીધો.

નિરાંતે હું અંદર પ્રવેશ્યો ત્યારે અંદરનું દ્રશ્ય જોઇને અવાચક થઇ ગયો. માણસો તો હકડેઠઠ હતા જ ને એમની સાથેસાથે મરઘાં ને બકરાંઓ પણ હતા. માણસો, પક્ષીઓ ને પ્રાણીઓનાં શરીરની ચોક્કસ ગંધની મિશ્રણનું પ્રમાણ બહારથી આવતી ચોખ્ખી હવા કરતાં ક્યાંયે વધારે હતું. મારી જગ્યા પર પહોંચ્યો ત્યાંસુધીમાં તો એક ચોથી માદક ગંધે મારા શ્વસનતંત્રનો કબજો લઇ લીધો. સાચું કહું તો એ ગંધ મને ગમતી હતી. એ ગંધ હતી મહુડાના દારૂની. હા, ઘણાં બધા પીધેલા હતા ને કેટલાક વળી બોટલમાં સાથે લઈને પણ આવ્યા હતા.

ગુલામી પિકચરમાં જોવા મળેલી ખટારા જેવી ખખડધજ બસ અડધા એક કલાક પછી આંચકા સાથે માનવ મહેરામણને લઈને અલીરાજપુર જવા નીકળી ત્યારે માંડમાંડ મારા જીવમાં જીવ આવ્યો. વીસ પચીસ કિલોમીટર પછી ગુજરાતની સરહદે આવેલું રંગપુર ગામ વટાવ્યું ને મધ્યપ્રદેશ એકદમ નજીક છે એનાં એંધાણ દેખાવા માંડ્યાં. ઉબડખાબડ રસ્તાની શરૂઆત થઇ ચુકી હતી. લીલાંછમ વૃક્ષો અને ખેતરો હવે ધીમેધીમે અદ્રશ્ય થવા માંડ્યા હતા ને એની જગ્યાએ ખેડ્યા વિનાની કોરીધાકોડ જમીન નજરે પડતી હતી.

અલીરાજપુર નજીક આવતાં જ લાંબા લાંબા તાડના પુષ્કળ ઝાડ જોવા મળ્યા. શહેરની ભાગોળે પ્રવેશ્યા પછી આઝાદી પહેલાના ભારતમાં પ્રવેશી રહ્યા હોય એવો નખશિખ અનુભવ ને વાતાવરણ જોવા મળ્યાં. સાંકડા રસ્તા અને જૂની બાંધણીના મકાનો ઠેર ઠેર જોવા મળ્યા. દુકાનની આગળ મહુડા, અનાજ અને કઠોળના ઢગલા જોવા મળતા હતા. જીપ અને ટ્રેક્ટર જેવા વાહનોમાં આદિવાસી સ્ત્રીપુરુષો મુસાફરી કરી રહ્યા હતા ને એમની સાથે મરઘાં ને બકરાંઓ તો હોય જ. પુરુષો પાઘડી અને પોતડી તો વળી કેટલાક ચડ્ડીધારીઓ પણ હતા. આંચકો લાગે એવી વાત એ હતી કે ઘણાંના હાથમાં તીરકામઠાં હતા તો વળી એકલદોકલ ભડવીર ખભે બંદૂક ભેરવીને મૂછો આમળતો આમળતો વટ પાડતો પણ જોવા મળી જતો હતો. સ્ત્રીઓ કબ્જો, ચણીયો ને માથે દુપટ્ટા જેવું વસ્ત્ર ધારણ કરેલી જોવા મળી. બસમથકે પહોંચ્યા પછી વળી પાછા આદિવાસીઓના ટોળેટોળાં જોવા મળ્યા. સ્ત્રીઓ અને પુરુષો બંને આજે બનીઠનીને બજારમાં ફરતા હતા. એક જ રંગનાં એકસરખા વસ્ત્રો પહેરીને ઘૂમી રહેલા ચોક્કસ જૂથનાં યુવાન અને યુવતીઓ જોઇને મને આશ્ચર્ય થયું એટલે મારા સહકાર્યકરને મેં પૂછ્યું; "આ શું છે?"

"આ અલીરાજપુર છે ને આજે બુધવાર એટલે હાટ બજારનો દિવસ છે. " એમણે જવાબ આપ્યો

પાણીનો લોટો.

નિવૃત્તિ પછીના છઠ્ઠા મહિને જ બાપુજીને પક્ષાઘાત લાગુ પડ્યો. વેળાસરની સારવારને કારણે એ બેઠા તો થઇ ગયા પણ એમનાં જમણા હાથ અને પગમાં એની યાદગ...