લેબલ તથ્ય મારો દીકરો સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ તથ્ય મારો દીકરો સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

23 ઑક્ટો, 2017

વીર ભામાશાનો વંશજ.

“ડેડી, હું બેટ અને બોલ સાથે લઇ લઉં.” પંદરમી તારીખે સવારે બરોબર છમાં પાંચ બાકી હતી. અમારી ગાડીમાં બધો સરસામાન ગોઠવીને હું ડીકી બંધ કરવા જતો હતો ને તથ્યનો અવાજ સંભળાયો.

“ઠીક છે. મૂકી દે. ગાડીમાં ઘણી બધી જગ્યા છે.” આમ તો અમે રાજસ્થાન ફરવા જઈ રહ્યા હતા આમ છતાં, એની લાગણીને માન આપીને મેં હા પાડી.

ઉદયપુરમાં બપોરનું ભોજન લીધા પછી કુંભલગઢ અભયારણ્યમાં આવેલા મીઠીબોર નામના નાનકડા પણ સુંદર ગામમાં પહોંચ્યા ત્યારે બપોરના ત્રણ વાગી ગયા હતા. આ ગામમાં આવેલા બે રૂમના નાનકડા રિસોર્ટમાં અમે બે દિવસ રોકાણ કરવાનું નક્કી કર્યું. રિસોર્ટની આગળ બગીચામાં રેસ્ટોરન્ટ હતું અને બીજો ભાગ ખુલ્લો હતો. આ રિસોર્ટ લગભગ ૨૦૦૦ ફૂટની ઉંચાઈ ઉપર ગાઢ વનરાજીથી ઘેરાયેલા એક ઉંચા પર્વતના ખોળામાં આવ્યો હતો અને રિસોર્ટની બરોબર પાછળ ખળખળ વહેતું ઝરણું હતું.

જગ્યા એવી સુંદર અને રમણીય હતી કે ત્યાંથી આઘાપાછા થવાનું મન જ ન થાય. સાંજ ઢળે એ પહેલાં જ તથ્યએ પોતાના શાસ્ત્રો બહાર કાઢ્યા. નસીબ જોગે, ત્યાં રિસોર્ટમાં જ કામ કરતાં બે કિશોરોનો એને સાથ મળી ગયો એટલે એને તો મજા પડી ગઈ. બે દિવસ તો ઝટપટ પૂરા થઇ ગયા પણ, એને મજા આવતી જોઇને અમે પણ અમારું રોકાણ થોડું વધારે લંબાવી દીધું. 


ચોથા દિવસે નીકળવાનું નક્કી હતું એટલે વહેલી સવારે આઠ વાગ્યાથી જ એમણે ક્રિકેટ રમવાનું શરૂ કરી દીધું. બે કલાકની રમત પછી થાક લાગ્યો એટલે રમત પૂરી થઇ. માત્ર ચાર જ દિવસમાં ક્રિકેટ થકી મિત્રો બનેલા આ ત્રણેય જણને હવે છૂટા પડવાનું આકરું લાગતું હતું. 

“જો દીકરા, તારા આ બંને મિત્રો બરોબર ક્રિકેટ રમતા શીખી ગયા છે. પણ, એમની પાસે બેટ અને બોલ તો છે નહિ. આપણા ગયા પછી તેઓ શું કરશે? કદાચ, જીવનમાં ફરી વાર ક્યારેય એમને ક્રિકેટ રમવા નહિ મળે માટે એક કામ કર. તારા બેટ અને બોલ એમને ભેટમાં આપી દે.” દીકરાને મેં આકરી લાગે એવી શિખામણ આપી. 

“ચિંતા ન કર. અમે તને નવા લાવી આપીશું.” એણે હાથ તો લાંબો કર્યો પણ, હજુ મનમાં ખચકાટ હતો એટલે એને મેં સધિયારો આપ્યો. 

“આ લો દોસ્તો, આ બેટ અને આ બોલ.” બે હાથથી ભામાશાએ મહારાણા પ્રતાપને જેમ સઘળું ચરણે ધરી દીધું હતું એ જ અદા અને એજ ખુમારીથી તથ્યએ પણ હસતા ચહેરે પોતાનું સર્વસ્વ મિત્રોને અર્પણ કરી દીધું ત્યારે અમને બેયને લાગ્યું કે અમારો આ વંશ પણ દાનવીર ભામાશાની જેમ જ ઉદાર અને દિલદાર હતો. 







11 મે, 2016

તું પ્રકૃતિનું સંતાન છે.

દોસ્ત તથ્ય, અત્યારે વેકેશન ચાલી રહ્યું છે. આ વેકેશનને તું મન ભરીને માણી રહ્યો છું એ જોઇને ખૂબ આનંદ થાય છે. તારા મોટા ભાગના સહાધ્યાયીઓ અત્યારે કોચિંગ કલાસીસમાં ગીત, સંગીત, ડાન્સ, કરાટે, સ્વીમીંગ અને આર્ટ અને ક્રાફ્ટ શીખી રહ્યા છે ત્યારે તેં ઘરે રહેવાનું પસંદ કર્યું છે એનો અમને કોઈ જ રંજ નથી.

સવારમાં ઉઠીને નાસ્તો કર્યા પછી ગુજરાતીમાં સમાચાર વાંચવાની જે મથામણ કરે છે એ વખાણવા લાયક છે. વાંચતો રહેજે દીકરા વાંચેલું ક્યારેય એળે નહિ જાય. સખત તાપ અને ગરમીને કારણે તારું આમલી પીપળી રમવાનું બંધ થઇ ગયું છે અને સાઈકલીગ માટે તને સમય મળતો નથી. કશો વાંધો નહિ એને બદલે મમ્મીપપ્પા સાથે બેસીને ‘સફારી’માંથી અવનવી વાતો સાંભળે છે, ટીવી ઉપર ટ્રાવેલ એક્સપી અને આઈપીએલ જુએ છે, સ્માર્ટ ફોન ઉપર સાયન્સ એપ જોઇને અવનવા રમકડાંઓ બનાવવાનું શીખે છે ને ક્યારેક વળી પા, પીકુ અને પીકે જેવી ફિલ્મો જુએ છે એ યોગ્ય જ છે.


યાદ રહે, ગણિતમાં તું એક્કો છે. વિજ્ઞાનમાં તું જિજ્ઞાસુ છે, ભૂગોળ તને ભાવતી વાત છે, ઈતિહાસ વાગોળવો તને ગમે છે અને ભાષાનો તો તું ભાવક છે. ગીત, સંગીત અને ડાન્સ તારી રગે રગમાં વહે છે ને સમય પાકશે ત્યારે એમાં પણ તું પારંગત થઈશ એમાં કોઈ શંકા નથી. સ્વીમીંગ અને કરાટે શીખવા માટે હજી તારી પાસે ખૂબ સમય છે.

પ્રકૃતિ યાત્રામાં ભાગ લેનારા ભાગ્યશાળીઓમાં તું પણ હતો. જે રસ અને ઉત્સાહથી એ યાત્રામાં તે ભાગ લીધો એ અનન્ય હતું. તું પ્રકૃતિનું સંતાન છે. તારામાં રહેલી નૈસર્ગિક પ્રતિભાને ધીમે ધીમે વિકસવા દેજે. જીવનમાં શૈશવ જેવી મજાની બીજી કોઈ અવસ્થા નથી માટે મન ધરાય ત્યાં સુધી રમતો રહેજે, કૂદતો રહેજે ને ઉછળતો રહેજે.

માત્ર તું એકલો જ પ્રકૃતિનું સંતાન છે એમ માનીને હરખપદુડા થઇ જવાની પણ જરૂર નથી. તારી જેમ બધા જ બાળકો પ્રકૃતિના સંતાનો છે. તું જેમ હાઈપર એક્ટીવ છે એમ આજની આખી નવી પેઢી પણ હાઈપર એક્ટીવ છે જ. તું જેમ પ્રતિભાશાળી છે એમ બધા જ બાળકો પણ પ્રતિભાશાળી હોય જ છે. 

તો પછી તારામાં એમનામાં તફાવત કયો? વેલ, તફાવત હોય તો માત્ર એ છે કે તું અત્યારે વેકેશનને માણી રહ્યો છે તારા અમૂલ્ય બાળપણની પળે પળને માણી રહ્યો છે પણ બધા બાળકો તારી જેમ ભાગ્યશાળી હોય છે એમ માની લેવાની જરૂર નથી. 

