આણંદથી ખંભાત બસમાં મુસાફરી કરીએ તો વચ્ચે તારાપુર ક્યાંયે આવતું નથી પરંતુ જો ટ્રેનમાં બેસીને ખંભાત જઈએ તો વાયા તારાપુર થઈને જ જવાય. કદાચ એટલે જ આ ટ્રેનની મુસાફરી યાદગાર બની રહે છે.
આણંદથી વિદ્યાનગર સુધી કોન્ક્રીટના મકાનોનું બનેલું જંગલ ને ત્યારબાદ કરમસદ સુધી ફેકટરીઓની હારમાળા જોવા મળે. પરંતુ જેવું કરમસદ વટાવો કે સીમ વિસ્તાર શરૂ થઇ જાય. અગાસ પહોંચતા સુધીમાં તો હર્યાભર્યા ખેતરો જોઈજોઇને તનમાં ને મનમાં અનેરી તાજગી વ્યાપી વળે. બહુધા તમાકુ અને કેળના છોડથી ઘેરાયેલા ખેતરોને શેઢે શેઢે આંબો, લીમડો ને આંબલી ઠેર ઠેર ચોકી કરતાં જોવા મળે તો વળી એ ખેતરોને જોડતા ધૂળિયા રસ્તાઓ પર વડ અને પીપળો ધૂણી ધખાવીને બેઠા હોય. ચીકુડી, સીતાફળી ને જાંબુડો સીમની શોભામાં વધારો કરતાં હોય ને ક્યારેક ક્યારેક રાયણ પણ હાજરી પુરાવી જાય. બાવળીયાઓ તો ટ્રેન સાથે જાણે હરિફાઈમાં ન ઉતર્યા હોય એમ ઠેઠ સુધી સાથે ને સાથે રહે.
અગાસ સ્ટેશનની લગોલગ અગણિત વડના ઘેઘૂર વૃક્ષો આવેલા છે ને એની ઘટામાં આશ્રમ આવેલો છે. જેમજેમ ભાટીયેલ ભણી આગળ વધીએ એમએમ પ્રકૃતિ પોતાના રહસ્યો છતાં કરતી જાય. સ્ટેશન આવે એ પહેલા બિલકુલ રેલ્વેની લગોલગ લીમડાનું વન આવેલું છે. ઉનાળામાં એની ભવ્યતા આગળ મોટી મહેલાતો પણ પાણી ભરે. મન તો એવું થાય કે ઢોલિયો ઢાળીને ત્યાં જ આરામથી લંબાવી દઈએ. ભાટીયેલ જાંબુડાઓના મનમોહક વૃક્ષોથી ઘેરાયેલું છે. ચોમાસામાં એનો વૈભવ ચારેકોર ઈર્ષ્યા ફેલાવે કારણ એની એકેએક ડાળ જાંબુના લૂમખે લૂમખાથી લચી પડીને ધરતીને વંદન કરતી હોય. એમ થાય કે આ ગામનું નામ 'જાંબુડા' હોવું જોઈતું હતું.
તારાપુર એટલે ચરોતરની હદરેખા. સ્ટેશનની બાજુમાં જ બાવળનું વન આવેલું છે. ટ્રેનની વ્હીસલ સંભળાતા જ આ વનમાં વાંદરાઓ હૂપાહૂપ ને મોરલાઓ ગહેકવાનું શરૂ કરી મેલે ત્યારે સીમ આખી જાગીને ચેતનવંતી બની જાય. અહીંથી ટ્રેન 90 ડિગ્રી વળાંક લઈને યાવરપુરા ભણી આગળ વધવા માંડે ને જેવા તમે સ્ટેશન નજીક આવો કે તરત જ સમજાઈ જાય કે લીલુછમ ચરોતર વટાવીને તમે ભાલ ભણી આગળ વધી રહ્યા છો. અત્ર, તત્ર ને સર્વત્ર ગાંડા બાવળીયાઓનું સામ્રાજ્ય હવે ચોપાસ જોવા મળે છે. નમણી સાંજે સૂરજ ધીમે ધીમે ઢળતો હોય ત્યારે આ ગાંડા બાવળોની સુંદરતા વધી જાય છે. સ્ટેશનથી ગામ તો જોજન દૂર છે. બાજુમાં એક નાનકડી શાળા સિવાય કશું જોવા મળતું નથી. આ શાળાના ચોગાનમાં અલભ્ય પીલુડીના વૃક્ષો આવેલા છે. આ પીલુડીના વૃક્ષો નીચે બાળકોને ઉછળતા, કૂદતા ને રમતા જોવા એ એક લાહવો છે. સાયમા આવે ત્યારે વળી પાછા ખેતરો જોવા મળે ને ઘઉંના પાકથી લહેરાતા આ ખેતરોની વચ્ચોવચ્ચ પ્રણયમગ્ન સારસની બેલડી અચૂક જોવા મળે. કાળી તલાવડી છોડો એટલે તાડના ગગનચુંબી ઝાડ જોવા મળે. તમે ખંભાતની લગોલગ આવી પહોંચ્યા છો એ એની નિશાની છે.
ઐતિહાસિક નગરી ખંભાત એ છેલ્લું સ્ટેશન છે. ત્યાંથી પછી ખંભાતનો અખાત શરૂ થઇ જાય છે.
