સાસણ ગીરમાં આવેલા ચિત્રોડ ગામમાં દેવેનભાઈને ઘેર સાંજનું શિરામણ કરીને ઢોલિયા પર ઘડીક આડે પડખે થયો ને એમના દીકરા દોલતે મને પૂછ્યું;"ભાઈ હાવજ ભાળવા જંગલમાં જાવું છે?" જંગલ અને સાવજ આ બંને શબ્દો સાંભળીને મારા કાન સરવા થયા. મારે તો દોડવું હતું ને ઢાળ મળ્યો. ઠેઠ ગીરમાં આવ્યા હોય ને સિંહ જોયા વિના પાછા વળીએ તો હીરો ઘોઘે જઈ આવ્યો એના જેવું થાય એમ વિચારીને મેં હા ભણી દીધી.
"કાલ બપોરે રોંઢો કરીને આપણે નીકળી જાશું. આવી કાળઝાળ ગરમીમાં હાવજડાંઓ પણ આડે પડખે થાતાં હોય એટલે તમારું નસીબ હશે તો એક નહિ પણ આખું કુટુંબ જોવા મળી જશે." સાવજનું આખું કુટુંબ જોવા મળશે એ વિચારે મને આખી રાત ઉંઘ ન આવી ને અમથી અમથીય સાવજની ડણકો સંભળાવા માંડી.
બીજા દિવસે બપોરના રોટલા ખાઈને દોલત ને હું બેય નીકળ્યા સાવજને જોવા. અડધોએક કિલોમીટર ચાલ્યા પછી હિરેણ નદી આવી જેમાં ગોઠણભેર પાણી. પેન્ટની મોરી ઉપર ઉઠાવીને અમે જેવી નદી પાર કરી કે જંગલની શરૂઆત થઇ ગઈ. પાનખરનો સમય એટલે વૃક્ષોએ સંન્યસ્ત ધારણ કર્યું હોય એમ લાગે. બે એક કિલોમીટર સુધી માનવ વસાહતો જોવા મળી. ક્યાંક પાણી ખેંચતા ચીચવાનો અવાજ સંભળાય તો ક્યાંક ખેતરમાં લહેરાતી લીલી લીલી મગફળીને જોઇને આંખો ઠરે. થોડા આગળ વધ્યા ને દોલતને કોઈક પ્રાણીની વિષ્ટા દેખાઈ. "આ જુઓ ભાઈ, હાવજ અહી જ ક્યાંક ફરતા હોય એની નિશાની છે." મને કંઈ સમજાયું નહિ પણ એણે કીધું એટલે માની લીધું ને સાવજ નજીકમાં જ હોવાની વાતથી મારું મન રોમાંચથી ઉછળવા માંડ્યું. પોણા કલાકમાં તો ખાસ્સું પાંચેક કિલોમીટર જેટલું અંતર કાપી નાંખ્યું ને હવે અમે બરોબર જંગલમાં આવી પહોંચ્યા હતા. ક્યાંક જમીન પર પડેલા સૂકા પાંદડાઓનો ખખડાટ તો ક્યાંક વળી કોકડીયા કુંભાર જેવા પક્ષીઓનો અવાજ જંગલની નીરવ શાંતિને કોરીને આવી ચઢતો હતો ને મારા શરીરમાંથી ભયનું લખલખું પસાર થઇ જતું હતું. ખાસ્સું એવું અંતર કાપ્યા પછી અમે એક ઉંચી ટેકરી પર જઈ ચઢ્યા ને હજી માંડ પોરો ખાતા હતા ને નીચે દેખાતા ગાઢ જંગલમાં હરણ જેવા પ્રાણીઓની ભયજનક ચીખો સંભળાવા માંડી. આ ચીખો સાંભળીને દોલત તરત જ ખાખરાના ઝાડ પર ચડી ગયો ને મને કહેવા માંડ્યો;"આનો અર્થ એ થયો કે કોઈક જંગલી પ્રાણી હરણાની પાછળ પડ્યું છે. ચોક્કસ હાવજ હોવો જોઈએ." એની આ વાત સાંભળીને મને બરોબરની ફડક પેસી ગઈ આમ છતાં આંખે નેજવું કરીને નીચે જોવાનો પ્રયત્ન કરી જોયો પણ ઝાડવાં સિવાય બીજું કશું જોવા મળ્યું નહિ.
થોડી વાર પછી દોલત બે પાતળી સોટીઓ હાથમાં લઈને નીચે ઉતર્યો ને મને એમાંની એક હાથમાં આપતાં આપતાં કહ્યું;"સોટીને હાથમાં બરોબર ઝાલી રાખજો. ખપમાં આવશે."
સોટીને હાથમાં તો પકડી પણ એ કયા ખપમાં આવશે એ મને સમજાયું નહિ એટલે એને પૂછ્યું;"સોટી જોઇને સાવજ ભાગી થોડો જશે?"
આ સાંભળીને એને બરોબર હસવું આવ્યું;"ચિંતા કરો મા. હાવજ કોઈ દા'ડોય આપણું નામ લે નહિ પણ ઓલ્યા, ચિતડા ને દીપડાઓથી ચેતતા રહેવું. પાછળથી આવીને ઘા કરી જાય પણ જો સોટી હાથમાં જુએ તો ભાગી જાય."
ખાસ્સા પાંચેક કલાક જંગલમાં વિતાવ્યા પછી અમે સાવજ તો નહિ પણ સાવજની દુર્લભ વિષ્ટા જોઇને ઘેર પાછા આવ્યા.