મનોવિજ્ઞાનના જાણકારો ભારપૂર્વક કહે છે કે દસ વર્ષની ઉમર સુધી બાળકોને માત્ર રમવા જ દેવા જોઈએ. બાળપણ એ સમગ્ર જીવનનો પાયો છે અને એટલે જ બાળકને આ ઉમરમાં જે અનુભવો થાય છે એને આધારે એનું બાકીનું જીવન અને ખાસ કરીને એનું વ્યક્તિત્વ ઘડાય છે. જો બાળકને બાળપણનો અનુભવ કરવા દેવો હોય તો પછી એને માટે ખાસ તાલીમ, ટ્યુશન કે પછી કોચીંગની બિલકુલ જરૂર નથી. બાળકને દસ વર્ષ સુધી માત્ર નિસર્ગને ખોળે રમતો મૂકી દો, એને ગમે એવી પ્રવૃત્તિ કરવા દો અને એ જ એની સાચી તાલીમ છે. એનામાં રહેલી નૈસર્ગિક પ્રતિભાઓ આપોઆપ બહાર આવશે. 

ટ્યુશન અને કોચીંગ એ બાળકોની જરૂરિયાત નથી બલ્કે એમના માવતરોની જરૂરિયાત છે. બાળક પહેલો નંબર લાવે કે નહિ, સંગીતમાં, નૃત્યમાં, સ્વીમીંગમાં કે કરાટેમાં પારંગત થાય કે નહિ એનાથી એને કોઈ ફેર નથી પડતો. જો ફેર પડતો હોય તો એના માવતરના જીવનમાં કારણ, સમાજમાં એમની નામના અને પ્રતિષ્ઠા વધી જાય છે. પણ બીજી બાજુ, નામના અને પ્રતિષ્ઠા મેળવવાની લાયમાં ને લાયમાં બાળકનું બાળપણ છીનવાઈ જાય છે જે ફરી ક્યારેય પાછું આવવાનું નથી. 

બાળકોને બાળકો જ રહેવા દઈએ તો કેવું સારું!
એમને હરવા, ફરવા ને રમવા દઈએ તો કેવું સારું!

28 એપ્રિલ, 2016

હવાથી ચાલતી જેટ કાર.

હાઈપર એક્ટીવ હોવું એ નવી પેઢીનું સામાન્ય લક્ષણ છે ને તથ્ય પણ એમાંથી બાકાત નથી. કોઈપણ વસ્તુને અને સામાન્યપણે રમકડાંને એ તોડે ફોડે ને કચડે મરોડે નહિ ત્યાં સુધી એને ચેન પડતું નથી. વેલ, અહીં સુધી ખાસ વાંધો નથી આવતો પણ જયારે એ રમકડાંના તોડેલા ફોડેલા જુદા જુદા ભાગો લઈને આવે અને પછી કાનમાં આવીને કહે કે હવે હું શું કરું? ત્યારે પિત્તો  છટકી જાય છે ને બોલવાની ઈચ્છા થઇ જાય છે;ભાઈ, મહાણામાં જઈને દાટી આવ કે પછી કબાડીને ત્યાં જઈને વેચી આવ. પણ પછી ભાન થાય કે આ એના પ્રશ્નનો ઉકેલ નથી એટલે સત્વરે જીભ તો અટકી જાય છે પણ મગજ દોડ્યા કરે છે. 

‘તો પછી એનો ઉકેલ શું?’ મનમાં વિચાર્યા કરું છું ને સાયબર સફર વાંચતા વાંચતા એનો અફલાતૂન ઉકેલ જડી આવે છે. www.arvindguptatoys.com અથવા Toys from Trash – Arvind Gupta નામની એપ ડાઉનલોડ કરીને ફેંકી દેવા જેવી ચીજવસ્તુઓમાંથી નવા નવા રચનાત્મક રમકડાંઓ બનાવો અને રમતાં રમતાં વિજ્ઞાનના વિસ્મયકારક નિયમો પણ શીખો.

આટલું વાંચીને તરત એપ ડાઉનલોડ કરીને તથ્યને હાંક મારી;ચાલ દીકરા, હવે તારું કબાડીખાનું લઈને અહીં આવી જા. એમાંથી સૌથી પહેલા કોલ્ડડ્રીંકની એક ખાલી બોટલ લઈને એમાં જરૂરિયાત મુજબ છ યોગ્ય માપના કાણાં પાડ્યા ને ત્યાર પછી એ બોટલની સાથે ચાર પૈડા ફીટ કરી દીધા એટલે તથ્યની ડ્રીમ કાર તૈયાર થઇ ગઈ. હવે એમાંથી હવા પસાર થઇ શકે એવી એક નાની પાઈપ પસાર કરી જેનો એક છેડો નીચે અને બીજો ઉપર રહેતો હતો. ઉપરના ભાગમાં રબરબેન્ડથી એક ફુગ્ગો બાંધી દીધો એટલે માત્ર દસ જ મિનિટમાં હવાથી ચાલતી જેટ કાર તૈયાર થઇ ગઈ.

તથ્યએ જેવી નીચેથી ફૂંક મારી કે ઉપર રહેલો ફુગ્ગો ફૂલવા માંડ્યો. ફુગ્ગો બરોબર ફૂલ્યા પછી એણે આંગળીથી પાઈપના નીચેના ભાગને બંધ કરી દીધો ને પછી કારને નીચે ટાઈલ્સ પર મૂકી દીધી. ત્યાર પછી જેવી આંગળી હટાવી લીધી કે તરત જ હવાના દબાણને લીધે કાર પૂર ઝડપે દોડવા માંડી. પળ વારમાં આ જેટ કારે વીસ ફૂટ જેટલું અંતર કાપી લીધું.

ડેડી, રોકેટ પણ આ રીતે જ ઉડે છે ને! કાર દોડાવતાં દોડાવતાં હવે તથ્યનું મગજ પણ દોડવા માંડ્યું.














29 જાન્યુ, 2016

તારા માથાનું કપાળ.

થોડું આપણા ચિરંજીવી ભણી પણ ધ્યાન આપવાનું રાખો તો સારું. સાંજની વેળાએ રસોડામાંથી અમારા સંગિનીનો અવાજ સંભળાયો એટલે નાછૂટકે પણ મારે તથ્યને ભણતરમાં સાથ આપવો પડ્યો. બાકી એ ‘ભેજામારી’ સાથે ક્યારેય પનારો ના પડે એનું ખાસ ધ્યાન રાખવું પડે છે.

એના હાથમાં વિજ્ઞાનનું થોથું જોઇને હું ભડક્યો કારણ, સામાન્ય સંજોગોમાં પણ જયારે એના ફળદ્રુપ ભેજામાંથી અસંખ્ય પ્રશ્નો વણનોતર્યા વોટ્સ એપ મેસેજની જેમ ટપોટપ આવી પડતા હોય ત્યારે જો હાથમાં વિજ્ઞાન જેવો વિષય હોય તો તો પછી માર્યા ઠાર. પ્રશ્નોની વણઝાર ચાલુ થઇ જાય.

ડેડી, આપણે રહીએ છીએ એને પૃથ્વી કહેવાય ને! આ પૃથ્વીની નીચે શું આવેલું હોય છે? મારી શંકા સાચી પડી રહી હતી.
થોડે સુધી જમીન આવેલી હોય છે. મેં જવાબ આપ્યો.
જમીનની નીચે? એની પ્રશ્નોરૂપી ગાડી ઝડપ પકડી રહી હતી.
પાણી. મેં ટૂંકમાં પતાવ્યું.
પાણી નીચે?
પેટાળ.
એની નીચે?
તારા માથાનું કપાળ. જા જઈને કબાટમાંથી આ મહિનાનો સાયબર સફરનો અંક લઇ આવ.

જેવો એ લીલા રંગનો આકર્ષક અંક લઈને આવ્યો કે તરત એમાંથી પૃથ્વીના કેન્દ્ર સુધીની સફર નામનો અદભૂત લેખ મેં એને વાંચી સંભળાવ્યો ને ત્યાર પછી એમાં સૂચવેલી બીબીસીની લીંક ઉપરના ઇન્ફોગ્રાફિક ઉપર જઈને પ્રુથ્વીના કેન્દ્રબિંદુ સુધી ૬૩૭૦ કિલોમીટરની લાંબી પણ રોમાંચક સફર કરાવી ત્યારે એ ખુશ થઈને બોલી ઉઠ્યો;

વાહ! હવે ખબર પડી કે મારા માથાનું કપાળ તો ખૂબ મોટું અને અદભૂત છે.

(સૌજન્ય: જાન્યુઆરી ૨૦૧૬, સાયબર સફર)

લીંક: http://www.bbc.com/future/bespoke/story/20150306-journey-to-the-centre-of-earth/index.html)

10 ડિસે, 2015

નચિંત અને નિર્ભય બનજે દીકરા.

વ્હાલા તથ્ય,

તા. ૭/૧૨/૨૦૧૫ના રોજ બપોરે શાળા છૂટ્યા પછી રાબેતા મુજબ પોણા એક વાગ્યે તું ઘરે આવ્યો ત્યારે અવિરત ચાલતી રહેતી તારી જીભ સિવાઈ ગઈ હોય એવું લાગતું હતું. સદાય હસતો, કૂદતો ને ઉછળતો રહેતો તું વધારે પડતો ધીરગંભીર જણાતો હતો. જમવાનો, રમવાનો ને થોડો અભ્યાસ કરવાનો તારો નિત્યક્રમ ટાળીને તેં સૂવાનું પસંદ કર્યું. મારી અનુભવી આંખોએ કંઇક અજુગતું બન્યું હોવાની ને એ બનાવથી તું ડઘાઈ ગયો હોવાનું અનુમાન બાંધ્યું. આમ છતાં, તું કદાચ બિમાર પડ્યો હોય એવું ધારીને અમે તને સાંજના પાંચ વાગ્યા સુધી નિરાંતે સૂવા દીધો. આ સમય દરમિયાન તારા શરીરને અમે તપાસતા રહ્યા પણ તું બિમાર હોવાના કોઈ લક્ષણો અમને જણાયા નહિ.

સાંજે પાંચ વાગ્યે ઉઠ્યા પછી હું તને ચિખોદરા ગામ ભણી સાઈકલીંગ માટે લઇ ગયો. લીલાંછમ ખેતરો અને આથમતા સૂરજને જોઇને તું ખુશ થયો ને ધીમે ધીમે તારી હણાઈ ગયેલી વાચા પાછી આવવા માંડી. ઘરે પાછા આવીને પણ અમે તારી સાથે રમતા રહ્યા અને વાતો કરતા રહ્યા. આ વાતચીત દરમિયાન અચાનક તારી આંખોમાંથી દડ દડ આંસુ વહેવા માંડ્યા ને ડૂસકાં ભરતા ભરતા જ તેં અમને કહ્યું;આજે મને મારા ટીચરે બધાની વચ્ચે એક લાફો ચોડી દીધો હતો.
કશો વાંધો નહિ દીકરા, તું ચિંતા ના કરીશ. આવતીકાલે જ અમે તારી શાળામાં આવીને આચાર્યાને આ બાબતથી વાકેફ કરીશું અને ભવિષ્યમાં કોઈપણ બાળક સાથે આવું વર્તન ન થાય એની ખાતરી મેળવીશું. અમે તને પૂરેપૂરી હૈયાધારણા આપવાનો પ્રયત્ન કર્યો ને એની તારા ઉપર ખૂબ હકારાત્મક અસર અમને જોવા મળી. બીજા જ દિવસે શાળા છૂટ્યા પછી અમે શાળાના આચાર્યાને રૂબરૂ મળ્યા ને એમને આખા બનાવથી વાકેફ કર્યા અને સાથે સાથે ભવિષ્યમાં આવું ન બને એની તકેદારી રાખવાની વિનંતી અને રજૂઆત કરી.

તું બાળક છે અને તારા હક અને અધિકારનો ભંગ ન થાય એ માટે અમે હંમેશાં જાગૃત રહીશું અને જરૂર જણાય ત્યાં આગળ યોગ્ય પગલા લેતા ક્યારેય ખચકાઈશું નહિ. કારણ, બાળ અધિકારો તથા મફત અને ફરજીયાત શિક્ષણનો કાયદો, ૨૦૦૯ના કલમ/વિભાગ ૧૭(૧), ૧૭(૨) અને ૩૮ દ્વારા દરેક બાળકને શારીરિક શિક્ષા અને માનસિક હેરાનગતિ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને આ કાયદાનો યોગ્ય રીતે અમલ થાય એ માટે આ બાબતની દરેક લગતા વળગતા વિભાગો તથા શાળાઓને પણ લેખિત પરિપત્રો દ્વારા જાણ કરવામાં આવી છે.

અંતમાં, તને એટલું જ કહેવાનું કે તું હંમેશાં નચિંત અને નિર્ભય બનીને રહેજે.
અમે છીએ ને!

લિ.
તારા મમ્મી પપ્પા.


14 નવે, 2014

પોતાનો જય જયકાર કરો .......


યાદશક્તિની જુદી જુદી રીતોમાં એક રીત "રેન્ડમ રીમેમ્બરીંગ" છે. એમાં અંકો કે શબ્દોને સ્વાભાવિક ક્રમમાં યાદ રાખવાને બદલે સમૂળગા ઉથલપાથલ કરીને યાદ કરવાનો પ્રયત્ન કરો તો તમારી યાદશક્તિ વધે એવો દાવો કરવામાં આવે છે. 

ઘરના છોકરાં ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આટો એ ક્યાંનો ન્યાય! અન્ય વિદ્યાર્થીઓને આ રીત શીખવું એ પહેલા એનો પ્રયોગ દીકરા સાથે અચૂક કરી જોઉં. દીકરાને ગાવાનો ભારે શોખ એટલે સૌથી વધારે એને હું ગીતો શીખવું અલબત પેલી રીતને ધ્યાનમાં રાખીને. ક્યારેક ગીતના શબ્દોને ઉલટસૂલટ કરી દઉં  તો ક્યારેક ભળતા જ શબ્દો ગોઠવી દઉં. ઉદારહરણ તરીકે "બહેતી હવા સા થા વો" ને બદલે હવા સા બહેતી થા વો" 

જેવો શબ્દોમાં ફેરફાર થાય કે તરત જ દીકરો સાચા શબ્દો યાદ અપાવે. ને એમ કરતાં કરતાં એ ગીત એને કંઠસ્થ થઇ જાય. ઘણીવાર તો હું શબ્દોને આખેઆખા બદલી જ નાંખું. કહેવાની જરૂર નથી કે દીકરો જલ્દી અનુકરણ કરતાં શીખી ગયો. 

એક વહેલી સવારે એના મુખમાંથી તીણા સ્વરે ગવાતા ગીતની પ્રથમ પંક્તિ સાંભળી ત્યારે તો હું આભો જ રહી ગયો ને મેં એને અભિનંદન આપ્યા;"ભઈ વાહ! ગાયક ને ગીતકાર તો તું ખરો જ પણ આ જે પંક્તિ તેં હમણાં ગાઈ બતાવી એમાં તો દુનિયાભરનું તત્વજ્ઞાન સમાયેલું છે. બહુ નાની ઉંમરમાં તું તત્વજ્ઞાની બની ગયો." મારા શબ્દોથી એને બરોબર ચાનક ચઢી એટલે વધારે જોરથી એ ગાવા લાગ્યો;"પોતાનો જય જયકાર કરો ... પોતાનો જય જયકાર."

અસલમાં, આ પંક્તિઓ તો છે;"પિતા નામનો જય જયકાર કરો ...." પરંતુ, વાસ્તવિકતામાં દુનિયાને તો પોતાનો જય જયકાર થાય એમાં જ રસ છે ને !

28 ઑક્ટો, 2014

તમે, એ શું બોલ્યા?

બરોબર દિવાળીને સપરમે દા'ડે સોમનાથથી સવારે સાત વાગ્યે નીકળ્યા ને ગાડીને મેં ભાવનગર હાઈવે ઉપર લીધી. દીવ પહોંચવાની એટલી બધી ઉત્કંઠા હતી કે સ્પીડોમીટરનો કાંટો ક્યારે સોને પાર કરી ગયો એની ખબર ના રહી. બરોબર સાડા નવે અમે ખાડીની સામે આવેલી આલીશાન હોટેલ આગળ જઈ પહોંચ્યા. હા, એ અમારી પસંદગીની હોટેલ છે કારણ, અમને પરવડે એવા ભાવમાં દરિયાની બરોબર સામે રહેવાનો લાહવો મળે છે ને છોગામાં ત્યાંની રેસ્ટોરાંનું લોકેશન જેટલું ભવ્ય છે એટલું જ સ્વાદિષ્ટ ભોજન પણ મળે છે. 
"આજે નોર્મલ રેટ છે. આવતીકાલે એજ રૂમના ત્રણ ગણાં વધારે ચૂકવવા પડશે." રીસેપ્નીસ્ટે અમને આવકારીને વાસ્તવિકતા જણાવી દીધી.
"ત્રણ ગણાં વધારે ભાવ." મારી આંખો ફાટી ગઈ. મેં સંગિની ભણી નજર ફેરવી. "ઠીક છે, અમારી પાસે છવ્વીસ કલાકનો સમય છે ને એટલો પૂરતો છે." તાત્કાલિક આયોજન બદલી નાંખ્યું ને બેની જગ્યાએ અમે માત્ર એક દિવસ ત્યાં રોકાવાનું નક્કી કરી લીધું.

રૂમ પર જઈને હાથ પગ મોં ધોઈને હળવા કપડાં ધારણ કરી અમે દીવનાં કિલ્લા ભણી ચાલી નીકળ્યા. સેંકડો વાર જોયેલા આ પોર્ટુગીઝ કિલ્લાને અમે ફરી એકવાર જોવા માટે જઈ રહ્યા હતા. ફરક એટલો જ હતો કે આ વખતે અમે માત્ર ત્રણ જ જણ હતા ને સાથે ડિજીટલ કેમેરો હતો. ત્યાં પહોંચતાવેંત મેં મોરચો સંભાળી લીધો ને ધડાધડ નયનરમ્ય દ્રશ્યોને કેમેરામાં ઝડપવા મંડી પડ્યો. અડધે પહોંચ્યા પછી અમે એક ખંડિયેર પરંતુ વિશાળ અને વૈભવી રસ્તાની અંદરથી પસાર થયા. મસમોટા દરવાજાના અસંખ્ય ફોટા પાડ્યા પછી કેમેરાની બેટરીનું સિગ્નલ ઝબૂકવા માંડ્યું. ઝડપથી મેં ખિસ્સામાં હાથ નાંખ્યો પણ અફસોસ! રીચાર્જેબલ બેટરીને હું ઉતાવળમાં રૂમમાં જ ભૂલીને આવ્યો હતો. 'ઠીક છે. કોઈ વાંધો નહિ. હજી પંદર વીસ ફોટા લઇ શકાશે.' એમ મનોમન ઉચ્ચારીને મેં ફોટા પાડવાનું ચાલુ રાખ્યું. મા દીકરાના કેટલાક યાદગાર ફોટા પાડ્યા પછી અમારા બંનેના ફોટા પાડવા માટે કેમેરો મેં દીકરાના હાથમાં સોંપ્યો.

"અરે, આ શું આવે છે?" ભળતી ચાંપ દબાવીને દીકરાએ થોડી વાર પોતાની નિર્દોષતા પુરવાર કરવાનો પ્રયત્ન કર્યો પણ, એની અવળચંડાઈને મારી અનુભવી આંખ તરત પામી ગઈ. ત્યારબાદ, બે ચાર ફોટા પાડીને એણે કેમેરો મને પરત કર્યો. કેમેરો 'ઓન' કરીને જોયું તો એણે ફોટા પાડ્યા એ પહેલા બિનજરૂરી રેકોર્ડિગ કરવાનો પ્રયત્ન કર્યો હતો. બીજો કોઈ સમય હોત તો એનું આ કારસ્તાન નગણ્ય અને ક્ષમ્ય હતું. પરંતુ, જયારે બેટરી ખલાસ થવા આવી હતી ત્યારે એનું આ દોઢડહાપણ કોઈ કાળે સહન થાય એમ નહોતું. મારો પિત્તો સાતમાં આસમાને જઈ પહોંચ્યો ને તરત જ ગાળોની અસ્ખલિત સરવાણી વહેવા માંડી;'સાલા, .............. ............... કોણે તને આવું દોઢ ડહાપણ કરવાનું કહ્યું હતું. બેટરી ખતમ કરી નાંખી હવે બીજી બેટરી તાત્કાલિક કયો તારો કાકો આપી જવાનો છે?"

ગાળોના ભરપૂર આસ્વાદ સાથેના મારા પુણ્યપ્રકોપનો એ જીવનમાં પહેલી વાર અનુભવ કરી રહ્યો હતો. ક્ષણભર તો એ હબક ખાઈ ગયો ને થોડી જ વાર પછી સ્વસ્થતા ધારણ કરીને મને પૂછવા માંડ્યો;"તમે, એ શું બોલ્યા? મને કંઈ સમજણ ના પડી."
એની નાદાનિયત અને નિર્દોષતા જોઇને અમને બેયને બરોબર હસવું આવ્યું ને હજી ગાળોમાં એને સમજણ નથી પડતી એ જાણીને આનંદ પણ થયો. જવાબની પ્રતિક્ષામાં એ હજીય મારી સામે તાકી રહ્યો હતો એટલે બીજી જ ક્ષણે ગેંગેફેંફે થતાં થતાં મેં વાતને વાળવાનો પ્રયત્ન કરી જોયો;"કાંઈ નહિ દીકરા, હું તો એમ કહેતો હતો કે ભવિષ્યમાં તું બહુ સારો ફોટોગ્રાફર બનવાનો છે."

"તમે મને છેતરો છો." ધીમા સાદે બોલીને એણે આંખો નમાવી દીધી. એનાં ગળામાં ડુમો ભરાઈ આવ્યો હતો. સંગિની મારી સામે તાકી રહ્યા હતા ને મારી હાલત કાપો તો લોહી ના નીકળે એવી થઇ ગઈ હતી. મને પારાવાર પસ્તાવો થઇ રહ્યો હતો કારણ, જીવનમાં પહેલી વાર દીકરાની આગળ ગાળો બોલીને બાપ તરીકેની મારી ભૂમિકાને મેં લજવી હતી. 

ફોટા તો ફરી ક્યારેક ગમે ત્યારે પાડી શકાયા હોત પણ, આ જે અણછાજતો બનાવ બન્યો એ એના કે મારા જીવનમાંથી ક્યારેય ડિલીટ થઇ શકશે નહિ. 

26 જુલાઈ, 2014

ન્યૂટનને પગલે પગલે.

સાંજને સમયે તથ્યને હું ભણાવી રહ્યો છું. શરીરના વિવિધ અંગોનાં નામની જાણકારી હું એને ધીમેધીમે ધીરજપૂર્વક આપી રહ્યો છું. શરૂઆત ઉપરથી કરી એટલે માથું, કપાળ, આંખો અને પછી નાકનો વારો આવ્યો. "બોલ દીકરા, ધીસ ઈઝ અ નોઝ." અંગ્રેજીમાં મેં એને આખું વાક્ય રીપીટ કરવા માટે જણાવ્યું. મારી વાતને સાંભળી ન સાંભળી કરીને એ મારી સામે તાકી રહ્યો. દીકરાની ગતિવિધિઓથી પરિચિત હોવાને કારણે મને તરત સમજાઈ ગયું કે એના નાનકડા મગજમાં વિચારો ગોટે ચઢ્યા છે. 

"આબ્બા, આપણાં નાકમાં રહેલી બે નાસિકાઓ નીચેથી ઉપર તરફ એટલે કે માથા ભણી આગળ વધે છે આથી આપણે જે શ્વાસ લઈએ એ પણ ઉપર તરફ જવો જોઈએ તો પછી એ નીચે ગાળામાં કેવી રીતે આવે છે?" હવે ગોટે ચઢવાનો વારો મારો હતો. વાત એની સાવ કાઢી નાંખવા જેવી તો નહોતી જ. "અલ્યા, તારામાં ન્યૂટનનો પ્રવેશ થયો છે કે શું ? એના પેલા જાણીતા સફરજનના પ્રશ્નની પેઠે જ તું પણ પ્રશ્ન પૂછી રહ્યો છે." એને કશી સમજણ ના પડી એટલે મારે એને ન્યૂટનની વાત કહી સંભળાવવી પડી આમ છતાં એનો પ્રશ્ન તો હજી અનુત્તર જ હતો આથી છેવટે મારે ઇન્ટરનેટની સહાય લઈને એને શ્વસનપ્રક્રિયાની પૂરી માહિતી આપવી પડી. 

વિચારશીલ સંતાનનાં માવતર હોવું એ આનંદ અને ગૌરવની વાત કહેવાય પરંતુ, એની એજ પ્રકૃતિ અમને સતત ઉભે પગે અને અદ્ધર શ્વાસે રાખી મૂકે છે એનું મુખ્ય કારણ એ કે સતત વિચારતા વિચારતા એણે ઘણીવાર 'વિચારશૂન્ય અવસ્થા'નો અનુભવ કરવો પડે છે. અને એ અવસ્થામાં એને અવળી મતિ સૂઝે છે; જેમ કે ઘરમાં કૂદાકૂદ કરી મૂકવી, રબ્બર અને પેન્સિલના ટુકડે ટુકડા કરી મૂકવા, સોફાના કવર આમતેમ ફેંકાફેંક કરવા વગેરે વગેરે.

કહેવાની જરૂર નથી કે એની આ "વિચારશૂન્ય અવસ્થા" અમને અવારનવાર તોબાતોબા પોકારાવી દે છે. 

19 જૂન, 2014

ભડનો દીકરો.

દીકરાને પહેલા ધોરણમાં માંડમાંડ પ્રવેશ અપાવીને અમે નચિંત બનવાનો પ્રયત્ન કરી રહ્યા હતા ત્યાંતો બીજો પ્રશ્ન ઉપસ્થિત થયો. દીકરાને લેવા ને મૂકવા કોણ જાય? પહેલા બે ત્રણ દિવસ ઠીક છે બાકી સમયની પાબંદીને કારણે અમે ઈચ્છતા હોઈએ તો પણ રોજેરોજ એને મૂકવાનું ને વળી પાછા લેવા માટે જવાનું અમારે માટે શક્ય નથી. આ સંજોગોમાં અમે અન્ય કોઈ વિકલ્પ શોધવાની મથામણ કરી રહ્યા હતા ને જેવી તથ્યને ખબર પડી કે એણે અમારી પાસે આવીને કહ્યું;"મમ્મી, પપ્પા મારી ચિંતા કરશો નહિ હું જાતે જ શાળામાં જઈશ. સાઈકલ લઈને જઈશ."

આમ તો શાળા ખાસ દૂર નથી એટલે એકલો જાય તો પણ વાંધો નથી પણ સાઈકલ લઈને જવા માટે તો સંચાલકોની પણ પરવાનગી જોઈએ એટલે મેં એને કહ્યું;"અલ્યા, અમને તો વાંધો નથી પણ તારા આચાર્યા તને રજા આપશે ખરા?"
"ઠીક છે. એ હું સંભાળી લઈશ." એનો આત્મવિશ્વાસ જોઇને અમે તો આભા જ બની ગયા.

બીજા દિવસે શાળા છૂટી ગયા પછી બધા બાળકો બહાર આવવા લાગ્યા પણ તથ્ય દેખાયો નહિ એટલે ચિંતિત થઈને હું તો આચાર્યાની ઓફિસ ભણી ચાલવા માંડ્યો. અંદરનું દ્રશ્ય જોઇને મારા આશ્ચર્યનો પાર ન રહ્યો. તથ્ય શાળામાં સાઈકલ લઈને આવવાની રજા આપવા માટે આચાર્યાને વિનવણી કરી રહ્યો હતો. 
"જો દીકરા, હજી તારી ઉંમર થઇ નથી એટલે તને હું રજા ના આપી શકું." આચાર્યાએ વિનમ્રતાથી નન્નો ભણી દીધો.

એમના દ્રષ્ટિકોણથી આચાર્યાનો નિર્ણય બિલકુલ સાચો હતો પણ એમને  હજીસુધી એ જાણ નહોતી કે આ તો ભડ*નો દીકરો છે. પોણાત્રણ વર્ષનો હતો ત્યારથી જ સપોર્ટ વિનાની સાઈકલ ચલાવે છે ને આજે દર રવિવારે છાપાંઓ લેવા માટે એના બાપ સાથે ઠેઠ બજાર સુધી સાઈકલ લઈને જાય છે. 

ખેર, પરવાનગી મળે ત્યારે ખરી. આત્મવિશ્વાસથી આચાર્યાની સાથે વાત કરવી એ પણ હિંમત અને બહાદુરીનું લક્ષણ છે ને !

(ભડ - સમર્થ, બહાદુર) 

18 જૂન, 2014

એને ભૂખ્યો થોડો રહેવા દેવાય!


ગઈકાલે પહેલા ધોરણમાં તથ્યનો પહેલો દિવસ હતો. શાળા સાડાસાતે શરૂ થાય ને પછી લગભગ દસ સાડાદસે નાનકડો વિરામ હોય. આ સમય દરમિયાન બધા ટાબરિયાઓ પોતપોતાનું ટીફિન ઉઘાડીને હળવો નાસ્તો કરી લે.

દુર્ભાગ્યવશ, તથ્યની પાછળના વિદ્યાર્થીનું ટીફિન હાથમાંથી છટકી ગયું ને અંદર રહેલી બધી ખિચડીના દાણા આમતેમ વેરાઈ ગયા. જમવાનું તો ગયું ને ઉપરથી બધાની હાજરીમાં ટીફીન સાચવી ન શકાયું એમ વિચારીને શરમને લીધે બિચારાનું મોં પડી ગયું. જેવો તથ્યને આ બનાવ વિષે ખ્યાલ આવ્યો કે તરત જ એણે પોતાનું ટીફિન પેલા અજાણ્યા વિદ્યાર્થી સામે ધરીને એને કહ્યું; "દોસ્ત, ચિંતા ન કરીશ. આપણે બેય આમાંથી અડધું અડધું ખાઈ લઈશું."

ઘરે આવીને તરત જ તથ્યએ અમને આ અનુભવ કહી સંભળાવ્યો. એની કસોટી કરવાના હેતુથી મેં મોઢું ભારે કરીને એને પૂછ્યું;"તને આવું દોઢડહાપણ કરવાનું કોણે કહ્યું હતું ?"

"એને ભૂખ્યો થોડો રહેવા દેવાય!" તથ્યનો જવાબ તૈયાર જ હતો.

પુત્રના લક્ષણો પારણામાંથી, વહુના લક્ષણો બારણામાંથી ને વિદ્યાર્થીનાં લક્ષણો એનાં વાણી, વર્તન ને વ્યવહાર પરથી પરખાઈ જાય. આશા રાખીએ કે તથ્ય પોતાની આ ઓળખ ઠેઠ સુધી ટકાવી રાખશે.

તથ્યને કહો ઉઠાવે દફતર.

દેવળના કમ્પાઉન્ડમાં સેંટ ઝેવિયર્સ શાળાના મસમોટા મકાનની બાજુમાં એક જૂનું ઢાળવાળું મકાન હતું. એ મકાનમાં આદરણીય સી. જોહાન્ના બાળકોને કક્કો બારાખડી શીખવતા. મારા માસી રોજ સવારે મને કક્ડીયામાં મૂકવા આવતા. મને મૂકીને પછી એ ઓટલા પર બેસીને બીજા બહેનો સાથે કક્ડીયું છૂટવાની રાહ જોતાં જોતાં સમય પસાર કરતાં. ભણવાનો મને પહેલથી કંટાળો આવે એટલે જેવા સિસ્ટર પાટીયા પર અક્ષરો લખવા માટે પીઠ ફેરવે કે તરત જ હું લાગ જોઇને પાછળના દરવાજેથી એકીશ્વાસે ઘર ભણી ભાગી છૂટતો. કક્ડીયું છૂટયા પછી માસી રઘવાયા થઈને મને શોધતા હોય ત્યારે હું ઘરના ઓટલા પર બેસીને રમત રમવામાં મશગૂલ હોઉં. પરંતુ, પહેલા ધોરણ પછી મારા ભણતરની ગાડી એવી સડસડાટ દોડવા માંડી કે ત્યારપછી ઠેઠ બારમા પછી કોલેજમાં સમયસર પ્રવેશ ન મળ્યો ત્યાંસુધી મારા માબાપને ચિંતા ને દરમિયાનગીરી કરવાની જરૂર જ ના પડી.

આજે ત્રણ સાડાત્રણ દાયકા પછી શિક્ષણની બારાખડી આખેઆખી બદલાઈ ગઈ છે. બાળક ગર્ભમાં હોય ત્યારથી જ માબાપ એનાં શિક્ષણ વિષે વિચારવાનું શરૂ કરી દે છે ને બાળક માંડ બે અઢી વર્ષનું થાય ના થાય ત્યાં તો 'પ્લેગ્રુપ'માં પરાણે ધકેલવાનું શરૂ પણ કરી દે છે. એ ચક્કર પછી અવિરત ચાલ્યા જ કરે છે. સદનસીબે, આ બધાથી પર રહીને તથ્યને અમે એનાં બાળપણનાં પાંચ વર્ષ અમારી સાથે જ રાખ્યો ને વાસ્તવિક જીવનનો એને સુપેરે પરિચય થાય એવા પૂરા પ્રયત્નો પણ કર્યાં.

પાંચ પૂરા કર્યા પછી 'હવે શું?' એ યક્ષપ્રશ્ન તો મોં ફાડીને ઉભો જ હતો. કઈ શાળામાં મૂકવો? શાળામાં મૂકવો તો કયા માધ્યમમાં એને ભણાવવો? કયા બોર્ડની પસંદગી કરવી? જેવા બીજા અનેક પ્રશ્નો પણ છાલ મૂકે એમ નહોતા. ખાસ્સું મનોમંથન કર્યા પછી અમે બહુમતિથી એને કેન્દ્રીય બોર્ડની અંગ્રેજી માધ્યમની શાળામાં ભણાવવાનું નક્કી કર્યું. ફેબ્રુઆરીમાં જયારે કેન્દ્રીય વિદ્યાલયમાં ફોર્મ લેવા માટે ગયા ત્યારે પાંચ વર્ષ પૂરા કરવામાં માત્ર વીસ દિવસ ઓછા હોવાને કારણે એમણે ફોર્મ આપવાની જ ઘસીને ના પડી દીધી. હવે શું? ઇન્ટરનેશનલ સ્કૂલની ભારેખમ ફી ભરવી એ ગજા બહારની વાત હોવાથી અમે સ્થાનિક શાળાઓ ભણી નજર દોડાવી. સદભાગ્યે, અમારા વિસ્તારમાં ત્રણ ત્રણ શાળાઓ આવેલી છે એટલે ચિંતા કરવાની જરૂર નહોતી. આમછતાં, કેટલાક સિદ્ધાંતો ને અમારી જીવનશૈલીમાં બાંધછોડ કરવાની અમારી તૈયારી ન હોવાથી પહેલા ધોરણમાં પ્રવેશ મેળવતાં મેળવતાં અમને ફાંફાં પડી ગયા.

છેવટે શાળા શરૂ થયાને બરોબર એક અઠવાડિયા પછી તા. 16 જૂન, 2014 સોમવારના રોજ તથ્યને સેંટ ઝેવિયર્સમાં પ્રવેશ મળ્યો. ગઈકાલે પહેલા દિવસે અમારો હરખ માતો નહોતો પણ દફતરનો ભાર જોઇને તથ્ય એ દફતરને પીઠ પર ઉઠાવવું કે નહિ એની દ્વિધામાં હતો. બીજી બાજુ, ભણતરનો ભાર વેંઢાર્યા વિના હવે છૂટકો પણ નહોતો એટલે હસતાં હસતાં મારે એની મમ્મીને કહેવું પડ્યું;

"તથ્યને કહો ઉઠાવે દફતર, હવે તો ભણતર એ જ કલ્યાણ."

11 જૂન, 2014

ટામેટાંઓનું ટોળું.

સાંજના લગભગ સાડા પાંચ વાગે અમે નેશનલ હાઈવે વટાવીને ચિખોદરા ગામ ભણી ડગ માંડી રહ્યા છીએ. પાંચ સાત ખેતર વટાવ્યા પછી ટામેટાની વાડીમાં એક નયનરમ્ય દ્રશ્ય અમારી નજરે ચડે છે. ગામની બહેનો તાજા ને લાલચટાક ટામેટાઓ વીણીવીણીને ખેતરના ખૂણામાં ઢગલો કરે છે. આ જોઇને તથ્ય ખુશ થઇ જાય છે ને આશ્ચર્ય ને આનંદ સાથે બોલી ઉઠે છે; "આ હા હા ........જુઓ તો ખરા, પેલું ટામેટાંઓનું ટોળું!"
તથ્યનો ભાવસભર ચહેરો ને ભેળસેળવાળી પરંતુ શબ્દો(ટામેટાઓનું ટોળું)ની પરફેક્ટ પ્રાસ બેસાડતી
અલંકારિક ભાષા સાંભળીને અમારું હાસ્ય સમાતું નથી.
"દીકરા ટામેટાંઓનું ટોળું ના હોય, ઢગલો હોય ઢગલો !" હું એને સમજાવવાનો પ્રયત્ન કરું છું.
"પણ તમે તો મને શીખવ્યું છે." એ એમને એમ થોડો હાર સ્વીકારે.

એની વાતમાં દમ તો હતો જ. થોડા દિવસો પહેલાં જ ડિસ્કવરીમાં સિંહોને એકસાથે જોઇને એણે મને પ્રશ્ન પૂછેલો; "આટલા બધા સિંહો એકસાથે હોય ત્યારે એમને શું કહેવાય ?"
મેં એને સમજાવેલું કે બે કરતાં વધારે સિંહો હોય તો એને "સિંહોનું ટોળું" કહેવાય.

"તો પછી બે કરતાં વધારે ટામેટાંઓ હોય તો એને પણ "ટામેટાંઓનું ટોળું" જ કહેવાય ને." વાત તો એની સાચી જ છે ને! હું મનમાં ને મનમાં જ બોલું છું.

તથ્યને તાર્કિક રીતે વિચારવા બદલ અભિનંદન આપું છું ને સાથે સાથે એ પણ જણાવું છું કે કોઈ પણ ભાષા માત્ર તર્કથી શીખી નથી શકાતી.

6 એપ્રિલ, 2014

તર્ક અને તથ્ય બેય સગા ભાઈઓ છે.

બપોરનું ભોજન તૈયાર થઇ રહ્યું હતું. દાદા છાપું વાંચી રહ્યા હતા ને પોણા ત્રણ વર્ષનો તથ્ય એમની સામે રમી રહ્યો હતો. એના હાથમાં પચાસ પૈસાનો સિક્કો હતો. દાદાનું ધ્યાન એ સિક્કા પર ગયું એટલે તરત જ એને સિક્કાથી રમવાની ના પાડી પરંતુ એમ સહેલાઈથી દાદાની વાત માની જાય તો એનું નામ તથ્ય શાનું? દાદાની વાતને ધરાર અવગણીને એણે એ સિક્કા વડે રમવાનું ચાલુ રાખ્યું. 

થોડી જ વાર પછી એણે  કોઈક કારણસર  ઇકરાણ ને બૂમરાણ મચાવી દીધી. અમે બેય જણ અમારું કામ પડતું મૂકીને એની પાસે ગયા તો દ્રશ્ય જોઇને દંગ રહી ગયા. તથ્ય એનામાં હતું એટલું જોર લગાવીને કૂદકા મારતો મારતો રડમસ અવાજે કંઈક કહી રહ્યો હતો. એની એ હાલત જોઇને કશુંક અસામાન્ય બન્યું હોવાની મને શંકા ગઈ એટલે તરત જ મેં એને પૂછ્યું;"શું થયું બેટા?" "હું સિક્કો ગળી ગયો છું. હવે હું શું કરું? હવે મારું શું થશે?" એણે કૂદવાનું ચાલુ રાખતાં રાખતાં જ જવાબ આપ્યો. એનો જવાબ સાંભળીને મેં તરત જ એને સાંત્વના આપવાનો પ્રયત્ન કરી જોયો પણ એની કોઈ અસર એની ઉપર થઇ નહિ. એની મમ્મી અને દાદા દાદી ચિંતામાં પડી ગયા એટલે છેવટે મારે ડોક્ટરને ફોન કરવો પડ્યો. ડોકટરે બને ત્યાં સુધી કેળાં ખવડાવતા રહીને બેત્રણ દિવસ ધીરજ ધરવાની સલાહ આપી. આ સાંભળ્યા પછી એ શાંત પડ્યો.

લાગલગાટ ત્રણ દિવસ સુધી અમે એને કેળાં ખવડાવતા રહ્યા ને સિક્કો બહાર આવે એની રાહ જોતા રહ્યા. રોજ સવારે અને સાંજે એ શૌચાલયમાં જાય ત્યારે એની મમ્મી નાનકડી લાકડી લઈને એની પાસે પહોંચી જાય. જેવી પોટ્ટી(મળ) બહાર આવે કે એ લાકડી વડે સિક્કો બહાર આવ્યો છે કે નહિ એની બરોબર તપાસ કરે. ત્રીજા દિવસે સાંજે અમારી ધીરજનો અંત આવ્યો. સિક્કો બહાર આવ્યો કે તરત જ તથ્ય વળી પાછો ખુશ થતો થતો ઊછળતો કૂદતો કાળો પડી ગયેલો સિક્કો બહાર લઈને આવ્યો ને અમને એવી રીતે બતાવવા લાગ્યો કે જાણે એને સોનાની સોનામહોર ના મળી હોય ! એને રાહત અનુભવતો જોઇને અમને પણ નિરાંત થઇ. 

વાત અહી પૂરી થતી નથી. ત્યારપછી અઠવાડિયા સુધી જયારેજયારે એ પોટ્ટી કરવા જાય ત્યારેત્યારે એની મમ્મીને લાકડી લઈને આવવાનું કહેતો. મમ્મી એનું કારણ પૂછે તો જણાવતો;"મમ્મી તારે રોજ લાકડી લઈને મારી પોટ્ટી તપાસવાની. કદાચ એમાંથી સિક્કો જડી આવે. જેટલા સિક્કા બહાર આવશે એટલા સિક્કાને હું મારી બચતબેંકમાં જમા કરીશ." એની આ વાત સાંભળીને અમે તો હસીહસીને લોથપોથ થઇ ગયા હતા. 

બરોબર આજ દિવસોમાં અમારા ઘરના વાડામાં એણે એક બિલાડીને ઉંદરનો શિકાર કરતી જોઈ. બિલાડીએ જેવો શિકાર કરીને ઉંદરને ગળવાનું ચાલુ કર્યું કે તરત જ એણે તાર્કિક રીતે વિચારીને એની મમ્મીને અને મને કહ્યું;"જુઓ મમ્મીપપ્પા, પેલી બિલાડી જે ઉંદરને ગળી ગઈ છે ને એ ઉંદર બરોબર ત્રણ દિવસ પછી મારા સિક્કાની જેમ બિલાડીની પોટ્ટીમાંથી બહાર આવશે.મારી વાત સાચી છે ને ?" એટલું કહીને પ્રશ્નાર્થસૂચક નજરે એણે અમારી સામે જોયું એટલે મેં જવાબ આપ્યો;

"હા, દીકરા તાર્કિક રીતે તારી વાત બિલકુલ સાચી છે. સિક્કો જો તારા પેટમાંથી બહાર આવતો હોય તો ઉંદર પણ બહાર આવે જ ને !" આટલું કહીને હું ખડખડાટ હસવા લાગ્યો.

બીએમએક્સ, બીએમડબલ્યુ ને એવું બધું.

જાંબુઘોડામાં અમે ભાડાના મકાનમાં ઉપરના માળે રહેતા હતા ત્યારે તથ્યની ઉમર છ મહિના કરતાં વધારે. ભાંખોડિયા ભરવાનું શીખ્યા પછી એને સાચવવો અઘરો પડતો હતો કારણ, એ ભાંખોડિયા ભરતાં ભરતાં મોંમાંથી 'બ્રૂમ બ્રૂમ અવાજ કરતો  કરતો સીધો બાલ્કનીમાં પહોંચી જતો હતો. ત્યાંથી એ દાદર સુધી ન પહોંચી જાય એટલા માટે અમે કામ કરતાં હોઈએ ત્યારે અમારે એના થનગનતા પગને બે દુપટ્ટાથી બાંધી રાખવા પડતા જેથી એ નિયત અંતર કરતાં વધારે આગળ ના વધી જાય. અલબત, એ વેળાએ જ એનાં જોશ અને થનગનાટ જોઇને અમને લાગતું કે એ સાઈકલ અને કારનો શોખીન બનશે.

એ પોણા બે વર્ષનો થયો ત્યારે અમે એની માટે 'ટ્રાઈસિકલ' લાવવાનું નક્કી કર્યું પણ 'જયશ્રી સાઇકલ સ્ટોર'વાળા કનુકાકાએ એનો બાંધો જોઇને 'સપોર્ટ'વાળી બાઈસિકલ લેવાની સલાહ આપી. એમની સલાહ અને અમારો નિર્ણય તથ્ય માટે લાભદાયી નીવડયાં. થોડા જ દિવસોમાં એણે બાઈસિકલ ચલાવતાં શીખી લીધું ને છ મહિનાની અંદર તો સપોર્ટ દૂર કરવાની નોબત આવી. અઢી વર્ષની ઉમરે હવે એ આત્મવિશ્વાસપૂર્વક બાઈસિકલ ચલાવતો હતો. માત્ર ઘરના આંગણામાં જ નહિ પરંતુ મુખ્ય રસ્તા પર પણ એ એકદમ સ્પષ્ટ નિર્ણય લઇને નીડરતાથી આગળ વધતો હતો અલબત, એની ચલાવવાની ઝડપ અમારે માટે ચિંતાનો વિષય બની રહેતી હતી. ચાર વર્ષનો થયો ત્યારે એણે થોડી મોટી સાઈકલ ચલાવવાનું શરૂ કર્યું ને અમારી ચિંતા વધવા માંડી કારણ હવે એ ઝડપની સાથેસાથે સાઈકલના દાવપેચ અજમાવવાનો પ્રયત્ન કરતો હતો. અલબત, એનો શારીરિક અને માનસિક વિકાસ જોતાં અમને લાગ્યું કે હવે એને વધુ સારી સાઈકલ 'હેલ્મેટ' જેવાં સલામતીના સાધનો સાથે આપવી જરૂરી છે. ખાસ્સી શોધખોળ અને જાંચ પડતાલ કર્યા પછી અમે એની માટે સ્ટંટ કરવા માટેની ખાસ સાઈકલ બીએમએક્સ ખરીદીને એ પાંચ વર્ષ પૂરા કરે ત્યારે આપવાનું નક્કી કર્યું. 

લગભગ આજ ગાળામાં એનાં મોટરકારના શોખને સંતોષવા માટે અમે જાણીતી કારની નાનીનાની મેટલની પ્રતિકૃતિઓ વસાવવાનું નક્કી કર્યું ને સાથેસાથે 'ઓટો એક્સ', 'ઓટો ડ્રાઈવ' જેવા સામયિકો મંગાવવાનું નક્કી કર્યું. કહેવાની જરૂર નથી કે હવે એ દરેક જાણીતી મોટરકારનો લોગો જોઇને જ કંપનીનું નામ અને મોડલ ઓળખી બતાવે છે. 

મજાની વાત એ છે કે હજીસુધી એણે શાળાનું પગથિયું જોયું નથી કારણ, પાંચ પૂરા કરે પછી જ અમે એને શાળામાં મૂકવાનો નિર્ણય લીધો છે. અલબત, એની શીખવાની ધગશ એટલી બધી છે કે ત્રણ આંકડાનો સરવાળો પણ એ ચપટી વગાડતામાં કરી બતાવે છે. 

3 એપ્રિલ, 2014

આજે જમવાનું મેં બનાવ્યું છે.

વાંચનમાં હું મશગૂલ હતો ને દીકરો દૂરથી બૂમરાણ મચાવતો દોડતો દોડતો મારી પાસે આવ્યો ને હોંશેહોંશે જાહેર કર્યું;"કમલ, આજે જમવાનું મેં બનાવ્યું છે. (આજકાલ મને નામથી બોલાવવાનું એને ભૂત વળગ્યું છે.) "શું વાત કરે છે દીકરા !" આશ્ચર્ય સાથે જેવું મેં બોલવા માટે મોઢું ખોલ્યું કે એણે ચમચી ભરીને દાળ મારા મોંમાં ઠાંસી દીધી. "વાહ, શું અદભૂત સ્વાદ છે!" એના દાવાની ચકાસણી કર્યા વિના જ મેં એના ઉત્સાહને વધાવ્યો આમ છતાં એ જાતે દાળ બનાવી શકે એ વાતમાં મને દમ નહોતો લાગતો એટલે ખાતરી કરવા માટે મેં એની મમ્મીને બૂમ મારી.

"હા, એની વાત અંશતઃ સાચી છે. દાળ બાફેલી હતી અને ડુંગળી અને ટામેટાં સમારીને હું વઘારવા જ જતી હતી ને તમારા લાડકવાયાએ આજે જમવાનું બનાવવાની જીદ પકડી. આનાકાની કરું એ પહેલાં તો એ ટેબલ લઈને રસોડાના પ્લેટફોર્મ પર ચઢી ગયો ને મેં સૂચના આપી એ પ્રમાણે કઢાઈમાં જરૂરી સામગ્રી અને મસાલા નાંખતો ગયો ને છેવટે એની જીદ પૂરી કરીને જ જંપ્યો." દીકરો જાણે ચાંદ પર પગ મૂકીને હમણાં જ પાછો ન આવ્યો હોય એટલી હોંશથી એમણે દીકરાના પરાક્રમને વર્ણવવા માંડ્યું. એમની વાત સાંભળીને અને પાંચ વર્ષનો દીકરો અત્યારથી જ સ્વાશ્રયના પાઠ શીખવા માંડ્યો છે એ જાણીને હું પણ હરખાયો. 


બાપુજી શિક્ષક હતા અને એમનું થોડુંઘણું ઘડતર છાત્રાલયમાં થયું હતું એટલે ઘરના નાનામોટા કામ કરવામાં એમને ક્યારેય નાનમ નડતી નહોતી. રસોઈ બનાવવાનો એમને ભારે શોખ એટલે દર રવિવારે એમનાં હાથનો સ્વાદ અમને માણવા મળતો. ધીમેધીમે અમને બેય ભાઈઓને પણ વારસામાં એ કળા આપતા ગયા. પહેલીવાર જયારે કૂકરમાં બે સીટી વગાડીને વઘારેલી ખીચડી બનાવેલી ત્યારે હું પણ ભાવવિભોર થઇ ગયેલો. રસોઈની સાથે સાથે, પાણી ભરવું, ઘર, કપડાં અને શૌચાલયની સફાઈનો પણ એ અમારી પાસે આગ્રહ રાખતા હતા ને એને લીધે જ એકલા હોઈએ ત્યારે અમને ક્યારેય તકલીફ નહોતી પડતી.

દીકરો પણ એ જ વારસાને આગળ ધપાવી રહ્યો છે એ જાણીને આનંદ થયો. ઘડપણમાં એ અમારી ટેકણલાકડી બનશે કે નહિ એતો ભગવાન જાણે ! પરંતુ નાનાંનાનાં કામ કરવામાં જે રીતે હાથ બટોરી રહ્યો છે એ જોતાં લાગે છે કે એ સ્વાશ્રયી અને સ્વાવલંબી જરૂરથી બનવાનો.

6 જાન્યુ, 2014

તથ્ય મારો દીકરો


ભળભાંખળું થયું ને એનો જન્મ થયો
ચારેકોર પંખીઓ ચેહ્ક્યા 
જાણે એના આગમનને વધાવતા ના હોય !
એનો જન્મ ખંભાતની જનરલ હોસ્પિટલના જનરલ વોર્ડમાં થયેલો,
કારણ એનો બાપ ફેસબુકનો માલિક નહોતો.

એના જન્મના એક કલાક પછી આધેડ વયના નર્સ બહેને મને રૂબરૂ બોલાવીને જાંચપડતાલ શરુ કરી. મારું અને એની માના નામ સરનામાં સુધી બધુંય સમું ઉતર્યું. પણ પછી વાત આવી બાળકની.
બાળકનું નામ?
"બાબો" હંગામી ધોરણે એમણે જાતે જ લખી દીધું.
બાળકનો ધર્મ ?
"બાળકને કદી ધર્મ હોય ખરો?" જવાબ આપવાને બદલે મેં પ્રતિ સવાલ કર્યો એટલે એમનો પિત્તો આસમાને જઈ પહોંચ્યો.
"રાખો ખાનું ખાલી. તમે ને હું કોણ એનો ધર્મ નક્કી કરનારા? સમજણો થશે ત્યારે એ જાતે જ નક્કી કરશે." બળતામાં મેં ઘી હોમી દીધું હતું.
"આવું તો કઈ હોતું હશે ? બાળકના માબાપનો તો કોઈ ધરમ તો હોય ને ! " બહેને અવાજ મોટો કરીને આખો વોર્ડ માથે લઇ દીધો. જોત જોતામાં આ વાત આખા દવાખાનામાં દાવાનળની જેમ પ્રસરી ગઈ.
"એક એવા બાળકનો જન્મ થયો છે જેનો કોઈ ધર્મ નથી."

આ તે 'વોક્સવેગન' કે 'ફોકસવેગન' ?

'ઓટોએક્સ' અને 'ઓવરડ્રાઈવ' જેવા મેગેઝીનો ઘરમાં નિયમિત આવતા થયા પછી તથ્યને ઓટોમોબાઈલની દુનિયામાં ભારે દિલચશ્પી પડવા માંડી છે. બી.એમ.ડબલ્યુ.ની લેટેસ્ટ કન્સેપ્ટવાળી નેકસ્ટ જનરેશન ઇલેક્ટ્રિક કાર 'આઈ થ્રી'થી એ સુપેરે પરિચિત અને ભારે પ્રભાવિત છે.  ઘડિયા બોલતા શીખે એ પહેલાં એ માત્ર કારનો લોગો જોઇને જ જાણીતી કંપનીનું નામ કહી દે છે અને કારના દેખાવ પરથી જ મોડેલનું નામ પણ આપોઆપ એના મોઢા પર આવી જાય છે. મારુતિ સુઝુકી, હોન્ડા અને હ્યુન્ડાઈ જેવી કંપનીઓના લોગો સીધાસાદા છે પણ પણ કેટલાક અઘરા લોગોને યાદ રાખવા માટે એ અસોશિયેસન ટેકનીકનો બખૂબી ઉપયોગ કરે છે. ઉદાહરણ તરીકે મર્સિડીઝ બેન્ઝના લોગોને યાદ રાખવા માટે એ એનું જોડાણ સ્ટાર સાથે અને શેવરોલેના લોગોનું જોડાણ ચોકડી સાથે કરે છે.


એક માત્ર કંપનીનું નામ બોલવામાં એને તકલીફ પડતી હોય તો એ છે જાણીતી જર્મન કંપની 'ફોકસવેગન'. એનું કારણ સીધું છે એનાં લખાણ અને ઉચ્ચાર બંનેમાં ભેદ છે. જર્મનમાં ભલે એ લખાતું હોય 'volkswagen' પરંતુ જર્મનો એનો ઉચ્ચાર તો  'ફોકસવેગન' જ કરે છે. અધૂરામાં પૂરું એનો લોગો પણ  અંગ્રેજી 'v' કે 'w' જેવો દેખાય છે. આમાં જ ભલભલા થાપ ખાઈ જતા હોય તો પછી તથ્યનું તો ગજું જ શું ?

27 ઑક્ટો, 2013

દોડ તથ્ય દોડ.

"ભાગ મિલ્ખા ભાગ" જોયા પછી તથ્યને મિલ્ખાસીંગ જેવા દોડવીર બનવાનું તાન ચઢ્યું છે. ગયા અઠવાડિયે અમે ધરમપુર ફૂલવાડીમાં આવેલી "દીવાલય કન્યા છાત્રાલય"ની મુલાકાત લીધી. ઘણીબધી છોકરીઓને એકસાથે જોઇને તથ્યથી યુદ્ધે ચઢેલા નરબંકાની પેઠે રણલલકાર કર્યા વિના ન રહેવાયું;"ચાલો આપણે દોડવાની શરત લગાવીએ. એકે એકને હું હરાવી દઈશ."
સાડાચાર વર્ષના છોકરાની હિંમતને મજાક માનીને મોટા ભાગની છોકરીઓ હસવા માંડી પણ કેટલીક છોકરીઓએ આ પડકારને ઉઠાવી લીધો.
"ગેટ સેટ રેડી, ગો." પ્રસ્થાન રેખા પરથી આદેશ મળ્યો કે તરત જ બાણમાંથી છૂટેલા તીરની પેઠે છોકરીઓ પવનવેગે દોડવા માંડી ને તથ્ય તો ક્યાંયે પાછળ રહી ગયો. પહેલી રમતમાં હારી ગયો પણ હજી એનો જુસ્સો તો એવો ને એવો જ હતો.
"હજી બે વાર દોડવાનું છે ને એ બંને વાર હું તમને હરાવીને જ જંપીશ." તથ્ય એ પોતાના જુસ્સાને વધારે બુલંદ બનાવ્યો.

આ વેળા, પેલી બાળાઓએ જાણે એના જોમ અને જુસ્સાને માન ને આદર આપતી હોય એમ પોતાની દોડવાની ઝડપ જાણી જોઇને ઘટાડી નાંખી. કહેવાની જરૂર નથી કે તથ્ય બંને વાર વિજેતા ઠર્યો ને દોડતો દોડતો મારી પાસે આવીને ગૌરવભેર કહેવા લાગ્યો;"આબ્બા, આઈ એમ ધ વિનર."

વહાલથી એને ઊંચકી લઈને એની પીઠ થાબડતા થાબડતા મેં એટલું જ કહ્યું;"દીકરા, હાર અને જીત તો ઠીક છે પરંતુ તું હિંમતભેર દોડ્યો એ અમારે મન વધારે અગત્યનું છે."

18 સપ્ટે, 2013

તથ્ય મારો ગુરુ


સાંજના સમયે તથ્યને હું અંગ્રેજીમાં રીતભાત શીખવી રહ્યો હતો. પુનરાવર્તનની પરંપરાગત પદ્ધતિ પ્રમાણે મેં એને કેટલાક વાક્યો હું બોલી રહું પછી બોલવાનું કહ્યું જેવા કે, ગુડ ઇવનિંગ. હાઉ આર યુ ? હેવ યુ હેડ યોર મીલ ? વગેરે વગેરે.

મારા આશ્ચર્ય ને આઘાત વચ્ચે એણે મને એ વાક્યોનું પુનરાવર્તન કરવાની ઘસીને ના પાડી દીધી. કદાચ મારી શીખવવાની એ પદ્ધતિ સામે એને વાંધો હતો એમ માની લઈને મેં એનાથી વધારે સારી અને સહજ રીતને  શોધવાનો પ્રયત્ન આદરવા માંડ્યો. 

બરાબર એજ સમયે મારા સેલફોનની ઘંટડી રણકવા માંડી. નિકટના મિત્રનો ફોન હતો. ખપ પૂરતી વાતચીત કરીને હું ફોન બંધ કરવા જ જતો હતો ને તથ્યએ મિત્ર સાથે વાત કરવાની ઈચ્છા દર્શાવી. એની લાગણીને માન આપીને મેં એને ફોન આપ્યો ને જેવી એણે વાતચીત શરૂ કરી કે એણે ઉચ્ચારેલા વાક્યો સાંભળીને મારી આંખો ફાટી ગઈ. થોડી જ વાર પહેલાં જે વાક્યોને બોલવા માટે હું એને આગ્રહ કરી રહ્યો હતો એજ વાક્યો એ આત્મવિશ્વાસથી બોલી રહ્યો હતો અને સામેથી પૂછાયેલા પ્રશ્નોના જવાબ પણ આપી રહ્યો હતો.

હવે મને ભાન થયું કે હું ક્યાં ગોથું ખાઈ ગયો હતો. નવી પેઢી ગળથૂથીમાં જ ટેકનોલોજીનું માદળિયું સાથે લઈને અવતરી છે. એ ટેકનોલોજીનો પરંપરાગત પદ્ધતિ સાથે વિચારપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો ચમત્કારિક પરિણામો મળી શકે એમ છે. આથી બીજીવાર જયારે એને શીખવવાની નોબત આવી ત્યારે મારે જે કાંઈ એને શીખવવાનું હતું એ બધું જ મેં સેલફોનમાં રેકોર્ડ કરી લીધું ને પછી એજ બાબતોને સાંભળીને પુનરાવર્તન કરવાનું એને કહ્યું. 


કહેવાની જરૂર નથી કે હવે એ પોપટની માફક ફટાફટ બોલતો હતો કારણ, સેલફોનમાં સાંભળીને શીખવાની એને ખૂબ મજા આવતી હતી. 

પાણીનો લોટો.

નિવૃત્તિ પછીના છઠ્ઠા મહિને જ બાપુજીને પક્ષાઘાત લાગુ પડ્યો. વેળાસરની સારવારને કારણે એ બેઠા તો થઇ ગયા પણ એમનાં જમણા હાથ અને પગમાં એની યાદગ...