મારા આશ્ચર્ય ને આઘાત વચ્ચે એણે મને એ વાક્યોનું પુનરાવર્તન કરવાની ઘસીને ના પાડી દીધી. કદાચ મારી શીખવવાની એ પદ્ધતિ સામે એને વાંધો હતો એમ માની લઈને મેં એનાથી વધારે સારી અને સહજ રીતને શોધવાનો પ્રયત્ન આદરવા માંડ્યો.
બરાબર એજ સમયે મારા સેલફોનની ઘંટડી રણકવા માંડી. નિકટના મિત્રનો ફોન હતો. ખપ પૂરતી વાતચીત કરીને હું ફોન બંધ કરવા જ જતો હતો ને તથ્યએ મિત્ર સાથે વાત કરવાની ઈચ્છા દર્શાવી. એની લાગણીને માન આપીને મેં એને ફોન આપ્યો ને જેવી એણે વાતચીત શરૂ કરી કે એણે ઉચ્ચારેલા વાક્યો સાંભળીને મારી આંખો ફાટી ગઈ. થોડી જ વાર પહેલાં જે વાક્યોને બોલવા માટે હું એને આગ્રહ કરી રહ્યો હતો એજ વાક્યો એ આત્મવિશ્વાસથી બોલી રહ્યો હતો અને સામેથી પૂછાયેલા પ્રશ્નોના જવાબ પણ આપી રહ્યો હતો.
હવે મને ભાન થયું કે હું ક્યાં ગોથું ખાઈ ગયો હતો. નવી પેઢી ગળથૂથીમાં જ ટેકનોલોજીનું માદળિયું સાથે લઈને અવતરી છે. એ ટેકનોલોજીનો પરંપરાગત પદ્ધતિ સાથે વિચારપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો ચમત્કારિક પરિણામો મળી શકે એમ છે. આથી બીજીવાર જયારે એને શીખવવાની નોબત આવી ત્યારે મારે જે કાંઈ એને શીખવવાનું હતું એ બધું જ મેં સેલફોનમાં રેકોર્ડ કરી લીધું ને પછી એજ બાબતોને સાંભળીને પુનરાવર્તન કરવાનું એને કહ્યું.
કહેવાની જરૂર નથી કે હવે એ પોપટની માફક ફટાફટ બોલતો હતો કારણ, સેલફોનમાં સાંભળીને શીખવાની એને ખૂબ મજા આવતી હતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો