બેકારીથી કંટાળેલા એક યુવાને માઈક્રોસોફટમાં સફાઈ કામદારની જગ્યા માટે અરજી કરી. નિયત દિવસે લેવાયેલા ઇન્ટરવ્યુમાં સદનસીબે એ યુવાન પાસ થઇ ગયો ને એચ.આર.મેનેજરે એની પાસે ઈમેઈલ એડ્રેસની માંગણી કરી જેથી કંપનીની પોલીસી અનુસાર એને નિમણૂકપત્ર મોકલી શકાય.
"મારી પાસે કમ્પ્યુટર જ નથી તો પછી ઈમેઈલ એડ્રેસ ક્યાંથી હોય!" યુવાને પોતાની મર્યાદા જાહેર કરી.
"માફ કરજો ! જો તમારી પાસે ઈમેઈલ એડ્રેસ ન હોય તો તમે "વર્ચ્યુઅલ" દુનિયામાં હાજર નથી આથી અમે તમને નિમણૂક આપી શકીએ એમ નથી." મેનેજરે વિનમ્રતાથી એની નિમણૂકને ગેરવાજબી ઠેરવી.
નિરાશાથી ઘેરાયેલો આ યુવાન બજારમાંથી પસાર થઇ રહ્યો હતો ત્યારે એની નજર જથ્થાબંધ ભાવે વેચાતી સ્ટ્રોબેરી પર પડી. ખિસ્સામાં નજર કરી તો એની પાસે માત્ર એક હજાર રૂપિયા જ બાકી રહ્યા હતા આમ છતાં નસીબ અજમાવી જોવાનું નક્કી કરીને એણે પચાસ રૂપિયામા એક એવા વીસ સ્ટ્રોબેરીના બોકસ ખરીદી લીધા અને ફૂટપાથ પર ઊભા રહીને છુટક ભાવે વેચવાનું પણ શરુ કરી દીધું. નસીબ જોર કરતું હોવાથી માત્ર બે જ કલાકમાં બમણા ભાવે બધા જ બોકસ વેચાઈ ગયા. આથી સાજ પડતા સુધીમાં તો એણે બે થી ત્રણ વાર સ્ટ્રોબેરી વેચીને ચારગણો નફો અંકે કરી લીધો.
બહુ ઓછા અમયમાં એણે એક પછી એક સફળતાની સિદ્ધિઓ સર કરી ને છેવટે પોતાની "ફૂડ રેસ્ટોરા"ની મસમોટી શુન્ખલા પણ શરું કરી. લગ્નજીવનમાં પગરવ માંડ્યા પછી એને જીવનવીમાની જરૂરિયાત જણાઈ આથી એક જાણીતા સલાહકાર સાથે ફોન ઉપર જ પૂછપરછ શરુ કરી. વિગતે વાત જાણ્યા પછી સલાહકારે એની પાસે ઈમેઈલ એડ્રેસની માંગણી કરી જેથી વધારે માહિતી ઈમેઈલ દ્વારા મોકલી શકાય .
"મારી પાસે ઈમેઈલ એડ્રેસ નથી ." યુવાને ફરી એકવાર પોતાની મર્યાદા જાહેર કરી.
"શુ વાત કરો છો ? માનવામાં ન આવે એવી આ વાત છે. ઈમેઈલ એડ્રેસ ન હોવા છતાંએ તમે આટલા મોટા સામ્રાજ્યના માલિક છો તો પછી જો તમારી પાસે ઈમેઈલ એડ્રેસ હોત તો તમે અત્યારે ક્યાંથી ક્યાં હોત!" વીમા સલાહકારે અચરજ વ્યક્ત કર્યું .
"તો હું માઈક્રોસોફ્ટમાં સફાઈ કામદાર જ રહ્યો હોત !" યુવાને હસતાં હસતાં જવાબ આપ્યો.
(સૌજન્ય : કૌશિક પરમાર - એમણે મોકલાવેલ અંગ્રેજી ઈમેઈલનો ભાવાનુવાદ)