27 નવે, 2014

કર્ણાવતીમાં વધી કઠણાઈ.

શિયાળાની શરૂઆત હોવાથી સવારના છ વાગ્યે વાતાવરણ ફૂલગુલાબી અને ખુશનુમા હતું. સૂર્યના કિરણો હજી ધરતી પર અવતર્યા નહોતા. હું  પ્લેટફોર્મ નંબર ચાર પર આતુરતાથી કર્ણાવતી એક્સપ્રેસની રાહ જોઈ રહ્યો હતો. ટ્રેન લગભગ સમયસર આવી. પ્લેટફોર્મ પરથી રેલાતા પ્રકાશને કારણે ટ્રેનના ડબ્બાઓનાં  રૂપ રંગ સ્પષ્ટ જોઈ શકાતા હતા. ટ્રેનને જોતાવેંત હું ખુશખુશાલ થઇ ગયો. આજે કર્ણાવતી નવા વાઘા સજીને આવતી નવીનવેલી દુલ્હન જેવી સુંદર દેખાતી હતી. વર્ષો પછી કર્ણાવતીએ પોતાનો જૂના થઇ ગયેલા રૂપરંગ ત્યજીને નવોનક્કોર વેશ ધારણ કર્યો હતો. આસમાની ભૂરા રંગના ડબ્બાઓ સુંદર અને આકર્ષક જણાતા હતા. ધીમે રહીને બારીમાંથી અંદર જોવાનો પ્રયત્ન કર્યો તો અંદરની બેઠક વ્યવસ્થા જોઇને હું એવો છક થઇ ગયો જાણે મારું વિમાનમાં બેસવાનું સ્વપ્નું પૂરું થતું ન હોય!.

ડી - 5 માં હું પ્રવેશ્યો ને સમય સાથે તાલ મિલાવતા આધુનિક કોચને જોઇને મારો આનંદ માતો નહોતો. "જો ભાવ વધારાનું આવું સુંદર પરિણામ આવવાનું હોય તો હજી થોડા રૂપિયા ખર્ચવામાં વાંધો ન આવે." એમ હું મનોમન વિચારવા લાગ્યો. ત્રણ બાય ત્રણની બેઠક વ્યવસ્થા ખૂબ સુંદર અને આકર્ષક જણાતી હતી. દરેક સીટની પાછળ પાણીની બોટલ રાખવા માટેની જગ્યા તથા વાળી શકાય એવા નાનકડા ટેબલની વ્યવસ્થા હતા જેથી પ્રવાસીઓ એનો ઈચ્છિત ઉપયોગ કરી શકે. લાઈટ અને પંખાઓ પર્યાપ્ત હતા. એક જ નજરમાં આખા ડબ્બાનાં ને એમાં બેઠેલા પ્રવાસીઓને જોઈ શકાતા હતા. લગભગ ઘર જેવું વાતાવરણ જણાતું હતું. ધીમે ધીમે હું મારી આરક્ષિત સીટ ભણી આગળ વધવા માંડ્યો. પેસેજમાં આગળ વધ્યો ને એક ભાઈ સામેથી આવ્યા ત્યારે પેલી બે કૂતરા ને બે બકરીઓવાળી વાત યાદ આવી ગઈ કારણ, જગ્યા એટલી ઓછી હતી કે અમે બંને એકસાથે પસાર થઇ શકીએ એવી શક્યતા કોઇકાળે જણાતી નહોતી. શાણપણ દાખવીને મેં જગા કરીને એ ભાઈ સહેલાઈથી પસાર થઇ ગયા. ઠીક છે જે થયું તે સારું થયું. રસ્તાની વચ્ચોવચ્ચ ઉભા રહેતા મુસાફરો હવે જોવા નહિ મળે એનો મને આનંદ હતો. 90 નંબરની મારી સીટ બારી નજીક હતી. સામાન ગોઠવીને હું સીટ પર જેવો બેસવા ગયો એવું મારા પેન્ટનું ખિસ્સું હેન્ડલમાં ભરાઈ ગયું. જેમતેમ કરીને હું સીટ પર ગોઠવાઈ ગયો. સીટ સ્થિતિસ્થાપક હતી, હાથને આરામ મળે એ માટે હેન્ડલ હતા અને પગ ટેકવવા માટે પણ વ્યવસ્થા હતી પરંતુ ખાટલે મોટી ખોડ એ હતી કે જગ્યા બેસવા માટે પર્યાપ્ત નહોતી.

વડોદરા પહોંચતા પોણો કલાક થયો ને એટલા સમયમાં તો મારી હાલત પાંજરે પૂરાયેલા પશુ જેવી થઇ ગઈ. ત્રણ બાય ત્રણની બેઠક વ્યવસ્થામાં સંખ્યા વધારવાની લાયમાં ને લાયમાં બે સીટ વચ્ચે જગ્યા એટલી ઓછી હતી કે પુખ્ત વયના મુસાફર માટે આમતેમ ચસકવું લગભગ અશક્ય હતું. આ સ્થિતિમાં અમદાવાદથી મુંબઈ જવા માટે સાત કલાક કેવી રીતે પસાર થાય એ જાણવું ને અનુભવવું હોય તો કર્ણાવતીમાં મુસાફરીમાં કરવી જ જોઈએ.

મારું અંગત રીતે માનવું છે કે રેલવેના અધિકારીઓએ બાળકો ને કિશોરોને ધ્યાનમાં રાખીને આવી વ્યવસ્થા ગોઠવી હશે. પુખ્ત વયનાઓ પણ ટ્રેનમાં મુસાફરી કરે છે એ બાબત એમના ધ્યાન બહાર રહી ગઈ હશે. 

ટિપ્પણીઓ નથી:

પાણીનો લોટો.

નિવૃત્તિ પછીના છઠ્ઠા મહિને જ બાપુજીને પક્ષાઘાત લાગુ પડ્યો. વેળાસરની સારવારને કારણે એ બેઠા તો થઇ ગયા પણ એમનાં જમણા હાથ અને પગમાં એની યાદગ...