લેબલ નિરીક્ષણ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ નિરીક્ષણ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

3 જુલાઈ, 2019

દેશી જાંબુડાનો વરસાદ.

સજોડે ચાલવું અમને ગમે છે. અલબત, વ્યસ્ત જીવનશૈલી અને કામના ભારણ વચ્ચે અઠવાડિયા દરમિયાન તો સાથે ચાલવાનું શક્ય બનતું નથી. પરંતુ, રવિવારની સાંજે આવી અમૂલ્ય તક અમને અચૂક મળી જાય છે.

ગઈકાલે સાંજે પણ અમે બંને ચાલતા ચાલતા ગમોટપુરા પહોંચી ગયા. ગમોટપુરા એ ચિખોદરા ગામનું એક નાનકડું પરુ છે. અમારા ઘરેથી ત્યાં પહોંચતા સુધીમાં લગભગ ૪૫ મિનિટનો સમય લાગે છે. ઝીરો ટ્રાફિક અને ઝીરો પ્રદૂષણ એ ગમોટપુરાને મળેલી અમૂલ્ય ભેટ છે. આવા વાતાવરણમાં ત્યાં ખેતરોમાં છૂટા છવાયા રહેતા લોકોની જીવનશૈલીના સાક્ષી બનવું એ પણ એક લહાવો છે.

લગભગ સાંજના છ વાગ્યે અમે ગમોટપુરાની સીમમાં પહોંચ્યા ત્યાં જ અમને એક ઘરનાં આંગણામાં ઝૂકી ઝૂકીને નમન કરી રહેલી જાંબુડીના દર્શન થયા. પાંદડા કરતાં જાંબુની સંખ્યા વધારે જણાતી હતી. લૂંબે ને ઝૂંબે પાકેલા જાંબુડાઓના વજનને કારણે નાનકડી જાંબુડી રસ્તાની કોરે નમી રહી હતી. એમાં પણ એક ડાળી તો એટલી બધી નીચે આવી ગઈ હતી કે માત્ર હાથ ફેલાવીને જ જાંબુડાઓને હાથવગા કરી શકાય.

દેશી જાંબુને જોતાવેંત અમારા મોંમાં પાણી આવી ગયું એટલે માલિકની પરવાનગી લઈને ખોબો ભરીને જાંબુ લઈને પછી એમનો આભાર માનીને અમે આનંદભેર ઘર ભણી ચાલવા માંડ્યું.

“બેન, ઊભા રહો. આટલાથી ન ચાલે. થોડા વધારે લેતા જાઓ.” માંડ પંદરેક ડગલાઓ અમે આગળ ચાલ્યા હઈશું ને માલિકનો અમને આગ્રહભર્યો સાદ સંભળાયો.

અમે પાછા વળ્યા એટલામાં તો એ હાથમાં વાંસી લઈને સજ્જ થઇ ગયા ને ઘરવાળાને અંદરથી મોટી મોદ લઇ આવવા માટે હુકમ કર્યો.

જેવી મોદને ચાર વ્યક્તિઓ પકડીને ઉભી રહી કે તરત જ માલિકે વાંસીને એક ડાળ ઉપર ભરાવીને બરોબર ઝંઝોળી નાંખી. બીજી જ પળે, પાકા જાંબુડાઓ વરસાદના કરાની માફક ટપ ટપ કરતાં મોદની અંદર ઝીલાવા માંડ્યા. ઘડીના છઠ્ઠા ભાગમાં લગભગ અઢી કિલો જાંબુ એકઠા થઇ ગયા.

“બસ. બસ. આટલા તો અમારા માટે પૂરતા છે.” એવું કહીએ એ પહેલાં તો માલિકે બીજી ડાળી ઉપર વાંસી ભરાવીને ઝંઝોળવાનું શરૂ કર્યું ને ફરી એક વાર જાંબુડાઓનો વરસાદ વરસ્યો.

માત્ર પાંચ સાત મિનિટની અંદર અઢી અઢી કિલોની બે પ્લાસ્ટીકની બેગ અમને હાથમાં સોંપતા પહેલાં માલિકે “દેશી જાંબુ છે. મધ જેવી મીઠાશ છે. ધરાઈને ખાજો ને ફરી જોઈએ તો બે ચાર દિવસમાં પાછા આવજો.“ કહીને ફરીથી આવવા માટે મોકળા મને અમને આમંત્રણ પણ પાઠવી દીધું.

ઘરે આવ્યા પછી દેશી જાંબુની મીઠાશ અમને જેટલી દાઢે વળગી એના કરતાં ક્યાંયેવધારે એ ઘરના સભ્યોના પ્રેમ, સહજતા અને ઉદારતા અમને હૈયે વળગ્યા.

9 એપ્રિલ, 2018

ઓ રેવા.... ઓ રેવા....


કાચા, ઉબડખાબડ અને વાંકાચૂકા ચઢાણ ઉતરાણવાળા રસ્તા પર અથડાતા કૂટાતા અમે બાઈક લઈને અલીરાજપુરથી થોડસિંદી ગામે પહોંચ્યા ત્યારે હજી તો માંડ વીસેક કિલોમીટર કપાયા હતા અને હજી કકરાળા પહોંચતા સુધીમાં તો કમરના મણકા તૂટી જાય એવો રસ્તો પસાર કરવાનો બાકી હતો. આમ છતાં, કૂદતી ઉછળતી રમતિયાળ નર્મદાને જોવાની હોંશ એટલી બધી હતી કે અમે અમારો પ્રવાસ એજ ગતિએ આગળ ધપાવ્યો.

સરદાર સરોવરના બાહુપાશમાંથી માંડ માંડ છટકેલી નર્મદા ધસમસતી ગરૂડેશ્વર પાસે આવી પહોંચે છે ને ત્યાંથી હાંફળીફાંફળી નારેશ્વર સુધી પહોંચી જાય છે.  કબીરવડ આવતા સુધીમાં તો આજ નર્મદા પુખ્ત અને પગલ્લ્ભ બની ચૂકી હોય છે. એજ ધીરગંભીર રૂપધારિણી ધીમે ધીમે ભરૂચ નજીકના દરિયામાં અલોપ થઇ જાય છે. નર્મદાના આ બધા જ રૂપ મેં નરી આંખે જોયા છે પણ એમાં એનું રમતિયાળ સ્વરૂપ ક્યાંય જોવા મળતું નથી. ખેર, એક દિવસ એવો આવશે કે જયારે મને રેવાની બાલ્યવસ્થા અને કિશોરાવસ્થા પણ જોવા મળશે એ આશામાં હું અહીં સુધી આવી પહોંચ્યો હતો.

હાથણી અને નર્મદાનું સંગમસ્થાન એવું કકરાળા મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના આદિવાસીઓનું આસ્થાધામ છે. વાર તહેવારે ને બાધા આખડી પૂરા થાય ત્યારે આ આદિવાસીઓ મા નર્મદાને નમન કરવાનું ક્યારેય ચૂકે નહિ. કુટુંબ કબીલા અને સગા સ્નેહીઓ સાથે તેઓ દર્શને આવે ને માને ભોગ ધરાવવા મરઘા, બકરાં અને મહુડાનો દારૂ પણ અચૂક જોડે લેતા આવે. મા નર્મદાની માનતા ક્યારેય વિફળ જાય નહિ એવી એમની અવિચળ શ્રદ્ધા ને એટલે જ માનતા પૂરી થાય કે તરત જ આ ઋણ ચૂકવવા માટે ગજા પ્રમાણે કૂકડો કે બકરાનો ભોગ ધરાવવા માટે અધીરા બને. જ્યાં સુધી માનું ઋણ ન ચૂકવાય ત્યાં સુધી એમને ચેન પડે નહિ.

લગભગ સવારના અગિયાર વાગ્યે અમે કકરાળા આવી પહોંચ્યા ને કિનારાની બિલકુલ નજીક હોવા છતાં, અમને નર્મદાના કોઈ સગડ જણાયા નહિ. ચોમાસા સિવાય ભરૂચ કે કબીરવડમાં નર્મદા નદીનો જે વિશાળ પટ જોવા મળે એવો કોઈ પટ અહીં ક્યાંય નજરે નહોતો ચઢતો. નદીની એક બાજુએ કાળમીંઢ ખડકો હતા ને બીજી બાજુ સહ્યાદ્રિની રમણીય પર્વતમાળા.

કિનારાના ખડક ઉપરથી નર્મદાને નિહાળી ત્યારે એની હાલત જોઇને કાળજું ચિરાઈ ગયું. વર્ષો પહેલાં સહ્યાદ્રિના ખોળામાં અફાટ અને અસ્ખલિતપણે આગળ વધી રહેલી નર્મદા આજે સરદાર સરોવરના આગમનને કારણે ભીંસાઈ ગયેલી લાગતી હતી. એના અસ્તિત્વના એંધાણ આપતા બંને કિનારાઓ ડુબાણમાં ખોવાઈ ગયા હતા. એની પારદર્શકતા ઓગળી ગઈ હતી અને એની ચંચળતા ભૂતકાળ બની ગઈ હતી. એનો વેગ વમળોમાં ફેરવાઈ ચૂક્યો હતો. કંઈ કેટલાય આદિવાસીઓના આશા અરમાનોને ભીસમાં લઈને કકરાળાની આ નર્મદાએ હવે નદીમાંથી સરોવરનું રૂપ ધારણ કરી લીધું હતું ને સાથે સાથે એમની શ્રદ્ધા, પરંપરા અને સંસ્કૃતિ ઉપર પાણી ફેરવી વાળ્યું હતું.

ભગ્ન હૃદયે ત્યાંથી પાછા વળ્યા ત્યારે હૃદયના ઊંડાણેથી અવાજ આવતો હતો;
 “ઓ રેવા.... ઓ રેવા.... ???"

(અલીરાજપુરના સંસ્મરણોમાંથી)

















12 માર્ચ, 2018

વૃંદાવનના ખંડણીખોર વાનરો.


મંદિરમાં જતી અને આવતી વેળાએ ભીડભાડ હોવાને કારણે સાવધ રહેજો અને બની શકે તો તમારા પર્સ, મોબાઈલ અને અન્ય મૂલ્યવાન ચીજવસ્તુઓ સાથે રાખશો નહિ, નહિતર હાથથી ગુમાવવાનો વારો આવશે.

બીજી ખાસ વાત, મહેરબાની કરીને તમારા ગોગલ્સ કે નંબરવાળા ચશ્મા પણ પહેરશો નહિ. અહીંના વાનરો ક્યારે એ આંચકીને લઇ જાય એ નક્કી નહિ.

બાંકે બિહારી મંદિરના દર્શને જતી વેળાએ બસમાંથી નીચે આવીએ એ પહેલા જ અમારા ગાઈડે ઉપરની બે સૂચનાઓ અમને ખાસ ભારપૂર્વક કહી ત્યારે પહેલી સૂચના સાંભળીને અમને ખાસ આશ્ચર્ય ન થયું પણ બીજી સૂચના સાંભળીને અમે વિચારમાં ગરકાવ થઇ ગયા.

પોણા કલાક પછી દર્શન કરીને પાછા વળ્યા ત્યારે સાંભળવા મળ્યું કે અમારા જ ગ્રુપના એક ભાઈના નંબરવાળા ચશ્મા વાનરે આંચકી લીધા હતા જે કોઈ સ્થાનિક વ્યક્તિને રૂ. ૧૦૦ ચૂકવ્યા પછી વાનર પાસેથી પરત મળ્યા હતા.

આ વાત સાંભળીને વાનરો ચશ્મા આંચકી લે છે એ વાતની અમને સહુને ખાતરી થઇ ગઈ. પણ, હવે બીજા બે પ્રશ્નો મનમાં ચકરાવા લેવા માંડ્યા;

‘વાનરો શા માટે આવું કરતા હશે? શું સ્થાનિક લોકોની આમાં સંડોવણી તો નહિ હોય ને?

વેલ, ઉપરોક્ત બાબતોની ચકાસણી કરવા માટે બીજી વાર જયારે અમારું ગ્રુપ બીજા એક પ્રાચીન મંદિરની મુલાકાતે ગયું ત્યારે મેં બહાર પાનના ગલ્લા નજીક ઉભા રહીને વાનરો  ઉપર નજર રાખવાનું નક્કી કરી લીધું.

વૃદાવનની સાંકડી શેરીઓમાં દર્શનાર્થીઓની અવર જવર સતત ચાલુ જ હતી એમાંના ઘણાં આ નટખટ વાનરોની આ વિશેષ પ્રવૃત્તિ વિશે અજાણ અને બેધ્યાન હતા. થોડી વાર થઇ હશે ને બારીના છજા ઉપર બેઠેલા એક વાનરે કૂદકો માર્યો ને એક બેધ્યાન દર્શનાર્થી કંઈ સમજે કે વિચારે એ પહેલા તો ચીલઝડપે કશુંક આંચકીને બીજી છલાંગે પાછો છજા ઉપર આવીને બેસી ગયો.  

કેમેરાની આંખે મેં એ વાનરની સામે જોયું તો એના હાથમાં પેલી વ્યક્તિના ચશ્મા હતા. એ વ્યક્તિએ ચશ્મા પરત મેળવવા માટે બધી જ રીત અપનાવી જોઈ પણ એ વાનર ટસનો મસ ન થયો ને ઉલટાનું સામું ઘુરકીયા કરવા માંડ્યો.

ભાઈ, એ મહાશયને કંઇક ખાવાનું આપો તો જ તમારા ચશ્મા પાછા મળશે.એક સ્થાનિક અનુભવીએ  પેલા ભાઈને સલાહ આપી. એમની સલાહ માનીને જેવું એ ભાઈએ ‘ફ્રૂટી’નું એક પેક એ વાનરને આપ્યું કે તરત જ એણે ચશ્મા નીચે નાંખી દીધા.

આ આખી ઘટનાને નરી આંખે નિહાળ્યા પછી હવે મને આ વાનરો શા માટે ચશ્મા તફડાવતા હતા એ વાત સુપરે સમજાઈ ગઈ પણ વળી પાછી એક નવી વાત મનમાં ઘર કરી ગઈ;

‘માણસ પાસેથી આ રીતે ખંડણી ઉઘરાવવાની આવી આબાદ રીત આ વાનરો કઈ રીતે શીખ્યા હશે?

બાય ધ વે, ક્યારેક મથુરા અને વૃંદાવન જવાનું થાય તો તમારા ચશ્માને આ વાનરોથી સાચવીને રાખજો નહિતર તમારે પણ ખંડણી ચૂકવવાનો વારો આવશે.

3 એપ્રિલ, 2016

બેનમૂન ઇસ્લામિક સ્થાપત્ય.

ખંભાત શહેરને છેવાડે જુમ્મા કે જામી મસ્જીદ આવેલી છે. બહારથી એકદમ સાદી અને સામાન્ય જણાતી આ ઈમારતની બાજુમાં પુરાતત્વ ખાતાનું બોર્ડ વાંચીએ ત્યારે ખ્યાલ આવે કે આ ઈમારત પ્રાચીન, ઐતિહાસિક અને કાયદા દ્વારા સંરક્ષિત છે. જો કળામાં રસ ન હોય અને ઇતિહાસમાં ગતાગમ ન હોય તો આપણને પણ માત્ર સ્તંભોની ટોચ ઉપર રચાયેલા ગુંબજો જ નજરે ચઢે તો નવાઈ નહિ!

અલાઉદ્દીન ખલજીએ ૧૩૦૪મા ખંભાત પર આક્રમણ કરીને વિજયપતાકા લહેરાવ્યા ને ત્યારબાદ ખૂબ ટૂંકા ગાળામાં ૧૩૨૫માં દરિયાની બિલકુલ નજીક આ ઈમારતની રચના કરી હતી. આ ઈમારતનો મુખ્ય ભાગ ગોથિક શૈલીમાં બંધાયેલો છે જેમાં લગભગ ૧૦૦ જેટલા સ્તંભો કોરીન્થીયન શૈલીની યાદ અપાવી દે છે. ઉપરની છતની કોતરણી દેખીતી રીતે હિંદુ અને જૈન સ્થાપત્યને અનુસરતી હોય એવું લાગે છે. મુખ્ય ભાગની સામે વિશાળ ચોક છે ને ત્રણે બાજુ દરવાજા તથા પરસાળ છે જેમાં પણ અગણિત સ્તંભોની ઉપર ગુંબજો રચવામાં આવ્યા છે. દક્ષિણ દિશામાં ઉમર બીન એહમદ ગઝરુનીની કબર છે. સ્થાપત્યની દૃષ્ટિએ જોઈએ તો દિલ્હીથી આવેલા અને સ્થાનિક કલાકારોએ ભેગા મળીને આ પથ્થરોમાં જીવ રેડીને પ્રાણ પૂરી દીધા છે. દરેક સ્તંભ અને દરેક ગુંબજની ડીઝાઇન એકબીજા કરતાં એકદમ નોખી અને અલગ છે.

જો કળામાં રસ હોય અને ઈતિહાસની જાણકારી હાથવગી હોય તો ક્યારેક ખંભાતમાં આવેલી આ જુમા મસ્જીદના ખૂણે ખૂણાને જોવા, સમજવાની તસ્દી લેવા જેવી ખરી. આ બેનમૂન ઇસ્લામિક સ્થાપત્યના દર્શન માત્રથી આફરીન પોકારી ઉઠાશે.








23 ફેબ્રુ, 2016

બુલેટ જેવી સાઈકલ.

કેન્દ્ર સરકારનું બુલેટ ટ્રેનનું સ્વપ્ન સાકાર થાય ત્યારે ખરું! પરંતુ, નડિયાદ જોડે આવેલા કંજોડા ગામના શોખીન મિજાજના સરગમ સાઈકલ સ્ટોરના માલિક મણિરાજભાઈએ એમની સાઈકલને ‘બુલેટ મોટર સાઈકલ’માં પલટાવાનું સ્વપ્નું આબાદ સાકાર કર્યું છે.

વર્ષોથી સાઈકલ રીપેરીગ સાથે સંકળાયેલા મણિરાજભાઈને એવું તે ઘેલું લાગ્યું કે એમની સાઈકલને “બુલેટ મોટર સાઈકલ” જેવો નોખો લુક ના મળ્યો ત્યાં સુધી જંપ ના વળ્યો. શરૂઆત કરી એમણે કાંસાના થાળથી. ઘરમાં નકામા પડી રહેલા બે કાંસાના થાળ એમણે સાઈકલના આગળના વ્હીલ સાથે લગાડી દીધા. ત્યાર બાદ, તેઓ બે સાઈડ ગ્લાસ ખરીદી લાવ્યા અને હેન્ડલ બાર સાથે જોડી દીધા. સાઈકલની સીટ અને કેરિયર દૂર કરીને એની જગ્યાએ બે નવી સીટો બનાવડાવી જેથી રજવાડી ઠાઠનો અનુભવ મેળવી શકાય. વેલ્ડીંગવાળા પાસે જઈને મોટર સાઈકલમાં જોવા મળે એવા લેગ ગાર્ડ બનાવડાવ્યા. હવે એમને વિચાર આવ્યો કે આ સાઈકલમાં એક સ્પીડોમીટર પણ હોવું જોઈએ. આબાદ સ્પીડોમીટર તો ન મળ્યું પણ એનો આભાસ આપે એવું નાનકડું એલાર્મ ઘડિયાળ ફીટ કરી દીધું ને સાથે સાથે વિંડ ગાર્ડની જગ્યાએ પણ ધાતુની થાળી ફીટ કરી દીધી. ક્યાંકથી એમને લંડનના પોલીસવાળાની મોટર સાઈકલનો દેખાવ જોવા મળ્યો એટલે વળી પાછા પહોંચી ગયા વેલ્ડીંગવાળાની પાસે અને ખાસ પાઈપો ફીટ કરાવીને પાછળનો લુક પણ આબાદ મેળવી લીધો. 

થોડા વખત પછી વિચાર આવ્યો કે આ સાઈકલમાં હોર્ન અને સાઈડ લાઈટ પણ હોવા જોઈએ એટલે એ પણ ફીટ કરાવી દીધા અને બેટરી ફીટ કરવા માટે એક પેટી પણ બનાવી લીધી. વેલ, આટલું કર્યા પછી એમણે આખી સાઈકલને સિલ્વર રંગથી રંગી દીધી અને કેટલાક ભાગને ગોલ્ડન ટચ પણ આપ્યો. ૧૦૮ પરથી પ્રેરણા લઈને સાઈકલ નંબર પણ એજ રાખ્યો. 

આખી સાઈકલ તૈયાર થઇ ગયા પછી એમને લાગ્યું કે હજી એમાં બે બાબતો ખૂટતી હતી. એક પોતાની ઓળખ અને બીજી, ભગવાન માટેની ખાસ જગ્યા. આ માટે એમણે પેટી ઉપર પોતાનું નામ લખાવ્યું અને પાછળ પોતાનો ફોટો મૂકી દીધો. આટલું કર્યા પાછી છેવટે એમણે બરોબર આગળની બાજુએ જગત નિયંતાને પણ માનભેર સ્થાન આપ્યું જેથી પોતે અને એમની આ આનોખી સાઈકલને કોઈની નજર ના લાગે. 

ડાકોર, પાવાગઢ કે નડિયાદના રસ્તા પર જો તમને આ અનોખી ‘સાઈકલ મોટર સાઈકલ’નો ભેટો થઇ જાય તો મણિરાજભાઈના આ શોખને હોંશે હોંશે વધાવજો.



















9 એપ્રિલ, 2015

અમારો દીકરો કે દીકરી શ્રેષ્ઠ છે.

"અમારા સૌમ્યની તો વાત જ કરવા જેવી નથી. ભણવામાં તો એ અવ્વલ નંબરે છે જ સાથે સાથે બીજી બધી જ બાબતોમાં પણ એને ખૂબ રસ પડે. આ વેકેશનમાં તો એને અમે સમરકેમ્પમાં મોકલવાનું નક્કી કરી દીધું છે જ્યાં ડાન્સ, યોગા, કરાટે અને આર્ટ અને ક્રાફ્ટ શીખવવામાં આવે છે જેથી એનો સર્વાંગી વિકાસ થઇ શકે."

"હા હોં, અમારી અવનિ પણ બહુ હોંશિયાર છે. સ્માર્ટફોન ઉપર એ જે રીતે આંગળીઓ ફેરવે છે એ જોઇને તો આંખો ફાટી જાય. અમે તો એને આ વખતે "બ્રેઈન ડિવેલોપમેન્ટ" માટેના સ્પેશલ કલાસીસમાં મૂકવાનું અત્યારથી જ વિચારી લીધું છે."

વેકેશનની ઘડીઓ ગણાઇ રહી છે આથી જાગૃત અને ખમતીધર માબાપ અત્યારથી પ્રાથમિક શાળામાં શિક્ષણ મેળવતા પોતાના સંતાનો વિષે વિચારતા થઇ ગયા છે અને કેટલાકે જુદા જુદા કલાસીસમાં બુકિંગ પણ કરાવી દીધું હોય તો નવાઈ નહિ. હા, આ દોડ અને કસરત છેવટે તો પોતાના સંતાનને શ્રેષ્ઠ બનાવવાની જ છે ને! આ સંજોગોમાં, બાળપણમાં રમવાની ઉમરે શું બાળકને આવા કલાસીસમાં મૂકવા યોગ્ય ગણાય ખરા? જવાબ અઘરો છે પણ સમજવો મુશ્કેલ નથી. 

મનોવૈજ્ઞાનિક તારણોનો આધાર લઈએ તો, શાળામાં પહેલા ધોરણમાં પ્રવેશ મેળવ્યા પછી બાળકના શારીરિક કરતાં માનસિક વિકાસમાં - વર્તન, રસ, મૂલ્યો અને વલણ - માં સતત અને ઝડપથી ફેરફાર થતો જોવા મળે છે. માબાપ માટે આ ઉમર તકલીફો ઉભી કરનારી જણાય છે. કારણ, બાળકો પોતાના માબાપ અને કુટુંબીજનો કરતાં મિત્રોનું અનુકરણ કરવાનો વધારે પ્રયત્ન કરે છે. મનોવૈજ્ઞાનિકો પણ આ ઉમરને "ગેંગ એજ" તરીકે ઓળખાવે છે. આ ઉમરના બાળકો પોતાના મિત્રોમાં ચોક્કસ ઓળખ ઉભી કરવાનો પ્રયત્ન કરે છે. આ ઉમરમાં પણ બાળક શાળામાં જતું હોવા છતાં, રમવામાં એનો રસ એવો ને એવો જ જળવાઈ રહે છે. આથી આ સમયગાળાને પણ "રમતગમતની અવસ્થા" તરીકે ઓળખવામાં આવે છે. આમ, રમતાં રમતાં જ બાળકમાં શારીરિક અને સામજિક કૌશલ્યોનો કુદરતી વિકાસ જોવા મળે છે. 

ટૂંકમાં, બાળપણ એ કોઈપણ બાળક માટે રમતગમત માટેની શ્રેષ્ઠ અવસ્થા છે અને આ રમતો માબાપે પરાણે ઠોકી બેસાડેલી નહિ પરંતુ એને કુદરતી રીતે જે ગમે છે એવી જ હોવી જોઈએ. દોડાદોડી અને પકડાપકડીની રમતો એને માટે શ્રેષ્ઠ ગણી શકાય. આથી જો બાળકને એની જ ઉમરનાં બાળકો સાથે આવી રમતો રમવાની તક અને મોકો આપીશું તો એનો ઉછેર કુદરતી રીતે જ થવાનો છે.  એના માટે 'સ્પેશલ કલાસીસ' કરાવવાની કોઈ જરૂર નથી.  

છેલ્લે, બાળકને 'સ્પેશલ કલાસીસ'માં મોકલીને શ્રેષ્ઠ બનાવવું એ બાળકની નહિ પણ માબાપની જરૂરિયાત છે. આમ કરવામાં બાળક પોતાનું બાળપણ ન ગુમાવી બેસે એ જોવાની ફરજ માબાપની છે. 

(સૌજન્ય: ડિવેલોપમેન્ટલ સાઈકોલોજી - એલીઝાબેથ હર્લોક) 

8 જાન્યુ, 2015

અવસર હાજતે જવાનો.

ભિલોડા પાસે આવેલું મુનાઈ નામનું ગામ એ વડીલમિત્ર હીરાભાઈનું માદરે વતન. ચોપાસ ફેલાયેલી અરવલ્લીની ગિરીકંદરાઓની ગોદમાં વસેલું મિશ્ર વસ્તી ધરાવતું આ ગામ ખાસ્સું મોટું અને રળિયામણું છે. ગામમાં એમનાં બે ઘર. એક મહોલ્લામાં ને બીજું ઠેઠ ગામને છેવાડે. એમનાં ઘરનાં વાડામાં બેઠાં બેઠાં જ સીમનાં દર્શન થાય. સીમમાં થોડેક આઘે જઈએ એટલે પર્વતોની હારમાળા શરૂ થઇ જાય. એ બાજુ જવાનું થાય ત્યારે મારે એમને ત્યાનું રોકાણ લગભગ નક્કી જ હોય. સાંજે તો દિવસભરની રખડપટ્ટીને કારણે થાક્યાપાક્યા હોઈએ એટલે વાળુ કરીને તરત જ ખાટલા ભેળાં થઇ જઈએ. પણ, સવાર પડે ને મુનાઈ ને એની આસપાસ વેરાયેલું સૌંદર્ય મન ને મગજ પર કબજો કર્યા વિના કેડો ન મેલે.

ભળભાંખળુ થતાથતાંમાં તો આંખો ઉઘડી જ જાય ને પહેલું કામ જંગલે જવાનું હોય. ઘરમાં વ્યવસ્થા હતી તોયે હું સીમમાં જ જવાનો આગ્રહ રાખતો. હાડ થીજાવતી ઠંડીમાં પાણીથી છલોછલ ટીનીયું ધ્રૂજતા હાથમાં પકડીને હું ખાસ્સું દસેક મિનીટ ચાલી નાંખું એટલામાં સીમ પૂરી થઇ ગઈ હોય ને સમાધિ લગાવીને બેઠેલા ડુંગરો ચોમેર નજરે પડે. ઝાડવાંઓ તો લગભગ અદૃશ્ય જ પણ, ક્ષિતિજ સુધી પ્રવર્તતી ગાંડા બાવળની આણ એમની ખોટ વર્તાવા ના દે. આવા જ કોઈક બાવળીયા સાથે ઘડીભર મિત્રતા બાંધવાને ઈરાદે હું પાણી ભરેલાં ટીનીયાને હેઠું મૂકું ને કુદરતનો સાદ વેળાસર સંભળાય એની રાહ જોતો જોતો આસપાસમાં ફેલાયેલા સૌંદર્યને જાણીમાણી લેવાનો પ્રયત્ન કરી જોઉં. જેવો સાદ સંભળાય કે તરત જ ઘડીભરનો વિલંબ કર્યા વિના હું એજ બાવળીયાની હેઠે ઉભડક બેસી જાઉં ને નિરાંતે એ અવસરને માણવાની તૈયારી કરી લઉં. કુદરત કુદરતનું કામ કરે ને હું સમાધિ લગાવીને બેઠેલા ડુંગરોને નીરખ્યા કરું. સૂર્ય નારાયણનાં આગમનનો સમય થઇ ગયો હોય તો તો રંગ રહી જાય. ઘડી પહેલાનું આળસ મરડી રહેલું આકાશ બેઠું થઇ જાય ને વિવિધ રંગોથી સજાયેલા પોતાના બધા જ અંગોને એ રીતે ફેલાવે જાણે સૂર્યને પોતાના બાહુપાશમાં જકડી ન રાખવાનો હોય !

આવા અનહદ આનંદની અનુભૂતિ વચ્ચે પર્યાવરણમાં સમતુલા જળવાઈ રહે એવા પદાર્થનું આ પૃથ્વી પર અવતરણ થાય ત્યારે મારો એ આનંદ નિ:શક બેવડાઈ જાય અને એજ ક્ષણે મારી એ લાગણીઓને દોડીને પેલા ડુંગરાઓની ટોચ ઉપર જઈને જોરજોરથી ચિલ્લાઈ ચિલ્લાઈને વ્યક્ત કરવાનું મન થઇ આવે. આમછતાં, સમયની પાબંદીને ધ્યાનમાં લઈને હું ઝટપટ ઘર ભણી પાછો વળું. ઘરે પહોંચું એ પહેલાં જ હૂંફાળું ને નવશેકું પાણી તગારામાં રેડતા રેડતા  હીરાભાઈ દૂરથી બૂમ મારીને હસતાં હસતાં મને સંભળાવે;"ઓહો હો હો.......... આજે તો કંઈ ઝાઝી વાર લાગી ને તમને! "

"તે લાગે જ ને! ધૂણી ધખાવી હતી ધૂણી કારણ, ચોપાસ ખુલાસ હતી, મનમાં મોકળાશ હતી ને બેસવાની ફોરાશ હતી." હુંયે હસતાં હસતાં જ મારા અનુભવને સુપેરે વ્યક્ત કરી દઉં.  

12 ડિસે, 2014

જાદુ નામમાં જ છે.

"સલામ અલયકુમ લાલાભાઈ! આજે તો કાંઈ બહુ આનંદમાં લાગો છો ને !"
અમારી સલામનો પ્રતિસાદ આપે એ પહેલાં તો લાલાભાઈના હાથમાં મુઠ્ઠીભર સીંગના દાણા હોય. સીંગની ખરીદી અમે કરીએ કે ના કરીએ અમને ત્રણેયને દિલથી મુઠ્ઠીભર દાણા દર વખતે ખવડાવવાનો નિયમ એ ક્યારેય ના ચૂકે.
એક વખતે અચાનક હોસ્પિટલમાં જવાની જરૂર ઉભી થયેલી. ખિસ્સામાં રોકડ ના મળે પણ એટીએમ કાર્ડ હતું એટલે ચિંતા નહોતી. મનમાં એમ હતું કે રેલ્વેસ્ટેશન પરના મશીનમાંથી ઉપાડી લઈશું. પરંતુ, ત્યાં ગયા પછી ખબર પડી કે ત્રણે ત્રણ મશીનો ખોરંભે ચઢ્યા હતા. હવે શું? એમ વિચારી રહ્યો હતો ને લાલાભાઈ યાદ આવ્યા. બરોબર સ્ટેશનની સામે એમની સીંગની દુકાન. જગ્યા મોકાની હોવાથી નાંખી દેતાય એમને દસેક હજારનો વકરો થતો હશે. એવા માણસ પાસે ખપ પૂરતો હાથ લંબાવવામાં વાંધો નહિ એમ વિચારી અમે ત્યાં પહોંચ્યા ને અમારી આપવીતી રજૂ કરી.
"બોલો, કેટલા જોઈએ છે?" વધારે પૂછતાછ કર્યા વગર એમણે રોકડ ગણવા માંડી.
"આવતીકાલે પરત કરી દઈશ." રૂપિયા હાથમાં લઈને મેં એમને વાયદો કર્યો.
"મેં તમારી પાસે માંગ્યા છે. તમને જયારે અનુકૂળ લાગે ત્યારે પાછા આપજો." એમની ઉદારતાને વધાવવા અમારી પાસે શબ્દો નહોતા.

સીંગ ખાવાનું હજી પૂરું પણ ન થયું હોય ને બાજુવાળા સિરાજભાઈ જામફળ લઈને હાજર થઇ જાય. સિરાજના ફળફળાદિનો ભાવ વધારે હોય એટલે એમને ત્યાંથી અમે ભાગ્યે જ ખરીદી કરીએ આમછતાં, સંબંધો એવા કે દર વખતે મોસમી ફળનો સ્વાદ અમને ચખાડતા જાય ને છોગામાં બિરયાની ખાવા ઘરે ક્યારે પધારો છો એની પૃચ્છા પણ કરી જ લે.  

ત્યાંથી થોડા આગળ વધીએ એટલે પોલીસ સ્ટેશન આવે ને ત્યાં બહાર નારિયેળવાળા નાદીરભાઈ સાથે મુલાકાત થાય. દૂરથી અમને જોતાવેંત ઓળખી જાય ને અમે ત્યાં પહોંચીએ એ પહેલાં તો તથ્ય માટે મસમોટું પાણી ભરેલું નારિયેળ કાપીને તૈયાર રાખે અને હા, સીઝન હોય કે ના હોય, ભાવ ઓછો હોય કે વધારે હોય અમારી પાસેથી એ હંમેશાં દસ રૂપિયા જ સ્વીકારે.
"અલ્યા, નાદીર ગામ આખામાં આટલા મોટા નારિયેળના વીસથી ત્રીસ રૂપિયા લે છે ને તમે કેમ માત્ર દસ જ રૂપિયામાં આપો છો?"
"તમારો દીકરો શુકનવંતો છે એને નારિયેળ પાયા પછી મારો દિવસ જોરદાર જાય છે." નાદીર તથ્યની સામે જોઇને હસીને જવાબ આપે ને તથ્ય "થેંકયુ નાદીર અંકલ." કહીને વળતો જવાબ આપે. 

ઘરેથી બજાર ભણી નીકળીએ એટલે બા ને બાપા ફેરિયાઓ પાસેથી ખરીદી કરતી વખતે કઈ કઈ બાબતોમાં સાચવવું એની યાદી અચૂકપણે પધરાવી દે. પણ, અમે એ યાદીને ઘોળીને પી જઈએ કારણ, અમને અમારા મિત્રો પર પાકો ભરોસો, એ પછી સીંગવાળા લાલાભાઈ હોય, નારિયેળવાળા નાદીર હોય, ફળફળાદિવાળા સિરાજ, નરસિંહ, ભૂપત કે મોહનભાઈ હોય કે પછી બેગવાળા બિહારી હોય. શેક્સપિયરે ભલે કહ્યું હોય કે નામમાં શું દાટ્યું છે. પણ, નામના જાદુનો મહિમા અમે સુપેરે સમજીએ અને એનો બખૂબીભર્યો ઉપયોગ પણ કરી જાણીએ.

છેવટે સંબંધોની શરૂઆત તો નામથી જ થાય છે ને ! 

27 નવે, 2014

કર્ણાવતીમાં વધી કઠણાઈ.

શિયાળાની શરૂઆત હોવાથી સવારના છ વાગ્યે વાતાવરણ ફૂલગુલાબી અને ખુશનુમા હતું. સૂર્યના કિરણો હજી ધરતી પર અવતર્યા નહોતા. હું  પ્લેટફોર્મ નંબર ચાર પર આતુરતાથી કર્ણાવતી એક્સપ્રેસની રાહ જોઈ રહ્યો હતો. ટ્રેન લગભગ સમયસર આવી. પ્લેટફોર્મ પરથી રેલાતા પ્રકાશને કારણે ટ્રેનના ડબ્બાઓનાં  રૂપ રંગ સ્પષ્ટ જોઈ શકાતા હતા. ટ્રેનને જોતાવેંત હું ખુશખુશાલ થઇ ગયો. આજે કર્ણાવતી નવા વાઘા સજીને આવતી નવીનવેલી દુલ્હન જેવી સુંદર દેખાતી હતી. વર્ષો પછી કર્ણાવતીએ પોતાનો જૂના થઇ ગયેલા રૂપરંગ ત્યજીને નવોનક્કોર વેશ ધારણ કર્યો હતો. આસમાની ભૂરા રંગના ડબ્બાઓ સુંદર અને આકર્ષક જણાતા હતા. ધીમે રહીને બારીમાંથી અંદર જોવાનો પ્રયત્ન કર્યો તો અંદરની બેઠક વ્યવસ્થા જોઇને હું એવો છક થઇ ગયો જાણે મારું વિમાનમાં બેસવાનું સ્વપ્નું પૂરું થતું ન હોય!.

ડી - 5 માં હું પ્રવેશ્યો ને સમય સાથે તાલ મિલાવતા આધુનિક કોચને જોઇને મારો આનંદ માતો નહોતો. "જો ભાવ વધારાનું આવું સુંદર પરિણામ આવવાનું હોય તો હજી થોડા રૂપિયા ખર્ચવામાં વાંધો ન આવે." એમ હું મનોમન વિચારવા લાગ્યો. ત્રણ બાય ત્રણની બેઠક વ્યવસ્થા ખૂબ સુંદર અને આકર્ષક જણાતી હતી. દરેક સીટની પાછળ પાણીની બોટલ રાખવા માટેની જગ્યા તથા વાળી શકાય એવા નાનકડા ટેબલની વ્યવસ્થા હતા જેથી પ્રવાસીઓ એનો ઈચ્છિત ઉપયોગ કરી શકે. લાઈટ અને પંખાઓ પર્યાપ્ત હતા. એક જ નજરમાં આખા ડબ્બાનાં ને એમાં બેઠેલા પ્રવાસીઓને જોઈ શકાતા હતા. લગભગ ઘર જેવું વાતાવરણ જણાતું હતું. ધીમે ધીમે હું મારી આરક્ષિત સીટ ભણી આગળ વધવા માંડ્યો. પેસેજમાં આગળ વધ્યો ને એક ભાઈ સામેથી આવ્યા ત્યારે પેલી બે કૂતરા ને બે બકરીઓવાળી વાત યાદ આવી ગઈ કારણ, જગ્યા એટલી ઓછી હતી કે અમે બંને એકસાથે પસાર થઇ શકીએ એવી શક્યતા કોઇકાળે જણાતી નહોતી. શાણપણ દાખવીને મેં જગા કરીને એ ભાઈ સહેલાઈથી પસાર થઇ ગયા. ઠીક છે જે થયું તે સારું થયું. રસ્તાની વચ્ચોવચ્ચ ઉભા રહેતા મુસાફરો હવે જોવા નહિ મળે એનો મને આનંદ હતો. 90 નંબરની મારી સીટ બારી નજીક હતી. સામાન ગોઠવીને હું સીટ પર જેવો બેસવા ગયો એવું મારા પેન્ટનું ખિસ્સું હેન્ડલમાં ભરાઈ ગયું. જેમતેમ કરીને હું સીટ પર ગોઠવાઈ ગયો. સીટ સ્થિતિસ્થાપક હતી, હાથને આરામ મળે એ માટે હેન્ડલ હતા અને પગ ટેકવવા માટે પણ વ્યવસ્થા હતી પરંતુ ખાટલે મોટી ખોડ એ હતી કે જગ્યા બેસવા માટે પર્યાપ્ત નહોતી.

વડોદરા પહોંચતા પોણો કલાક થયો ને એટલા સમયમાં તો મારી હાલત પાંજરે પૂરાયેલા પશુ જેવી થઇ ગઈ. ત્રણ બાય ત્રણની બેઠક વ્યવસ્થામાં સંખ્યા વધારવાની લાયમાં ને લાયમાં બે સીટ વચ્ચે જગ્યા એટલી ઓછી હતી કે પુખ્ત વયના મુસાફર માટે આમતેમ ચસકવું લગભગ અશક્ય હતું. આ સ્થિતિમાં અમદાવાદથી મુંબઈ જવા માટે સાત કલાક કેવી રીતે પસાર થાય એ જાણવું ને અનુભવવું હોય તો કર્ણાવતીમાં મુસાફરીમાં કરવી જ જોઈએ.

મારું અંગત રીતે માનવું છે કે રેલવેના અધિકારીઓએ બાળકો ને કિશોરોને ધ્યાનમાં રાખીને આવી વ્યવસ્થા ગોઠવી હશે. પુખ્ત વયનાઓ પણ ટ્રેનમાં મુસાફરી કરે છે એ બાબત એમના ધ્યાન બહાર રહી ગઈ હશે. 

16 ઑગસ્ટ, 2014

બુદ્ધિશાળી બાળસેનાનું વિજયગાન.

સામાજિક પ્રસંગમાં હાજરી આપવા માટે બા બાપુજીને લઈને જવાનું હતું. સમય સાચવવો જરૂરી હતો. ગાડીને ચાલુ કરીને મેં ગિયરમાં નાંખી. હાથ સ્ટીયરીંગ ઉપર, પગ એક્સીલેટર ઉપર ને નજર આમતેમ કશુંક શોધી રહી હતી. બેધ્યાનપણું મને ભારે પડ્યું. હજી તો માંડ દસ મીટર આગળ વધ્યા હોઈશું ને ગાડીના આગળના પૈડાની ધરી મસમોટા કોન્ક્રીટના પથ્થર પર ચઢીને અટકી ગઈ.  પથ્થર માળખા સાથે ટકરાયો હતો એટલે ભારે અવાજ આવ્યો. ભયભીત થઈને મેં ગાડીને તરત ઉભી રાખી. નીચે ઉતરીને જોયું તો મોટો પથ્થર એક્સેલ અને માળખા વચ્ચે એવો ફસાયો હતો કે એ નીકળે નહિ ત્યાં સુધી ગાડી આગળ વધવાની કોઈ શક્યતા નહોતી.

"એ ગાડી ફસાઈઈ .....ચાલો, ચાલો જોવા જઈએ." એમ બોલતાં બોલતાં બિટ્ટુ, સાનવી, જોય, ભયલુ ને બીજા બે ચાર જણાં ઘડીભરમાં અમારી આજુબાજુ એકઠા થઇ ગયા. શરૂઆત પથ્થરને તોડવાથી કરી. પણ કોન્ક્રીટનો પથ્થર એમ સહેલાઈથી તૂટે ખરો! "અંકલ, પથ્થરની નીચેની માટી ખોદી કાઢીએ. માટી ભીની હોવાને કારણે કદાચ, પથ્થર નીચે બેસી જાય ને ગાડી આસાનીથી નીકળી જાય." હરેશભાઈના ભયલુએ સૂચન કર્યું ને ઘડીવારમાં મોટી નરાશ લાવીને ખોદવા પણ બેસી ગયો. ખાસ્સી માટી ખોદી નાંખી પણ પથ્થર હલવાનું નામ નહોતો લેતો.

કદાચ,  ગાડીને  જેક ઉપર ચઢાવીએ તો અમારું કામ આસન થઇ જાય એમ વિચારીને અમે જેકના આંટા ચઢાવવાનું શરૂ કર્યું. પાડોશી હરેશભાઈ પણ મદદે આવી ચઢ્યા. કપડાંની દરકાર કર્યા વિના અદુગળા પડીને એમણે જેક ચઢાવવાનું શરૂ કર્યું. ગાડી ધીમેધીમે ઉંચે ઉઠવા માંડી પણ જમીન ભીની અને પોચી હોવાને કારણે ગાડી પાછી પડે એની અમને ચિંતા હતી. બીજી બાજુ, ધ્યાનથી નિરીક્ષણ કરીને અવનવા સૂચનો કરી રહેલા બાળકો અમને હવે દખલરૂપ લાગવા માંડ્યા હતા. ગાડી ખાસ્સી અદ્ધર આવી પણ પથ્થર ધ્યાનમગ્ન ઋષિની પેઠે ટસમસ થવાનું નામ જ નહતો લેતો. સમય વધતો જતો હતો ને અમારી અકળામણ પણ વધવા માંડી હતી. એક ક્ષણ તો બોલકાં બાળકોને ત્યાંથી તગેડી મૂકવાનો વિચાર પણ આવી ગયો. આમછતાં, મનને કાબૂમાં રાખીને નવો દાવ અજમાવવાનું નક્કી કર્યું.

"કાકુ, આગળના પૈડાને બહાર કાઢી લઈએ તો!" ભાઈની દીકરી બિટ્ટુએ નવતર વિચાર આપ્યો.
"તો તો, આસાનીથી પથ્થરને બહાર ખેંચી લેવાય." ભયલુએ આત્મવિશ્વાસથી ટાપસી પૂરી.
"અરે હા, આ વિચાર તો આપણને સૂઝ્યો જ નહોતો." અમે મોટેરાંઓ ભોંઠા પડીને એકબીજાની સામું તાકવા માંડ્યા.

ગાડી જમીનમાં ઉતરી હોવા છતાં, જેક પર હોવાને કારણે આગળનું પૈડું કાઢવું સહેલું હતું. બે જ મિનિટમાં અમે એ કામ પૂરું કર્યું ને ત્રીજી મિનિટે પેલા પથ્થરને બહાર ખેંચી કાઢ્યો. જેવું પૈડાને પાછું ગોઠવીને મેં ગાડીને ચાલુ કરી કે તરત જ બુદ્ધિશાળી બાળસેના "એએ ઈઈ .... ગાડી ચાલુ થઇ ગઈ." એમ બોલતાં બોલતાં વિજયગાન ગાવા માંડી. 

29 જુલાઈ, 2014

ઘંટનો નાદ ને રૂપિયાનો રણકાર.

ઘંટ શબ્દ સાંભળતાંવેંત સંસ્મરણોમાં શાળા, દેવળ, મંદિર અને રેલ્વેસ્ટેશન આબાદ ઝબકી ઉઠે છે ને સાથે સાથે વિવિધ ઘંટારવ પણ સંભળાવા માંડે છે. યાદશક્તિને થોડી વધારે તકલીફ આપું તો વળી લાયબંબો, કુલ્ફી અને બરફની લારી પણ નજર સમક્ષ તરી આવે છે. આમછતાં, ક્યારેય ભરબજારમાં આવેલી કોઈ દુકાનમાં ઘંટ જોયાનું કે ઘંટારવ સાંભળ્યાનું યાદ આવતું નથી.  

ગયે અઠવાડિયે રાત્રે જમ્યા પછી અમે આઈસ્ક્રીમ ખાવા માટે  નીકળ્યા. ભાલેજ રોડ પર આવેલો ઓવરબ્રિજ પસાર કરીને અમે મહેન્દ્ર શાહની હોસ્પિટલ ભણી આગળ વધતાં હતાં ને પલક હોસ્પિટલની બાજુમાં આવેલી દુકાનના બોર્ડ ભણી મારી નજર પડી. બોર્ડ પર લખ્યું હતું;"ડંકાવાલા પાન એન્ડ કોલ્ડ પોઈન્ટ." નવી જગ્યાએ આઈસ્ક્રીમનો સ્વાદ માણવાના ઈરાદાથી મેં બાઈકને ત્યાંજ પાર્ક કરી. 

ત્રણ રજવાડી કુલ્ફીનો ઓર્ડર આપ્યા પછી મને દુકાનનું નિરીક્ષણ કરવામાં રસ પડ્યો ને મારી નજર કાઉન્ટર પર મૂકેલા મધ્યમ કદનાં ઘંટ ભણી જઈને અટકી ગઈ.  મને આશ્ચર્ય થયું કારણ એ દુકાનમાં ચોકલેટ, આઈસ્ક્રીમ, પાન અને મસાલા જેવી વસ્તુઓ વેચવામાં આવતી હતી. અમને આઈસ્ક્રીમ આપ્યા પછી દુકાનદારે હળવા સાદે ઘંટનાદ કર્યો. મારું આશ્ચર્ય બેવડાયું. અમે આઈસ્ક્રીમ ખાતા હતાં એ સમય દરમિયાન ઘણાં ગ્રાહકો આવ્યા ને દુકાનદારે દર વખતે વસ્તુ આપતી વેળાએ ઘંટનાદ કર્યો એટલે મારી ધીરજ ખૂટી ગઈ.

"આ શું છે?" ઘંટ વગાડવાના રહસ્યની ભાળ મેળવવા માટે મેં દુકાનદારને પ્રશ્ન કર્યો.
"આ અમારો બાપદાદાના વખતથી જાળવી રાખેલો લોગો છે લોગો." દુકાનદારે ફરી એકવાર ઘંટનાદ કરીને હળવા સ્મિત સાથે જવાબ આપ્યો.
"પણ, આમ દરેક વખતે ઘંટનાદ કરવા પાછળ કોઈ તર્ક ખરો કે નહિ?"  મને વાતમાં રસ પડવા માંડ્યો.
"હા, એનાથી અમારી શાખ અને ઓળખ વધે છે ને જળવાઈ રહે છે."દુકાનદારે આત્મવિશ્વાસથી જવાબ આપ્યો.
"શું વાત કરો છો?. તો તો પછી વગર જાહેરાતે જ તમારો ધંધો આગળ વધતો હશે ખરું કે નહિ?" મેં ધારણા બાંધવા માંડી.
"હા, ચોક્કસ. આ અમારી ત્રીજી દુકાન છે ને ત્રણેત્રણ ધમધોકાર ચાલે છે." દુકાનદારે હર્ષ અને ગર્વથી કહ્યું.
"ત્રણ ત્રણ દુકાન અને એ પણ પાછી ધમધમતી!. ઘંટનો નાદ ને રૂપિયાનો રણકાર. ક્યા આઈડીયા હે સરજી!" મેં  હોંશેહોંશે દુકાનદારને આ નવા નુસ્ખા બદલ અભિનંદન પાઠવ્યા.

અમારે હવે રૂપિયા રણકાવવા માટે ક્યાં ઘંટનાદ કરવો એનો વિચાર કરતાં કરતાં અમે ઘરે પહોંચ્યા.

25 જુલાઈ, 2014

સાદ વરસાદનો.

બરોબર બે હજાર પાંચની સાલમાં હું સુરત જીલ્લાના આદિવાસી તાલુકાઓમાં કામ કરતો હતો. મોટાભાગે લોકો સાથે ગામડાઓમાં જ રહેવાનું બને. માંડવી તાલુકાના બુધિયાભાઈ મારા સહકાર્યકર એ નાતે કાણાઘાટ નામના ગામમાં આવેલા એમના ઘરે અવારનવાર રહેવાની તક ઉભી થાય.

માંડવીથી લગભગ પંદરેક કિલોમીટર દૂર બરોબર જંગલની મધ્યે વસેલું નાનકડું કાણાઘાટ - જોઇને આંખો ઠરે એવું રૂપકડું ને રળિયામણું ગામ. દિવસ દરમિયાન અમે બેય જણ મોટરસાઈકલ પર આજુબાજુના ગામોમાં રખડતા ફરીએ એટલે સાંજ પડતાં તો થાકીને લોથપોથ થઇ જઈએ. રાતે ચોખાના રોટલા ને દાળનું સાદું પણ સ્વાદિષ્ટ ભોજન લઈને બે વાતો કરીએ ના કરીએ ત્યાં તો નિંદ્રાદેવીનું તેડું આવી જાય.  

સવારમાં સૂરજ ઉગે ને મારી દિનચર્યા શરૂ થાય. ઉઠતાંવેંત, સવારની મુખ્ય વિધિઓ પૂરી કરવા માટે હું એમને ઘરેથી પાંચેક મિનિટના અંતરે આવેલી નાનકડી નદી ભણી દોટ મૂકું. વરસ આખું ડચકા ખાતી એ નદી ચોમાસામાં સગર્ભાની પેઠે પ્રસન્ન અને આનંદિત જણાય. એમાંય એનાં છીછરાં પાણીમાં મારા જેવા ભૂચકો મારે ત્યારે તો એનો આનંદ બેવડાઈ જાય. વરસાદની મોસમમાં આ જ નદીમાં પાણી ઉછાળતાં ઉછાળતાં મેં સેંકડોવાર વરસાદનો સાદ સાંભળ્યો છે. 

પંખીઓનાં ચહેકાટ સિવાય શાંત અને સૌમ્ય આ વિસ્તારમાં અચાનક પાંદડાઓનો લય અને તાલબદ્ધ અવાજ શરૂ થઇ જાય ને વાતાવરણમાં સન્નાટો છવાઈ જાય અને હજી શું બની રહ્યું છે એની ધારણા બાંધું એ પહેલાં તો વરસાદ તૂટી પડે. શરૂઆતમાં તો અચાનક આવતો આ અવાજ વરસાદના આગમનની છડી પોકારતો હતો એ ખબર નહોતી પડતી પરંતુ, જેમજેમ અનુભવ થતો ગયો એમએમ સુપેરે ખબર પડવા માંડી કે એ વરસાદના આગમનની આગોતરી જાણ જ હતી. વાત એમ બનતી કે ત્યાંના જંગલમાં સાગનાં સેંકડો વૃક્ષો હતા આથી જયારે વરસાદ જોજન દૂર હોય ત્યાં જ એ પાંદડાઓ પર વરસતાં બિંદુઓ લય અને તાલ સાથે ચોક્કસ અવાજ સાથે એ આવી રહ્યો છે એની એંધાણી પૂરી પાડી દેતા.

થોડા સમયનો એ ખેલ હતો પણ એ અવાજને આધારે અનુમાન બાંધવાની ખૂબ મજા આવતી. મોટાભાગે તો એ અનુમાન સાચું જ પડતું. વરસાદ ક્યારેક ધીમેધીમે ચાલતા ઘોડાની માફક રેવાળ ચાલે આવતો તો ક્યારેક સુપરસોનિક વિમાનની ઝડપે આવી પહોંચતો. સાગના પાંદડાઓ પર થતાં તાલ અને લયબદ્ધ અવાજને આધારે વરસાદનું જોશ કેટલું હશે - ઝરમર ઝરમર વરસસે કે પછી સાંબેલાની ધારે આવશે એ અચૂક ખબર પડી જતી. 

હા, બિલ્લીપગે લપાઈ છુપાઈને આવીને અચાનક વરસવાની વરસાદની એષણાઓ પર સાગના પાંદડાઓ પાણી ફેરવી દેતા કારણ, ચૂપ રહેવું એમનાં સ્વભાવમાં હરગિજ નહોતું.

1 જૂન, 2014

થોડું લીંબુપાણી સીકનજી.

જયારે જયારે ઈસ્માઈલ નગરમાંથી પસાર થવાનું થાય ત્યારે ત્યારે  હાજી અલ્તાફના પાનના ગલ્લે ઉત્તર ભારતના રહેવાસી અનવર હુસેન એમની લીંબુપાણી સીકનજીની લારી લઈને ઉભા હોય. શરૂઆતમાં તો આ ભાઈ માત્ર લીંબુપાણી વેચતા હશે એમ માનીને હું એ તરફ ઝાઝું ધ્યાન નહોતો આપતો. આમછતાં, સીકનજી શબ્દ મારા મનમાં હંમેશાં ઘૂમરાયા કરતો. મોટેભાગે ખાણીપીણીની લારીવાળા પોતાની કુળદેવી કે પછી અટક કે ગામનું નામ પાછળ લગાવતા હોય છે એટલે સીકનજી પણ એવું જ કોઈક નામ હશે એમ મેં માની લીધેલું. પણ તાર્કિક રીતે વિચારતાં લાગ્યું કે જો એમ જ હોય તો પછી એનું નામ સીકનજી લીંબુપાણી હોવું જોઈએ. એમાંવળી, એક બે વાર મેં એમને મોટી કોઠીમાંથી મોટા ચમચાથી પાણી કાઢતા જોયા ત્યારથી આ લીંબુપાણી સીકનજી શું હશે એ જાણવામાં ઝાઝો રસ પડવા માંડ્યો.

અપવાદ સિવાય બહારની ખાણીપીણીમાં હું રસ નથી લેતો એટલે ખાસ્સા લાંબા સમય સુધી એ રહસ્ય મારા મનમાં ને મનમાં ઘોળાતું રહ્યું. પરંતુ, ગઈકાલે મિત્ર રમેશે મને આગ્રહ કરીને ઉભો રાખ્યો ને એમના આગ્રહને માન આપીને મેં જીવનમાં પહેલીવાર લીંબુપાણી સીકનજી પીધું. આમજુઓ તો એ લીંબુ પાણી જ છે, પણ એની જે વિશેષતા છે એ એમાં રહેલા બરફમાં રહેલી છે. મોઢામાં મૂકતાવેંત એ બરફ ઓગળી જાય છે ને એક અનેરી લાગણીનો અનુભવ થયા વિના રહેતો નથી. બીજી એની વિશેષતા એમાં ઉમેરવામાં આવતો ખાસ ઘરે તૈયાર કરવામાં આવતો મસાલો.

અનવરભાઈ સાથે વિગતે વાત કરતાં જાણવા મળ્યું કે એ વિશિષ્ટ બરફ અને ખાસ મસાલાના મિશ્રણને જ સીકનજી તરીકે ઓળખવામાં આવે છે. રોજ સવારે સાત વાગ્યે તેઓ બજારમાંથી બરફ લઇ આવે છે ને ઘરે આવ્યા પછી આઠ વાગ્યે સીકનજી બનાવવાનું કામ શરૂ કરી દે છે. સૌથી પહેલાં એ બરફને તોડીને એમાં થોડું આખું મીઠું ઉમેર્યા પછી કોઠીની આસપાસ જમાવી દે છે. ત્યારપછી લગભગ સો ગ્લાસ જેટલું ખાંડવાળું પાણી અને થોડો ખાવાનો સોડા કોઠીમાં નાંખે છે ને પછી એને સતત હલાવ્યા કરે છે. લગભગ બે કલાક પછી એમાં બરફ જામી જાય છે. એ બરફમાં લીંબુનો રસ અને ખાસ મસાલો ઉમેરીને ગ્રાહકને પીરસવામાં આવે છે.

સીઝનમાં સવારના દસથી રાતના આઠેક વાગ્યા સુધીમાં અનવરભાઈ સો ગ્લાસ સીકનજી આરામથી પૂરું કરી દે છે. આમ તેઓ ખર્ચો બાદ કર્યા પછી દિવસના લગભગ ચારસો રૂપિયા આરામથી કમાઈ લે છે જેમાં તેઓ પોતાના નાનકડા કુટુંબનું આરામથી ભરણપોષણ કરી શકે છે.

ઉનાળાની ભરબપોરે કે પછી સમી સાંજે કોઠો ટાઢો કરવા માટે આ લીંબુ પાણી સીકનજી પીવાની મજા માણવા જેવી ખરી હોં!

29 માર્ચ, 2014

તમે અને તમારું પુસ્તક.

અડગ મનના પ્રવાસીને  હિમાલય પણ નથી નડતો,
ધગશથી વાંચનારાઓને શોરબકોર પણ નથી નડતો.

મનની તાકાતની વાત આવે ત્યારે જાણેઅજાણે આપણે શૂન્ય પાલનપુરીની જાણીતી પંક્તિઓને યાદ કરીએ છીએ; "જેના કદમ અસ્થિર હો એને રસ્તો કદી જડતો નથી, અડગ મનના પ્રવાસીને  હિમાલય પણ નથી નડતો." હિમાલયથી મોટો અવરોધ બીજો કોઈ ના હોઈ શકે. દ્રઢ નિર્ણયશક્તિ ધરાવનારો  માણસ ગમે તેવા અવરોધોને પણ વાળોટી શકે છે. બિલકુલ એજ બાબત વાંચનને પણ લાગુ પડે અને આપણે એજ પંક્તિઓના શબ્દો બદલીને એમ ખચિત કહી શકીએ કે ધગશથી વાંચનારાઓને શોરબકોર પણ નથી નડતો.

બકાલુંબજાર એટલે કે શાકભાજી બજાર જ્યાં સૌથી વધારે શોરબકોર અને ધાંધલધમાલ હોય છે. જો ધગશ અને ધ્યાનથી વાંચવાની ટેવ હોય તો આ શોરબકોરમાં પણ વાંચન કરી શકાય છે. આ વાત સાથે સહમતિ હોય કે ના હોય પરંતુ હકીકત એ છે કે જાતને જો કેળવી હોય તો ગમેતેવા ઘોંઘાટમાં પણ નિરાંતે અને શાંતચિતે વાંચન કરી શકાય છે. 

આવા જ ઘોંઘાટનો અનુભવ ટ્રેનના સામાન્ય ડબ્બામાં અને ઘણીવાર 'રિઝર્વ્ડ કોચ'માં પણ થાય છે. આમછતાં મુસાફરી લાંબી હોય અને સમય પસાર કરવા માટે અન્ય વિકલ્પ હાથવગો ન હોય ત્યારે વાંચન આપણી વ્હારે ધાય છે. શરૂઆતમાં ટ્રેનનો અવાજ, આજુબાજુના પેસેન્જરોનો કકળાટ અને સાથેસાથે ચાવાળા, ખારીસીંગવાળા, ભૂસુંભજીયાવાળા અને અન્ય ફેરિયાઓનો ત્રાસ વાંચનમાં વિધ્નરૂપ જણાય પરંતુ જેમજેમ મહાવરો થતો જાય એમએમ એ ઘોંઘાટમાં પણ વાંચવાની મજા વધતી જાય છે અને એક સમય એવો આવે છે કે દુનિયાથી અલિપ્ત રહીને નિરાંતે વાંચનમાં ગળાબૂડ થઇ શકાય છે. 

આ એક એવી અવસ્થા છે કે જ્યાં માત્ર તમે અને તમારું પુસ્તક અસ્તિત્વ ધરાવે છે ને બીજી બધી જ બાબતો ગૌણ બનીને ખરી પડે છે. 

26 ફેબ્રુ, 2014

ભારતીય રેલ્વેની મહામૂલી મુસાફરી

ટ્રેન ન. 12933 કર્ણાવતી એક્સપ્રેસ 3.37 કલાકે વલસાડ સ્ટેશન પર આવે એની બરોબર પાંચ મિનીટ પહેલાં 'વેઈટીંગ રૂમમાં' મેં મારું વાંચન આટોપી લીધું અને રવિવારના છાપાંઓનો થોકડો બેગમાં ઠાંસીને પ્લેટફોર્મ ન. 2 ભણી ચાલવા માંડ્યું. હજી તો દાદરના છેલ્લા પગથિયા પર પગ મૂકું છું ને ટ્રેનને અંદર પ્રવેશતી જોઇને મને આશ્ચર્ય સાથે આનંદ થયો કારણ નિયમિત રીતે અનિયમિત દોડતી ટ્રેન આજે એકદમ સમયસર હતી. ઉંધુ ઘાલીને મેં ડી-6 કોચ ભણી દોટ મેલી. રિઝર્વ્ડ કોચ હકડેઠઠ ભરાયેલો હતો. મહાપરાણે મેં અંદર પ્રવેશ મેળવ્યો. ઠેબા ખાતા ખાતા 47 નંબરની મારી સીટ નજીક પહોંચ્યો તો ત્યાં એક ભાઈ બેઠા બેઠા સીંગચણા ફાકતા બેઠા હતા.

"મહેરબાની  કરીને મને આ જગ્યા પર બેસવા દેશો ?" મેં બેઠક ખાલી કરવા માટે એમને વિનંતી કરી. પહેલા તો એ ભાઈએ મારી વિનંતીને સાંભળી ન સાંભળી કરી ને થોડીવાર પછી મને વળતો પ્રશ્ન કર્યો;"આ જગ્યા તમારી છે ?"
"હા" મેં મારી ટીકીટ એમને બતાવી.
"અરે પણ આ જગ્યા તો મને ટીસીએ જ ફાળવી આપી છે. રોકડા રૂપિયા એકસો ને પચાસ ચૂકવ્યા છે." આડકતરી રીતે એમણે  ત્યાંથી ઉભા થવાનો ધરાર ઇનકાર કર્યો.
"તમારી વાત તમે અને તમારો ટીસી જાણે. આ જગ્યા મારી છે." મેં અવાજ થોડો ઉંચો કર્યો. મારી પાસે રિઝર્વ્ડ ટીકીટ જોઇને બીજા પ્રવાસીઓએ પણ પેલા ભાઈને જગ્યા ખાલી કરવા કહ્યું પણ એ ભાઈ હજી અવઢવમાં હતા.
"ઉભો તો થાઉં પણ મેં ચૂકવેલા રૂપિયાનું શું ? તમે આપવાનો છો ?" એમણે હવે પલટી મારીને ચોર કોટવાળને દંડતો હોય એમ મને કઠેડામાં ઉભો કરી દીધો.
"જુઓ તમારી પાસે આ જગ્યાની કોઈ સાબિતી નથી. હવે ઝટ દઈને ઉભા નહિ થાઓ તો હું સાંકળ ખેંચીને પોલીસને બોલાવીશ." છેલ્લા ઉપાય તરીકે મેં એમને કાયદાની બીક બતાવી. મારો ઉપાય કારગત નીવડ્યો. ખાસ્સી દસ પંદર મિનિટની માથાકૂટ પછી મને મારી જગ્યા પર બેસવા મળ્યું.

નિરાંતે બેઠા પછી આ મહામૂલી મુસાફરીનો મજાનો અનુભવ હું ઠેઠ આણંદ આવ્યું ત્યાં સુધી માણતો રહ્યો.


21 ફેબ્રુ, 2014

'કિન્ડર જોય' - નફો કમાવાનું ગતકડું.

જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવા માટે 'ડી માર્ટ'ની મુલાકાત લીધી. બધા જ વિભાગો એમાં ખાસ કરીને ચોકલેટ, બિસ્કીટ અને રમકડાઓનાં  વિભાગની મુલાકાત લેતી વખતે શાંત રહેલા દીકરાએ કાઉન્ટર નજીક પહોંચતા જ અચાનક કોઈક વસ્તુ ભણી જોઇને મોટેથી બૂમ પાડી;" મારે 'કિન્ડર જોય' જોઈએ છે." ઈંડા આકારની સફેદ અને નારંગી રંગની એ નાનકડીવસ્તુ જોઇને એની કિંમત દસથી વીસ રૂપિયા હોવી જોઈએ એવી ધારણા બાંધીને મેં દીકરાની માંગણી સ્વીકારી લીધી. વસ્તુ હાથમાં આવતા જ એ હર્ષ ને આનંદથી એ ઉછળવા માંડ્યો.

ગાડીમાં બેઠા પછી બિલમાં એની કિંમત ઉપર અછડતી નજર નાંખતાં જ  મારું હૃદય એક ધબકારો ચૂકી ગયું કારણ એની કિંમત હતી રોકડા રૂપિયા 35 - સામાન્ય કરતાં લગભગ 30% વધારે. બરોબર એજ સમયે દીકરાએ એના પેકિંગને તોડવાની શરૂઆત કરી, કોલંબસની જેમ કોઈક નવા ખંડની શોધ ન કરી રહ્યો હોય એટલા જ આનંદ ને ઉત્સુકતાથી એણે એના બે ભાગ કર્યા. પહેલા ભાગમાંથી ક્રીમવાળી ચોકલેટ નીકળી જેને ખાવામાં એને રસ નહોતો. એનું સમગ્ર ધ્યાન હવે બીજા ભાગ પર હતું. અમારા આશ્ચર્ય વચ્ચે એ ભાગમાંથી કેટલાક ઉટપટાંગ ભાગો નીકળ્યા જેને એણે સૂચના પ્રમાણે જોડ્યા તો એમાંથી એક નાનકડી સઢવાળી હોડી બની ગઈ. નવા ખંડની શોધ પૂરી થઇ હોય એમ એ બંને પગે ઉછળવા માંડ્યો ને અમને કહેવા લાગ્યો; "જોયું ને કેવી મજાની હોડી છે."

કહેવાનું તો મન થઇ ગયેલું કે અલ્યા ગાથડ, તારી એ હોડી અમને 35 રૂપિયામાં પડી એની તને ક્યાં ખબર છે. ખેર, એમ કહીને એનું દિલ દુભવવાને બદલે ઘરે આવીને મેં 'કિન્ડર જોય' વિષે ઇન્ટરનેટ પર થોડા ખાંખાખોળાં કરી જોયા તો ખબર પડી કે 'કિન્ડર' એ જર્મન શબ્દ છે ને એનો અર્થ થાય 'બાળકો'. 

'ફેરેરો' નામની ઇટાલિયન કંપની પૂરતા શોધ અને સંશોધન પછી બારામતીમાં આવેલી પોતાની ફેકટરીમાં આ 'ચોકલેટ - રમકડાં'નું ઉત્પાદન કરે છે. વસ્તુમાં રચનાત્મકતા અને ગ્રાહકો સુધી પહોંચતી કરવાની એની વિશિષ્ટ વ્યૂહરચનાને કારણે કિંમત વધારે હોવા છતાં એણે 'નેસ્લે' જેવી મલ્ટી નેશનલ કંપનીને આંખે પાણી લાવી દીધાં છે. 

"કિન્ડર જોય"નો શાબ્દિક અર્થ ભલે 'બાળકોનો આનંદ' એમ થતો હોય પરંતુ મારે માટે તો એ વધારે પડતી કિંમતને કારણે નફો કમાવાનું સરસ મજાનું ગતકડું જ છે.

11 ફેબ્રુ, 2014

ટેબ્લેટમાં ખોવાયેલું બાળપણ.


ગયે અઠવાડિયે સાંજે જમ્યા પછી અમે અઢી જણાએ મિત્રના ઘરમાં પ્રવેશ કર્યો. એ પણ અઢી જણ. મિત્ર ને એમના પત્ની જમ્યા પછી ટીવી પર સીરીયલ જોવામાં મશગૂલ હતા અને એમનો સાડાપાંચ વર્ષનો દીકરો 'ટીનો' સોફા પર બેઠો બેઠો ટેબ્લેટના સ્ક્રીનમાં મોઢું ઘાલીને બેઠો હતો.

મિત્રએ તરત જ ટીવી બંધ કર્યું ને અમને મીઠો આવકાર આપ્યો. ઘણાં લાંબા સમય પછી મળ્યા હોવાથી અમે લગભગ એક કલાક જેવું એમને ત્યાં રોકાયા ને દુનિયાભરની વાતો કરી. આ સમય દરમિયાન અવારનવાર મારું ધ્યાન એમના ચિરંજીવી 'ટીના' ઉપર જતું હતું. અમે આવ્યા ત્યારથી એણે બિલકુલ અમારી નોધ લીધી નહોતી. મારા અનુમાન પ્રમાણે એ "એન્ગ્રી બડ" જેવી કોઈ રમત રમવામાં મસ્ત હતો કારણ વારંવાર એની બેસવાની સ્થિતિ અને ચહેરાના હાવભાવ બદલાતા હતા. ક્યારેક પલાઠી વાળીને તો વળી ક્યારેક ઉભડક બેસી જતો હતો. ક્યારેક ખુશ થઈને તાળીઓ પાડતો હતો તો ક્યારેક ગુસ્સે થઈને પગ પછાડતો હતો. 

"તમારો ટીન્યો અને ટેબ્લેટ એટલે જાણે જય અને વીરુની જોડી જ જોઈ લો." વિદાય લેતી વખતે મારાથી કટાક્ષમાં બોલ્યા વિના ન રહેવાયું.
"હા હો, આ ટેબ્લેટ આવ્યું છે ને ત્યારથી અમને બેયને નિરાંત થઇ ગઈ છે. હપ્તેથી વસાવ્યું છે. થોડું મોંઘુ પડ્યું પણ છ મહિનામાં તો પૈસા વસૂલ થઇ ગયા." મિત્રએ મારો કટાક્ષ સમજ્યા વગર જ 'ટેબ્લેટ પુરાણ' શરૂ કરી દીધું.
"નિરાંત ?" આશ્ચર્યસહિત મારા મુખેથી પ્રશ્ન બહાર આવી ગયો.

"ટેબ્લેટ નહોતું ત્યાં સુધી ટીનાનો ત્રાસ હતો. બહાર જાય તો કાં તો રડીને આવે કે પછી કોઈની ફરિયાદ લઈને આવે ને ઘરમાં હોય ત્યારે ના મને શાંતિથી છાપાં સામયિકો વાંચવા દે કે ના એની મમ્મીને ઘરનું કામ કરવા દે. એની આ રોજની રામાયણથી અમે તો તોબા પોકારી ગયા હતા. પણ જ્યારથી આ ટેબ્લેટ આવ્યું છે ને ત્યારથી એ ડાહ્યો ને ડમરો થઇ ગયો છે. એનાં હાથમાં ટેબ્લેટ હોય એટલે અમારે શાંતિ. સહેજેય ચૂં કે ચાં ના સંભળાય." જાણે
ટેબ્લેટના આગમન પછી ટીનામાં હકારાત્મક આમોલ પરિવર્તન ન આવ્યું હોય એમ ટેબ્લેટના ગુણગાન ગાતાં ગાતાં મિત્રએ ગર્વથી અમારી સામે જોયું.

"ઓહ ! એમ વાત છે. તો તો મારે પણ મારા દીકરા માટે વેળાસર ટેબ્લેટની વ્યવસ્થા કરવી પડશે." મિત્રની લાગણી ના દુભાય એટલે મેં એની વાતમાં ટાપસી પૂરી ને પછી વિદાય લીધી.

4 જાન્યુ, 2014

વઢવાડ ને ઝગડો.

શાંતિ, પ્રેમ ને ભાઈચારો એ નર્યો આદર્શવાદ છે. અશાંતિ, અરાજકતા ને લોહીઉકાળા આપણામાંથી ઘણાંને કોઠે પડી ગયા છે.

ગામડામાં રહેતા ત્યારે જબરી મજા આવતી. પાણી ઢોળવા ને કચરો ફેંકવા જેવી શુલ્લક બાબતોમાં મોટું મહાભારત સર્જાઈ જતું. ઘડીના છટ્ઠા ભાગમાં નોતરું દીધા વિના ગામલોક એકઠું થઇ જતું. વઢનારાઓને પાનો ચઢતો ને જોનારાઓને મફતમાં મનોરંજન માણવા મળતું. આમેય એ વેળા મનોરંજનના સાધનોય ટાંચા જ હતા ને ! વેળા આખી, મહદઅંશે શબ્દોની ફેકાફેકી જ જોવા મળતી. અલબત, એ શબ્દો અર્થમાં ને વજનમાં જબરા ભારે! એને યાદ કરીએ તો એમાંથી મસમોટું થોથું બને.

શહેરમાં આવ્યા પછી ભણ્યા, ગણ્યા ને સુધર્યા (?) પણ વઢવાનું તો ન જ ભૂલ્યા. વાડની સાથે વેલો આવે એમ વઢવાડ ને ઝગડો તો સદાય આપણી સાથે જ રહ્યા. ફેર એટલો જ પડ્યો કે ભાષામાં થોડી સભ્યતા ને શિષ્ટતા આવી ને સમય થોડો ઓછો પડવા માંડ્યો. જોનારાઓ તો બધા ફેસબુક પર મંડ્યા હોય એટલે વઢનારાઓ સમય કરતાં જલ્દી ટાઢા પડી જાય.

એનોય ઉકેલ ક્યાં દૂર છે, ફેસ બૂક છે જ ને ! ફેસબુકના આગમન પછી તો સમયની મર્યાદા લગભગ દૂર જ થઇ ગઈ છે. ઘેર બેઠા બેઠા જ ટાણે કટાણે  શાંત પાણીમાં કાંકરા નાખ્યા કરવાના. કોકને સળી કરો ને કોકને ઘોંચપરોણા કરો. અલબત, ભાષામાં બેદરકારી રાખીએ એ ન ચાલે. કશો વાંધો નહિ, શિષ્ટ ભાષામાં એક બીજાને ભાંડયા કરવાનું. છોને પછી દુનિયા આખી જોયા કરે! આપણે ક્યાં મોટું વિશ્વયુદ્ધ કરવું છે તે નાહકની ચિંતા કરવાની!

"ધ શો મસ્ટ ગો ઓન, લગે રહો દોસ્તો."

પાણીનો લોટો.

નિવૃત્તિ પછીના છઠ્ઠા મહિને જ બાપુજીને પક્ષાઘાત લાગુ પડ્યો. વેળાસરની સારવારને કારણે એ બેઠા તો થઇ ગયા પણ એમનાં જમણા હાથ અને પગમાં એની યાદગ...