4 જાન્યુ, 2014

'હબય્ડકા' તો મારવા જ પડે, હોં ભાઈ !

સાસણ ગીરના ચિત્રોડ ગામમાં મિત્રની ડેલીએ મારો બે દા'ડાનો વાસ. કાઠિયાવાડમાં ઘરના મહેમાન એ ફળિયાના ને આમ જુઓ તો ગામ આખાના મહેમાન ગણાય એટલે બધાયના ઘરે ચા પીવા તો જાવું જ પડે. એક ઠેકાણે ચા પીવા જાતા પે'લા જ મિત્રએ મને જણાવેલું કે; "અમારે ન્યાં તમારા શે'ર જેવું નહિ, ચા તો અડાળીમાં જ પાવાની, કપ બપ નો મળે."

"કાંઈ વાંધો નહિ હોં ભાઈ, તમતમારે ચિંતા કરો મા" મેં જવાબ આપેલો ને પછી; "આપણે ક્યાં આંબા ગણવા છે?  હાવજની ડણકું હાંભળતા હાંભળતા કાઠિયાવાડી ચાની લિજ્જત માણવાની હોય તો પછી એ કપમાં હોય કે અડાળીમાં શું ફેર પડે છે?" હું મનમાં જ ઉચરેલો

આખા દૂધમાં બનાવેલી કડક મીઠી ને મસ્ત ચા પીને અમે જેવા બહાર આવ્યા કે મિત્રએ લાગલું જ પૂછ્યું; " કાં કમલભાઈ; ટેસ ન પડ્યો કે શું?"

"મને તો ભારે ટેસ પડ્યો. બીજી અડાળી આપી હોત તોયે ઠઠાડી દેત." મેં ખુશી વ્યક્ત કરી.

"આતો તમે ચા પીતી વખતે 'હબય્ડકા' નો'તા મારતા એટલે હાવ અમથું જ પૂછ્યું બાકી ચા પીતી વખતે બે ચાર 'હબય્ડકા' માર્યા હોય તો હામે વાળાનેય ખબર પડે કે મે'માનને  ટેસ પડ્યો છે." દેવેનભાઈએ રહસ્ય છતું કરી દીધું.

ત્યારની ઘડી ને આજનો દિ, ચા પીતી વખતે 'હબય્ડકા' મારવાનું હું સપનામાંય ભૂલતો નથી.

(સાસણ ગીરના સંસ્મરણોને આધારે)


ટિપ્પણીઓ નથી:

પાણીનો લોટો.

નિવૃત્તિ પછીના છઠ્ઠા મહિને જ બાપુજીને પક્ષાઘાત લાગુ પડ્યો. વેળાસરની સારવારને કારણે એ બેઠા તો થઇ ગયા પણ એમનાં જમણા હાથ અને પગમાં એની યાદગ...