ગઈ કાલે સાંજે પોલસન ડેરી રોડ પર આવેલી 'ન્યુ અમીન બેકરી' ભણી પગ આપોઆપ વળી ગયા. દીકરા માટે માખણીયા ટોસ્ટ ખરીદીને પૈસા ચુકવવાની તૈયારી કરતો હતો ને એક બહેનના હાથમાં રહેલું પેકેટ જોઇને આંખો ચમકી ઉઠી.
'શું ભાવ છે?' દુકાનદારને મેં કિંમત પૂછી.
'ચાલીસ રૂપિયે ડઝન.' એમણે જવાબ આપ્યો.
"હેં .... એક બિસ્કુટના લગભગ ત્રણ રૂપિયા ને તેત્રીસ પૈસા !" મારી આંખો પહોળી થઇ ગઈ.
"વાંધો નહિ. બે પેકેટ આપી દો." સરખામણીમાં બિસ્કીટ મોંઘા લાગ્યા તોયે ખરીદી લીધા. મારું મન ત્રણ દાયકા પહેલાના સમયમાં ડૂબકી મારી ચુક્યું હતું ને એટલે જ આજે આ બિસ્કુટ જોવા મળ્યા એને હું મારું સદભાગ્ય માનતો હતો.
દિવાળી ને ઉનાળાના વેકેશનમાં અમે બેય ભાઈઓ પેટલાદમાં આવેલા ઝેવિયરપુરામાં દાદા-દાદીને ત્યાં જઈ પહોંચતા. આખું વેકેશન રમવામાં ને રખડપટ્ટીમાં ક્યારે પૂરું થઇ જતું એનું ભાન ન રહેતું. દિવસ આખો તો રમવામાં જતો રહેતો. પણ, સાંજના ચાર થાય એટલે દાદા ચા પીવા માટે અમને ટહેલ નાંખતાં. રમવાનું છોડીને અમે એમને એમ ચા પીવા થોડા જઈએ એટલે દાદા નવો દાવ અજમાવતા;"અલ્યા, બિસ્કુટ નથી ખાવા."
બિસ્કુટ શબ્દ સાંભળતાવેંત એવો જાદુ થાય કે અમારા પગ આપોઆપ ઘર ભણી વળે. બંડીના ખિસ્સામાંથી થોડા પૈસા કાઢીને કાકાના હાથમાં મૂકીને દાદા કહેતાં;"જા લ્યા, જઈને બિસ્કુટ લઇ આવ. તમને ત્રણેને ચા જોડે ખાવામાં મજા આવશે."
પૈસા હાથમાં આવતાવેંત અમે પણ કાકાની જોડે દોટ મેલીએ ને ચા તૈયાર થાય એ પહેલાં તો નાકે આવેલા ગલ્લા પરથી બિસ્કુટ લઈને હાજર થઇ જઈએ.
આ બિસ્કુટ દેખાવમાં એકદમ મોટા અને ખાવામાં એવા કડક કે એને તોડવા માટે દાંતને ભારે કસરત કરવી પડે. પણ, ચામાં બોળી, ઝબોળીને ખાધા હોય તો ટેસ પડી જાય. સૌથી મોટું બિસ્કુટ મેળવવા માટે અમે ભારે હુંસાતુંસી કરીએ એટલે દાદા ન્યાય તોળવા બેસે ને એમાં અમારામાં જે સૌથી નાનો હોય એને મોટું બિસ્કુટ મળે. કહેવાની જરૂર નથી કે મોટું બિસ્કુટ મેળવવામાં મારો નાનો ભાઈ મેદાન મારી જતો ને અમે એને ઈર્ષ્યાભરી નજરે જોઈ રહેતા. પરંતુ, જેવું એ બિસ્કુટ ચામાં બોળીને ખાવાનું ચાલુ કરીએ કે બધી ઈર્ષ્યા ક્યાં અદ્રશ્ય થઇ જતી એ અમને ક્યારેય ન સમજાતું.
એ બિસ્કુટ ત્રણ ત્રણ દાયકા પછી ઘરે લઈને આવ્યો ત્યારે મારો આનંદ માતો નહોતો. જેવું એ પેકેટ દીકરાના હાથમાં મૂક્યું કે તરત જ એણે પ્રશ્ન પૂછ્યો;"આ શું લઇ આવ્યા?"
"બોળો ઝબોળો બિસ્કુટ. ખાઈને જો તો ખબર પડશે." બિસ્કુટનું નામકરણ કરીને મેં જવાબ આપ્યો.