જાંબુઘોડામાં અમે ભાડાના મકાનમાં ઉપરના માળે રહેતા હતા ત્યારે તથ્યની ઉમર છ મહિના કરતાં વધારે. ભાંખોડિયા ભરવાનું શીખ્યા પછી એને સાચવવો અઘરો પડતો હતો કારણ, એ ભાંખોડિયા ભરતાં ભરતાં મોંમાંથી 'બ્રૂમ બ્રૂમ અવાજ કરતો કરતો સીધો બાલ્કનીમાં પહોંચી જતો હતો. ત્યાંથી એ દાદર સુધી ન પહોંચી જાય એટલા માટે અમે કામ કરતાં હોઈએ ત્યારે અમારે એના થનગનતા પગને બે દુપટ્ટાથી બાંધી રાખવા પડતા જેથી એ નિયત અંતર કરતાં વધારે આગળ ના વધી જાય. અલબત, એ વેળાએ જ એનાં જોશ અને થનગનાટ જોઇને અમને લાગતું કે એ સાઈકલ અને કારનો શોખીન બનશે.
એ પોણા બે વર્ષનો થયો ત્યારે અમે એની માટે 'ટ્રાઈસિકલ' લાવવાનું નક્કી કર્યું પણ 'જયશ્રી સાઇકલ સ્ટોર'વાળા કનુકાકાએ એનો બાંધો જોઇને 'સપોર્ટ'વાળી બાઈસિકલ લેવાની સલાહ આપી. એમની સલાહ અને અમારો નિર્ણય તથ્ય માટે લાભદાયી નીવડયાં. થોડા જ દિવસોમાં એણે બાઈસિકલ ચલાવતાં શીખી લીધું ને છ મહિનાની અંદર તો સપોર્ટ દૂર કરવાની નોબત આવી. અઢી વર્ષની ઉમરે હવે એ આત્મવિશ્વાસપૂર્વક બાઈસિકલ ચલાવતો હતો. માત્ર ઘરના આંગણામાં જ નહિ પરંતુ મુખ્ય રસ્તા પર પણ એ એકદમ સ્પષ્ટ નિર્ણય લઇને નીડરતાથી આગળ વધતો હતો અલબત, એની ચલાવવાની ઝડપ અમારે માટે ચિંતાનો વિષય બની રહેતી હતી. ચાર વર્ષનો થયો ત્યારે એણે થોડી મોટી સાઈકલ ચલાવવાનું શરૂ કર્યું ને અમારી ચિંતા વધવા માંડી કારણ હવે એ ઝડપની સાથેસાથે સાઈકલના દાવપેચ અજમાવવાનો પ્રયત્ન કરતો હતો. અલબત, એનો શારીરિક અને માનસિક વિકાસ જોતાં અમને લાગ્યું કે હવે એને વધુ સારી સાઈકલ 'હેલ્મેટ' જેવાં સલામતીના સાધનો સાથે આપવી જરૂરી છે. ખાસ્સી શોધખોળ અને જાંચ પડતાલ કર્યા પછી અમે એની માટે સ્ટંટ કરવા માટેની ખાસ સાઈકલ બીએમએક્સ ખરીદીને એ પાંચ વર્ષ પૂરા કરે ત્યારે આપવાનું નક્કી કર્યું.
મજાની વાત એ છે કે હજીસુધી એણે શાળાનું પગથિયું જોયું નથી કારણ, પાંચ પૂરા કરે પછી જ અમે એને શાળામાં મૂકવાનો નિર્ણય લીધો છે. અલબત, એની શીખવાની ધગશ એટલી બધી છે કે ત્રણ આંકડાનો સરવાળો પણ એ ચપટી વગાડતામાં કરી બતાવે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો