શાંતિ, પ્રેમ ને ભાઈચારો એ નર્યો આદર્શવાદ છે. અશાંતિ, અરાજકતા ને લોહીઉકાળા આપણામાંથી ઘણાંને કોઠે પડી ગયા છે.
ગામડામાં રહેતા ત્યારે જબરી મજા આવતી. પાણી ઢોળવા ને કચરો ફેંકવા જેવી શુલ્લક બાબતોમાં મોટું મહાભારત સર્જાઈ જતું. ઘડીના છટ્ઠા ભાગમાં નોતરું દીધા વિના ગામલોક એકઠું થઇ જતું. વઢનારાઓને પાનો ચઢતો ને જોનારાઓને મફતમાં મનોરંજન માણવા મળતું. આમેય એ વેળા મનોરંજનના સાધનોય ટાંચા જ હતા ને ! વેળા આખી, મહદઅંશે શબ્દોની ફેકાફેકી જ જોવા મળતી. અલબત, એ શબ્દો અર્થમાં ને વજનમાં જબરા ભારે! એને યાદ કરીએ તો એમાંથી મસમોટું થોથું બને.
શહેરમાં આવ્યા પછી ભણ્યા, ગણ્યા ને સુધર્યા (?) પણ વઢવાનું તો ન જ ભૂલ્યા. વાડની સાથે વેલો આવે એમ વઢવાડ ને ઝગડો તો સદાય આપણી સાથે જ રહ્યા. ફેર એટલો જ પડ્યો કે ભાષામાં થોડી સભ્યતા ને શિષ્ટતા આવી ને સમય થોડો ઓછો પડવા માંડ્યો. જોનારાઓ તો બધા ફેસબુક પર મંડ્યા હોય એટલે વઢનારાઓ સમય કરતાં જલ્દી ટાઢા પડી જાય.
એનોય ઉકેલ ક્યાં દૂર છે, ફેસ બૂક છે જ ને ! ફેસબુકના આગમન પછી તો સમયની મર્યાદા લગભગ દૂર જ થઇ ગઈ છે. ઘેર બેઠા બેઠા જ ટાણે કટાણે શાંત પાણીમાં કાંકરા નાખ્યા કરવાના. કોકને સળી કરો ને કોકને ઘોંચપરોણા કરો. અલબત, ભાષામાં બેદરકારી રાખીએ એ ન ચાલે. કશો વાંધો નહિ, શિષ્ટ ભાષામાં એક બીજાને ભાંડયા કરવાનું. છોને પછી દુનિયા આખી જોયા કરે! આપણે ક્યાં મોટું વિશ્વયુદ્ધ કરવું છે તે નાહકની ચિંતા કરવાની!
"ધ શો મસ્ટ ગો ઓન, લગે રહો દોસ્તો."
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો