વીસમી તારીખે રવિવારના રોજ તથ્યનો જન્મદિન અમે નોખી રીતે ઉજવવાનું નક્કી કર્યું. સાપુતારા નામનું હવા ખાવાનું મથક હોય અને સહ્યાદ્રિ પર્વતોની હારમાળા સાદ દેતી હોય ત્યારે એના એ સાદને અવગણી શકાય ખરો! અમે દિવસ આખો સહ્યાદ્રિના સંગમાં ગાળવાનું નક્કી કર્યું.

બપોરનું ભાથું સાથે લઈને અમે સવારના બરોબર અગિયાર વાગ્યે સાપુતારા છોડ્યું. મહારાષ્ટ્રમાં પ્રવેશ્યા પછી બે બાબતો ઉડીને આંખે વળગી. એક તો એની એજ સહ્યાદ્રિ પર્વતોની હારમાળા હવે નદી, ઝરણાં અને જંગલના સાથ વગર સાજશણગાર વિનાની સ્ત્રીની માફક બોડકી લાગતી હતી. બીજું, રસ્તો સાંકડો અને ઉબડખાબડ જોવા મળ્યો. અલબત, પાંચ જ કિલોમીટર વટાવ્યા પછી હતગઢનો કિલ્લો જોઇને રસ્તાનું દુઃખ ઝટ વિસરી જવાયું. એજ રસ્તા પર થોડું આગળ વધતાં જ સ્ટ્રોબેરીના નાનાંનાનાં બગીચાઓ જોવા મળ્યા. દૂરથી પાલકની ભાજી વાવી હોય એવા નાનકડા ખેતરોમાં નજીક જઈને જોયું તો ઘાસમાં જાણે સસલું લપાઈછુપાઈને બેઠું હોય એમ નાનકડી ને રૂપકડી લાલચટ્ટાક સ્ટ્રોબેરીનાં ફળ પાંદડાઓની વચ્ચોવચ્ચ જોવા મળ્યા. શરમાળ પ્રકૃતિનાં થોડાંક ફળોને થોડી સહેલગાહ કરાવવાના હેતુથી અમે અમારી સાથે લઇ લીધાં.

હવે અમે નાસિક રોડ ઉપર 'વની' નામનાં શહેર ભણી આગળ વધી રહ્યા હતા. વધારે પાંચ કિલોમીટર આગળ વધ્યા પછી વળી પાછી એ પર્વતમાળા નવીનવેલી વહુની માફક સાજશણગાર સજ્યા હોય એટલી સુંદર અને નયનરમ્ય લાગવા માંડી કારણ હવે એના ખોળામાં નજર પહોંચે ત્યાંસુધી લીલાંછમ દ્રાક્ષનાં માંડવાઓ જોવા મળતા હતા. જરૂર પુરતું પાણી, કાળી અને સખત જમીન અને સાનુકુળ હવામાનને કારણે આ સૂકા વિસ્તારમાં દ્રાક્ષ પુષ્કળ પ્રમાણમાં થાય છે. આને માત્ર કુદરતની બલિહારી ગણી શકી શકાય એમ નથી કારણ, અહીના ખેડૂતોની પરસેવો પાડી દેતી સખત મહેનત અને દ્રાક્ષના વેલાંઓનો પહેલા ખોળાના સંતાનની માફક પદ્ધતિસરનો ઉછેર પણ એટલો જ જવાબદાર છે.

આ વિસ્તારને જોયા પછી ઈઝરાયેલની યાદ તાજી થયા વિના ન રહે. છોડની વાવણી થાય ત્યારથી માંડીને એની ઉપરના ફળ તોડી લીધા પછી પણ અહીના ખેડૂતો આ દ્રાક્ષના વેલાંઓની સંતાનની માફક કાળજી લે છે. નિયત અંતરે છોડ રોપવામાં આવે છે જેથી યોગ્ય સમયે નિદામણ થઇ શકે. એ ઉપરાંત એનો વિકાસ યોગ્ય રીતે થાય એ માટે સમયાંતરે છટણી કરવામાં આવે છે. તદુપરાંત, આ વેલાંઓને ચોક્કસ પ્રમાણમાં ખાતર અને પાણી મળી રહે એ માટે વૈજ્ઞાનિક અને પદ્ધતિસરની ટપક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. આટઆટલી કાળજી અને દેખરેખ રાખ્યા પછી એના ફળ ન મળે તો જ નવાઈ ! ભારતભરમાં અહીંની દ્રાક્ષ વખણાય છે.
કહેવાની જરૂર નથી કે ભરબપોરે ધોમધખતા તાપમાં આ દ્રાક્ષના માંડવાઓની શીળી ને લીલીછમ છાયામાં અમે બપોરનું ભોજન લીધું. આ ભોજનનો સ્વાદ અમને દ્રાક્ષના ફળ જેટલો જ મીઠો ને મધુરો લાગ્યો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો