ગઈકાલે સ્વાતંત્રદિન હતો. બપોર પછી નવરાશનો સમય મળ્યો ને મારી નજર અનાયાસે પુસ્તકો પર ફરી વળી. આજના દિવસના મહાત્મ્યને ધ્યાનમાં રાખીને મારા ભાથામાંથી મેં સ્વામી સચ્ચિદાનંદનું "વિદેશ યાત્રાની પ્રેરક વાતો" પુસ્તક બહાર કાઢ્યું. વાતો ને પ્રસંગો નાના પણ જકડી રાખે એવા. સાદી ને સરળ ભાષામાં ધીમેધીમે ઉમદા અને રાષ્ટ્રપ્રેમી વ્યક્તિત્વનો પરિચય કેળવાતો ગયો. એકીસાથે અનેક પ્રકરણો વાંચ્યા પછી પણ પુસ્તકને છોડવાનું મન નહોતું થતું. વિશ્વાસ, વફાદારી, પ્રમાણિકતા, ઈમાનદારી, ફરજપરસ્તી, કર્તવ્યનિષ્ઠાના એકએકથી ચઢીયાતા ઉદાહરણો વાંચીને મારામાં રહેલો રાષ્ટ્રપ્રેમ ઉછાળા મારવા માંડ્યો.
પણ બીજી જ પળે સ્વામીજીની સરખામણીની વાતો વાંચીને ને વિચારીને રાષ્ટ્રપ્રેમનો એ ઉભરો એકાએક શમવા માંડ્યો. વિદેશની સરખામણીમાં આપણે ક્યાં છીએ? કદાચ, રાષ્ટ્રપ્રેમની બાબતમાં આપણે એમના પેગડામાં પગ મૂકવાને પણ લાયક નથી. યાદશક્તિને બહુ જોર આપીએ ત્યારે કેટલાક રડ્યાખડ્યા ઉદાહરણો નજર સમક્ષ ઉપસી આવે પણ સામાન્ય રીતે ચિત્ર ખૂબ નિરાશાજનક દેખાય. વર્ષમાં બે દિવસ આપણો રાષ્ટ્રપ્રેમ છલકાઈ ઉઠે ને બાકીના ત્રણસો ને ત્રેસઠ દિવસ એની એજ ઘરેડમાં જીવન જીવાતું જાય. જાહેર અસ્વછતા, અપ્રમાણિકતા, કામચોરી ને ભ્રષ્ટાચાર આપણી રગેરગમાં વણાઈ ગયા છે.
રાત પડીને વિચારોનું વલોણું શરૂ થયું ને મારી જાત સાથેની જાત્રા શરૂ થઇ. "બીજાની વાતો છોડ, તે દેશને માટે શું કર્યું?" પહેલો જ પ્રશ્ન એવો ધારદાર અને અસરકારક નીવડ્યો કે એ આત્મમંથનને અંતે મન આત્મગ્લાનિ ને વિષાદથી ઉભરાઈ આવ્યું કારણ, જવાબો બહુ હરખાવા જેવા નહોતા. બિનજવાબદાર નાગરિક તરીકેના મારા ફાળાને દુનિયા ભલે ના જોઈ શકતી હોય પણ મને તો એ બહુ સ્પષ્ટ દેખાતો હતો.
મારું આ આત્મમંથન સફળ ન નીવડે ત્યાંસુધી છાતી બહાર કાઢીને રાષ્ટ્રધ્વજને સલામી આપવી એ નર્યા દંભથી વિશેષ બીજું કશું જ નથી.