21 માર્ચ, 2014

સીમાડે જડી મને પીલુડી.

નાનીઅમથી પીલુડી બાળપણના સંસ્મરણોમાં હજીય એવી ને એવી જ અકબંધ છે. રજાઓ પડે એટલે દાદાને ઘેર પહોંચી જતો ને સવારથી સાંજ સુધી બાળભેરૂઓ સાથે નજીકમાં જ આવેલી સીમમાં રમ્યા ને રખડ્યા કરતો. એ વેળા પીલુડી અમને સૌથી વધુ વહાલી લાગતી એનું એકમાત્ર કારણ એ કે એની ઓછી ઊંચાઈને કારણે અમે આરામથી ઉપર ચઢી શકતા ને 'આમલીપીપળી' જેવી ઝાડ ઉપર ચઢઉતર કરવાની રમત સરળતાથી રમી શકતા. વળી એની નાનકડી પરંતુ ઘેઘૂર છત્રછાયામાં અમારી જાતને છુપાવવામાં ઝાઝી મહેનત પણ કરવી પડતી નહિ. ઉનાળાની બપોરે તો ઘણીવાર અમે એમાં વામકુક્ષિ પણ કરી લેતા. આ પીલુડી પર ફળ આવે ત્યારે તો એનાં માનપાન રાતોરાત વધી જાય. આંબે આવે મોર ને પીલુડીને આવે પીલુ. આંબા પર મંજરી બેસવાની શરૂઆત થાય એજ ગાળામાં પીલુડી પર પીલુ દેખાવાની શરૂઆત થાય ને એને કારણે સીમની શોભા વધી જાય. એનું ફળ કાચું હોય ત્યારે લીલું ને પાક્યા પછી રતુમડો રંગ ધારણ કરે. આ નાના નાના મોતીના દાણા જેવા પાકા ફળ મોંમાં મૂકતાવેંત જીભ પર ચરચરાટી ફેલાવી દે પણ થોડીવાર પછી એકદમ મીઠા લાગે. 

આમલી, પીપળો અને વડ જેવા મહારથીઓ આગળ આમ તો ઓછી ઉંચાઈ ધરાવતી પીલુડીની કોઈ ગણના નહિ પણ ગોચરમાં અને ખારાપાટમાં જ્યાં આવા મહારથીઓની ગેરહાજરી હોય ત્યાં એનો વટ વધી જાય. કોરા અને સૂકાભઠ રણવિસ્તારો આમ તો નજર પહોંચે ત્યાંસુધી ગાંડા બાવળની અતિવસ્તી હોવા છતાંય વાંઝિયા જ લાગે, પરંતુ માત્ર પીલુડીની હાજરી અને અસ્તિત્વને લીધે જ એની રહીસહી લાજ રહી જાય. કહેવાની જરૂર નથી કે આ વિસ્તારોમાં પીલુડીનું સ્થાન પાટવી કુંવરથી જરાય ઓછું નહિ એ તો લૂ વરસાવતી ભરબપોરે એને શરણે ગયા હોય એને જ સુપેરે સમજાય. એની છત્રછાયામાં આંખે નેજવું કરીને ઝાંઝવાના જળ જોવાની મજા વાતાનુકુલિત ઓરડાઓમાં શ્વસનારાઓને ક્યારેય સમજાય ખરી !

પીલુડીને વખડો અને જારૂ તરીકે પણ ઓળખવામાં આવે છે. વખ એટલે ઝેર. એનો સ્વાદ કડવોવખ હોવાથી એ કદાચ વખડા તરીકે ઓળખાતી હશે. અલબત, એનો આજ સ્વાદ ઔષધિય ગુણ પણ ધરાવે છે. કારણ, એમાં રહેલું ફ્લોરાઈડ પેઢાને મજબૂત બનાવે છે ને દાંતને ચમકાવે છે. આમ એનો દાતણ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. પીલુડીનું લાકડું આમ તો બરડ હોય છે એટલે બળતણ સિવાય કશા કામમાં આવતું નથી, પરંતુ હાથવગું હોવાને કારણે સીમમાંથી તો લગભગ એનું નિકંદન જ નીકળી ગયું છે.

આમ, ભલે ને શિર્ષક "સીમાડે જડી મને પીલુડી" રાખ્યું હોય, પરંતુ હકીકતમાં તો આ નાનીઅમથી પીલુડી હવે અલભ્ય અને દુર્લભ બની ગઈ છે.

પાણીનો લોટો.

નિવૃત્તિ પછીના છઠ્ઠા મહિને જ બાપુજીને પક્ષાઘાત લાગુ પડ્યો. વેળાસરની સારવારને કારણે એ બેઠા તો થઇ ગયા પણ એમનાં જમણા હાથ અને પગમાં એની યાદગ...