આ-શરમ બાપુના કરતૂતો વાંચવામાં ધ્યાનમગ્ન હતો ને અચાનક ઘોંઘાટ શરૂ થયો ને ચિત્રવિચિત્ર શબ્દો સંભળાવા માંડ્યા "ઈર યુંગ, કિંગ ખાન, યયો હની સીંગ ........"
સામાયિકમાંથી માથું બહાર કાઢીને જોયું તો દીકરો "લેડી ગાગા"ની જેમ અવાજ કાઢીને ઉપરોક્ત ગીત પ્લયેર કરતાં પણ મોટા અવાજે ગાતો હતો.
કદાચ વિધવિધ ભાષાઓમાં બોલવાની એને ભેટ મળી હશે એમ માનીને મેં વાંચવામાં ધ્યાન પરોવવાનો પ્રયત્ન કરી જોયો પણ નિરર્થક કારણ એણે હવે ડાકલાં વગાડતા વગાડતા ભૂવો ધૂણતો હોય એમ ડોકું આમતેમ હલાવવાનું ચાલું કર્યું. નક્કી એનો પગ ક્યાંક કુંડાળામાં પડી ગયો છે એમ માનીને મને ચિંતા થવા માંડી.
"અલ્યા, શાહરુખને તો નાચવાના પૈસા મળે છે. પૈસા મેળવવા માટે આજે એ લુંગી ડાન્સ કરશે તો કાલે ચડ્ડી ડાન્સ ને પરમ દા'ડે ......(બાકીના શબ્દો હું સભાનપૂર્વક ગળી ગયો.) પણ તું શું કામ ભૂરાંટા થયેલા આખલાની પેઠે આમ છાકોટા નાખીનાખીને કૂદકા મારે છે." એનો ઘોંઘાટ બંધ કરાવવા મેં ઘાંટો પાડ્યો પણ એની અસર એની ઉપર પડી નહિ. ઉલટાનું "ગંગનમ" સ્ટાઈલમાં એણે હાથપગ આમતેમ ઉલાળવાનું શરૂ કર્યું .
"આણે ક્યારથી ને કેવી રીતે આમ ગાવાની ને નાચવાની શરૂઆત કરવા માંડી છે ?" એની ડાગળી છટકી ગઈ છે એમ માનીને મેં એની મમ્મીને આડા હાથે લેવા માંડી.
"તમે જ્યારથી પેલી "ચેન્નાઈ એક્સપ્રેસ"ની સીડી ઘરે લાવ્યા છો ને ત્યારેથી એને ચાનક ચઢી છે." તીર મારી ભણી ફેકાયું.
"હેં હેં ...... ?" મારા ચહેરાના હાવભાવ કોકોનટમાં લસ્સીની જગ્યાએ જાણે વ્હીસ્કી ન મેળવી દીધી હોય એવા થઇ ગયા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો