લેબલ સંન્યસ્ત જીવનની સફરે સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ સંન્યસ્ત જીવનની સફરે સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

2 મે, 2018

આજરે કોન્તરા.

“ડેડી, આ શું? દર વખતે તમે વાળ કેમ ઝીણા કરાવી દો છો? તમને નવી સ્ટાઈલ રાખવાનું નથી ગમતું?” અમારા શ્રીમતિજી હાથમાં વાળ કાપવાનું મશીન લઈને તૈયાર થઇ રહ્યા હતા ને તથ્યએ અણધાર્યો પ્રશ્ન કર્યો. 

“આજરે કોન્તરા.” તથ્યને મેં હસતા હસતા જવાબ આપ્યો. 

“આજરે કોન્તરા?” તથ્ય માથું ખંજવાળતા ખંજવાળતા મારી સામું તાકી રહ્યો એટલે મારે એને વિસ્તારથી જવાબ આપવો પડ્યો. 

“’Agere Contra - આજ રે કોન્તરા’ એ લેટીન શબ્દ સમૂહ છે જેનો અર્થ એ છે કે જે વસ્તુ તમને સૌથી વહાલી કે ગમતી હોય એનો ત્યાગ કરવો.” આજથી બરોબર વીસ વર્ષો પહેલાં નોવીશીયેટમાં અમારા ઉપરી અમને સંતોના જીવન ચરિત્રો પરથી આધ્યાત્મિક વાતો સમજાવી રહ્યા હતા ને મારું મન ચગડોળે ચઢી ગયું. 

“છ મહિના પહેલાં જ સંસારનો ત્યાગ કર્યો છે. ભાઈભાડું, માબાપ અને સગા વહાલાંઓને પણ છોડી દીધા છે. અરે, જે વસ્ત્રો પહેરવાના ખૂબ ગમતા હતા એનો પણ ત્યાગ કરીને ઝબ્ભો લેંઘો ધારણ કર્યા છે. અહીં આવ્યા પછી ટીવી, છાપું અને સમગ્ર દુનિયાનો સાથેનો નાતો પણ કપાઈ ચૂક્યો છે. હવે, ત્યાગ કરવા માટે બાકી શું રહ્યું છે.?” 

“માથા પરના વાળ.” ખાસ્સું મનન ચિંતન કર્યા પછી અંતરઆત્માનો અવાજ સંભળાયો. આમ જુઓ તો એ વાત પણ સાચી હતી. કોલેજના દિવસોમાં મને મારા વાળ ખૂબ ગમતા હતા ને દિવસમાં કેટલોય સમય અરીસા સામું જોઇને પટિયા પાડવામાં વીતી જતો હતો. હવે, અહીં આવ્યા પછી પણ વાળ પ્રત્યેનો મારો અનુરાગ જરાય ઓછો નહોતો થયો. 

એમની વાત સાંભળ્યાને લગભગ એક અઠવાડિયા પછી જીવનમાં પહેલી વાર મેં વાળને દૂર કરવાનું નક્કી કરી લીધું અને મારા સાથીની સહાયથી માથા પર મશીન પણ ફેરવી દીધું. 

વીસ વર્ષો પહેલાની એ વાત અને આજની ઘડી. એકાદ બે અપવાદ સિવાય મારા માથાના વાળની સ્ટાઈલ ક્યારેય બદલાઈ નથી. 

28 એપ્રિલ, 2015

ચારે બાજુ ભાઉં ભાઉં....

બરોબર સાડા બારે ઘંટનો નાદ સંભળાયો ને વિદ્યાર્થીઓના ટોળાએ હૂડુડુડુ.... કરતા ભોજન ખંડમાં પ્રવેશ મેળવ્યો. ભોજન વિના ભજન ન થાય તો પછી અભ્યાસ પણ ન જ થાય ને! જ્ઞાનદીપ વિદ્યાલયમાં બરોબર બાર વાગ્યે રીસેસ પડે ને વિદ્યાર્થીઓ ઘર ભણી ડગ માંડે. સવા બાર વાગે પ્રાર્થના શરૂ થાય જેમાં મનન ચિંતન કરવાનું હોય એટલે દરેક વિદ્યાર્થી પોતાને અનુકૂળ આવે એવી જગ્યાએ એ સમય પસાર કરે. કેટલાક પોતાની રૂમમાં સમય ગાળે, કેટલાક પ્રભુ મંદિરમાં સમય ગાળે તો વળી કેટલાક પ્રકૃતિના સાન્નિધ્યમાં આ સમય પસાર કરે. પરંતુ, મોટા ભાગના વિદ્યાર્થીઓ તો જમવાના હોલની આજુબાજુમાં જ ભૂખ્યા વરુની જેમ આંટાફેરા મારે. આ હોલમાંથી ભાતભાતની વાનગીઓની સોડમ ચારે બાજુ પ્રસરતી હોય ત્યારે મનન ચિંતન કરતા વિદ્યાર્થીઓના મનમાં કયા વિચારો આવતા હશે એ તો એમને જ ખબર!

'ડી નોબિલી કોલેજ'માં આવેલા જમવાના હોલમાં બસ્સો જણ એકસાથે ભોજન લઇ શકે એવી સુવિધા છે. હોલની બંને બાજુ અને વચ્ચમાં એક, એમ ત્રણ હરોળમાં ટેબલ ગોઠવાયેલા છે. એક હરોળમાં લગભગ પંદર ટેબલ અને દરેક ટેબલ પર પાંચ વિદ્યાર્થીઓ બેસી શકે. આમ તો દરેક ટેબલ પર જરૂરિયાત જેટલું ભોજન મૂકેલું જ હોય પણ, રોટલી અને કેટલુંક વધારાનું ભોજન વચ્ચેની હરોળમાં મૂકવામાં આવે. જેને વધારે જોઈતું હોય એણે ઉભા થવાની તસ્દી લઈને જાતે ભોજન લેવું પડે. માંસાહારી ભોજન હોય ત્યારે દૃશ્ય જોવા જેવું હોય. બળિયો હોય એ બે ચાર કકડા વધારે લઇ જ જાય.

આજે પણ દરરોજના નિત્યક્રમ મુજબ વિદ્યાર્થીઓએ ભોજનખંડમાં પ્રવેશવા માટે ધસારો કર્યો અને અંદર પહોંચીને પોતાની જગ્યા પર શિસ્તબદ્ધ ગોઠવાઈ ગયા. જેવી ભોજન પહેલાંની પ્રાર્થના પૂરી થઇ કે તરત જ કેટલાકે વધારે ભોજન મેળવવા માટે વચ્ચેની હરોળમાં હલ્લો બોલાવ્યો. બધાના આશ્ચર્ય વચ્ચે, નિયમિત ભોજન કરતા એક વધારે વાનગી ટેબલ પર જોવા મળી. નાનકડા થાળમાં આ મસાલેદાર નોનવેજ વાનગી સુશોભિત કરીને ગોઠવવામાં આવી હતી. એની સોડમથી આકર્ષાઈને એક વિદ્યાર્થીએ એનો સ્વાદ ચાખી જોયો અને પસંદ પડવાથી બીજાને પણ આગ્રહ કર્યો. એ કઈ વાનગી હતી એની કોઈનેય ખબર નહોતી આમ છતાં, સ્વાદિષ્ટ હોવાથી લગભગ ચાળીસેક વિદ્યાર્થીઓએ પોતાની થાળીમાં એ વાનગી પીરસી દીધી. જેના હાથમાં આ વાનગી ન આવી એ વિદ્યાર્થીઓ પોતાના નસીબને દોષ દેતા કપાળે હાથ ઘસતા રહી ગયા. 

"વાહ! શું અદભુત સ્વાદ છે! જીવનમાં પહેલી વાર આટલી સ્વાદિષ્ટ વાનગી આજે ચાખવા મળી. પણ, આ વાનગી શામાંથી બનેલી છે એ ખબર પડતી નથી." નસીબદાર વિદ્યાર્થીઓએ હાથમાં આવેલી વાનગીને અટકળો કરતાં કરતાં હોંશે હોંશે ખાવા માંડી. બે ચાર કોળીયા માંડ એમના પેટમાં પહોંચ્યા હશેને એક ખૂણામાંથી "ભાઉંભાઉં ભાઉંભાઉં...." જેવો કૂતરાના ભસવાની નકલ કરતો અવાજ આવવા માંડ્યો. ધીમે ધીમે આ કૂતરાનું ભાઉંભાઉં આખા હોલમાં પ્રસરી ગયું. શરૂઆતમાં શું બની રહ્યું છે એની કોઈનેય ખબર ના પડી પણ, કેટલાક ચબરાક વિદ્યાર્થીઓને આ ઈશારો સમજવામાં વાર ન લાગી. જમતી વેળાએ આ 'ભાઉંભાઉં'નું રહસ્ય બધાને સમજાય એ પહેલા જ લગભગ પચીસએક વિદ્યાર્થીઓએ જીવ લઈને ભોજનખંડની બહાર દોટ મૂકી અને ભોજન પૂરું થયું ત્યાં સુધી પાછા ન દેખાયા. 

બહાર નીકળ્યા પછી રહસ્ય સમજાયું. પૂર્વોતર રાજ્યમાંથી આવતા કેટલાક ભેજાબાજ વિદ્યાર્થીઓનું આ કારસ્તાન હતું. આગલી રાતે એમણે કૂતરાનું માંસ રાંધ્યું હતું ને ખાધા પછી જે વધ્યું એ ચૂપચાપ પેલા નસીબદાર વિદ્યાર્થીઓના લાભાર્થે ભોજનખંડમાં મૂકી દીધું હતું. ખબર નહોતી ત્યાં સુધી તો એમણે એ સ્વાદિષ્ટ વાનગીનો આસ્વાદ હોંશે હોંશે લીધો પણ જેવી ખબર પડી કે એમણે જે પેટમાં પધરાવ્યું એ બીજું કશું નહિ પણ કૂતરાનું માંસ હતું ત્યારે એમની દશા જોવા જેવી થઇ ગઈ. ખાધું હતું એ બધું બહાર આવી ગયું.

કહેવાની જરૂર નથી કે ઘણા દિવસો સુધી એમના મનમાં "ભાઉંભાઉં"ના ભણકારા વાગતા રહ્યા અને એ દિવસથી એમણે વચ્ચેના ટેબલ ભણી ભૂલેચૂકેય નજર નાખવાનું જ માંડી વાળ્યું. 

15 એપ્રિલ, 2015

એક જ ડાળના પંખીઓ.

"દોસ્ત, બીયર પીવાની અદમ્ય ઈચ્છા છે."
"શું વાત કરે છે એરી? હું પણ આ થોથાં વાંચી વાંચીને કંટાળ્યો છું. બોલ, ક્યારે જઈશું?"
"સારા કામમાં વળી રાહ શું જોવાની. બની શકે તો આ રવિવારે સાંજે જ આપણે જઈએ. હા, પણ જગ્યા એવી પસંદ કરીએ કે જ્યાં લાંબો સમય બેસીને શાંતિથી વાતચીત થઇ શકે અને સાથે સાથે સારું ભોજન પણ લઇ શકીએ. આ બધા વિના માત્ર બીયર પીવાની મજા ના આવે."
"તારી વાત સાથે સો ટકા સહમત. આવતીકાલે સાંજે જ આપણે જઈએ છીએ."

મહારાષ્ટ્રમાં મદ્યપાનની છૂટ હતી ને ત્યાં રહેતા ઇસુસંઘીઓમાં એનો કોઈ છોછ નહોતો એટલે અમને તો ભાવતું તું ને વૈદ્યે કહ્યું જેવો ઘાટ ઘડાયો હતો. આમ તો પ્રસંગોપાત અમને છાંટોપાણી કરવાની તક મળી રહેતી હતી. પણ, એમાં બહુ મજા નહોતી આવતી. એનું કારણ, મોટે ભાગે અમે ગ્રુપમાં બેસતા હતા જ્યાં દરેક વખતે આર્થિક સંકડામણને કારણે રમ, જીન કે પછી વ્હિસ્કી જેવા પીણાં ભાગીદારીમાં લાવતા. ગ્રુપમાં દસથી પંદર જણ હોય તો બધાની માટે બીયર લાવવાનું મોંઘુ પડી જાય અને બીજું એટલા મોટા ગ્રુપમાં અંગત વાતચીતને કોઈ અવકાશ નહોતો મળતો. આથી જયારે પૂના શહેરમાં આવેલી "ડિ નોબિલી કોલેજ"ના મારા રૂમમાં મારા જીગરી એરીએ બીયર પીવાનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે મેં એને હોંશે હોંશે વધાવી લીધો. 

આમ તો અમારા ઘરની આજુબાજુમાં જ 'બાર એન્ડ રેસ્ટોરાં' હતા જ્યાં ખાવા પીવાની પૂરી સગવડ હતી આમ છતાં, બે કારણોથી અમે ત્યાંથી દૂર જવાનું પસંદ કર્યું. એક, નજીકના બારમાં કોઈ શ્રદ્ધાળુ ભટકાઈ જાય તો એમની શ્રદ્ધાને ઠેસ પહોંચે એનો અમને ડર હતો ને બે, જો અમારા ઘરમાંથી જ કોઈ ઓળખીતાનો ભેટો થઇ જાય તો એ પણ સારું ના લાગે. લગભગ ચાળીસ મિનિટ સાઈકલ ચલાવ્યા પછી અમે જઈ પહોંચ્યા પૂના શહેરમાં આવેલા અતિભવ્ય વિસ્તાર 'મહાત્મા ગાંધી' રોડ ઉપર. આ રોડ જ્યાં પૂરો થતો હતો ત્યાં છેવાડે એક નાનકડી 'બાર એન્ડ રેસ્ટોરાં' હતી ત્યાં સાઈકલ પાર્ક કરીને અમે નિર્ભયતાથી અંદર પ્રવેશ કર્યો કારણ, આટલે દૂર સુધી કોઈ ઓળખીતો ભટકાઈ જાય એવી શક્યતાઓ નહિવત હતી. 

રેસ્ટોરામાં અમે પ્રવેશ કર્યો ત્યારે બારમાં ઘણી ભીડ હતી. થોડી પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે ત્યાંથી થોડે અંદર એસી હોલ હતો જ્યાં ભીડ ઓછી હોવાને કરણે શાંતિથી બેસી શકાય એમ હતું. એસી રૂમમાં જેવા પ્રવેશ્યા કે ત્યાંના વાતાવરણનો અનુભવ કરીને અમે ખુશ ખુશ થઇ ગયા. એસીની ઠંડક અને એમાં ઉમેરાયેલો લાલ રંગનો પ્રકાશ વાતાવરણને માદક અને મદહોશ બનાવવા માટે પૂરતા હતા. શાંતિથી બેસીને બીયર પીવા માટે આનાથી ઉત્તમ જગ્યા બીજી કોઈ હોય જ ના શકે એવું વિચારતા વિચારતા અમે આગળ વધ્યા. અમારો વિચાર છેલ્લી બેઠક પર જઈને બેસવાનો હતો જેથી કોઈ પરિચિત આવે તો પણ ઓળખી ના શકે. અડધે પહોંચ્યા પછી મેં છેલ્લી બેઠક પર નજર ઠેરવી તો ત્યાં બે અજાણ્યા ચહેરા ગુસપુસ કરી રહેલા દેખાયા. હજી બે ડગલા આગળ નહોતા વધ્યા ને જે દૃશ્ય મેં જોયું એ જોઇને મારા ગાત્રો ગળી ગયા. એ વ્યક્તિની અમારા પર નજર પડે એ પહેલા મેં મારા મિત્ર એરીના કાનમાં ફૂંક મારી;"એરી, સામે જો. આપણા પ્રાધ્યાપક સાહેબ બીયર ગટગટાવી રહ્યા છે." એરી મારી વાતને સમજે અને અમે ત્યાંથી રફુચક્કર થવાની તૈયારી કરીએ એ પહેલા જ અમને અવાજ સંભળાયો;"અરે યાર, તમે બે જણા અહીં ક્યાંથી ભૂલા પડ્યા. આવો, આવો. અહીં અમારી સાથે જ બેસો." અમારા પ્રાધ્યાપકે અમને દિલથી આવકાર આપ્યો. એમની વાત સાંભળીને અમે બંને જણા પૂતળાની માફક સ્થિર થઇ ગયા. એરીએ પોતે સ્વપ્નામાં તો નથી ને એની ખાતરી કરવા માટે આંખો ચોળવા માંડી ને મને હવે શું કરવું એની સમજણ નહોતી પડતી. અમારી મુંઝવણ જાણે કળી ના ગયા હોય એમ અમારા પ્રાધ્યાપક સાહેબે ઉભા થઈને અમારા ખભા પર હાથ મૂકીને કહ્યું;"આમાં શરમાવાની કે ગભરાવાની કોઈ જરૂર નથી કારણ, આપણે એક જ ડાળના પંખીઓ છીએ. સાથે મળીને ઉજવણી કરીએ તો વધારે મજા આવે." 

કહેવાની જરૂર નથી કે એ દિવસે અમારું બિલ એમણે જ ચૂકવી દીધું અને અમને વાતો કરવાનો અવકાશ મળી રહે એ માટે એમની બેઠક વહેલી પૂરી કરી દીધી.

(ફોટો સૌજન્ય: ગુગલ મહારાજ.)

13 એપ્રિલ, 2015

ઇસુસંઘીઓ શંકાના દાયરામાં.

બપોરે જમવા માટે ઘરે આવ્યા ત્યારે સમાચાર મળ્યા કે ઘરમાં ચોરી થઇ હતી. કોઈના પણ ઘરમાં ચોરી થાય એ નવાઈ અને આઘાતની વાત ગણાય. જયારે અહીં તો ઇસુસંઘીઓના ઘરે ચોરી થઇ હતી અને એ પણ સંભવતઃ ઇતિહાસમાં પહેલી વાર આવી ઘટના નોંધાઈ હતી એટલે અમારા આશ્ચર્યનો પાર ન રહ્યો. પૂના શહેરના રામવાડી વિસ્તારમાં આવેલું આ રહેઠાણ "ડી નોબિલી કોલેજ" તરીકે ઓળખાતું હતું જેમાં ભારતભરમાંથી આવેલા ત્રણસો કરતાં વધારે વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો અને અન્ય વ્યક્તિઓ રહેતા હતા. ભણવા આવનાર બધા જ વિદ્યાર્થીઓ ઇસુસંઘી સન્યાસીઓ હતા એટલે ચોરી થવાની સંભાવના લગભગ નહિવત હતી આથી મોટા ભાગના વિદ્યાર્થીઓ તો પોતાના રૂમને ભાગ્યે જ તાળું મારવાની તસ્દી લેતા હતા. પણ, આજે એમનો એ ભ્રમ ભાગી ગયો. ચોર સહેલાઈથી ઘરમાં પ્રવેશી ગયો હતો અને સવાર સવારમાં જ એક પ્રાધ્યાપકની રૂમમાંથી મોટી રોકડની ચોરી કરીને રફુચક્કર થઇ ગયો હતો. આમ, તો એ પ્રાધ્યાપકની રૂમમાં આટલી રોકડ રકમ એકસાથે ક્યારેય જોવા ન મળે પણ, એમના કમનસીબે કોઈ ત્રાહિત વ્યક્તિએ જરૂરીયાતમંદ વ્યક્તિને પહોંચાડવા માટે આ રોકડ આગલા દિવસે સાંજે આપી હતી જે એમણે પોતાના ટેબલના ખાનામાં નિશ્ચિત થઈને મૂકી હતી. પરંતુ, સવારે નાસ્તો કરીને રૂમમાં પાછા આવ્યા પછી એમને ખબર પડી કે કોઈ કળાધર કળા કરી ગયો હતો. 

રકમ મોટી હતી અને એને જવા દીધી હોત તો ઘીના ઠામમાં ઘી પડી રહ્યું હોત. ડોશી મરી જાય એનો વાંધો નહોતો પણ જમ જો ઘર ભાળી જાય તો કાયમની મુસીબત આવે એમ હતું આથી ન છૂટકે પોલીસ ફરિયાદ નોધાવવામાં આવી. સાંજના ચારેક વાગ્યે પોલીસ કુતરા સાથે આવી. પહેલા માળે આવેલી પ્રાધ્યાપકની રૂમમાં આ કુતરાને લઇ જવામાં આવ્યો. ત્યાંથી ભસતાં ભસતાં કુતરો વરંડામાંથી પસાર થયો ને છેવટે જ્યાં એકસાથે આવેલી રૂમો પૂરી થતી હતી ત્યાં આવીને અટકી ગયો. આ ઉપરથી પોલીસે કેટલીક ધારણાઓ બાંધી. એક, ચોર જાણભેદુ હતો કારણ ક્યારે ચોરી કરવી એ એને ખબર હતી. બીજી ધારણામાં બે વિકલ્પો હતા; એક, ચોર કોઈ બહારની વ્યક્તિ હતી જેણે ત્યાંથી જમીન ઉપર નીચે ભૂચકો માર્યો હતો. બીજો અર્થ એવો થાય કે ચોર ઘરનો જ હતો અને એ આજુબાજુમાં આવેલી રૂમમાં જ ક્યાંક સંતાયો હતો. સ્વાભાવિક છે કે પોલીસે પહેલા વિકલ્પને પ્રાધાન્ય આપ્યું ને ઘરમાં કામ કરી રહેલા બધા જ સ્ટાફ અને કામદારોને અટકમાં લીધા. શંકાને આધારે કડક પૂછપરછ કરી અને જરૂર જણાઈ ત્યાં ધોલધપાટ પણ કરી જોઈ. પણ, સફળતા મળી નહિ. 

કુતરાએ આપેલા સગડ મુજબ હવે પોલીસને નાછૂટકે વિદ્યાર્થીઓ અને એમની રૂમની સઘન તપાસ કરવાની જરૂર જણાઈ. પોલીસે જયારે ઉપરી પાસે રૂમની તપાસ કરવાની પરવાનગી માંગી ત્યારે ઉહાપોહ મચી ગયો કારણ કે તેઓ વિદ્યાર્થીઓ કે જેઓ સંન્યાસી હતા એમની રૂમમાં તપાસ કરવાની રજા માંગી રહ્યા હતા. શું સંન્યાસીઓ ચોરી કરે ખરા? આત્મનિરીક્ષણ કર્યા પછી અમારા ઉપરીને લાગ્યું કે આ વાત શક્ય હતી. કોઈ નબળી પળે અમારામાંથી જ કોઈએ ચોરી કરી હોય એ શક્ય હતું અને જો એ વાત સાચી નીકળે તો એનો ઉપાય કરવો પણ જરૂરી હતો. આથી અમારા ઉપરીએ રૂમમાં તપાસ કરવાની રજા આપી. જેવી આ વાત વહેતી થઇ કે અમારામાંથી ઘણા આ પગલાને બિનજરૂરી અને અયોગ્ય ગણવા માંડયા કારણ અમને બાંધી મુઠ્ઠી ખુલ્લી થઇ જવાનો ડર લાગતો હતો. રૂમની તપાસ દરમિયાન રોકડ નીકળે કે નીકળે એ વાત તો બાજુ પર રહી પણ પોતાની આબરૂ પર બટ્ટો લાગી જાય એવું કંઈક નીકળી આવે તો! 

બીજા દિવસે સવારે કવાયત શરુ થઇ ને પોલીસે પોતાની ફરજના ભાગરૂપે દરેકની રૂમનો ખૂણેખૂણો ફંફોસવાનું શરૂ કર્યું. પહેલી રૂમમાં પ્રવેશીને ઈન્સ્પેક્ટરે રૂમમાં રહેતા વિદ્યાર્થીની આકરી પૂછપરછ શરુ કરી અને અન્ય સ્ટાફે રૂમમાં રહેલી વસ્તુઓનું નિરીક્ષણ કરવાનું શરૂ કર્યું. વિદ્યાર્થી જે રીતે નીડરતાથી અને આત્મવિશ્વાસથી જવાબ આપતો હતો એ સાંભળીને ઇન્સ્પેકટર આભા થઇ ગયા. રૂમમાંથી નીકળ્યા માત્ર એક ખાટલો, ટેબલ, ખુરશી અને એક લાકડાનું કબાટ જેમાં પુસ્તકો અને કપડાં ઠાંસીઠાંસીને ભરેલા હતા. બીજા અને ત્રીજા રૂમમાં પણ એજ હાલત થઇ. વળી, વિદ્યાર્થીઓ જે રીતે જવાબ આપતા હતા એ સાંભળીને શંકાનું કોઈ વાજબી કારણ નહોતું મળતું. આમ, માત્ર ત્રણ જ રૂમની તપાસ કર્યા પછી પોલીસને લાગ્યું કે અહીં દાળ ગળે એમ નથી. વળી, બધી રૂમમાંથી જો એકસરખી જ વસ્તુઓ નીકળવાની હોય તો બધી રૂમની તપાસ કરવાનું યોગ્ય પણ નહોતું. કહેવાની જરૂર નથી કે એમણે તપાસ ત્યાં પૂરી થયેલી જાહેર કરી દીધી અને શંકા કરવા બદલ હાજર રહેલા સૌની માફી પણ માંગી.

તપાસ પૂરી થયાની જાહેરાત સાંભળીને કેટલાક વિદ્યાર્થીઓએ રાહતનો દમ લીધો. જો ચોરી ન કરી હોય તો પછી ગભરાવાનું કે ચિંતા કરવાનું કોઈ કારણ હોઈ શકે ખરું! જો એમના રૂમમાં પણ તપાસ કરવામાં આવી હોત તો કયો મોટો દલ્લો હાથ લાગ્યો હોત એ આખો વિષય કલ્પનાનો છે. 

10 એપ્રિલ, 2015

આ ચડ્ડી મારી નથી.

વર્ષ 2002ની શરૂઆતમાં  પ્રેમલજ્યોતિમાં રહીને હું ગુજરાતી સાહિત્યનો અભ્યાસ કરતો હતો. ભાવતો વિષય હોવા છતાં અમદાવાદ જેવા શહેરમાં રહીને હું કંટાળ્યો હતો. ગ્રામ્ય જીવનનો અનુભવ કરવાની મારી ઝંખના વધી રહી હતી ને એક વહેલી સવારે મને ગમતા સમાચાર મળ્યા;"તમને રીજન્સીમાં ઝંખવાવમાં હોસ્ટેલના ઇનચાર્જ તરીકે મૂકવામાં આવ્યા છે. મેં મહિનામાં તમારે હાજર થઇ જવાનું છે." ઝંખવાવ એટલે વસાવા અને ચૌધરી આદિવાસીઓનો ગઢ. આદિવાસીઓ પ્રત્યેની મારી મમત અને ચાહતને કારણે હું ત્યાં જવા અધીરો બન્યો હતો. 

મેં મહિનામાં હું ત્યાં પહોંચી ગયો ને જૂન મહિનામાં શાળા શરૂ થવાને કારણે વિદ્યાર્થીઓ પણ હાજર થઇ ગયા. પ્રાથમિક શાળાથી માંડીને હાયર સેકંડરી સુધીના લગભગ ત્રણસો કરતાં વિદ્યાર્થીઓની સાથે ચોવીસ કલાક રહેવાનું અને એમની શારીરિક, માનસિક અને ભૌતિક જવાબદારીઓ સંતોષવામાં ચાવીરૂપ ભૂમિકા મારે ભજવવાની. શરૂઆત અઘરી હતી પણ ધીમે ધીમે કામમાં પકડ આવતી ગઈ. વિદ્યાર્થીઓમાં નેતાગીરીના ગુણો ઉપસી આવે એ માટે જુદા જુદા કામ માટે જુદી જુદી સમિતિઓ બનાવીને મોટા વિદ્યાર્થીઓને જવાબદારી સોંપી દીધી આથી સંચાલન ખાસ્સું હળવું થઇ ગયું ને પછી ગાડી સડસડાટ દોડવા માંડી.

શાળા હોસ્ટેલથી ઘણી દૂર હતી અને ત્યાં જવા માટે દરરોજ બજારમાં થઈને જ જવું પડે આમ છતાં, વિદ્યાર્થીઓને જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવા માટે મહિનામાં બે વખત બજારમાં જવાની રાજા આપવામાં આવે. એક રવિવારે બપોર પછી વિદ્યાર્થીઓને બજારમાં જવાની રજા આપવામાં આવી. વિદ્યાર્થીઓ ખરીદી કરીને પાછા આવ્યા ત્યારે સાંજના છ વાગ્યા હતા. સમયપત્રક અનુસાર હવે એમણે નાહી ધોઈને અભ્યાસ કરવા માટે બેસવાનું હતું. જેવા વિદ્યાર્થીઓ સ્નાન કરવા માટે ગયા કે મેં પણ મારા રૂમમાં જઈને નહાવા માટે બાથરૂમ ભણી પગ માંડયા. હજી તો શરીર પર સાબુ ચોળતો હતો ને દરવાજા પર ટકોરા સહિત મારા નામનો સાદ સંભળાવા માંડયો. બે ચાર વાર આમ થયું એટલે કંઈક અજુગતું બન્યું હોવાની દહેશતથી બનતી ત્વરાથી હું બહાર આવ્યો. શરીર પર માત્ર રૂમાલ વીંટાળેલો હોવાથી દરવાજો ખોલવાને બદલે મેં બારી ખોલીને ડોકિયું કર્યું તો એક આઠમા ધોરણના વિદ્યાર્થીએ મારી પાસે બજાર પાછા જવાની રજા માંગી.

"અલ્યા, હમણાં તો તું બજારમાંથી પાછો આવ્યો. અત્યારે અભ્યાસનો સમય છે ત્યારે તારે બજારમાં શા માટે જવું છે?" મેં કારણ જાણવા માટે એને પ્રશ્ન પૂછ્યો.
"ના, તમારે મને અત્યારે  જ રજા આપવી પડશે." અધિકારપૂર્વક એણે રજૂઆત કરી. 
"પણ, ખાસ કારણ વગર મારાથી તને રજા કેવી રીતે આપી શકાય!"
"આ જુઓ. મારે અત્યારે ને અત્યારે બદલાવવા માટે જવું જ પડશે." એમ કહીને 'ઇનરવેર'નું ખોખું મારી સામે ધરી દીધું.
"તને મોટી પડે છે?" 
"ના." 
"નાની પડે છે?"
"ના." 
"તો પછી પ્રશ્ન શું છે અને અત્યારે ને અત્યારે તારે બજારમાં જવાની શું જરૂર છે? આવતીકાલે શાળામાં જતી વેળાએ તું બજારમાં જઈ શકે છે."
"ના ના. મારે કોઈપણ ભોગે અત્યારે જ જવું પડશે કારણ, આ ચડ્ડી મારી નથી." આટલું બોલતા સુધીમાં તો એના મોં પર શરમના શેરડા તણાઈ આવ્યા.
"તો પછી કોની છે? ફોડ પાડીને કંઈક કહે તો મને સમજણ પડે." હું એટલું તો સમજી શક્યો કે એ કંઈક એવી વાત કહેવા માંગે છે જેને કહેવામાં એની જીભ ઉપડતી નથી. 
"છોકરીની છે." મોં નીચે નમાવીને પગના નખ ખોતરતા ખોતરતા એણે માંડ માંડ જવાબ આપ્યો.
"દોડવા માંડ. હમણાં જ જઈને જલ્દીથી પાછો આવ." એની મુંઝવણ વેળાસર પારખી ગયા પછી હવે એને રોકી રાખવામાં કોઈ સાર નહોતો.

ભૂલથી એ છોકરીની ચડ્ડી ખરીદી લાવ્યો છે એ વાતની જાણ હોસ્ટેલમાં થાય અને એની આબરૂના કાંકરા થઇ જાય એ પહેલા એકીશ્વાસે એણે બજાર ભણી દોટ મૂકી. 

3 એપ્રિલ, 2015

તારી ઈચ્છા પૂરી થાઓ.

રવિવારે ડુંગર પર જઈને આવ્યા પછી અમે બધા ખૂબ જ આનંદમાં હતા. સોમવારે સવારે ફરીથી મેદાનને સમથળ બનાવવાના કામમાં અમે લાગી ગયા. જીવનમાં ક્યારેય શારીરિક કામ કરવાની જરૂર ઉભી નહોતી થઇ એટલે શ્રમનું મૂલ્ય અને મહિમા અમને ક્યાંથી સમજાય! પરંતુ, સાગબારા આવ્યા પછી અને એક અઠવાડિયું સતત કામ કર્યા પછી હવે અમને શ્રમનું મૂલ્ય અને મહિમા સમજાવવાની જરૂર નહોતી. ત્રિકમના ઘા કરીને અને તગારા હાથમાં પકડીને અમારા હાથના પંજાઓમાં છાલા પડી ગયા હતા અને બાવળાઓમાં ગોટલા બાઝી ગયા હતા આમ છતાં, યુવાનીનું જોશ અને સંન્યસ્ત જીવનમાં આગળ વધવાની તમન્ના અમને પાનો ચઢાવવા માટે પૂરતા હતા. 

જોશ અને ઉમંગભેર અમે અમારું કામ આગળ ધપાવ્યે રાખ્યું આમ છતાં, સતત અને એકધાર્યા શારીરિક કામને કારણે બે દિવસ પછી જ થાકીને આ કામને બદલે કંઈક નવું કરવાનું મળે એવી લાગણી જોર પકડવા માંડી. અમારી લાગણીને જાણે કે પામી ગયા હોય એમ ગુરૂવારે સવારે અમારા ઉપરીએ જાહેરાત કરી કે આ રવિવારે આપણે કોડબા ડેમ પિકનીક ઉપર જઈશું. વાહ! અમને તો દોડવું હતું ને ઢાળ મળી ગયો. પાણીમાં ધુબાકા મારવાની કલ્પના માત્રથી અમે એવા તો રોમાંચિત થઇ ગયા કે બાકીના ત્રણ દિવસ કેમના પૂરા થયા એની ખબર ન પડી.

રવિવારે સવારે છ વાગ્યે અમે પાણીની બોટલ અને એક જોડી કપડાં લઈને કોડબા ડેમ ભણી ચાલતાં ચાલતાં પ્રયાણ કર્યું. કોડબા ગામમાં પણ ઇસુસંઘીઓનું રહેઠાણ હોવાથી બીજી કોઈ વ્યવસ્થાની ચિંતા કરવાની અમારે જરૂર નહોતી. કોડબા ગામ સાગબારાથી લગભગ બાર કિલોમીટર દૂર આવેલું છે આથી ચાલતા જઈએ તો બે થી અઢી કલાકનો સમય લાગે. સવારનું વાતાવરણ શાંત અને ખુશનુમા હતું. જગલ અને ડુંગરોમાંથી પસાર થતો ધૂળિયા હાઈવે વળાંકો અને ચઢાણને કારણે વધારે સુંદર જણાતો હતો. કુદરતના એ અદ્ભુત વૈભવને માણતા માણતા અમે ઝડપથી કોડબા ગામે પહોંચી ગયા. ત્યાંના સંચાલક અમારી કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. મનભાવતો નાસ્તો તો એમણે આપ્યો જ સાથે સાથે પોતાના સ્થાનિક લોકો સાથેના હૃદયસ્પર્શી અનુભવો અમને સંભળાવીને અમારી સંન્યાસી બનવાની ઈચ્છાને વધારે બળવતર બનાવી દીધી.

ચાતકની પેઠે અમે જે ક્ષણની અમે રાહ જોતા હતા એ ઘડી હવે આવી પહોંચી હતી. કોડબા ડેમની બીજી બાજુએ અમે ચડ્ડીબંડીમાં સજ્જ થઈને પાણીમાં ધુબાકા મારવા માટે તૈયાર હતા. કિનારા પર પાણીની ઊંડાઈ ઓછી હતી આમ છતાં, કોઈ અઘટિત બનાવ ના બને એ માટે જેને તરતાં નહોતું આવડતું એવા પંદરેક જણને હાથમાં ટયૂબ પકડી રાખવાની કડક સૂચના સાથે પાણીમાં ઉતારવાની પરવાનગી મળી. પાંચ જણા વચ્ચે એક ટયૂબ હાથમાં આવી. ટયૂબને પકડીને અમે અમારા પગ આમતેમ હલાવવાનું શરૂ કર્યું. બરોબર એજ સમયે અમારામાંના કેટલાક નિપુણ તરવૈયાઓએ પાળી ઉપરથી ભૂચકા મારવાનું શરૂ કર્યું. આ જોઇને અમે પણ ગેલમાં આવી ગયા ને એક હાથે ટયૂબનો આધાર ને બીજે હાથે એકબીજા પર પાણીની છોળો ઉડાડવાની શરૂઆત કરી. પાંચેક મિનીટ વીતી હશે ને મસ્તીમાં ને મસ્તીમાં કઈ પળે મારા હાથમાંથી ટયૂબ છટકી ગઈ એનું મને ભાન ન રહ્યું. પગ હલાવવાને કારણે અમે ઘણાં અંદર આવી ગયા હતા આથી જેવો ટયૂબનો આધાર ગયો કે મારુ શરીર પાણીમાં ગરકાવ થવા માંડયું. અમારા  ઉપરી અને સાથીઓને શું બની રહ્યું છે એની જાણ થાય એ પહેલા તો હું ગળાબૂડ પાણીમાં ઉતરી ગયો હતો. મેં બૂમો પાડવા માંડી ને માથાના ભાગને પાણીની ઉપર રાખી મૂકવાનો પ્રયત્ન કરી જોયો. પણ ન તો કોઈએ મારો અવાજ સાંભળ્યો કે ન તો હું મારી જાતને સંભાળી શક્યો. થોડું ઘણું પાણી પી લીધા પછી હું ઝડપભેર પાણીમાં ગરકાવ થઇ રહ્યો હતો ને મારી જાણ બહાર કોઈ અજાણ્યો હાથ મારી બંડીને ખેંચી રહ્યો હતો. બચવાની કોઈ આશા નહોતી ને અણીની એજ ક્ષણે મને બાળપણમાં અમે શ્વાસ રોકીને નહેરમાં ડૂબકી મારતા હતા એ યુકિત યાદ આવી ગઈ. પ્રયત્નપૂર્વક મોને બંધ રાખીને મેં શ્વાસને રોકી રાખ્યો ને છેલ્લે છેલ્લે પ્રભુનું સ્મરણ કરી લીધું;"હે પ્રભુ, મારી જાતને તારા હાથમાં સોંપું છું. તારી ઈચ્છા પૂરી થાઓ." બીજી જ ક્ષણે જાણે કે મારી સમર્પિત ભાવવાળી પ્રાર્થનાનો પ્રત્યુતર ના મળ્યો હોય એમ એક હાથ મારા શરીર પર વીંટળાયો ને બીજો હાથ મારી નીચે રહેલા માથાને ઘડીના છઠ્ઠા ભાગમાં ઉપર ખેંચી લાવ્યો. કિનારે આવ્યા ત્યારે હું બિલકુલ ભાનમાં હતો પણ મારો સાથી ઘણું બધું પાણી પી ગયો હતો અને આઘાતને કારણે એને કળ વળતા ઘણી વાર લાગી.

મસ્તી કરતાં કરતાં અમે બે જણા ઊંડા પાણીમાં ગરકાવ થઇ ગયા હતા જેની જાણ અમને કોઈનેય નહોતી. પરંતુ, અમારા ઉપરીને જેવી કંઈક અજુગતું બની રહ્યાની ગંધ આવી કે તરત જ એમણે બે હાથ ફેલાવીને મારા ભણી ડૂબકી મારી હતી. મને તો એમણે ઝડપથી શોધી કાઢયો પરંતુ, એમનો બીજો હાથ અનાયાસે અજાણ્યા માથા પર જઈ  પહોંચ્યો હતો. કિનારે આવ્યા પછી જ એ કોણ હતું એની અમને બધાને જાણ થઇ.  

કોડબા ગામમાં પાછા ફર્યા ત્યારે એકબાજુ આવી જીવલેણ ઘટનાનો ભય અને બીજી બાજુ મોતને હાથતાળી આપીને આવ્યાનો આનંદ અમારા ચહેરા પર છલકાઈ રહ્યો હતો. 

31 માર્ચ, 2015

ચા ઠંડી થઇ ગઈ.

ઇસુસંઘમાં પ્રવેશ મેળવતા પહેલા ઉમેદવાર તરીકે પણ ભાતભાતની આકરી તાલીમમાંથી પસાર થવું પડે. આવી જ એક તાલીમ દિવાળીની રજાઓમાં આવે જેમાં દરેક ઉમેદવારને શ્રમનો મહિમા અને મૂલ્ય સમજાય એ માટે એકમહિનાની 'શ્રમદાન શિબિર’નું આયોજનકરવામાં આવે. આ શિબિર દરમિયાનદરેક ઉમેદવારે ઉગ્ર શારીરિક સોટીમાંથી પસાર થવું પડે.

પહેલા વર્ષે અમને દિવાળીની રજાઓમાં સાગબારા લઇ જવામાં આવ્યા. સાગબારા એટલે મહારાષ્ટ્રની સરહદે સહ્યાદ્રિ પર્વતમાળાના ખોળામાં વસેલું સુંદર અને રળિયામણું ગામ. અહીની નવરચના હાઈસ્કૂલમાં રમતનું મેદાન ઠીકઠાક કરવાનું કામ અમને ત્રીસેક જેટલા ઉમેદવારોનેસોંપવામાં આવ્યું હતું. સવારે નાસ્તો કરીને તગારા પાવડા લઈને અમે મેદાનમાં પહોંચી જઈએ. ક્યાંક ટેકરો તોડીને તો ક્યાંક ખાડો પૂરીને મેદાન સમથળ કરવાનું હોય – બંને કિસ્સામાં અમારા શારીરિક બળની આકરી કસોટી થઇ જતી હતી. બીજા જ દિવસે હાથના પંજા ઉપર છાલા પડવાની શરૂઆત થઇ ચૂકી હતી.

રવિવારના દિવસે અમને બાજુના ડુંગર જે હનુમાનની ટેકરી તરીકે ઓળખાતો હતો એની ઉપર  ઉપર ચઢવાની રજા મળી. સવારે નાસ્તો કર્યા પછી અમારા ઉપરીએ અમને સૂચના આપવા માંડી;” જુઓ અત્યારે સાડા આઠ વાગ્યા છે. પેલા ડુંગર પર પહોંચતા સુધીમાં તમને દોઢ કલાક જેટલો સમય લાગશે. ઉપર જઈને ત્યાં થોડો સમય પસાર કરીને બપોરના સવા બાર સુધીમાં પાછા આવી જજો જેથી સાથે પ્રાર્થના કરીને આપણે બપોરનું ભોજન કરી શકીએ.” એમની સૂચના - ખરેખર તો એ હુકમ હતો – સાંભળીને અમે હોંશે હોંશે ડુંગર ભણી ચાલવા માંડ્યું. એકદમ નજીક દેખાતો ડુંગર વાસ્તવમાં ઘણો દૂર હતો વળી ત્યાં જવા માટે અમારે નાનકડા બજારમાંથી પસાર થવાનું હતું એટલે ટોચ પર પહોંચતા સુધીમાં દોઢ કલાકનો સમય થઇ ગયો. અડધો એક કલાક કુદરતના વૈભવને મનભરીને નિહાળ્યા પછી અમે નીચે પાછા વળવાનું નક્કી કર્યું. બજારમાં પાછા આવ્યા ત્યારે પોણા બાર વાગી ચૂક્યા હતા. લગભગ પંદરએક મિનિટ અમારી પાસે વધારે હતી આથી કેટલાક શિબિરના સ્થળે પાછા વળ્યા તો અમે પાંચેક જણે બજારમાં ફરવાનું નક્કી કર્યું. બજારમાં ફરતા ફરતા એક ઘરના દરવાજા પરનું નામ વાંચીને અમે ચોંક્યા. એની ઉપર લખ્યું હતું;”મિ. મેકવાન.”  ‘અરે, આ તો આપણી બાજુના લાગે છે. ચાલો ચાલો એમની મુલાકાત લઈએ.’ અજાણ્યા પ્રદેશમાં આપણા માણસની હાજરી જોઇને અમારી લાગણી ઉભરાઈ આવી ને અમે એમની મુલાકાત લેવાનું નક્કી કર્યું.

મિ. મેકવાન અમને જોઇને ખૂબ ખુશ થઇ ગયા ને ઘણી વાર સુધી અમારી સાથે વાતચીત કરી. પંદરેક મિનિટ પછી અમારો સમય થઇ ગયો હોવાથી અમે એમની રજા લેવાનું નક્કી કર્યું પણ એમણે અમને ચાનો આગ્રહ કર્યો. થોડી વારમાં ચા આવી. જેવી ચા હાથમાં આવી કે તરત જ કપ હાથમાં લઈને હું અધીરાઈપૂર્વક પહેલો ઘૂંટડો ભરવા જતો હતો ને મને એમનો અવાજ સંભળાયો;”અરે, આટલી બધી ઉતાવળ કેમ કરો છો? ચા પીતા પહેલા આપણે પ્રાર્થના તો કરવી જોઈએ ને!” આમ કહીને ઉભા થઈને, પોતાના બંને હાથ ફેલાવીને એમણે પરમપિતાને સંબોધીને પ્રાર્થના શરૂ કરી;”હે આકાશમાંના દેવ, આજના આ દિવસ બદલ અને આજની આ પરમ ક્ષણ બદલ અમે તમારો આભાર માનીએ છીએ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, અમે તમારા ગુણગાન ગાઈએ છીએ. ક્યાં સાગબાર અને ક્યાં આણંદ –  બંને વચ્ચે લગભગ ત્રણસો કિલોમીટરનું અંતર હોવા છતાં આજે તમે અમને ભેગા કરીને અમારા દિલને નજીક લાવી દીધા છે.”  આટલી પ્રસ્તાવના પછી એમના શ્વાસોશ્વાસ વધવા માંડયા ને શબ્દો ધાણીની માફક ફંગોળાવા માંડ્યા. ખાસ્સી વાર સુધી આ વાતને એમણે વારંવાર યાદ કર્યા પછી અંત ભાગમાં એમણે ચા ખાંડના વેપારીનો, દૂધ આપનાર ભેંસનો, એને ચરાવનાર ગોવાળનો અને એના માલિકનો અને ચા બનાવનાર એ સહુનો આભાર માન્યો ને પછી અમને કહ્યું;”હવે, આરામથી ચા પીઓ.”

કહેવાની જરૂર નથી કે પાંચેક મિનિટની લાંબી પ્રાર્થના પછી ચા ઠંડી થઇ ગઈ હતી. એવી ઠંડી ચા પીધા પછી અમારા મોંઢા દિવેલ પીધા જેવા થઇ ગયા હતા. પાછા પહોંચવામાં અમને અડધો એક કલાક મોડું થઇ ગયું હતું. અમારા ઉપરી અને અમારા સાથી મિત્રો અમારી કાગડોળે રાહ જોઈએ રહ્યા હતા. જેવા અમે અંદર પ્રવેશ્યા કે ગુસ્સાથી લાલચોળ થયેલા અમારા ઉપરીએ હુકમ કર્યો;"તમાર બેગ બિસ્તરા બાંધો અને અત્યારે જ ઘરે ચાલતી પકડો."

નતમસ્તકે અમે એમને સાંભળતા રહ્યા કારણ, મિ.મેકવાન સાથે થયેલી ચિરસ્મરણીય મુલાકાતની ફોડ પાડીને વાત કરવાની હિંમત અમારામાંથી કોઈનામાં નહોતી.

21 જાન્યુ, 2015

ખ્યાતનામ કળાધર.

ઇસુસંઘમાં દાખલ થતાં પહેલાં 'પ્રીનોવિસ' (ઉમેદવાર) તરીકે એકથી માંડીને ચાર વર્ષ પસાર કરવા પડે. આ સમયગાળાને અંતે જે તે ઉમેદવાર જો નિર્ધારિત કરેલી કસોટીઓમાંથી પાર ઉતરે તો એને વિધિસર ઇસુસંઘમાં 'નોવિસ' તરીકે પ્રવેશ મળે. ઉમેદવાર તરીકે એક વર્ષ પસાર કર્યા પછી મેં બધી જ કસોટીઓ પસાર કરી પરંતુ, એમાં મને સફળતા સાંપડી નહિ. આમછતાં, આનંદની વાત એ હતી કે મને સ્પષ્ટ ના પાડવાને બદલે એક વર્ષ વધારે આપવામાં આવ્યું હતું. છાત્રાલયનાં કામકાજમાં મદદરૂપ થવા માટે મને એ વર્ષે ધંધુકા મોકલવાનું નક્કી કરવામાં આવ્યું.

એક દિવસ બપોરે સ્વ.ફા.ગોરસ જાતે મને તેડવા માટે અમદાવાદ આવ્યા હતા. લગભગ બે અઢી કલાકને અંતે ઢળતી સાંજે અમે ધંધુકા પહોંચી ગયા. ચરોતરની સરખામણીમાં અહીંની આબોહવા મને સૂકી અને શુષ્ક જણાતી હતી. કમ્પાઉંડમાં પગ મૂક્યો ત્યારે ત્યાંની કાળી અને ચીકણી માટી જોઇને મને આશ્ચર્ય થયું. સંભવત: ઠેર ઠેર તિરાડો પડેલી આવી જમીન હું પહેલી વાર જોઈ રહ્યો હતો. ચારે બાજુ લીમડાનાં વૃક્ષો નજરે પડતા હતા. ત્યાંની આબોહવા અને વાતાવરણની ચાડી ખાતા આ લીમડાનાં ઝાડ મને નિસ્તેજ અને નિષ્પ્રાણ લાગતા હતા. આમછતાં, નીચે ઉતરીને સૌપ્રથમ મેં એ ધરતીને નમન કર્યાં કારણ, કોઈપણ સંજોગોમાં હવે પાછું વળીને નહિ જોવાનો મેં મક્કમ નિર્ધાર કર્યો હતો. એ દિવસે રાત્રે મને ઉંઘ ના આવી. અસહ્ય ગરમીને કારણે રૂમનું વાતાવરણ ભઠ્ઠા જેવું લાગતું હતું. અલબત, મધરાત પછી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ. 

જૂન પૂરો થયો ને જુલાઈ પણ અડધો વીતી ગયો છતાં, વરસાદના અણસારા હજી વર્તાતા નહોતા. અસહ્ય ગરમીને કારણે ઘાંઘા બનેલા સરિસૃપ ને વીંછી જેવા જંતુઓ અવારનવાર નજરે ચડી જતા હતા. રવિવારે લગભગ અગિયાર વાગ્યે વિદ્યાર્થીઓ પટાંગણમાં રમી રહ્યા હતા ને એક વિદ્યાર્થીને વીંછી આભડી ગયો. વીંછીનાં ડંખની વેદના કેટલી તીવ્ર ને અસહ્ય હોય એ તો જેને ડંખ લાગ્યો હોય એજ વર્ણવી શકે. વિદ્યાર્થી પીડાથી કણસતો કણસતો ઊંચા ઊંચા ઠેકડા મારી રહ્યો હતો ને સાથે સાથે હાથનો ઈશારો કરીને જોરશોરથી "એ ઉપર આવ્યું, એ ઉપર આવ્યું" એમ કહી રહ્યો હતો. મને શું બની રહ્યું છે ને આ સંજોગોમાં શું કરવું જોઈએ એ સમજાતું નહોતું ત્યાં તો કેટલાક વિદ્યાર્થીઓએ મને જણાવ્યું કે વીંછીનું ઝેર ધીમે ધીમે પ્રસરી રહ્યું છે. વેળાસર ફા. ગોરસને જાણ કરવી પડશે. "આ બાબતમાં ફાધર વળી શું કરવાના? ઝેર ઉતારવા માટે તો વિદ્યાર્થીને જેમ બને તેમ જલ્દીથી દવાખાને લઇ જવો જોઈએ" હું આમ વિચારતો હતો ને એક વિદ્યાર્થીએ ફોડ પાડીને કહ્યું;"ફા.ગોરસ  જબરા કળાધર છે હોં! ફરતા ગાળામાં એમનું નામ છે. ચપટી વગાડતામાં જ એ વીંછીનું ઝેર ઉતારી દેશે."

નાનકડી પેન જેવું કંઈક સાધન લઈને ફા.ગોરસ આવ્યા. એ સાધનને પેલા વિદ્યાર્થીને વીંછીએ જ્યાં ડંખ માર્યો હતો ત્યાં સહેજ ભાર દઈને મૂક્યું ને પછી "આગળ જાય છે, જાય છે?" એમ પ્રશ્ન પૂછતાં પૂછતાં હળવેથી ખસેડવા માંડ્યા. હાથના પંજા પર આંગળી સુધી પહોંચ્યા પછી એમણે હળવા ઝટકા સાથે એ સાધનને ત્યાંથી હટાવી લીધું ને પછી "ફૂર્રર........એ.......ગયું ......" એવો અસલ લહેકો તાણીને ખડખડાટ હસવાનું શરૂ કર્યું. અમારા સૌના આનંદ અને આશ્ચર્ય વચ્ચે ઘડી પહેલાં વેદનાથી કણસતો વિદ્યાર્થી પણ ઠેકડા મારવાનું બંધ કરીને હસવા માંડ્યો હતો.

"ન કોઈ તંત્ર ન કોઈ મંત્ર, ન કોઈ જપ ને ન કોઈ તપ. આ તે કેવી વિદ્યા! ને કેવો એ વિદ્યાને જાણકાર! સાચે જ ચપટી વગાડતામાં વીંછીનાં ડંખને ઉતારી દીધો હતો. શું આ વિદ્યાને હસ્તગત કરી શકાય ખરી?" મનોમન હું આમ વિચારી રહ્યો હતો ને જાણે મારા મનનો તાગ મેળવી ન લીધો હોય એમ ફાધરે મને પૂછ્યું;"શું તમને આ વિદ્યા શીખવામાં રસ છે?" હું કોઈ જવાબ આપું એ પહેલા જ એમણે એક વિદ્યાર્થીનાં હાથ પર પેનની અણીને ભાર દઈને ગોઠવી ને પછી મને સમજાવવા માંડ્યું."જુઓ, જે જગ્યા પર વેદના થતી હોય ત્યાં પેનની રીફીલ કે પછી અન્ય કોઈ અણીદાર સાધન ભાર દઈને ગોઠવવું અને પછી એ સાધનને બિલકુલ ઉઠાવ્યા વિના ભાર દઈને આગળ ખસેડતા રહેવું. હા, આમ કરતી વેળાએ એ વ્યક્તિને પૂછતાં રહેવું કે પીડા આગળ વધે છે કે નહિ. જેવા અંત ભાગ નજીક આવીએ કે હળવો ઝાટકો મારીને એ સાધન ખસેડી લેવું ને પછી જુઓ ચમત્કાર, વ્યક્તિની વેદના એ જ પળે ગાયબ થઇ જશે."

હું એમનો આભાર માનું એ પહેલાં તો આદતવશ ખડખડાટ હસતાં હસતાં એમણે એમની ઓફિસ ભણી ચાલવા માંડ્યું. 


20 જાન્યુ, 2015

ધરમ કરતાં ધાડ પડી.

વર્ષ 2002માં હું અમદાવાદમાં 'પ્રેમલજ્યોતિ'માં રહીને ગુજરાતી સાહિત્યનો અભ્યાસ કરી રહ્યો હતો. 'પ્રેમલજ્યોતિ' એટલે ગુજરાતનાં ઇસુસંઘીઓ માટેનું કેન્દ્રબિંદુ જ્યાં એમનાં પ્રાંતપતિ(મંડળનાં વડા)નું રહેઠાણ અને કાર્યાલય આવેલા છે. એ ઉપરાંત, આ જગ્યાને તાલીમકેન્દ્ર પણ કહી શકાય કારણ, અહીં દેશવિદેશનાં વિદ્યાર્થીઓ માટે રહેવાની અને અભ્યાસ કરવાની પૂરી વ્યવસ્થા છે. મારા માટે ઇસુસંઘમાં તાલીમ માટેનું આ શ્રેષ્ઠ વર્ષ હતું કારણ, આ સમય માત્ર ને માત્ર ગુજરાતી સાહિત્યનાં અભ્યાસ માટે જ ફાળવવામાં આવ્યો હતો. આદરણીય સરૂપબેન ધ્રુવ, પ્રા.આર.આર.પરમાર અને શ્રી યોસેફ મેકવાન જેવા સાહિત્યનાં દિગ્ગજો અમને સાહિત્યનું રસપાન કરાવવા માટે માર્ગદર્શન આપી રહ્યા હતા.    

એજ સમયગાળામાં આફ્રિકાના કોઈ દેશનો વતની પણ અમારી સાથે રહેતો હતો. ઉંમર એની ઘણી વધારે હતી. શરીરનો વર્ણ શ્યામ અને દેખાવ બેઠી દડીનો હતો. માથું શરીરનાં પ્રમાણમાં ખાસ્સું મોટું હતું. વાળ ઝીણાં ઝીણાં ને વંકાયેલા, હોઠ જાડા અને હંમેશા લબડતા રહેતા. દૂરથી જોઈએ તો એનો દેખાવ માણસનાં ધડ ઉપર શાહમૃગનાં મોટા ઈંડાને આડું ગોઠવી દીધું હોય એવો લાગતો હતો. અધૂરામાં પૂરું પાછો સ્વભાવનો એ આડો ને અળવીતરો. તોર, તુમાખી ને તૂંડમિજાજી હોવાને કારણે બધાનો એ અપ્રિય થઇ પડેલો ને સહુની દાઝમાં 'કાભઈ' તરીકે પંકાઈ ગયેલો. વાતવાતમાં વાંકું ન પડે તો એ કાભઈને ચેન ન પડે. એમ કહેવાતું હતું કે એનું સર્જન 'આજીવન વિદ્યાર્થી' જ બની રહેવા માટે થયેલું હતું. હા, ઇસુસંઘમાં આવા અનેક નમૂનાઓ અને ઉદાહરણો આંખે ચઢતા હતા. 

મારું સદભાગ્ય ગણો કે દુર્ભાગ્ય, કાભઈને મારી સાથે સારું બનતું હતું. એકવાર સાંજને સમયે લગભગ સાડા છ વાગ્યે 'સૌરાષ્ટ્રની રસધારા' વાંચવામાં હું તલ્લીન હતો ને એણે મારા રૂમમાં આવીને મદદ માટે હાથ લંબાવ્યો. અઠવાડિયા પછી એની પરીક્ષા હતી એટલે કમ્પ્યૂટરનાં વિષયોને લગતા કેટલાક પુસ્તકો એણે તાત્કાલિક ખરીદવાના હતા. વાંચવાની તલપ એટલી બધી હતી કે મનમાં તો;"અલ્યા કાભઈ, હોલી ઈંડા મુકવાની થઇ ત્યારે જ તને માળો બાંધવાનું સૂઝ્યું. અત્યાર સુધી શું કરતો હતો?" એમ કહીને ના પાડવી હતી આમ છતાં, એને ભાષાની તકલીફ હોવાને કારણે મેં મદદ માટે તૈયારી બતાવી.

"આપણે લો ગાર્ડન બાજુ 'સીટીગોલ્ડ' નામનું કોમ્પ્લેક્સ આવેલું છે ત્યાં જવાનું છે. તું ઝટપટ રિક્ષા કરી લે." નીચે ઉતરીને હું જાણે એનાં બાપનો નોકર ન હોઉં એમ તોછડી ને ઉદ્ધત બોલીમાં એણે મને ફટાફટ હુકમ કર્યો. 
"જુઓ, આપણે 'સીટીગોલ્ડ' ......" રિક્ષાવાળાને ઉભો રાખીને હું એને સરનામું બરોબર સમજાઉં એ પહેલાં તો 'સીટીગોલ્ડ'  શબ્દ સાંભળીને જ "હા, હા મેં જોયું છે." એમ કહીને એણે અમને અંદર બેસી જવાનું કહ્યું. 

ઝેવિયર્સ કોર્નરથી અમે થોડા આગળ વધ્યા ને મેં ખાતરી કરવા પૂછ્યું;"અલ્યા ભઈ, 'સીટીગોલ્ડ' કોમ્પ્લેક્સ તેં બરોબર જોયું છે તો ખરું ને ?"
"હા હા, કોઈ અંધજનને પૂછો ને તોયે એ તમને ત્યાં લઇ જાય." રિક્ષાવાળાએ આત્મવિશ્વાસથી કહ્યું.
"પણ, ત્યાં પુસ્તકો મળે છે એની તને ખાતરી છે ને?" કાભઈ જાણે કેડીલેકમાં ના બેઠા હોય એમ પગ લંબાવીને ઈંડા જેવું પોતાનું માથું હલાવતાં હલાવતાં આરામથી બેઠા હતા ને રિક્ષા જે દિશામાં આગળ વધી રહી હતી એનો તાગ મેળવીને મને કંઈક કાચું બફાયું હોવાની ગંધ આવી રહી હતી. 
"હા હોં, ત્યાં બધી જ વ્યવસ્થા છે. નાસ્તો ભોજન માટે રેસ્ટોરાં છે ને બાજુમાં વાંચવા માટેની વ્યવસ્થા પણ છે એટલે પુસ્તકો પણ મળતા જ હશે. શું અફલાતૂન જગ્યા છે બોસ! હમણાં હમણાં જ એની શરૂઆત થઈ છે." રિક્ષાવાળાએ રંગમાં આવીને એ જગ્યાનું વર્ણન કરવા માંડ્યું એટલે મારી શંકા એકદમ પાકી થઇ ગઈ ને એટલામાં જ એણે રિક્ષાને મીઠાખળી છ રસ્તા ભણીથી અંડરબ્રિજ ભણી વાળી એટલે મારા મનમાં તાળો બેસી ગયો. 
"રિક્ષા ઉભી રાખો. અમારે 'સીટીગોલ્ડ' મલ્ટીપ્લેકસમાં નથી જવાનું." રિક્ષાવાળાને મેં આદેશ આપ્યો. જેવી રિક્ષા ઉભી રહી કે તરત જ કાભઈ સફાળા બેઠા થઇ ગયા ને "વોટ હેપન્ડ?" કહીને મારા ભણી તાડૂક્યા.

રિક્ષામાંથી ઉતરીને હસતાં હસતાં હું એને સમજણફેરને કારણે થયેલા ગોટાળાની આખી વાત વિગતે સમજાવી રહ્યો હતો એટલામાં તો એનો ચહેરો લાલઘૂમ થઇ ગયો, મોટી આંખો વધારે પહોળી થઇ ને ઈંડા આકારનું એનું માથું જોરજોરથી ઘૂમવા માંડ્યું. શું બની રહ્યું છે એની મને સમજણ આવે એ પહેલાં તો એણે મને કાંઠલેથી બરોબર પકડ્યો ને અંગ્રેજીમાં બરાડી બરાડીને જાણે આ ફિયાસ્કા માટે હું જ જવાબદાર ન હોઉં એમ મને ગાળો આપવા માંડ્યો;"યુ બ્લદી બાસ્તર્દ, ઇત ઇજ યોર ફોલ્ત. યુ દીદ નોત એક્સ્પ્લેન પ્રોપરલી. (સાલા હરામખોર, આમાં તારો જ વાંક છે. તેં રિક્ષાવાળાને બરોબર સમજાવ્યું નહોતું.)"  

મફતમાં મળતો તમાશો જોવાની મજા કોને ન આવે! રસ્તામાં વચોવચ ઉભેલી રિક્ષા ને કાભઈ ને મારી વચ્ચની ખેંચતાણ જોઇને લોકોનું ટોળું અમારા ભણી આકર્ષાઈ રહ્યું હતું. ટોળું જેમજેમ મોટું થતું ગયું એમએમ કાભઈને વધારે શૂરાતન ચઢતું ગયું ને મારી હાલત તો કાપો તો લોહી ન નીકળે એવી થઇ ગઈ. ધરમ કરતાં કરતાં આ તો ધાડ પડી. 

માંડમાંડ એનાં હાથમાંથી મારો કાંઠલો છોડાવીને મેં રીતસરની 'પ્રેમલજ્યોતિ' ભણી દોટ મૂકી.

 (ફોટો સૌજન્ય: સેંટ ઝેવિયર્સ પેરીસ, અમદાવાદનાં બ્લોગ પરથી)   

19 જાન્યુ, 2015

નીચેના ભાગનો નકશો.

પુના શહેરમાં આવેલું ઇસુસંઘી વિદ્યાર્થીઓને રહેવા માટેનું આવાસ 'ડી નોબિલી કોલેજ' (ડીએનસી) તરીકે ઓળખાય છે. પરંપરાગત શૈલીમાં બંધાયેલા આ સુંદર અને વિશાળ આવાસમાં લગભગ ત્રણસો કરતાં વધારે વિદ્યાર્થીઓને રહેવા માટેની સુવિધા છે. એકસરખી બાંધણી ધરાવતું આ આવાસ વિદ્યાર્થીઓ માટે બધી જ આધુનિક સુવિધાઓ ધરાવે છે. જેમાં વિશાળ લાઈબ્રેરી, વિશાળ જમવાનો હોલ, ટીવી રૂમ વગેરેનો સમાવેશ થાય છે. સ્વાભાવિક છે કે આટલી બધી વ્યક્તિઓ એકસાથે રહેતી હોય ત્યારે એમનાં આરોગ્યને ધ્યાનમાં લઈને ખાસ વ્યવસ્થા હોય જ. આ મકાનની એક આખી પાંખનો કેટલોક ભાગ બીમાર વ્યક્તિઓને આરામ અને સારવાર માટે ફાળવવામાં આવ્યો છે. 

નવાઈની વાત એ કે સુવિધાયુક્ત રૂમો હોવા છતાં, ત્યાં રહેવા ઝટ દઈને કોઈ તૈયાર થાય નહિ. એનું કારણ એ કે આ વિભાગ ઘરમાં હોવા છતાં, અન્ય વિભાગોથી અલગ પડી જાય, મનોરંજનના સાધનો ન મળે, જમવામાં પરેજી પાળવી પડે અને ત્યાંના ઇન્ચાર્જ બ્રધરના કહ્યામાં રહેવું પડે. બ્રધર મિલનસાર સ્વભાવનાં પરંતુ, નિયમોની બાબતમાં ખૂબ જ કડક, નાની નાની બાબતોમાં પણ ચીવટ અને ચોકસાઈનો આગ્રહ રાખે. સામુહિક મીટીંગ હોય ત્યારે બધાની જેમ બ્રધર પણ પોતાનાં રસપ્રદ અનુભવો અમને સંભળાવે. આવો જ એક યાદગાર અનુભવ સાંભળીને અમે બધા પેટ પકડીને લોથ થઇ જવાય ત્યાં સુધી હસ્યા હતા. 

સવારનાં લગભગ આઠેક વાગ્યે, રડમસ અને ઉદાસ ચહેરે એક યુવાન વિદ્યાર્થી શરીરમાં દુઃખાવાની ફરિયાદ લઈને બ્રધરની પાસે આવ્યો.
"શું થયું છે દોસ્ત? કેમ આટલો ઉદાસ દેખાય છે?" બ્રધરે ચિંતા વ્યક્ત કરતાં કરતાં પૂછપરછ શરૂ કરી. 
"નીચેનાં ભાગમાં સખત દુઃખાવો થાય છે." આટલું બોલતાં તો વિદ્યાર્થીનો ચહેરો શરમથી લાલચોળ થઇ ગયો. 
"નીચે એટલે ક્યાં?"
"નીચે એટલે નીચે."
"અલ્યા ભઈ, નીચે એટલે પગને તળિયે, પાનીએ, અંગૂઠામાં, ઘૂંટણમાં કે પછી બીજે ક્યાંક?"
"કમરથી નીચેનાં ભાગમાં, 'બેલ્ટ'ની નીચે." વિદ્યાર્થીએ થોડી હિંમત ભેગી કરીને પોતાનું શર્ટ ઉંચું કરીને ઈશારો કર્યો.
"ઠીક છે. પણ, શરીરનાં એ ભાગનું નામ તો હશે ને ! ફોડ પાડીને કંઈક બોલ તો મને સમજાય કે તને ખરેખર તકલીફ શું છે?"
"કહેવાય એવું નથી ને સહેવાય એવું પણ નથી." વિદ્યાર્થીએ પીડાથી કણસતાં કણસતાં એમ કરવાની ઘસીને ના પાડી દીધી.
"તારે ન જ બોલવું હોય તો કશો વાંધો નહિ. એક કામ કર. હાથનાં સ્પર્શથી મને એ જગ્યા બતાવ. દર્દ ક્યાં છે એ જાણીશું તો જ એનો ઈલાજ શક્ય બનશે ને !"
"ઉ હું ..." 
"તો પછી તું જ મને સમજાવ કે આમાં હું તને કઈ રીતે મદદરૂપ થઇ શકું?" મૂંઝવણમાં મૂકાયેલા બ્રધરની ધીરજની ખરેખર કસોટી થઇ રહી હતી. 
"એક કામ કરો. મને કાગળ ને પેન્સીલ આપો." ખાસ્સું મનોમંથન કર્યા પછી વિદ્યાર્થીનાં મગજમાં અફલાતૂન વિચાર આવ્યો.

બ્રધરે જેવાં કાગળ ને પેન્સીલ એનાં હાથમાં મૂક્યા કે તરત જ એ વિદ્યાર્થીએ કુશળ ચિતારાની પેઠે પેન્સીલનાં આમતેમ કેટલાક લસરકા મારીને માનવ આકૃતિ દોરી દીધી. બ્રધર આશ્ચર્યથી એની સામે તાકી રહ્યા હતા એટલે હવે એણે પાછા વળીને ચિત્રને આખરી ઓપ આપવા માંડ્યો. કમરથી નીચેનાં ભાગમાં બે લસરકા મારીને એણે પુરુષની જનનેન્દ્રિય દોરી અને એની બરોબર નીચે વર્તુળ દ્વારા બે ગોળીઓ (વૃષણો) દોરી. એમાંની એક ગોળી જે બીજી કરતાં સહેજ મોટી દેખાતી હતી ત્યાં તીર મારીને નિશાન કર્યું ને પછી હળવેથી શરમાતાં શરમાતાં એ ચિત્ર બ્રધરની સામે ધરી દીધું.

"હો હો હો......" ચિત્ર જોતાવેંત બ્રધરે ખડખડાટ હસવાનું શરૂ કર્યું ને હસતાં હસતાં જ કહ્યું;"ભલા માણસ, આમ મનોમંથન કરીને નકશો દોરવામાં અડધો કલાક બગડ્યા વિના સીધેસીધું કહી દીધું હોત કે મને નીચે ગોળીમાં દુઃખાવો થાય છે તો શું હું તને ગોળીએ દેવાનો હતો?" 

ખડખડાટ હાસ્ય દિવાલોમાં ચારેકોર પડઘાઈ રહ્યું હતું ત્યારે એ વિદ્યાર્થી તો હજીય મૂક નજરે ભીંતને એવી રીતે તાકી રહ્યો હતો જાણે કે બ્રધરને આટલું બધું હસવું શા માટે આવ્યું એનું કારણ ન શોધતો હોય!

(ફોટો સૌજન્ય: ડી એન સી ટાઈમ્સ, પુના.)

12 જાન્યુ, 2015

જેસુઈટો બન્યા જાસૂસ.

પૂના શહેરનાં નગર રોડ પર આવેલા રામવાડી વિસ્તારમાં એક વિશાળ શૈક્ષણિક સંકુલ આવેલું છે. જેમાં મુખ્યત્વે જ્ઞાનદીપ વિદ્યાલય અને એમાં દુનિયાભરમાંથી થિઓલોજી અને ફિલોસોફીનો અભ્યાસ કરવા માટે આવતા વિદ્યાર્થીઓનાં રહેઠાણ આવેલાં છે. ઇસુસંઘી વિદ્યાર્થીઓ જ્યાં રહે છે તેને 'ડી નોબિલી કોલેજ' - ટૂંકમાં ડીએનસી તરીકે ઓળખવામાં આવે છે. અંદાજે સાડા ત્રણસો કરતાં વધારે રૂમ ધરાવતું વિશિષ્ટ અને પરંપરાગત જૂની શૈલીમાં બંધાયેલું ડીએનસી એક વિશાળ અને સુંદર આવાસ છે જેમાં વિદ્યાર્થીઓ માટે જરૂરી એવી બધી જ સુવિધાઓ ઉપલબ્ધ છે. 

શિયાળાનો સમય છે. રાતના લગભગ સાડા નવ વાગે ચોપાસ અપાર શાંતિ ફેલાયેલી છે અને મોટાભાગનાં વિદ્યાર્થીઓ પરીક્ષા નજીક હોવાને કારણે અભ્યાસમાં તલ્લીન છે ત્યારે 'ધૂમ ધામ ધડામ ધડામ ....' જેવા અવાજોથી વાતાવરણ અચાનક ખળભળી ઉઠે છે. ક્ષણ બે ક્ષણ વિચલિત થઈને પછી વિદ્યાર્થીઓ જાણે કશું જ બન્યું ન હોય એમ માનીને વળી પાછા વાંચનમાં મશગૂલ થઇ જાય છે. બીજા દિવસે એજ સમયે ફરી પાછો એવો જ સંભળાય છે અને એનું પુનરાવર્તન ત્રીજે દિવસે પણ થાય છે. સતત ત્રણ દિવસથી એક જ સમયે એક જ શૈલીમાં સંભળાતા ભયાનક ને ખોફનાક અવાજોથી વિદ્યાર્થીઓને કંઈક અજુગતું ને રહસ્યમય બની રહ્યું હોવાની ગંધ આવી રહી છે. "શાનો આ અવાજ હશે ? કોણ અને શા માટે આ અવાજો કરી રહ્યું હશે?" જેવા અનેક પ્રશ્નોથી વિદ્યાર્થીઓનાં  મન ઘેરાઈ જાય છે પરંતુ, કોઈ સગડ મળતાં નથી.  

ચોથો, પાંચમો અને છઠ્ઠો દિવસ વીત્યો. અવાજ બંધ થવાને બદલે વધતો જાય છે ને સગડ ન મળવાને કારણે રહસ્ય વધારે ને વધારે ઘેરાતું જાય છે. સાતમા દિવસે એક તાકીદની બેઠક બોલાવવામાં આવે છે જેમાં જેટલાં માથાં એટલાં જ તર્ક અને વિચારો રજૂ થાય છે. "એસ્બેટોસનાં છાપરાંઓ પર બિલાડી કે પછી વાંદરા જેવું કોઈક પ્રાણી કૂદકાંઓ મારતુ હોય એનો આ અવાજ હોઈ શકે!" એક જણે વાતની શરૂઆત કરી. "અલ્યા, બિલાડાં ને વાંદરાઓને દરરોજ રાતનાં સાડા નવ વાગે જ શૂરાતન ચઢે એવું બની શકે ખરું?" બીજાએ એ વાતનો છેદ ઉડાડતાં ચોક્કસ તર્ક રજૂ કર્યો ને હોલ આખામાં હસાહસ થઇ ગઈ. "કોઈક હૈયાંનો દાઝેલો કર્મચારી પથરા ફેંકતો હોવો જોઈએ" "એ પણ ન બની શકે કારણ, પથ્થર ફેંકવાનો અવાજ આટલો લયબદ્ધ ન હોઈ શકે." "તો પછી ભૂત કે ડાકણ ......" પોતાની જાતને રેશનાલિસ્ટ ગણાવતાં એક ઇસુસંઘીએ કદાચ ભયભીત થઈને આ કારણ રજૂ કર્યું ને આખા હોલમાં સોપો પડી ગયો. કારણ જે હોય તે પણ, એ મીટીંગને અંતે આ કારસો રચનારને રંગે હાથે પકડવા માટે કમર કસવાનું નક્કી થયું.

બીજે દિવસે રાત્રે, લગભગ બસ્સો જણા આવાસની મોકાની જગ્યાઓ પર ગોઠવાઈ જાય છે ને ગાઢ અંધકારમાં અવાજ આવવાની રાહ જુએ છે. અફસોસ, અડધો પોણો કલાક રાહ જોયા પછી કોઈ અવાજ આવતો નથી ને જેવા તેઓ પોતપોતાની રૂમમાં પાછા વાળે છે કે બીજી જ ક્ષણે રાત્રિનાં અંધકારને ચીરીને આવતા લયબદ્ધ પરંતુ ભયાવહ અવાજનાં પડઘાઓ એ વિશાળ આવાસમાં ફેલાઈ જાય છે. "વાંદરો અથવા તો બિલાડી જેવું કોઈ પ્રાણી તો આ નથી જ. કંઈક બોથડ અવાજ ભીંત સાથે ટકરાવાનો આ અવાજ છે અને આમ કરવા પાછળ કોઈક જાણભેદુનું ભેજું કામ કરી રહ્યું છે." ચોકી કરી રહેલા વિદ્યાર્થીઓને હવે કંઈક દિશા મળી રહી છે પરંતુ, સગડ તો નથી જ મળ્યા.

અઠવાડિયા પછી, આ વાત આખા સંકુલમાં ફેલાઈ જાય છે ને અન્ય વિદ્યાર્થીઓ તો હવે ઇસુસંઘીઓની "અલ્યા, તમે તો એસ.જે. એટલે 'સબ જાનનેવાલા', અઠવાડિયું થયું તોયે આ શું થાય છે એની જાણ તમને કેમ નથી થતી?" એમ કહીને મજાક કરવા માંડ્યા છે. કાપો તો લોહી ના નીકળે એવી લાગણી અનુભવતા ઇસુસંઘીઓ રાતના સમયે વળી પાછા એકઠા થાય છે ને પેલા જાણભેદુનાં કારસ્તાનને પકડવા માટે બમણાં જોરથી મચી પડે છે. બરોબર, પંદર દિવસ ટટળાવ્યા પછી અને ખાસ્સી હેરાનગતિ ભોગવ્યા પછી જયારે પેલો જાણભેદુ બારકસ રંગે હાથે ઝડપાઈ જાય છે ત્યારે એને જોઇને બધા જ દંગ રહી જાય છે કારણ, એ તો એમનામાંનો  જ એક હતો. 

વાત એમ હતી કે, એક વિદ્યાર્થી જે ભણવામાં થોડો નબળો હતો ને એમાંય તત્વજ્ઞાનનાં ભારેખમ વિષયોને પચાવવાની જેનામાં ત્રેવડ નહોતી એ પરીક્ષા નજીક આવતી જોઇને બરોબરનો અકળાયો હતો. જયારે એની આ અકળામણ હદ પાર વગરની વધી ગઈ ત્યારે એણે મનોમન નક્કી કરી લીધું કે જો હું ભણી ના શકતો હોઉં તો બીજાઓને પણ ભણવાનો કોઈ અધિકાર નથી. આમ વિચારીને એ રાતનાં સમયે જયારે બધા અભ્યાસમાં મશગૂલ હોય ત્યારે જ ચોક્કસ સમયે રૂમનું બારણું ભીંત સાથે જોરથી લયબદ્ધ રીતે અફળાવતો ને હજી તો એ અવાજનાં પડઘાંઓ સંભળાઈ રહ્યા હોય ત્યાં જ પોતે પણ "અલ્યા, કોણ છે? કોણ છે? આ શાનો અવાજ આવે છે?" એમ બોલતો બોલતો બીજા વિદ્યાર્થીઓ સાથે ભળી  જતો હતો.

ચાલો, એ બહાને જેસુઈટોને જાસૂસીનાં ઘણાંબધાં પાઠ શીખવવામાં એ વિદ્યાર્થી નિમિત બનીને ડીએનસીનાં ઇતિહાસમાં પોતાનું નામ સુવર્ણ કે પછી કાળા અક્ષરે કોતરાવતો ગયો.

(ફોટો સૌજન્ય: ડી એન સી ટાઈમ્સ, પુના.)

4 જાન્યુ, 2015

હું ગાઈ શકતો નથી.

"આનંદનાં આજે વધામણાં જી રે ......" ગીત સાથે સવારના સાત વાગ્યે પરમપૂજા (ખ્રિસ્તી ધાર્મિક વિધિ) પૂરી થઇ. ભજનની ચોપડીઓ અને સંગીતનો સરંજામ યથાસ્થાને ગોઠવીને અમે નાસ્તો કરવા માટે જમવાના હોલ ભણી જઈ રહ્યા હતા ને ત્યાંજ પ્રભુમંદિરની બાજુની રૂમમાંથી સાદ સંભળાયો;"અહીં આવો. મારે તમારી સાથે અગત્યની વાત કરવી છે." સાદ સાંભળતાવેંત મને જાણે ભણકારા વાગી ન રહ્યા હોય એમ  હું આમતેમ ફાંફા મારવા લાગ્યો. થોડી વાર પછી ફરીથી એજ ધીરગંભીર ને પરિચિત સ્વર મારે કાને અથડાયો ને હવે હું ખાતરીપૂર્વક એમનાં રૂમમાં પ્રવેશ્યો. 

'સાધના સદન'માં અમે સાથે જ રહેતા હતા આમછતાં સંભવત: હું એમને પ્રથમવાર રૂબરૂમાં મળી રહ્યો હતો. આમ તો, પ્રાર્થના તથા ભોજન માટે  દિવસ દરમિયાન ત્રણ ચાર વાર અચૂક મળવાનું થતું પરંતુ, એ સમય દરમિયાન વ્યક્તિગત વાતચીતને ભાગ્યે જ અવકાશ મળતો હતો. દેદીપ્યમાન ચહેરો, મજબૂત અને ભરાવદાર કદકાઠી ને શરીરનાં વાનની ઉજળાશ એ વિદેશી હોવાની સાહેદી પૂરે આથી ગુજરાતીમાં સ્પષ્ટ ઉચ્ચારો સાથે અસ્ખલિત બોલતાં એમને સાંભળીએ તો આપણા કાન દગો દેતાં હોય એવો અનુભવ થાય. માત્ર ગુજરાતી નહિ, પરંતુ અંગ્રેજી, હિબ્રુ, ગ્રીક અને માદરે વતન સ્પેનની ભાષા, એમ પાંચ પાંચ ભાષામાં એ નિપુણ હતા. આ ઈશ્વરદત્ત ભેટને એમણે પ્રભુને સમર્પિત કરી દીધી હતી. આથી સાહિત્યમાં જેને સૌથી અઘરું સ્વરૂપ ગણી શકાય એવા અનુવાદકાર્યમાં એમણે હથોટી મેળવી હતી. એમના એ કાર્યને એમણે એવી લગન અને ધગશથી ઉઠાવી લીધું હતું કે સોળ સોળ વર્ષોની આકરી ને એકધારી મહેનતને અંતે ગુજરાતને મળ્યું અનુવાદિત સાહિત્યમાં શિરમોર એવું સંપૂર્ણ બાઈબલ. 

એકાગ્ર, એકચિત્ત, એકધ્યાન, લીન, રમમાણ, ધ્યાનસ્થ, ધ્યાનમગ્ન જેવા શબ્દો સાંભળતાવેંત મારા મનમાં એમની જ આકૃતિ તાદૃશ્ય થઇ આવે એટલી હદે એ ધગશ અને નિષ્ઠાથી પોતાનું કામ કર્યે જતા હતા. એમનું ગુજરાતી નામ આદરણીય ફા. ઇસુદાસ ક્વેલી. અત્યારે એ મને આવકારી રહ્યા હતા. એમના વ્યક્તિત્વથી ખાસ્સો અંજાયેલો હું હજી 'મારી સાથે એમણે શી વાત કરવાની હશે' એ જાણવાની ઉત્કંઠા ને દ્વિધામાં જ ઉભો હતો. મારી એ સ્થિતિ પામી જઈને એમણે "કીર્તનસાગર" ખોલીને આજની પરમપૂજા દરમિયાન અમે હોંશે હોંશે ગાયેલા ભજનની પંક્તિઓ બતાવી. ભજન હતું;"હે મન મારા ગાને પ્રભુજી કેરો જય જયકાર ..."
"જુઓ, ભજનનો ઉપાડ તમે ખૂબ સુંદર રીતે ઉઠાવ્યો હતો. પણ, ત્યારપછીની જે પંક્તિઓ છે એમાં ક્યાંક કાચું કપાયું હતું." વાતમાં ઝાઝું મોણ નાંખ્યા વિના એમણે સ્પષ્ટ વાત કહી દીધી.
"હા, તમારી વાત સાચી છે. એ પંક્તિ ગાતી વખતે જ મને સમજાઈ ગયું હતું. પરંતુ, એ વેળાએ વિચારવાનો સમય જ નહતો." હું શીખાઉ અને નવોદિત હતો એટલે હકીકતને સ્વીકારવામાં જ સાર હતો. 
"ઠીક છે. કશો વાંધો નહિ. પણ, ફરીથી આવી અક્ષમ્ય ભૂલ થાય નહિ એનું ખાસ ધ્યાન રાખજો. જુઓ, હું તમને સાચી રીત શીખવું છું." એમ કહીને એમણે  ગાવાનું શરૂ કર્યું. બે ત્રણ શબ્દો આમતેમ ફંગોળાયા ને ગળામાં ખાખરી બાઝી ગઈ હોય એમ થોડો અવાજ બહાર આવ્યો. પહેલા પ્રયત્નમાં નિષ્ફળતા મળી ને બીજો પ્રયત્ન કરવાને બદલે એમણે હસવાનું શરૂ કર્યું ને;"માફ કરજો. હું ગાઈ શકતો નથી." એમ કહીને પોતાની એ મર્યાદાનો નિખાલસતાથી અને સહજતાથી સ્વીકાર કરી લીધો.

એમની એ સહજતા ને નિખાલસતાને ગાંઠે બાંધીને હું નાસ્તો કરવા માટે 'રીફેકટરી' ભણી આગળ વધ્યો. 

3 જાન્યુ, 2015

પ્રભુનાં સાક્ષાત દર્શન થયાં.

એ અરસામાં કરિશ્માઈ પ્રાર્થનાનાં વાયરા વહી રહ્યા હતા. બીજા વર્ષમાં ઉનાળાની રજાઓ પહેલા નગરાથી એક સંન્યાસી આ પ્રાર્થનાની ખાસ સમજણ આપવા માટે 'નોવિશિયેટ'માં એક અઠવાડિયા માટે આવ્યા હતા. શરૂઆતમાં તો અમને પ્રાર્થનાની નવી રીતથી આશ્ચર્ય થતું હતું ને એને અનુસરવામાં મનોરંજન પણ મળતું હતું. પરંતુ, ધીમે ધીમે અમે ટેવાઈ ગયા. 

પદ્ધતિસરની તાલીમ મેળવીને અમે વ્યારા તાબાનાં ગામડાઓમાં રહેવા માટે ગયા. કુદરતને ખોળે વસેલા વાલોઠા નામનાં નાનકડા ગામમાં પંદર દિવસ માટે અમે બે જણે રોકાણ કર્યું હતું. સવારથી બપોર સુધી બાળકો સાથે સમય વિતાવવો, સાંજે ગામલોકોની મુલાકાત લેવી અને રાત્રે જમ્યા પછી પ્રાર્થનાસભાનું આયોજન કરવું એ અમારો નિત્યક્રમ. થોડા દિવસ પછી અમે ત્રણ દિવસ માટે રાત્રિ આરાધનાનું આયોજન કર્યું જેમાં ગામમાં જ રહેતા એક સાધ્વી પણ અમારી સાથે જોડાયા હતા. પહેલો દિવસ પૂરો થયો ને કથા અને કરિશ્માઈ એ બંનેનાં સમન્વયથી રચાયેલી પ્રાર્થનામાં સહભાગી બનવામાં ગામલોકોને ખૂબ રસ પડ્યો આથી બીજા દિવસે આજુબાજુનાં ગામલોકો પણ આ યાત્રામાં સામેલ થવા માંડ્યા. શ્રદ્ધાળુઓથી હકડેઠઠ ભરાયેલું પ્રભુમંદિર, સંગીતના સાધનો અને પૂરેપૂરી 'સાઉન્ડ સીસ્ટમ'ને લીધે અમને પણ ચાનક ચઢવા માંડી. દ્રષ્ટાંતકથા પૂરી થાય ને જેવું સંગીત સાથે ભજન શરૂ થાય કે તરત કેટલાક શ્રદ્ધાળુઓને એની અસર વર્તાવા માંડતી. સંગીતની ધૂન અને ગીતના આરોહ અવરોહ સાથે કેટલાક ઉભા થઇને હાથ ઉંચા કરીને ડોલવા માંડતા. કેટલાક ઘૂંટણભેર ચાલવા માંડતા તો વળી કેટલાક ઠેકડા મારીમારીને નાચવા માંડતા. બે ચાર જણ તો વળી રીતસરનું ધૂણવાનું જ શરૂ કરી દેતા. પ્રભુભક્તિમાં અમે એવા તો રમમાણ થઇ જતા કે રાતના આઠેક વાગ્યે શરૂ થતી પ્રાર્થના ખાસ્સી દોઢ બે કલાક ચાલતી ને સમય કેમનો વીતી જતો એનું અમને ભાન ન રહેતું.  

ત્રીજા દિવસે રાતે અગિયાર વાગ્યે પ્રાર્થના પૂરી થઇ. અન્ય ગામનાં લોકો પાછા વળ્યા ને અમે કેટલાક જણે મંદિરની બહાર જ ઓટલા ઉપર બેઠક જમાવી. ત્રણે દિવસનાં સંસ્મરણો અમે વાગોળી રહ્યા હતા ને લગભગ પોણા બાર વાગ્યે બાજુના ગામનો એક યુવાન ડુંગર પરથી દોડતો દોડતો અમારી પાસે આવ્યો ને હાંફતાં હાંફતાં અમને કહેવા લાગ્યો;"તમે હમણાં જ મારી સાથે ડુંગર ઉપર ચાલો. વડપાડા ગામનાં બધા જ લોકો ત્યાં ઉપર ભેગા થઈને પ્રાર્થના કરી રહ્યા છે." શું બન્યું હશે એનું અનુમાન કરતાં કરતાં સાધ્વી અને હું યુવાનની સાથે ડુંગરની ટોચ ઉપર પહોંચી ગયા. ઉપરનું દ્રશ્ય નિહાળીને ક્ષણવાર માટે હું તો હેબતાઈ જ ગયો. લગભગ વીસ કરતાં વધારે લોકો - યુવાન, યુવતીઓ, પુરુષો, મહિલાઓ અને વૃદ્ધો - અજબ ગજબ ઢંગમાં પ્રાર્થના કરી રહ્યા હતા અને બાકીના ગામલોકો પણ ચિંતિત થઈને પ્રાર્થના કરી રહ્યા હતા. અજવાળું પ્રસરાવવા પૂરતા ફાનસ હતાં ને પીવા માટે પાણીનાં દેગડાઓ પણ હતા. બાકીની રાત ત્યાંજ ગાળવી એવું નક્કી કરીને આવ્યા હોય એમ લાગતું હતું.

વાતચીત દરમિયાન જાણવા મળ્યું કે વડપાડા ગામની એક કિશોરીને રાતની પ્રાર્થના દરમિયાન પવિત્ર આત્માનો અનુભવ થયો હતો. પ્રાર્થના પૂરી થયા પછી ઘરે પાછા વળતી વેળાએ રસ્તામાં એણે જેને જેને સ્પર્શ કર્યો એ બધાને પણ એજ અનુભવ થયો ને લગભગ એજ સમયે એને પ્રભુનાં દર્શન થયાં ને ગુજરાતી આવડતું ન હોવા છતાં એ શુદ્ધ ગુજરાતીમાં આદેશાત્મક સ્વરમાં ગામલોકોને કહેવા માંડી;"જુઓ જુઓ મારો પ્રભુ મને દેખાઈ રહ્યો છે. એણે સફેદ વસ્ત્રો ધારણ કરેલાં છે ને અત્યારે મારી સાથે વાત કરી રહ્યો છે. એ આપણને ડુંગરની ટોચ ઉપર મળવા માટે બોલાવી રહ્યો છે. આપણે બધાયે ત્યાં જવું પડશે." ગામમાંથી ડુંગર પરનું ચઢાણ સીધું અને અઘરું હોવા છતાં બધા જ ત્યાં ટોચ ઉપર આવી પહોંચ્યા હતા ને અત્યારે પ્રાર્થના કરી રહ્યા હતા. સાધ્વી અને મેં એ બધાના માથા ઉપર એક પછી એક હાથ મૂકીને આવડે એવી પ્રાર્થના કરવા માંડી. બે એક કલાક પછી બધાને શાંતિનો અનુભવ થયો ત્યારે ઘણી બધી સમજાવટ પછી એમણે ડુંગર પરથી નીચે આવવા માટે તૈયારી બતાવી.

નીચે આવ્યા ત્યારે પરોઢ થઇ ચૂક્યું હતું. 

30 ડિસે, 2014

ખેતરમાં પાણી વાળવાનું છે.

અમારું ઘર 'સાધના સદન' બરોબર અમદાવાદ અને ગાંધીનગરની વચ્ચે આવેલા સુઘડ ગામની સીમમાં વિશાળ ખેતરની મધ્યે હતું. જેમાં ઉમેદવારોને સમૂહમાં રહેવા માટેનાં રૂમો, મહેમાનો માટેની રૂમ, ભણવા માટે ક્લાસરૂમ, પ્રાર્થના માટે નાનકડું દેવળ, જમવા માટે 'રીફેક્ટરી' ને રમવા માટે બાસ્કેટ બોલ અને પલેટાનો કોર્ટ હતા. આ ઉપરાંત, ખેતરમાં પાણી વાળવાના મોટા કુંડને અમે 'સ્વીમીંગ પુલ' તરીકે વાપરતા હતા.  

નોવિશિયેટનાં આ બે વર્ષો દરમિયાન અમને જાતજાતની ને ભાતભાતની તાલીમ આપવામાં આવતી. જેમાં અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ મેળવી શકાય એ માટેનાં ખાસ વર્ગો, બોલચાલની રીતભાત અને વર્તણૂક, જમવાની રીત વગેરે શીખવવામાં આવતા. એ ઉપરાંત, કોઈપણ કામ કરવામાં નાનમ અને શરમ ન રહે એ માટે અઠવાડિયામાં એકવાર જમવા બનાવવાનું, દરરોજ જમ્યા પછી વારા પ્રમાણે વાસણો માંજવાનાં ને રોજ સાંજે ખેતરમાં કામ કરવાનું રહેતું. હા, બાથરૂમ અને શૌચાલયોની સફાઈ પણ જાતે જ કરવાની રહેતી. ખેતરમાં અમે કેળાં, બટાકા અને શાકભાજી વાવ્યા હતા. આ બધાને વાવવાનું, નીંદવાનું, પાણી વાળવાનું ને લણવાનું કામ પણ અમારે જ કરવાનું રહેતું. આ બધા કામોમાં સૌથી અઘરું કામ પાણી વાળવાનું રહેતું એનું કારણ એ કે મોટેભાગે 'થ્રી ફેઈસ' વિજળી મધરાતે જ આવતી ને એમાંય જો ઠંડીનો સમય હોય તો તો અમારા મોતિયાં જ મરી જતા. 

નાતાલની ઉજવણી પૂરી થઇ હતી ને નવા વર્ષનાં આગમનને વધાવવાનું હતું. ત્રીસમીએ ઉજવણીનો માહોલ ચાલુ હતો ને એજ દિવસે બપોરે જમ્યા પછી અમારા લીડરે મને "તમારે બે જણે વહેલી પરોઢે ખેતરમાં પાણી વાળવા જવાનું છે." એમ કહીને અમારા કામની યાદ અપાવી દીધી. આ સાંભળીને ઉજવણીનાં એ માહોલમાં અમારા બંનેનાં મોંઢા મચકોડાયા વિના ન રહ્યા. કડકડતી ઠંડીમાં ઉઠવાનું ક્યાંક ભારે ન પડે એની ચિંતામાં ને ચિંતામાં અમે પ્રથમ પહોરની રાહ જોતા રહ્યા. બરોબર બે વાગ્યે અમે બંનેએ શરીર પર ગરમ કપડાં ચઢાવ્યા ને એની અંદર પણ જૂના છાપાં દબાવ્યા જેથી ઠંડી સામે રક્ષણ મેળવી શકાય. ત્યારપછી લીલી ચાંપ દબાવી ને પાણી વહેવાનું શરૂ થઇ ગયું. અમે બેય જણે હાથમાં પાવડા ઝાલી લીધા ને પોરો ખાધા વિના પહોંચી ગયા ખેતરમાં. ખેતરને શેઢે પહોંચતા પહોંચતામાં તો અમે ઠરીને ઠીકરું થઇ ગયા હતા. 

હાડ થીજાવતી ઠંડી કહે કે મારું કામ ને ધસમસતું પાણી કહે કે મારું કામ. બેમાંથી એકેયને પહોંચી વળવાની હામ ને હિંમત અમારામાં નહોતી. સૂસવાટા મારતા ઠંડા હિમ જેવા પવનોની વચ્ચે પાણી પણ તોફાને ચઢ્યું હતું. એક ઢાળિયો સાંધીએ ત્યાં તો બીજા બે દોઢડાહ્યા બનીને પાણીને નવો જ રસ્તો ચાતરી આપતા હતા. છોગામાં પાવડા ઉપર પકડ જમાવવા માટે અમારે હાથમોજાંને પરાણે તિલાંજલિ આપી દેવી પડી હતી એટલે અમારા એ હાથ કામ કરતા હતા કે નહિ એજ અમને સમજાતું નહોતું. હા, મને એટલું ચોક્કસ યાદ છે કે અમારી બેયની જીભ બરોબર કામ કરતી હતી. 

લાગતાવળગતા સહુને અમે શુદ્ધ ગુજરાતી અને અંગ્રેજી એમ બેય ભાષામાં નામજોગી મણમણની જોખીજોખીને આપી હતી.

29 ડિસે, 2014

અમારે પણ પેટ છે.

પ્રથમ વર્ષે, ઉનાળાની રજાઓમાં 'નોવિશિયેટ'માંથી અમને ઝઘડીયા વિસ્તારના ગામોમાં રહેવા માટે મોકલ્યા હતા. પંદર દિવસ અમે હિંગોરીયા નામના ગામમાં રોકાયા હતા. હિંગોરીયા ગામ નાનું પણ રળિયામણું હતું. આજુબાજુનાં ગામનાં ખ્રિસ્તીઓ માટે તો એ આસ્થાનું કેન્દ્ર હતું કારણ, વર્ષો પહેલાં અહીંથી જ ખ્રિસ્તી ધર્મનાં મૂળીયાં રોપાયા હતા. આમછતાં, દુઃખની વાત એ કે અત્યારે એ ગામની સ્થિતિ બાઈબલમાં વર્ણવેલા 'સદોમ' અને 'ગોમોરા' જેવી હતી. ગામનાં લોકો શ્રદ્ધાની બાબતમાં ઉણા ઉતરતા જતા હતા. નવી પેઢી તો ઉતરોત્તર ધર્મથી વિમુખ થતી જઈ રહી હતી. આવા ગામમાં રોકાવું એ જ મોટો પડકાર હતો. 

સવારથી બપોર સુધી અમે બાળકો સાથે રમતગમતમાં વિતાવી દેતા હતા ને સાંજના સમયે ગામલોકોની મુલાકાત લેતા હતા. અમારી રહેવાની અને જમવાની વ્યવસ્થા ગામલોકોએ જ ઉઠાવી હતી. જમવા માટે અમે જુદા જુદા ઘરે જતા હતા. સ્વેચ્છાએ ગામલોકો આગેવાન પાસે યજમાનગીરી માટે નામ નોંધાવતા હતા ને આગેવાન નક્કી કરે એ મુજબ અમે જમવા માટે જતા હતા. પહેલા દિવસે અમે જમવા માટે ગયા ત્યારે જમણમાં 'લાલભાજી', રોટલા અને ભાત જોઇને ભારે ખુશ થઇ ગયા હતા. બ્રધર એટલે મહેમાન ગણાય ને મહેમાનને જેવું તેવું ભોજન તો ના જ અપાય ને! એમ વિચારીને ગામલોકો અમને ભારે હોંશથી ભોજન પીરસતા હતા. પરંતુ, ઉત્સાહના અતિરેકમાં મહેમાનને 'રહો' ખવડાવવાને બદલે માત્ર ને માત્ર કકડા જ અને એ પણ વાટકો ભરીભરીને પીરસતા હતા. કકડા ખાવામાં ને ખાવામાં લગભગ છ દિવસ વીતી ગયા ને હજી તો બીજા દસ દિવસ બંને ટંક અમારે માત્ર એજ ખાવાનું નક્કી હતું.

વાત એમ હતી કે બાજુના ગામમાં પથ્થરની ખાણો આવેલી હતી. આથી ગામનો મોટાભાગનો પુરુષ વર્ગ ડ્રાઈવર તરીકે નોકરી કરીને રોજીરોટી કમાઈ લેતો હતો. છત્રીસ કલાક ડ્રાઈવીંગ કરવાનું ને છત્રીસ કલાક આરામ. કમાણી મજૂરીની સરખામણીમાં ઘણી વધારે ગણાય. આથી જયારે ઘરનો મોભી નોકરી પરથી ઘરે આવે ત્યારે થાક ઉતારવા માટે ખાણીપીણીની મહેફિલ જમાવે. બાજુના રાજપારડી ગામમાં 'લાલભાજી' પૂરતા પ્રમાણમાં મળી રહે એથી એમને 'લાલભાજી' ખાવાની આદત પડી ગઈ હતી. સ્વાભાવિક છે કે મહેમાનનવાજી પણ 'લાલભાજી'થી જ કરવામાં આવે. 

છ છ દિવસથી અમે કાચાપાકા કકડા ખાઈખાઈને ઉબકાઈ ગયેલા ને સાતમા દિવસે બપોરે પણ એજ હાલત હતી. આથી જેવા સાંજના ભોજનમાં 'રહા' વગરનાં કકડા પીરસવામાં આવ્યા કે મારી કમાન છટકી ગઈ ને પરિણામે, આ કારસા માટે જવાબદાર યુવા આગેવાનને મેં બરોબરનો આડે હાથે લીધો;"અલ્યા, અમારે તો પેટ છે કે પટારો? શું સમજો છો તમારા મનમાં? અમે પણ માણસ છે કે નહિ? રોજેરોજ અમને 'લાલભાજી' ખવડાવ્યે રાખો છો તે અમને પણ લીલીભાજી ખાવાનો હરખ હોય કે નહિ? આવું ને આવું ખાઈખાઈને અમારા પેટમાં કાણાં પડી જશે કાણાં."

મારા આ પુણ્યપ્રકોપથી આમાં પોતાનો શું દોષ છે એ જાણે સમજાયું જ ન હોય એમ આગેવાન ને યજમાન બેય વિલે મોઢે અમારી સામું તાકી રહ્યા હતા.

27 ડિસે, 2014

મારે 'થમ્સઅપ' જોઈએ છે.

'નોવિશિયેટ' એટલે ઇસુસંઘનું પ્રવેશદ્વાર. ઇસુસંઘી બનવા માટે ઝંખતી દરેક વ્યક્તિએ કડક નિરીક્ષણ અને આકરા પરીક્ષણમાંથી પસાર થયા પછી શરૂઆતનાં બે વર્ષો 'નોવિસ' એટલે કે નવોદિત ઉમેદવાર તરીકે 'નોવિશિયેટ'માં ગાળવા પડે છે. 'નોવિશિયેટ' ને આપણે એક ચોક્કસ પ્રકારના તાલીમકેન્દ્ર તરીકે ઓળખી શકીએ. ગુજરાતમાં આ કેન્દ્રનું નામ છે;"સાધના સદન". જેવું નામ તેવા જ ગુણ. આ બે વર્ષ દરમિયાન અહીં આવનાર દરેક ઉમેદવાર પોતાનો સમય સાધનામાં ગાળે. એવી સાધના જ્યાં વ્યક્તિ પોતાની જાતને ઓળખી શકે, પ્રભુ સાથેના પોતાનાં સંબંધોને પારખી શકે અને ઇસુસંઘને ઓળખી શકે. આ હેતુ સિદ્ધ થાય એ માટે મોટાભાગનો સમય ચિંતન, મનન અને પ્રાર્થનામાં વીતે એની કાળજી રાખવામાં આવે. એ ઉપરાંત, ધાર્મિકગ્રંથ બાઈબલનું પાયાનું જ્ઞાન તથા ઇસુસંઘનાં નીતિનિયમોની જાણકારી પણ આપવામાં આવે. 

આ બે વર્ષની તાલીમ લશ્કરી તાલીમની પેઠે આકરી ને અઘરી હોય. દુન્યવી સંપર્કો ને સંબંધોથી અળગા રહીને સતત જાત સાથે મથામણ કરતા રહેવું એ સહેલું તો ન જ હોય ને! આ કેન્દ્રમાં દરેક ઉમેદવારને 'બ્રધર' તરીકે ઓળખવામાં આવે ને એમના ઉપરી 'નોવિસ માસ્ટર' તરીકે ઓળખાય. આ તાલીમમાંથી પાર ઉતરનાર દરેક ઉમેદવાર ત્રણ આજીવન વ્રતો - અપરિગ્રહ, આજ્ઞાધીનતા ને બ્રહ્મચર્ય - વિધિસર ધારણ કરે ને ત્યારપછી તે ઇસુસંઘી, ટૂંકમાં ઈ.સં. કે એસ. જે. તરીકે ઓળખાય.  

1996માં હું 'નોવિશિયેટ'માં દાખલ થયો હતો. તાલીમનાં ભાગરૂપે અમારે ત્રણ અનુભવોમાંથી પસાર થવાનું હતું. પહેલો અનુભવ પૂરા એક મહિના માટે રક્તપિત્તના દર્દીઓની સેવામાં ગાળવાનો, બીજો અનુભવ ગામડાઓમાં જઈને લોકો સાથે રહેવાનું ને ત્રીજો યાદગાર અનુભવ એટલે એક મહિનો અધ્યાત્મિક સાધના(રીટ્રીટ)માં ગાળવાનો. પ્રથમ વર્ષે ઉનાળાની રજાઓમાં અમે ઝઘડીયા તાબાના આદિવાસી ગામડાઓમાં રોકાયા હતા. બરોબર એક મહિના પછી 'માસ્ટર' અમને તેડવા માટે આવ્યા હતા. ઉનાળાની બળબળતી બપોરે જમ્યા પછી અમે કુલ આઠ જણ ત્યાંથી જીપમાં નીકળ્યા. દોઢ બે કલાકની મુસાફરી પછી માસ્ટરે એક ઠેકાણે ચાપાણી માટે ગાડી ઉભી રાખી. ઉનાળાનો સમય હોવાથી એમણે બધાની માટે ઠંડુ પીણું 'ગોલ્ડસ્પોટ'નો ઓર્ડર નોંધાવ્યો. 'ગોલ્ડસ્પોટ' નામ સાંભળીને મને થોડો ખચકાટ થયો એટલે માસ્ટરની પાસે જઈને વિનવણીભર્યા સ્વરે મેં એમને કહ્યું;'માસ્ટર, ગોલ્ડસ્પોટ'નો ગળ્યો સ્વાદ મારા ગળે ઉતરતો નથી એટલે મારે માટે 'થમ્સઅપ' મંગાવો તો સારું!."
મારી વિનંતી કાને ધરીને મરક મરક હસતાં હસતાં એમણે મને કહ્યું;"બ્રધર, તમે ઇસુસંઘમાં ઉમેદવાર છો. ન જાણતા હોય તો જાણી લો કે ઇસુસંઘમાં ક્યારેય માંગેલું મળતું નથી. જે તમને આપવામાં આવે એ, ગમે કે ન ગમે છતાં હોંશેહોંશે સ્વીકારી લેવાનું."
"ગમે કે ન ગમે છતાં હોંશેહોંશે સ્વીકારી લેવાનું?" મનમાં ને મનમાં હું એમના શબ્દોને વાગોળતો રહ્યો ને એટલામાં વેઈટરે પાસે આવીને મારી સામે "ગોલ્ડસ્પોટ"ની બોટલ ધરી દીધી. 

કહેવાની જરૂર નથી કે એ દિવસે 'ગોલ્ડસ્પોટ'નો સ્વાદ મને ગળ્યો નહિ બલ્કે, ઝેર જેવો કડવો વખ લાગ્યો હતો. 


16 ડિસે, 2014

ડઝન ટોપીઓના સ્વામી.

કબાટના ખાનામાંથી એમણે એક જર્જરિત નોટબુક કાઢીને મને બતાવીને કહ્યું;"આ રહી જુઓ તમારી માહિતી. હજી તો તમારી વસ્તુઓ લાવ્યાને બાર મહિના પણ નથી થયા ત્યાં તો તમે નવીની માંગણી કરી રહ્યા છો." 
ઇસુસંઘમાં જ્યાં ઉમેદવારો અભ્યાસ કરતા હોય એવી જગ્યાને "કોમન હાઉસ"તરીકે ઓળખવામાં આવે. આવી જગ્યાએ એક સંન્યાસી જે 'મિનિસ્ટર' તરીકે ઓળખાય તે ઉમેદવારોની અંગત જરૂરિયાતની વસ્તુઓ જેવી કે ખોરાક, કપડાં અને અન્ય વસ્તુઓનું ધ્યાન રાખે. મારે ચડ્ડીબંડીની તાતી જરૂર હતી એટલે હું 'મિનિસ્ટર' પાસે ગયો તો એમણે નોટબુક બતાવીને વસ્તુઓ લાવવાનો નન્નો ભણી દીધો. છોગામાં મને 'અપરિગ્રહિતા' ઉપર દસ પંદર મિનિટનું ભાષણ સંભળાવી દીધું.

બીજી વાર મેં એમની પાસે મારી ત્વચા તૈલી હોવાથી માથામાં નાંખવા માટે 'કેયો કાર્પિન' તેલની માંગણી કરી તો એ માંગણી પણ સ્ટોરરૂમમાંથી માથામાં નાંખવા કોપરેલ મળી રહેશે એમ કહીને ધરાર નકારી દીધી. એ ઉપરાંત, અમને ભોજનમાં એમણે હંમેશાં દૂધીનાં કુળનાં શાકભાજી જ ખવડાવ્યા હતા. સવારના નાસ્તામાં પણ ચીલાચાલુ બટર અને જામ સાથે ગણતરીના પાઉં મળી રહે એનું એ પૂરેપૂરું ધ્યાન રાખતાં. અમારા એ મિનિસ્ટર અમને છાસવારે કરકસરનાં પાઠ ભણાવવા માટે હંમેશાં તૈયાર અને તત્પર રહેતાં. પણ, સભાનપણે એ ભૂલી જતા હતા કે કરકસરનો હઠાગ્રહ કંજૂસાઈમાં પરિણમતો હતો. અમારી સ્થિતિ ભારે કફોડી બની રહેતી આમછતાં, આજ્ઞાધીનતાના વ્રતથી બંધાયા હોવાને કારણે અમે સમસમીને બેસી રહેતાં. 

એકવાર જીવનમાં પહેલીવાર મારે એમની રૂમની મુલાકાત લેવાની જરૂર પડી. રૂમનું બારણું ઉઘાડ્યું ને સામેની ભીંત ઉપર નજર પડી તો મારી આંખો પહોળી થઇ ગઈ. ખીંટી ઉપર વ્યવસ્થિત રીતે ડઝન કરતાં વધારે જાતજાતની ને ભાતભાતની દેશીવિદેશી ટોપીઓ લટકતી હતી. બાજુમાં નજર કરી તો એથી બમણી સંખ્યામાં ગળામાં બાંધવાની ટાઈ અને અડધો ડઝન કોટ લટકાવેલા હતા. "આનો તમે કોઈ હિસાબ રાખો છો ખરા?" મારા હોઠો પર પ્રશ્ન સહસા આવી ગયો પણ, પૂછવાની હિંમત ન ચાલી.

આથી જયારે જયારે એ સામે મળતા ત્યારે ત્યારે હું એમને "ડઝન ટોપીઓના સ્વામી" તરીકે મનોમન સંબોધીને મારી દાઝને પૂરેપૂરી ઉતારતો.

(નોંધ: તસ્વીરો પ્રતિકાત્મક છે.)

12 ડિસે, 2014

જો તો ખરો પેલા સંન્યાસીને.

બારમામાં હતો ને ગામડી ગામને છેવાડે આવેલા ઓવરબ્રિજની ઓથે જીવનમાં પહેલીવાર લપાઈ છુપાઈને મેં "વિલ્સ નેવી કટ"ને વહાલ કર્યું. અલબત, ત્યારે એવી ધારણા કે સમજણ નહોતી જ કે ક્ષણભરનું આ વહાલ મને હંમેશ માટે વળગવાનું છે. કોલેજમાં તો એવું ભાવતું મળ્યું કે મારા એ ચાળાએ ઠેઠ ઇસુસંઘમાં જોડાયા પછીય છાલ ન છોડ્યો.  

ત્રણ વર્ષ પછી 'ફિલોસોફી'ના અભ્યાસ માટે પૂના ગયો ત્યારે મારી એ પ્રેમિકાને પણ હું સાથે લઈને ગયેલો. 'ડી નોબિલી કોલેજ'માં અમને દરેકને અંગત રૂમ ફાળવવામાં આવ્યો હતો. અભ્યાસ અઘરો અને એકાંતભર્યું જીવન જીવવાનું એટલે કોઈકનો તો સહેવાસ જોઈએ જ. આથી દિવસમાં બે વાર હું સિગારેટનો સંગ કરતો. જુવાનીના એ દિવસોમાં 'હર ફીક્ર કો ધુંએ મેં ઉડાતા ચલા' જેવા ભાવ સાથે એના સહેવાસમાં જીવન રંગીન અને મજાનું લાગતું હતું. આમ કરતાં કરતાં ક્યારે હું એનો આદી થઇ ગયો એનું મને ભાન ને ખબર ન રહી. લોકલાજની બીકે જાહેરમાં પીવાનું હું ટાળતો પણ ગમે તેમ કરીનેય મારા નિત્યક્રમને હું જાળવી રાખતો.

ઘરે પણ બધાને મારી આ આદતની જાણ હતી. પરંતુ, ઘરનાં સભ્યોની આમાન્યા જાળવવા માટે હું ધાબે જઈને મારું આ ક્રિયાકર્મ પૂરું કરી લેતો. એક વેળાએ રજાઓમાં ઘરે આવ્યો હતો ત્યારે સવાર સવારમાં નાસ્તો કર્યા પછી મને સિગારેટ પીવાની બરોબર તલબ લાગી. ખોખું ને લાઈટર લઈને હું પહોંચી ગયો અગાશી ઉપર. ત્યારે અમારું મકાન એક માળનું ને પાડોશીનું મકાન બે માળનું હતું આથી એમની અગાશી ઉપરથી અમારી બધી જ ગતિવિધિઓને આરામથી નિહાળી શકાતી. બાજુમાં બીજે માળે ભાડુઆત રહેતા હતા એમની દરકાર કર્યા વિના મેં શેતરંજી પાથરી, આદતવશ પદમાસન લગાવ્યું ને સૂર્ય નારાયણનાં દર્શન કરતાં કરતાં જ લાઈટરથી સિગારેટને પેટવી. ઊંડો શ્વાસ લઈને પહેલો કસ માર્યો ને સ્ટાઈલથી ધૂમ્રસેરોને હવામાં વહેતી મૂકી. સિગારેટની તીવ્ર વાસથી વાતાવરણ ભરાઈ ગયું ને બીજી જ ક્ષણે મારા રોમેરોમમાં ચેતના ફરી વળી. બીજો કસ ને પછી ત્રીજો કસ માર્યા પછી મારી એ ક્રિયાનું પુનરાવર્તન કરું એ પહેલા તો મને બાળકનાં રુદન સાથે ભળેલા કેટલાક અસ્પષ્ટ શબ્દો સંભળાયા;"જો દીકરા, જો તો ખરો પેલા સંન્યાસીને! પ્રાર્થનામાં કેવા ધ્યાનમગ્ન છે."

ઉપર નજર કરી તો દૃશ્ય નિહાળીને મારી મતિ બહેર મારી ગઈ ને સિગારેટની ધૂમ્રસેરો ગળામાં જ અટકી ગઈ. મારી તરફ આંગળી ચીંધીને માતા પોતાના રડતા બાળકને પૂરી શ્રદ્ધા ને આસ્થાથી છાનો રાખવાનો પ્રયત્ન કરી રહી હતી. માતાને ગળા સુધી ખાતરી હતી કે ધ્યાનમગ્ન સંન્યાસીને નિહાળીને બાળક ચોક્કસ રડતું બંધ થઇ જશે. 

"હે ભગવાન, આ તે મારું કેવું દુર્ભાગ્ય ને કેવી બદતર ક્ષણ કે જ્યાં હું મારી જાતને કાબૂમાં નથી રાખી શકતો. એક શ્રદ્ધાળુ માતાની સંન્યાસીઓ પ્રત્યેની અપાર આસ્થાને મેં હંમેશ માટે ઠોકરે ચઢાવી દીધી છે. મહેરબાની કરીને આવો દિવસ મને ફરી ક્યારેય ન બતાવીશ." વ્યથિત હૈયે મેં ભગવાનને આજીજી કરવા માંડી.

પાણીનો લોટો.

નિવૃત્તિ પછીના છઠ્ઠા મહિને જ બાપુજીને પક્ષાઘાત લાગુ પડ્યો. વેળાસરની સારવારને કારણે એ બેઠા તો થઇ ગયા પણ એમનાં જમણા હાથ અને પગમાં એની યાદગ...