31 ઑગસ્ટ, 2014

ગીરા નામે ધોધ.

ચોમાસામાં ડાંગની મુલાકાત લેવાની હોય ને ગીરા ધોધને જોયા વિના જ પાછા વળીએ તો હીરો ઘોધે જઈને પાછો આવ્યો જેવું થાય. આમ જુઓ તો મહારાષ્ટ્રની સરહદે આવેલા ડાંગનું સૌંદર્ય બારેમાસ અદભૂત અને નયનરમ્ય હોય છે. પણ ચોમાસમાં લીલાંછમ જંગલ, ભર્યા ભાદર્યાં ડુંગરો, બેય કાંઠે વહેતી નદીઓ ને ખળખળ વહેતા ઝરણાંઓ અને અગણિત નાનામોટા ધોધને કારણે આ સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠે છે. 

આમ, તો અવારનવાર ડાંગની મુલાકાતે જવાનું થાય પણ કેમે કરીને ગીરાના સૌંદર્યને મનભરીને માણવાની તમન્ના મનમાં ને મનમાં જ રહી જાય. ગયા શનિવારે બપોર પછી સાપુતારાના ખોળામાં વસેલા નાનકડા ગામ શામગહાન જવા માટે વઘાઇ બસ સ્ટેન્ડ ઉપર ઉભો હતો ને અચાનક ગીરાને મળવાની તક ઝડપી લીધી. વઘાઈથી પાંચ કિલોમીટર દૂર આંબાપાડા નામનું બસસ્ટેન્ડ આવેલું છે. ત્યાંથી માત્ર દોઢ કિલોમીટર દૂર ગીરા ધોધ આવેલો છે. પાર્કિંગની વ્યવસ્થા ન હોવાને કારણે મુખ્ય રસ્તા પરથી ચાલતાં ચાલતાં જ જવું પડે છે. આ દોઢ કિલોમીટરનું અંતર નાગલી અને ડાંગરથી લહેરાતાં ખેતરો, ઢાળવાળા છૂટાછવાયા કાચા મકાનો, સાગના લીલા વૃક્ષો અને ડુંગરોને કારણે મનોરમ્ય લાગે છે. મનમાં તો એમ થાય કે આવા અદભૂત રસ્તાનો ક્યારેય અંત ન આવે! 

લગભગ અડધો કિલોમીટર દૂરથી જ ગીરા ધોધના પાણીનો નીચે પડવાનો લયબદ્ધ અવાજ સાંભળીને પગ આપોઆપ થરકવા માંડે છે ને ગીરાને મળવા માટે પગની ઝડપ આપોઆપ વધવા માંડે છે. નજીક પહોંચતાવેંત ગીરાને જોઇને આંખો ઠરે છે ને પગ આપોઆપ અટકી જાય છે જાણે તન અને મન બેય સંમોહિત થઇ ગયા ના હોય!  લગભગ પચીસ મીટરની ઉંચાઈએથી આઠ આઠ ધોધ નીચે આવવા માટે આતુર અને ઉત્સુક જણાય છે. એમની એ જુગલબંધીને આજુબાજુના ડુંગરો નતમસ્તકે ને અંબિકા નદી પોતાના બાહુ પ્રસારીને આવકારે છે ત્યારે સૌંદર્ય એની ચરમસીમા પર જઈ પહોંચે છે. 

નવયૌવનાની માફક ગીરાનું વેગવંતુ અને ધસમસતું પાણી ઉપરથી નીચે ખાબકે છે ત્યારે જાણે કે પુખ્તતા ધારણ ના કરી લીધી હોય એમ અચાનક પોતાના વેગને કાબૂમાં લઇ લે છે ને પછી પ્રથમ પગલાં માંડતી પરણીતાની જેમ ધીમે ધીમે પહાડોની ગોદમાં લીન થઇ જાય છે.

ટિપ્પણીઓ નથી:

પાણીનો લોટો.

નિવૃત્તિ પછીના છઠ્ઠા મહિને જ બાપુજીને પક્ષાઘાત લાગુ પડ્યો. વેળાસરની સારવારને કારણે એ બેઠા તો થઇ ગયા પણ એમનાં જમણા હાથ અને પગમાં એની યાદગ...