17 જૂન, 2013

અરે! આ તો કંઈ કારણ કહેવાય !

પત્રો લખવામાં હું વ્યસ્ત હતો ને બરોબર સાડાબાર વાગ્યે મારો સેલ ફોન રણક્યો. સ્ક્રીન પર તથ્યનું નામ ચમકતું હતું.
"આબ્બા, જમવાનું તૈયાર છે." ઘરે હોઉં ત્યારે એ હંમેશાં મારી સાથે જ જમવાનો આગ્રહ રાખે છે.
"અને હા, ઓફિસ બરોબર લોક કરીને આવજો. આપણે ફરવા જવાનું છે." અધિકારપૂર્વક એણે મને સૂચના આપી.
"કંઈ ખાસ કારણ ?" બપોરના સમયે ફરવા જવાની વાત સાંભળીને મને આશ્ચર્ય થયું.
"વરસાદ બરોબર ચઢ્યો છે." એણે હોંશે હોંશે જવાબ આપ્યો.
"અરે ! આ તો કંઈ કારણ કહેવાય." મનમાં ને મનમાં બબડતા બબડતા મેં દરવાજો બંધ કર્યો ને બેઝમેન્ટમાંથી જેવો ઉપર આવ્યો કે બહારનું વાતાવરણ જોઇને હું તો ખુશખુશાલ થઇ ગયો.

આકાશ આખું કાળાડિબાંગ ગાભણાં વાદળોથી ગોરંભાયેલું હતું. મંદ મંદ માદક પવન હૈયાને હેતે સ્પર્શી જતો હતો ને વાતાવરણ એકદમ આહલાદક ને ખુશનુમા હતું. વરસાદ બરોબર ચઢ્યો હતો ને ગમે ત્યારે ધરતીને પલાળી દેવા તૈયાર હતો.

બપોરના સમયે અમે ત્રણેય સાથે હોઈએ ને વરસાદ વરસવાની તૈયારી હોય એવો યોગાનુયોગ વરસના ત્રણસો ને પાંસઠ દિવસમાં ભાગ્યે જ જોવા મળે છે. કામ તો જિંદગી ભર કરવાનું જ છે ને! આવો સમો ફરી ક્યારે મળવાનો છે એમ વિચારીને મેં ઘર ભણી દોટ મૂકી ને જમ્યા પછી બજાર ભણી.

પૂરા ત્રણ કલાક અમે ભીંજાયા વરસાદની સાથે, એકબીજાની સાથે. ભર્યા બજારમાં "મને ભીંજવે તું, તને ભીંજવું હું." એમ ગાતા ગાતા પાણીમાં લાતામલત કરી ને વરસાદને પૂરા હેતથી કહ્યું; "અલ્યા ઓ ધીંગા વરસાદ તારા નામે, કર્યો અર્પણ આ દા'ડો તારા નામે."

હવે તમે જ કહો. "વરસાદ બરોબર ચઢ્યો છે." એ તો કોઈ કારણ કહેવાય !

ટિપ્પણીઓ નથી:

પાણીનો લોટો.

નિવૃત્તિ પછીના છઠ્ઠા મહિને જ બાપુજીને પક્ષાઘાત લાગુ પડ્યો. વેળાસરની સારવારને કારણે એ બેઠા તો થઇ ગયા પણ એમનાં જમણા હાથ અને પગમાં એની યાદગ...