"તને હું મારા પૂરા હૃદયથી ચાહું છું અને તને જ હું જીવનભર વફાદાર રહીશ." તમારી મિત્ર તમારા કાનમાં આ વાત કહે છે ને તમે ઓળઘોળ થઇ જાઓ છો.
"દોસ્ત, મારા પર ભરોસો રાખજે. આપણી મિત્રતાને ખાતર તારા વિશે હું કોઈનેય ક્યારેય ખરાબ વાત કરીશ નહિ." ચાની ચૂસકી લેતાં લેતાં તમારો સહકાર્યકર તમને ભરોસો આપે છે ને તમને એની ઉપર શંકા કરવાને કોઈ કારણ નથી.
"અરે! તમે આટલું ઝડપથી ચીવટપૂર્વક આટલું બધું કામ કઈ રીતે કરી શકો છો! હું તમને નજીકના ભવિષ્યમાં જ બઢતી આપીશ." બોસની આ વાત સાંભળીને તમારા હરખનો પાર રહેતો નથી.
ખૂબ જ ટૂંકા ગાળામાં તમને આનાથી વિપરીત અનુભવો થાય છે. તમને દિલથી ચાહનારી તમારી મિત્રને તમે અન્ય કોઈ સાથે મલ્ટીપ્લેક્સ્માંથી બહાર નીકળતી જુઓ છો ને તમારું દિલ ભાંગી જાય છે. તમારો સહકાર્યકર તમારા બોસને કાનભંભેરણી કરી રહ્યો હોય છે ને આ વાતની તમને ખબર પડી જાય છે. તમારો બોસ તમારે બદલે અન્ય કોઈને બઢતી આપીને તમને માત્ર ઠીંગો બતાવે છે. કહેવાની જરૂર નથી કે તમે જેમનાં શબ્દો પર વિશ્વાસ રાખ્યો હતો એજ વ્યક્તિઓને વિશ્વાસભંગ કરતાં જોઇને તમારું હૈયું ચિરાઈ જાય છે.
મહદઅંશે આપણને જે કહેવામાં આવે છે તેને આપણે માનીને ચાલીએ છીએ. આથી જ એમ કહેવાય છે કે 'વિશ્વાસ વગર વહાણ પણ ન ચાલે.' પરંતુ અહી જ આપણે ગોથું ખાઈ જઈએ છીએ કારણ કે આપણને જે કહેવામાં આવે છે એને આપણે ઉંધુ ઘાલીને માની લઈએ છીએ પરંતુ આપણે જે જોઈએ અને અનુભવીએ છીએ એની ચકાસણી અને મૂલ્યાંકન કરવાની કાળજી ક્યારેય લેતા નથી. શબ્દો અને વાણી જો વર્તનમાં ન પરિણમે તો એવાં ખોખલાં શબ્દો પર ભરોસો રાખવાનો કોઈ અર્થ નથી. જો તમારી મિત્ર, તમારો સહકાર્યકર કે તમારો બોસ જે બોલે છે એ પ્રમાણે વર્તન ન કરતા હોય તો એમના લાગણીભર્યા ખોખલા શબ્દોથી છેતરાશો કે ભરમાશો નહિ.
(નોએલે નેલ્સનના પુસ્તક "એવરીડે મિરેકલ્સ"માંથી ભાવાનુવાદ)
(નોએલે નેલ્સનના પુસ્તક "એવરીડે મિરેકલ્સ"માંથી ભાવાનુવાદ)