બરોબર બે હજાર પાંચની સાલમાં હું સુરત જીલ્લાના આદિવાસી તાલુકાઓમાં કામ કરતો હતો. મોટાભાગે લોકો સાથે ગામડાઓમાં જ રહેવાનું બને. માંડવી તાલુકાના બુધિયાભાઈ મારા સહકાર્યકર એ નાતે કાણાઘાટ નામના ગામમાં આવેલા એમના ઘરે અવારનવાર રહેવાની તક ઉભી થાય.
માંડવીથી લગભગ પંદરેક કિલોમીટર દૂર બરોબર જંગલની મધ્યે વસેલું નાનકડું કાણાઘાટ - જોઇને આંખો ઠરે એવું રૂપકડું ને રળિયામણું ગામ. દિવસ દરમિયાન અમે બેય જણ મોટરસાઈકલ પર આજુબાજુના ગામોમાં રખડતા ફરીએ એટલે સાંજ પડતાં તો થાકીને લોથપોથ થઇ જઈએ. રાતે ચોખાના રોટલા ને દાળનું સાદું પણ સ્વાદિષ્ટ ભોજન લઈને બે વાતો કરીએ ના કરીએ ત્યાં તો નિંદ્રાદેવીનું તેડું આવી જાય.
સવારમાં સૂરજ ઉગે ને મારી દિનચર્યા શરૂ થાય. ઉઠતાંવેંત, સવારની મુખ્ય વિધિઓ પૂરી કરવા માટે હું એમને ઘરેથી પાંચેક મિનિટના અંતરે આવેલી નાનકડી નદી ભણી દોટ મૂકું. વરસ આખું ડચકા ખાતી એ નદી ચોમાસામાં સગર્ભાની પેઠે પ્રસન્ન અને આનંદિત જણાય. એમાંય એનાં છીછરાં પાણીમાં મારા જેવા ભૂચકો મારે ત્યારે તો એનો આનંદ બેવડાઈ જાય. વરસાદની મોસમમાં આ જ નદીમાં પાણી ઉછાળતાં ઉછાળતાં મેં સેંકડોવાર વરસાદનો સાદ સાંભળ્યો છે.
પંખીઓનાં ચહેકાટ સિવાય શાંત અને સૌમ્ય આ વિસ્તારમાં અચાનક પાંદડાઓનો લય અને તાલબદ્ધ અવાજ શરૂ થઇ જાય ને વાતાવરણમાં સન્નાટો છવાઈ જાય અને હજી શું બની રહ્યું છે એની ધારણા બાંધું એ પહેલાં તો વરસાદ તૂટી પડે. શરૂઆતમાં તો અચાનક આવતો આ અવાજ વરસાદના આગમનની છડી પોકારતો હતો એ ખબર નહોતી પડતી પરંતુ, જેમજેમ અનુભવ થતો ગયો એમએમ સુપેરે ખબર પડવા માંડી કે એ વરસાદના આગમનની આગોતરી જાણ જ હતી. વાત એમ બનતી કે ત્યાંના જંગલમાં સાગનાં સેંકડો વૃક્ષો હતા આથી જયારે વરસાદ જોજન દૂર હોય ત્યાં જ એ પાંદડાઓ પર વરસતાં બિંદુઓ લય અને તાલ સાથે ચોક્કસ અવાજ સાથે એ આવી રહ્યો છે એની એંધાણી પૂરી પાડી દેતા.
થોડા સમયનો એ ખેલ હતો પણ એ અવાજને આધારે અનુમાન બાંધવાની ખૂબ મજા આવતી. મોટાભાગે તો એ અનુમાન સાચું જ પડતું. વરસાદ ક્યારેક ધીમેધીમે ચાલતા ઘોડાની માફક રેવાળ ચાલે આવતો તો ક્યારેક સુપરસોનિક વિમાનની ઝડપે આવી પહોંચતો. સાગના પાંદડાઓ પર થતાં તાલ અને લયબદ્ધ અવાજને આધારે વરસાદનું જોશ કેટલું હશે - ઝરમર ઝરમર વરસસે કે પછી સાંબેલાની ધારે આવશે એ અચૂક ખબર પડી જતી.
હા, બિલ્લીપગે લપાઈ છુપાઈને આવીને અચાનક વરસવાની વરસાદની એષણાઓ પર સાગના પાંદડાઓ પાણી ફેરવી દેતા કારણ, ચૂપ રહેવું એમનાં સ્વભાવમાં હરગિજ નહોતું.


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો