"આનંદનાં આજે વધામણાં જી રે ......" ગીત સાથે સવારના સાત વાગ્યે પરમપૂજા (ખ્રિસ્તી ધાર્મિક વિધિ) પૂરી થઇ. ભજનની ચોપડીઓ અને સંગીતનો સરંજામ યથાસ્થાને ગોઠવીને અમે નાસ્તો કરવા માટે જમવાના હોલ ભણી જઈ રહ્યા હતા ને ત્યાંજ પ્રભુમંદિરની બાજુની રૂમમાંથી સાદ સંભળાયો;"અહીં આવો. મારે તમારી સાથે અગત્યની વાત કરવી છે." સાદ સાંભળતાવેંત મને જાણે ભણકારા વાગી ન રહ્યા હોય એમ હું આમતેમ ફાંફા મારવા લાગ્યો. થોડી વાર પછી ફરીથી એજ ધીરગંભીર ને પરિચિત સ્વર મારે કાને અથડાયો ને હવે હું ખાતરીપૂર્વક એમનાં રૂમમાં પ્રવેશ્યો.
'સાધના સદન'માં અમે સાથે જ રહેતા હતા આમછતાં સંભવત: હું એમને પ્રથમવાર રૂબરૂમાં મળી રહ્યો હતો. આમ તો, પ્રાર્થના તથા ભોજન માટે દિવસ દરમિયાન ત્રણ ચાર વાર અચૂક મળવાનું થતું પરંતુ, એ સમય દરમિયાન વ્યક્તિગત વાતચીતને ભાગ્યે જ અવકાશ મળતો હતો. દેદીપ્યમાન ચહેરો, મજબૂત અને ભરાવદાર કદકાઠી ને શરીરનાં વાનની ઉજળાશ એ વિદેશી હોવાની સાહેદી પૂરે આથી ગુજરાતીમાં સ્પષ્ટ ઉચ્ચારો સાથે અસ્ખલિત બોલતાં એમને સાંભળીએ તો આપણા કાન દગો દેતાં હોય એવો અનુભવ થાય. માત્ર ગુજરાતી નહિ, પરંતુ અંગ્રેજી, હિબ્રુ, ગ્રીક અને માદરે વતન સ્પેનની ભાષા, એમ પાંચ પાંચ ભાષામાં એ નિપુણ હતા. આ ઈશ્વરદત્ત ભેટને એમણે પ્રભુને સમર્પિત કરી દીધી હતી. આથી સાહિત્યમાં જેને સૌથી અઘરું સ્વરૂપ ગણી શકાય એવા અનુવાદકાર્યમાં એમણે હથોટી મેળવી હતી. એમના એ કાર્યને એમણે એવી લગન અને ધગશથી ઉઠાવી લીધું હતું કે સોળ સોળ વર્ષોની આકરી ને એકધારી મહેનતને અંતે ગુજરાતને મળ્યું અનુવાદિત સાહિત્યમાં શિરમોર એવું સંપૂર્ણ બાઈબલ.
એકાગ્ર, એકચિત્ત, એકધ્યાન, લીન, રમમાણ, ધ્યાનસ્થ, ધ્યાનમગ્ન જેવા શબ્દો સાંભળતાવેંત મારા મનમાં એમની જ આકૃતિ તાદૃશ્ય થઇ આવે એટલી હદે એ ધગશ અને નિષ્ઠાથી પોતાનું કામ કર્યે જતા હતા. એમનું ગુજરાતી નામ આદરણીય ફા. ઇસુદાસ ક્વેલી. અત્યારે એ મને આવકારી રહ્યા હતા. એમના વ્યક્તિત્વથી ખાસ્સો અંજાયેલો હું હજી 'મારી સાથે એમણે શી વાત કરવાની હશે' એ જાણવાની ઉત્કંઠા ને દ્વિધામાં જ ઉભો હતો. મારી એ સ્થિતિ પામી જઈને એમણે "કીર્તનસાગર" ખોલીને આજની પરમપૂજા દરમિયાન અમે હોંશે હોંશે ગાયેલા ભજનની પંક્તિઓ બતાવી. ભજન હતું;"હે મન મારા ગાને પ્રભુજી કેરો જય જયકાર ..."
"જુઓ, ભજનનો ઉપાડ તમે ખૂબ સુંદર રીતે ઉઠાવ્યો હતો. પણ, ત્યારપછીની જે પંક્તિઓ છે એમાં ક્યાંક કાચું કપાયું હતું." વાતમાં ઝાઝું મોણ નાંખ્યા વિના એમણે સ્પષ્ટ વાત કહી દીધી.
"હા, તમારી વાત સાચી છે. એ પંક્તિ ગાતી વખતે જ મને સમજાઈ ગયું હતું. પરંતુ, એ વેળાએ વિચારવાનો સમય જ નહતો." હું શીખાઉ અને નવોદિત હતો એટલે હકીકતને સ્વીકારવામાં જ સાર હતો.
"ઠીક છે. કશો વાંધો નહિ. પણ, ફરીથી આવી અક્ષમ્ય ભૂલ થાય નહિ એનું ખાસ ધ્યાન રાખજો. જુઓ, હું તમને સાચી રીત શીખવું છું." એમ કહીને એમણે ગાવાનું શરૂ કર્યું. બે ત્રણ શબ્દો આમતેમ ફંગોળાયા ને ગળામાં ખાખરી બાઝી ગઈ હોય એમ થોડો અવાજ બહાર આવ્યો. પહેલા પ્રયત્નમાં નિષ્ફળતા મળી ને બીજો પ્રયત્ન કરવાને બદલે એમણે હસવાનું શરૂ કર્યું ને;"માફ કરજો. હું ગાઈ શકતો નથી." એમ કહીને પોતાની એ મર્યાદાનો નિખાલસતાથી અને સહજતાથી સ્વીકાર કરી લીધો.
એમની એ સહજતા ને નિખાલસતાને ગાંઠે બાંધીને હું નાસ્તો કરવા માટે 'રીફેકટરી' ભણી આગળ વધ્યો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો