સામાજિક પ્રસંગમાં હાજરી આપવા માટે બા બાપુજીને લઈને જવાનું હતું. સમય સાચવવો જરૂરી હતો. ગાડીને ચાલુ કરીને મેં ગિયરમાં નાંખી. હાથ સ્ટીયરીંગ ઉપર, પગ એક્સીલેટર ઉપર ને નજર આમતેમ કશુંક શોધી રહી હતી. બેધ્યાનપણું મને ભારે પડ્યું. હજી તો માંડ દસ મીટર આગળ વધ્યા હોઈશું ને ગાડીના આગળના પૈડાની ધરી મસમોટા કોન્ક્રીટના પથ્થર પર ચઢીને અટકી ગઈ. પથ્થર માળખા સાથે ટકરાયો હતો એટલે ભારે અવાજ આવ્યો. ભયભીત થઈને મેં ગાડીને તરત ઉભી રાખી. નીચે ઉતરીને જોયું તો મોટો પથ્થર એક્સેલ અને માળખા વચ્ચે એવો ફસાયો હતો કે એ નીકળે નહિ ત્યાં સુધી ગાડી આગળ વધવાની કોઈ શક્યતા નહોતી.
"એ ગાડી ફસાઈઈ .....ચાલો, ચાલો જોવા જઈએ." એમ બોલતાં બોલતાં બિટ્ટુ, સાનવી, જોય, ભયલુ ને બીજા બે ચાર જણાં ઘડીભરમાં અમારી આજુબાજુ એકઠા થઇ ગયા. શરૂઆત પથ્થરને તોડવાથી કરી. પણ કોન્ક્રીટનો પથ્થર એમ સહેલાઈથી તૂટે ખરો! "અંકલ, પથ્થરની નીચેની માટી ખોદી કાઢીએ. માટી ભીની હોવાને કારણે કદાચ, પથ્થર નીચે બેસી જાય ને ગાડી આસાનીથી નીકળી જાય." હરેશભાઈના ભયલુએ સૂચન કર્યું ને ઘડીવારમાં મોટી નરાશ લાવીને ખોદવા પણ બેસી ગયો. ખાસ્સી માટી ખોદી નાંખી પણ પથ્થર હલવાનું નામ નહોતો લેતો.
કદાચ, ગાડીને જેક ઉપર ચઢાવીએ તો અમારું કામ આસન થઇ જાય એમ વિચારીને અમે જેકના આંટા ચઢાવવાનું શરૂ કર્યું. પાડોશી હરેશભાઈ પણ મદદે આવી ચઢ્યા. કપડાંની દરકાર કર્યા વિના અદુગળા પડીને એમણે જેક ચઢાવવાનું શરૂ કર્યું. ગાડી ધીમેધીમે ઉંચે ઉઠવા માંડી પણ જમીન ભીની અને પોચી હોવાને કારણે ગાડી પાછી પડે એની અમને ચિંતા હતી. બીજી બાજુ, ધ્યાનથી નિરીક્ષણ કરીને અવનવા સૂચનો કરી રહેલા બાળકો અમને હવે દખલરૂપ લાગવા માંડ્યા હતા. ગાડી ખાસ્સી અદ્ધર આવી પણ પથ્થર ધ્યાનમગ્ન ઋષિની પેઠે ટસમસ થવાનું નામ જ નહતો લેતો. સમય વધતો જતો હતો ને અમારી અકળામણ પણ વધવા માંડી હતી. એક ક્ષણ તો બોલકાં બાળકોને ત્યાંથી તગેડી મૂકવાનો વિચાર પણ આવી ગયો. આમછતાં, મનને કાબૂમાં રાખીને નવો દાવ અજમાવવાનું નક્કી કર્યું.
"કાકુ, આગળના પૈડાને બહાર કાઢી લઈએ તો!" ભાઈની દીકરી બિટ્ટુએ નવતર વિચાર આપ્યો.
"તો તો, આસાનીથી પથ્થરને બહાર ખેંચી લેવાય." ભયલુએ આત્મવિશ્વાસથી ટાપસી પૂરી.
"અરે હા, આ વિચાર તો આપણને સૂઝ્યો જ નહોતો." અમે મોટેરાંઓ ભોંઠા પડીને એકબીજાની સામું તાકવા માંડ્યા.
ગાડી જમીનમાં ઉતરી હોવા છતાં, જેક પર હોવાને કારણે આગળનું પૈડું કાઢવું સહેલું હતું. બે જ મિનિટમાં અમે એ કામ પૂરું કર્યું ને ત્રીજી મિનિટે પેલા પથ્થરને બહાર ખેંચી કાઢ્યો. જેવું પૈડાને પાછું ગોઠવીને મેં ગાડીને ચાલુ કરી કે તરત જ બુદ્ધિશાળી બાળસેના "એએ ઈઈ .... ગાડી ચાલુ થઇ ગઈ." એમ બોલતાં બોલતાં વિજયગાન ગાવા માંડી.


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો