લેબલ શ્રદ્ધાંજલિ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ શ્રદ્ધાંજલિ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

13 નવે, 2014

અનેરી સાઈકલવાળા બ્ર.અનેરી.

બાળપણમાં શાળામાં જતા આવતા, અનેરી સાઈકલવાળા બ્ર.અનેરીને જોઇને અનેરો આનંદ થતો. દૂરથી એમને જોઇને મન મલકાઈ ઉઠતું કારણ, સાઈકલ ચલાવતાં ચલાવતાં એ હસતાં જાય ને અમને બાળકોને હસાવવા માટે કંઈક ને કંઈક ગતકડું કરતા જાય. એમની અનેરી સાઈકલ સવારીથી માત્ર અમે જ નહિ બલકે, સેંટ ઝેવિયર્સ રોડ પણ સુપેરે પરિચિત. એમની સાઈકલની ઘંટડીના અનોખા રણકારથી એ રસ્તાની રોનક પણ બદલાઈ જતી. કંઈ કેટલાયે વર્ષો એમણે એ રોડને પણ પોતાના આનંદી અને હસમુખા સ્વભાવથી હસાવ્યો હશે.

જ્યારથી હું એમને ઓળખતો થયો ત્યારથી મેં એમને આણંદ પ્રેસમાં કામ કરતાં જોયા છે. સ્વભાવે રમૂજી, આનંદી અને કામગરા. કામને સમયે નાનુંમોટું કામ હોંશથી ને હરખથી કરતા જાય. એક બે વાર એમને હું પ્રેસમાં મળ્યો ત્યારે એ એમના કામમાં એટલા તો મશગૂલ હતા જાણે મશીનો સાથે વાત ન કરતાં હોય! ચોકસાઈ અને સંપૂર્ણતાના એ પૂરેપૂરા આગ્રહી ને હાથમાં લીધેલું કામ પૂરું ન થાય ત્યાં સુધી છાલ ન છોડે. પ્રિન્ટીંગમાં એમની જોડ ક્યાંયે ન જડે એટલા નિપુણ અને કુશળ આમછતાં, પોતાની એ આવડત અને કુશળતાનો ભાર ભૂલેચૂકેય ન વરતાવા દે. વિનમ્ર બનીને હંમેશાં શીખતા રહે ને શીખવતા રહે. 

જેટલા વહાલા એમને મશીનો એથીય વિશેષ વહાલા એમને માણસો. ભલાઈ ને ભલમાનસાઈ એમની રગેરગમાં વસે. આણંદ પ્રેસમાં કામ કરતી વ્યક્તિઓને તો નામઠામથી ઓળખે જ ને છોગામાં એમના પૂરા કુટુંબની માહિતી પણ એમનાં હૈયે ને હોઠે રમતી હોય. સારેમાઠે પ્રસંગે એમની હાજરી ન હોય એવું ક્યારેય ન બને. 

હા, જિંદગી આખી એક જ જગ્યાએ ફરિયાદ વિના વિતાવવી એ નાનીસૂની વાત નથી. આણંદ પ્રેસની પ્રતિષ્ઠાને ઉજાગર કરવામાં એમણે જિંદગી આખી ખર્ચી નાંખી. છેલ્લે છેલ્લે શારીરિક વ્યાધિને કારણે એમને ઘણી પીડા ને વેદના વેઠવી પડી આમ છતાં, એમના ચહેરા પરનું હાસ્ય ક્યારેય વિલોપાયું નહિ.

હા, એમના જવાથી આજે એ રોડ પણ જાણે શોકમગ્ન અને ઉદાસીન ન બની ગયો હોય એવો ભેંકાર ભાસે છે. 

(Photo courtesy: BBN)

10 ફેબ્રુ, 2014

જે. કે. ઉર્ફે જેવા કહો તેવા.

"અલ્યા કમલ્યા, તું અહી શું કરે છે ? તારા બાપાએ અહી લાડવા દાટ્યા છે તે અહી આવ્યો છે. જા પાછો ઘેર જા. આટલું સારું ભણેલો ગણેલો છે એટલે સારી નોકરી અને છોકરી પણ મળશે. મજાથી જીવન જીવ." એ વેળાએ વડતાલમાં આદરણીય ફા. જોહન ખન્ના મુખ્ય સભાપુરોહિત અને હું ઇસુસંઘમાં ઉમેદવાર. ગુજરાતી પુરોહિત જાણીને હું એમને હોંશે હોંશે મળવા ગયેલો ને મારી પહેલી જ મુલાકાતમાં એમણે ઉપરોક્ત વાક્યો કહીને મારા મનોબળના એક જ ઝાટકે ભૂક્કેભૂક્કા બોલાવી દીધા. એક બાજુ "ફસલ મબલખ છે ને લણનારા ઓછા છે" એવી વાતો સાંભળીને હું પ્રભાવિત થયેલો ને બીજી બાજુ આ માણસ મને ઘેર પાછા જવાનું  કહેતો હતો. હું સ્તબ્ધ બનીને એમને તાકી રહ્યો. એ શું કહેવા માંગતા હતા એ મને જરાય સમજાયું નહિ. મારી મુંઝવણને પળવારમાં કળી જતા એમણે એમની વાતને આગળ ધપાવી;"સન્યસ્ત જીવન તું ધારે છે એટલું સહેલું નથી બલ્કે ખાંડાની ધાર પર ચાલવા જેવું અઘરું ને કપરું છે."

કાશ, એમની સલાહને મેં માની હોત તો ! બાર વર્ષના સન્યસ્ત જીવન દરમિયાન ડગલે ને પગલે પેલા "ખાંડાની ધાર વાળા" એમના વાક્યો યાદ આવતા અને એનો પ્રત્યક્ષ અનુભવ પણ થતો. કમનસીબે કે સદનસીબે હું તો એ ખાંડાની ધાર પર ચાલી ન શક્યો પરંતુ મને સલાહ શિખામણ આપનારા એ પોતે હસતા હસતા છેલ્લી ક્ષણ સુધી ટકી રહ્યા.

જીવનના છેલ્લા દિવસોમાં કિડનીની તકલીફને કારણે એ "ડાયાલીસીસ" પર જીવતા હતા. હું માનતો હતો કે શારીરિક પીડાને કારણે એ હતાશ અને ભાંગી પડેલા હશે. પણ મારા સુખદ આશ્ચર્ય વચ્ચે છેલ્લી વાર એમને મળ્યો ત્યારે એવા ને એવા જ મોજીલા ને હસતા. ખાસ્સી દસેક મિનિટ એમની સાથે વાતચીત કરી ને મને લાગ્યું કે આ માણસ એવો ને એવો જ રહ્યો. પીડા કે વ્યથા ગમે તેટલા અસહ્ય હોય ક્યારેય સામેની વ્યક્તિને કળાવા ન દે. છેલ્લી ઘડી સુધી જીવનને માણતા રહ્યા.

પહેલી નજરે એમની બોલી કો'ડાફાડ ને સ્વભાવ અવળો ને અતડો લાગે. સિદ્ધાંતોમાં બાંધછોડ ક્યારેય ન કરે. ક્યારેક તો એમ થાય કે આ માણસ માથાફરેલ છે. પણ થોડી ઓળખાણ થાય ને તરત જ સમજાય કે આ તો પેલી દવાની ગોળી જેવી વાત છે. ઉપરથી ભલેને કડવી લાગે પણ શરીરમાં ઉતરે કે તરત એની હકારાત્મક અસર થયા વિના ના રહે.

એમને જયારેજયારે મળતો ત્યારેત્યારે નરસિંહ મહેતા યાદ આવી જતા ને એમની પંક્તિઓ હું અનાયાસે ગણગણવા લાગતો;" એવા રે એવા રે અમો એવા રે તમે કહો છો વળી તેવા રે." અને એટલે જ હું એમને વહાલથી જે. કે. (જેવા  કહો તેવા) દાદા કહીને બોલાવતો.

8 ફેબ્રુ, 2014

રમેશે આપણને આવજો કહ્યું છે.

"આજે આપણે રમેશને આવજો કહેવા માટે ભેગા નથી થયા પરંતુ રમેશ આપણને આવજો કહી રહ્યો છે અને જતાં જતાં આપણી પાસે કેટલીક અપેક્ષાઓ રાખી રહ્યો છે" સ્વ. શ્રી રમેશભાઈ વાઘેલાની અંતિમવિધિમાં આદરણીય પ્રોવિન્શિયલ ફા. ફ્રાન્સિસ પરમારે પોતાની હૃદયસ્પર્શી વાતમાં રમેશભાઈ સાથેના સંસ્મરણો યાદ કરતા કહ્યું હતું અને પોતાની વાતને આગળ વધાવતા ભૂતકાળની ભાવવાહી ક્ષણોને વહેતી મૂકી હતી;

શક્તિનો મહત્તમ ઉપયોગ : 
સેંટ ઝેવિયર્સ શાળામાં અગિયારમાં ધોરણમાં અમીન સાહેબે ગણિતના ખાસ વર્ગો શરૂ કર્યા હતા. પહેલી જ પરીક્ષામાં રમેશે ધોળકું ધોળ્યું હતું ત્યારે અમીન સાહેબે એને પ્રેમથી સમજાવતા કહેલું કે ;"ભાઈ રહેવા દે. આ તારા હાથની વાત નથી." એમ હાર મને તો એ રમેશ શાનો? "એ ક્યારેય નહિ બને. આ વિષયમાં હું સૌથી વધારે માર્ક્સ લાવીને જ જંપીશ." કહેવાની જરૂર નથી કે બીજી પરીક્ષામાં 94 માર્ક્સ લાવીને રમેશે પોતાના શબ્દોને યથાર્થ ઠેરવ્યા હતા.

મદદ કરવાની ભાવના: 
એની આ ભાવના એવી તો પ્રબળ કે સાઈઠના દાયકામાં એ ઇસુસંઘમાં જોડાઈ ગયો. અલબત, ઈશ્વરની યોજના કંઈક જુદી હતી. કોઈ વાંધો નહિ. એની આ ભાવના તો ઉતરોત્તર બળવત્તર બનતી ચાલી. અજાણ્યાની સામે લાંબો કરેલો હાથ ક્યારેય પાછો ન હઠે. અડધી રાતેય કોઈને જરૂર પડે તો એને મોઢેથી ક્યારેય ના સાંભળવા ના મળે.

સત્ય અને ન્યાય ખાતર લડી લેવાની હિંમત:
એ વાત તો જગ જાણીતી છે કે જીલ્લા મેજીસ્ટ્રેટ તરીકે એમને નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા. પણ ખૂબ ઓછા એ વાતને જાણે છે કે એ તો અસત્ય અને જુઠાણાઓ સામે લડવાનું પરિણામ હતું. બીજો કોઈ હોત તો નમતું મેલી દીધું હોત. પણ રમેશ છેવટ સુધી ઝઝૂમતો રહ્યો ને છેવટે સત્યની જીત થઇ. બાઇજ્જત એમની સામેના ખોટા આરોપોને પાછા ખેંચવામાં આવ્યા.

રમેશની આ અપેક્ષાઓને ખોંખારો દઈને હોંકારો ભણવો એ જ આપણી સાચી શ્રદ્ધાંજલિ હશે.


13 સપ્ટે, 2013

ફા.અનિલ હવે નથી રહ્યા.


"પ્રભુનો યય યયકાર કરો" દૂરથી મને જોતાવેંત બેય હાથ પહોળા કરીને ગગનભેદી અવાજે એ અદલ સ્પેનીશ લહેકાવાળી ગુજરાતીમાં પોતાની ખુશી વ્યક્ત કરતા. પહેલીવાર એમને સાંભળનારને તો એમ જ લાગે કે આ સન્યાસી સાચે જ સ્પેન દેશના વતની હશે, રંગે રૂપેય પાછા ગોરા !

'યય યયકાર' સાંભળીને મનેય ચાનક ચઢતી ને હુંય એજ લહેકામાં વળતો જવાબ આપતો ને ધીમેધીમે વાતોની મહેફિલ 'સ્પેનીશ ગુજરાતી'માં જામતી. એમાં પાછા જાણીતા ઈતિહાસવિદ ને અમારા સાથી ફા.અનિલ સેવરીન પણ સહર્ષ જોડાતા ને ભૂતકાળના પોપડા ઉખેળવામાં પોતાનો યથાશક્તિ ફાળો આપતા. હસી હસીને અમે ત્રણેય બેવડ વળી જતા ને કામનું ભારણ ક્યારે દૂર થઇ જતું એનું ભાન ન રહેતું.

આવા દિલદાર ને હસમુખા ફા.અનિલ હવે નથી રહ્યા ત્યારે 'યય યયકાર' બોલતા બોલતા ગળામાં ખાખરી બાઝી જાય છે.

પાણીનો લોટો.

નિવૃત્તિ પછીના છઠ્ઠા મહિને જ બાપુજીને પક્ષાઘાત લાગુ પડ્યો. વેળાસરની સારવારને કારણે એ બેઠા તો થઇ ગયા પણ એમનાં જમણા હાથ અને પગમાં એની યાદગ...