પેટલાદમાં પીલુડીની આસપાસ આંટા મારતાં મારતાં હું બાળપણમાં જ ભાડાની સાઈકલ ચલાવતા શીખી ગયેલો ને ત્યાર પછી પહેલી સાઈકલ સવારી મેં એંશીના દાયકામાં બાપુજી હરક્યુલસ કંપનીની સાઈકલ સાતસો રૂપિયામાં લાવ્યા હતા ત્યારે માણી હતી. કમનસીબે, એ સાઈકલ છ જ મહિના પછી ચોરાઈ ગઈ હતી. ત્યારબાદ, કોલેજકાળમાં મેં બજારમાં નવી અને સૌથી પહેલી આવેલી બીએસએ કંપનીની "સ્ટ્રીટ કેટ" નામની સ્પોર્ટ્સ સાઈકલ ખાસ્સી જીદ કરીને ખરીદી હતી. મોટરસાઈકલની હજી શરૂઆત થઇ રહી હતી એટલે એ જમાનામાં ચલણ સાઈકલનું જ હતું, કોલેજમાં સાઈકલ લઇને જવું એ પ્રતિષ્ઠાનો વિષય ગણાતો ને એમાંય બે ચાર સ્ટંટ આવડતા હોય તો તો ભારે વટ પડતો. "ફૂલ ઓર કાંટે"નું ભૂસું મગજમાં એવું ભરાયું હતું કે મોટે ભાગે ઘરે આવીને હું અજય દેવગણનાં સ્ટંટનો અનુકરણ કરવાનો પ્રયત્ન કર્યા કરતો. નસીબ સારું હતું કે મારા હાથ પગ હંમેશાં સાજા ને નરવા રહ્યા. માસ્ટર ડિગ્રી મેળવી ત્યાંસુધી 'સ્ટ્રીટ કેટ' મારી સાથે જ રહી.
સંઘમાં જોડાયો ત્યારેય સાઈકલનો સાથ ન છૂટ્યો. અમદાવાદ, સુરત અને પૂના જેવા મોટા શહેરોની ગલી ગલી મેં સાઈકલ પર ધમરોળી નાંખી. ત્યાંથી પાછા આવ્યા પછી ફરી ભણવાનું શરૂ કર્યું ને ફરીથી નવી સાઈકલ ખરીદી. સંજોગોવશાત, એ સાઈકલને બે હજાર આઠમાં કોલેજ પૂરી થતાંની સાથે જ રામ રામ કરવાની નોબત આવી ને મારો સાઈકલપ્રેમ છ છ વર્ષ સુધી દિલના એક ખૂણામાં ક્યાંક સુષુપ્ત અવસ્થામાં ધરબાઈને પડ્યો રહ્યો.
ગયા મહિને દીકરાને જયારે બીએમએક્સ સાઈકલ ભેટમાં આપી ત્યારે સુષુપ્ત રહેલો એ સાઈકલપ્રેમ ફરીથી સળવળી ઉઠ્યો ને મેં નવી સાઈકલ ખરીદવાનું નક્કી કરી લીધું. 'આર કે સન્સ'ના મિત્રો કમલભાઈ અને મનોજભાઈનું યોગ્ય માર્ગદર્શન મેળવીને મેં ઈન્ટરનેટ પર સાઈકલની વિવિધ કંપનીઓ અને એનાં જુદા જુદા મોડલનો અભ્યાસ કર્યો ને છેવટે મારી જરૂરિયાત, મારું બજેટ અને મારા વ્યક્તિત્વને ધ્યાનમાં લઈને મેં માળા પહેરાવી 'લા સોવરીન' કંપનીની 'બ્લેઝર' સાઈકલ ઉપર. 'બ્લેઝર'ને માળા પહેરાવવાના કેટલાક ખાસ કારણો અને ખાસિયતો નીચે મુજબ છે;
1, નવી પેઢીને ગમે એવી આધુનિક ફેન્સી ડિઝાઇન છે.
2, ગ્રે અને સફેદ રંગને કારણે એનો દેખાવ સુંદર અને અદભુત છે.
3, વજનમાં હલકી હોવા છતાં મારા જેવાનો ભાર ખામી શકે એવી મજબૂત છે.
4, એની બનાવટમાં જે મટીરીયલ વપરાયું છે એ સરખામણીમાં વધારે સારું છે.
5, આંચકા ખમી શકાય એ માટે આગળના વ્હીલમાં સસ્પેન્શન છે.
6, આગળની બાજુએ ડિસ્ક બ્રેક છે અને પાછળ પાવર બ્રેક છે.
7, કંપની અને મોડેલનું નામ વટ પડે એવું છે, સાવ દેશી નથી.
8, વિક્રેતાના દાવા અનુસાર એનો રીપેરીંગ ખર્ચ નહિવત છે.
9, કિંમત સામાન્ય કરતાં વધારે હોવા છતાં ખિસ્સાને પરવડે એટલી છે.
10, એનું નામ "બ્લેઝર' છે. ક્રિયાપદ 'બ્લેઝ્નો અર્થ થાય પાયોનિયર એટલે કે શરૂઆત કરનાર.
આમ, આ વેળાનો મારો અનુભવ ખાસ તો સાઈકલ ખરીદી એ પહેલાંની પળો, સાઈકલ ખરીદતી વખતની વેળા અને ત્યારપછી નવીનવેલી સાઈકલને રેવાળ ચાલે ચાલતા અશ્વની માફક ઘરે સુધી લઇ આવવાની આખી પ્રક્રિયા એક રસપ્રદ, ભાવુક અને આધ્યાત્મિક અનુભવ બની રહ્યો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો