28 ઑક્ટો, 2014

તમે, એ શું બોલ્યા?

બરોબર દિવાળીને સપરમે દા'ડે સોમનાથથી સવારે સાત વાગ્યે નીકળ્યા ને ગાડીને મેં ભાવનગર હાઈવે ઉપર લીધી. દીવ પહોંચવાની એટલી બધી ઉત્કંઠા હતી કે સ્પીડોમીટરનો કાંટો ક્યારે સોને પાર કરી ગયો એની ખબર ના રહી. બરોબર સાડા નવે અમે ખાડીની સામે આવેલી આલીશાન હોટેલ આગળ જઈ પહોંચ્યા. હા, એ અમારી પસંદગીની હોટેલ છે કારણ, અમને પરવડે એવા ભાવમાં દરિયાની બરોબર સામે રહેવાનો લાહવો મળે છે ને છોગામાં ત્યાંની રેસ્ટોરાંનું લોકેશન જેટલું ભવ્ય છે એટલું જ સ્વાદિષ્ટ ભોજન પણ મળે છે. 
"આજે નોર્મલ રેટ છે. આવતીકાલે એજ રૂમના ત્રણ ગણાં વધારે ચૂકવવા પડશે." રીસેપ્નીસ્ટે અમને આવકારીને વાસ્તવિકતા જણાવી દીધી.
"ત્રણ ગણાં વધારે ભાવ." મારી આંખો ફાટી ગઈ. મેં સંગિની ભણી નજર ફેરવી. "ઠીક છે, અમારી પાસે છવ્વીસ કલાકનો સમય છે ને એટલો પૂરતો છે." તાત્કાલિક આયોજન બદલી નાંખ્યું ને બેની જગ્યાએ અમે માત્ર એક દિવસ ત્યાં રોકાવાનું નક્કી કરી લીધું.

રૂમ પર જઈને હાથ પગ મોં ધોઈને હળવા કપડાં ધારણ કરી અમે દીવનાં કિલ્લા ભણી ચાલી નીકળ્યા. સેંકડો વાર જોયેલા આ પોર્ટુગીઝ કિલ્લાને અમે ફરી એકવાર જોવા માટે જઈ રહ્યા હતા. ફરક એટલો જ હતો કે આ વખતે અમે માત્ર ત્રણ જ જણ હતા ને સાથે ડિજીટલ કેમેરો હતો. ત્યાં પહોંચતાવેંત મેં મોરચો સંભાળી લીધો ને ધડાધડ નયનરમ્ય દ્રશ્યોને કેમેરામાં ઝડપવા મંડી પડ્યો. અડધે પહોંચ્યા પછી અમે એક ખંડિયેર પરંતુ વિશાળ અને વૈભવી રસ્તાની અંદરથી પસાર થયા. મસમોટા દરવાજાના અસંખ્ય ફોટા પાડ્યા પછી કેમેરાની બેટરીનું સિગ્નલ ઝબૂકવા માંડ્યું. ઝડપથી મેં ખિસ્સામાં હાથ નાંખ્યો પણ અફસોસ! રીચાર્જેબલ બેટરીને હું ઉતાવળમાં રૂમમાં જ ભૂલીને આવ્યો હતો. 'ઠીક છે. કોઈ વાંધો નહિ. હજી પંદર વીસ ફોટા લઇ શકાશે.' એમ મનોમન ઉચ્ચારીને મેં ફોટા પાડવાનું ચાલુ રાખ્યું. મા દીકરાના કેટલાક યાદગાર ફોટા પાડ્યા પછી અમારા બંનેના ફોટા પાડવા માટે કેમેરો મેં દીકરાના હાથમાં સોંપ્યો.

"અરે, આ શું આવે છે?" ભળતી ચાંપ દબાવીને દીકરાએ થોડી વાર પોતાની નિર્દોષતા પુરવાર કરવાનો પ્રયત્ન કર્યો પણ, એની અવળચંડાઈને મારી અનુભવી આંખ તરત પામી ગઈ. ત્યારબાદ, બે ચાર ફોટા પાડીને એણે કેમેરો મને પરત કર્યો. કેમેરો 'ઓન' કરીને જોયું તો એણે ફોટા પાડ્યા એ પહેલા બિનજરૂરી રેકોર્ડિગ કરવાનો પ્રયત્ન કર્યો હતો. બીજો કોઈ સમય હોત તો એનું આ કારસ્તાન નગણ્ય અને ક્ષમ્ય હતું. પરંતુ, જયારે બેટરી ખલાસ થવા આવી હતી ત્યારે એનું આ દોઢડહાપણ કોઈ કાળે સહન થાય એમ નહોતું. મારો પિત્તો સાતમાં આસમાને જઈ પહોંચ્યો ને તરત જ ગાળોની અસ્ખલિત સરવાણી વહેવા માંડી;'સાલા, .............. ............... કોણે તને આવું દોઢ ડહાપણ કરવાનું કહ્યું હતું. બેટરી ખતમ કરી નાંખી હવે બીજી બેટરી તાત્કાલિક કયો તારો કાકો આપી જવાનો છે?"

ગાળોના ભરપૂર આસ્વાદ સાથેના મારા પુણ્યપ્રકોપનો એ જીવનમાં પહેલી વાર અનુભવ કરી રહ્યો હતો. ક્ષણભર તો એ હબક ખાઈ ગયો ને થોડી જ વાર પછી સ્વસ્થતા ધારણ કરીને મને પૂછવા માંડ્યો;"તમે, એ શું બોલ્યા? મને કંઈ સમજણ ના પડી."
એની નાદાનિયત અને નિર્દોષતા જોઇને અમને બેયને બરોબર હસવું આવ્યું ને હજી ગાળોમાં એને સમજણ નથી પડતી એ જાણીને આનંદ પણ થયો. જવાબની પ્રતિક્ષામાં એ હજીય મારી સામે તાકી રહ્યો હતો એટલે બીજી જ ક્ષણે ગેંગેફેંફે થતાં થતાં મેં વાતને વાળવાનો પ્રયત્ન કરી જોયો;"કાંઈ નહિ દીકરા, હું તો એમ કહેતો હતો કે ભવિષ્યમાં તું બહુ સારો ફોટોગ્રાફર બનવાનો છે."

"તમે મને છેતરો છો." ધીમા સાદે બોલીને એણે આંખો નમાવી દીધી. એનાં ગળામાં ડુમો ભરાઈ આવ્યો હતો. સંગિની મારી સામે તાકી રહ્યા હતા ને મારી હાલત કાપો તો લોહી ના નીકળે એવી થઇ ગઈ હતી. મને પારાવાર પસ્તાવો થઇ રહ્યો હતો કારણ, જીવનમાં પહેલી વાર દીકરાની આગળ ગાળો બોલીને બાપ તરીકેની મારી ભૂમિકાને મેં લજવી હતી. 

ફોટા તો ફરી ક્યારેક ગમે ત્યારે પાડી શકાયા હોત પણ, આ જે અણછાજતો બનાવ બન્યો એ એના કે મારા જીવનમાંથી ક્યારેય ડિલીટ થઇ શકશે નહિ. 

ટિપ્પણીઓ નથી:

પાણીનો લોટો.

નિવૃત્તિ પછીના છઠ્ઠા મહિને જ બાપુજીને પક્ષાઘાત લાગુ પડ્યો. વેળાસરની સારવારને કારણે એ બેઠા તો થઇ ગયા પણ એમનાં જમણા હાથ અને પગમાં એની યાદગ...