“અરે! આ આડી ચાવી
અને ઊભી ચાવીઓ આજે કેમ સાવ ખાલી ખાલી જણાય છે.” બીજી નવેમ્બરે બપોરના ભોજન પછી રાબેતા
મુજબ હું ‘ગુજરાત સમાચાર’ હાથમાં લઈને બેઠો હતો ને મારી નજર આ છાપાના છઠ્ઠા નંબરના
પાન પર આવીને આશ્ચર્યથી અટકી ગઈ.
બાને નિવૃત થયાને
બાર વર્ષ થયા ને આ સમય દરમિયાન આ આડી અને ઊભી ચાવીઓના ખાનાંઓ ક્યારેય ખાલી રહ્યા
હોય એવું મેં ક્યારેય જોયું નથી. પણ, આજે બાર વર્ષ પછી એ ખાનાંઓ નિશ્ચેતન થઈને ખાલી
પડ્યા હતા.
ઓછાબોલા અને
અંતર્મુખી સ્વભાવના બા જીવનના સાત દાયકા પૂરા કર્યા પછી પણ સ્વસ્થ અને તંદુરસ્ત જીવન
જીવતા હતા. દુનિયાભરની પંચાતને બાજુ પર મૂકીને હંમેશાં તેઓ પોતાની નાનકડી દુનિયામાં
મશગૂલ અને રમમાણ રહેતા હતા અને સ્વાશ્રયી હોવાને કારણે પોતાનું કામ હોંશે હોંશે જાતે
જ કરી લેતા હતા. સવારે બરોબર પોણા છએ ઉઠીને સૌથી પહેલાં પાણીની મોટર ચાલુ કરવી એ
એમનો નિત્યક્રમ. ત્યાર બાદ ચા નાસ્તો કરી લીધા પછી એ ઘરનું આંગણું વાળી ઝૂડીને ચોખ્ખું
ચણાક કરી દે. એ પછી કપડાં ધોવા બેસે ને આ બધું પૂરું થયા પછી પેન હાથમાં લઈને અને ચશ્મા
ચઢાવીને નિરાંતે છાપું હાથમાં લે. મુખ્ય સમાચારો ઉપર અછડતી નજર મારીને એ સીધા
છઠ્ઠા નંબરના પાન ઉપર પહોંચી જાય અને ગણતરીની પળોમાં આડી અને ઊભી ચાવીઓનો તાળો
મેળવી લે. જ્યાં સુધી આ તાળો ના મળે ત્યાં સુધી એમનાં જીવને ચેન ન પડે.

બરોબર એક અઠવાડિયું
આરામ કર્યા પછી ફરીથી એમણે પેન, ચશ્મા અને છાપું હાથમાં લીધા ને સીધા જઈ પહોંચ્યા
પાન નંબર છ ઉપર અને માનો કે ના માનો, માત્ર દસ જ મિનિટમાં એમણે આડી ચાવીઓ અને ઊભી
ચાવીઓનો એવો તો બરોબર તાળો મેળવી લીધો કે જાણે એ શબ્દરૂપી ચાવીઓ પણ જીવંત બનીને
નાચી ન ઊઠી હોય!