રૂપલી ને સેવલી બેય બેનોની આંખોમાં ઉજાગરો વર્તાતો'તો ને એમના હાથોમાંથી મેહંદીનો રંગ હજી ઉતર્યો નહોતો એ પરથી જ ખબર પડી ગઈ કે એમના લગન થયા ને હજુ ઝાઝા દહાડા નહોતા થયા. ભાગ અમારા એટલા પ્રબળ કે જે દહાડે અમે આંબા ગામમાં એમના ઘરે ગયા એજ દહાડે એમનું આણું વળાવવાનું હતું.
પરંપરાગત રીતે 'ભીલ' આદિવાસીઓમાં લગ્ન પછી ત્રણ ત્રણ આણા વળાવવાનો ચાલ ને રિવાજ. જેટલો ખરચ લગનમાં થાય એટલો જ બીજો આણા વળાવવામાં પણ થાય. કોઈ ભડનો દીકરો એમાં ફેરફાર ના કરી શકે પછી ભલે ને માથે ટાલ પડી જાય. ખાવું, પીવું ને નાચવું એજ એમનું જીવન. કાળી મજૂરી કરીને જે કાંઈ બચાવ્યું હોય એ આવે ટાણે ખાલી કરી નાંખે.
આણામાં પણ લગન જેટલો જ ખરચ થાય કારણ ગામ આખું જમે એટલા અડદના વડા બનાવવા પડે, ત્રણથી ચાર બકરાંઓ વધેરવા પડે ને સહુને ઓડકાર આવે એટલું મહુડાનું 'પરંપરાગત પીણું' બનાવવું પડે.
અમને જોઈને રૂપલીના ઘરવાળા ભાવવિભોર થઇ ગયા. ખાટલો ઢાળ્યો ને ટાઢું બોળ પાણી પાયું. થોડી વાર વાતો કર્યાં પછી ખાખરાના પાનમાં ગરમા ગરમ વડા પીરસ્યા ને ચાની જગ્યાએ એમનું 'પરંપરાગત પીણું' પણ અછોવાનાં કરીને પીવડાવ્યું.
અમને તો ભાવતું'તું ને વૈદે કીધું. ગરમા ગરમ વડાનો સ્વાદ પછી દાઢે ન વળગે તો જ નવાઇ !
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો